Translate

Saturday, November 22, 2014

એક જાજરૂ જોઇએ સારૂ …!


ગાંધીજીએ કહ્યું હતું કોઈ માણસ કેટલો સ્વચ્છ છે તેની ખાતરી કરવા તેનું જાજરૂ ચકાસી જુઓ! વાત વાંચ્યા બાદ નવાઈ લાગવી જોઇએ વાતની કે મોટી સંખ્યામાં ભારતીયો આટલા બધાં ગંદા શા માટે છે! તેમના ઘેર જાજરૂ નથી એટલે! ઇકોનોમીસ્ટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ આશરે ભારતમાં ૧૩ કરોડ ઘરોમાં હજી સુધી જાજરૂ નથી.આજે પણ ગામડામાં વસતાં લોકો પૈકી લગભગ ૭૨ ટકા લોકો ઝાડીઓમાં, ખેતરોમાં કે રસ્તાની બાજુએ સવારનો નિત્યક્રમ પતાવે છે. આ આંક ઓછો થવાનું નામ જ લેતો નથી! વિશ્વના એક અબજ લોકો જે જાજરૂથી વંચિત છે તેમાંના ૬૦ કરોડ લોકો ભારતમાં વસે છે. આ એક અતિ શરમજનક બાબત છે. આજે એકવીસમી સદીમાં આપણે અવકાશમાં પરગ્રહો સુધી પહોંચી ગયા છીએ તેમ છતાં ભારતીયો માટે ભારતની ચોથા નંબરની સૌથી મોટી રેલવેલાઈન વિશ્વનું સૌથી મોટું ટોઇલેટ છે! એક ચોંકાવનારી હકીકત છે કે વિશ્વમાં આજે જાજરૂ કરતાં મોબાઈલ ફોન ધરાવનારાં લોકોની સંખ્યા વધુ છે.
તાજેતરમાં વિદેશ પ્રવાસે ગયેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ૧૬૦૦૦ની મેદની વચ્ચે વિદેશમાં વસતા એ ભારતીયોને ભારતમાં પોતાના વતનના ગામે ઓછામાં ઓછું એક જાજરૂ બંધાવવા હાકલ કરી હતી!અગાઉ પણ સ્વચ્છતાને અગ્રિમતા આપતા આપણાં આ વડા પ્રધાને ચર્ચાસ્પદ બનેલા તેમના એક વિધાનમાં કહ્યું હતું કે ભારતમાં મંદિરો કરતાં પહેલાં જાજરૂઓ બાંધવાની વધારે  જરૂર છે.
ભારતની મોટા ભાગની વસ્તી હજુ ગામડાઓમાં જીવે છે. ત્યાં લોકોમાં સ્વચ્છતા અને સારા આરોગ્ય અંગે સભાનતા નથી. વર્ષોથી ચાલી આવતી લોટે જંગલમાં કે ખુલ્લામાં જવાની પ્રથા તેઓ અનુસરે છે પણ શહેરોની સ્થિતી પણ અંગે કંઈ વધુ સરાહનીય નથી. રોજ સવારે વાંદ્રા કુર્લા સંકુલના અતિ 'પોષ' ગણાતા કોર્પોરેટ હબમાં આવેલી મારી ઓફિસે જતા પહેલા વાંદ્રાના સ્કાય વોક પરથી જમણી તરફની ખુલ્લી વિશાળ જગામાં ફેલાયેલી થોડી ઘણી લીલોતરી પર ધ્યાન જાય ત્યારે લોટે બેસેલા બેપગા મનુષ્યો દ્રષ્યને કદરૂપું બનાવી મૂકે છે. રસ્તાઓ પર પણ મોટે ભાગે ચાલવા બાંધેલા ફૂટપાથ પર લોકોએ ગંદુ કરેલું શહેરોમાં ઠેર ઠેર જોવા મળે છે.
જાજરૂઓ બાંધેલા હોય તે પણ એટલી ગંદી હાલતમાં હોય છે કે ઘણાં લોકો કારણે તેમાં જવાનું ટાળે છે. આપણાં રેલવે ટ્રેનોમાં કે અન્ય જાહેર સ્થળોએ  જાજરૂઓની સ્થિતી જુઓ. ઘણાં લોકો પોતાનું કામ પતાવ્યા બાદ ગંદુ એમનું એમ રહેવા દઈ પોતાની પાછળ ગંદકી અને બદબૂ ભરેલું જાજરૂ છોડતા જાય છે. પાણી આવતું હોય તેવી સ્થિતીમાં પહેલાં જાજરૂમાં પાણી આવે છે કે નહિ તેની ચકાસણી કરી લેવી જોઇએ. પણ જાજરૂને ગંદુ છોડવું જોઇએ નહિ. માત્ર પોતાનો વિચાર કરવાની મનોવૃત્તિ ત્યજી બીજાઓ વિશે પણ વિચારવાનું આપણે ક્યારે શિખીશું?
ઘણી વાર સ્ત્રીઓ પોતાના નાના બાળકને બહાર ખુલ્લામાં કે જૂના અખબારનાં પાના પર જાજરૂ કરાવતી હોય છે. ઘણી ખોટી બાબત છે. નાનપણથી બાળકને સ્વચ્છતાના સંસ્કાર આપવા તે બેસી શકે એવડું થાય ત્યારથી તેને જાજરૂમાં મળત્યાગ માટે બેસવાની આદત પાડવી જોઇએ.
મારા માટે મારા ઘરનું ટોઇલેટ ધ્યાન-મનન અને સારા વાંચન માટેની મારી પ્રિય જગા છે. રોજ સવારે અડધા કલાક જેટલો સમય નિત્ય ક્રમ પતાવવા સાથે હું સારૂ વાચન કરતા કરતા જાજરૂમાં પસાર કરું છું. ઘરનું જાજરૂ પણ એટલું સ્વચ્છ રાખવું જોઇએ કે તેમાં બેઠાં બેઠાં ઉંઘવા કે ખાવાની પણ સૂગ ચડે!
વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઈઝેશન નામની ૫૩ દેશોમાં કામ કરતી સંસ્થાનો સ્થાપના દિન ૧૯ નવેમ્બર વિશ્વભરમાં 'વર્લ્ડ ટોઇલેટ ડે' તરીકે ઉજવાય છે. worldtoilet.org અને worldtoiletday.org  નામની વેબસાઈટ્સ ખૂબ સરસ છે અને ક્ષુલ્લક લાગતી પણ અતિ મહત્વ ની બાબત વિશે અઢળક ઉપયોગી માહિતી ધરાવે છે.
આપણે આ અંગે શું કરી શકીએ? સ્વચ્છ અને સુરક્ષિત જાજરૂ તંદુરસ્તી,સ્વમાન,અંગતતા,સમાનતા અને શિક્ષણ માટેની પાયાની, મૂળભૂત જરૂરિયાત છે. કોલેરા, ટાઈફોઈડ,હિપેટાઈટીસ અને ડાયેરીયા જેવા જીવલેણ રોગો જાજરૂ અંગેના અજ્ઞાન અને બેપરવાહીને કારણે ફેલાય છે.  આ વિશે વધુ વાત કરી જાગૃતિ ફેલાવી શકીએ.આપણાં ઘેર કામ કરતાં ડ્રાઈવર, ઇસ્ત્રીવાળા,દૂધવાળા,કાં કરતી બાઈ વગેરેને ઘરમાં જાજરૂ હોવાનું મહત્વ અને ખુલ્લામાં લોટે ન જવા વિશે અને તેના ગેરફાયદા વિશે તેમને સમજાવી શકીએ. ટ્વીટર, ફેસબુક, વોટ્સ એપ જેવા માધ્યમ પર આ અંગેના માહિતી સભર અને ઉપયોગી એવા સંદેશાઓ ફેલાવી શકીએ. ટોઇલેટ બાંધનારી અને આ દિશામાં કાર્ય કરનારી worldtoilet.org  જેવી સંસ્થાને દાન આપીને પણ આપણે વિશ્વને વધુ સ્વચ્છ અને સુરક્ષિત તથા આરોગ્યપ્રદ બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ.
 

No comments:

Post a Comment