Translate

રવિવાર, 2 નવેમ્બર, 2014

લોખંડી પુરુષ સરદાર પટેલ


૩૧મી ઓક્ટોબરે જેમની જન્મજયંતિને સરકારે આ વર્ષથી 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી  એવા ભારતરત્ન, સરદારનું  બિરૂદ પામનાર લોખંડી પુરુષ વલ્લભભાઈ ઝવેરભાઈ સ્વતંત્ર ભારતના ઘડવૈયા હતા. ભારતના પ્રથમ ગ્રુહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર અતિ કુશળ રાજનેતા સરદારને હાલના ભારતના ગ્રુહમંત્રી રાજનાથસિંહ એક સાચા રાષ્ટ્રીય 'હીરો' ગણાવે છે.

 સરકારે જનતાને સરદારના જન્મદિનને 'રાષ્ટ્રીય એકતા દિન' નિમિત્તે યોજાનારા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી જેથી ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષા સામે ઉભા થનારા પડકારોનો સામનો કરવાની ક્ષમતામાં સૌનો વિશ્વાસ દ્રઢ બને.

દિવસે સંસદ ગલીમાં સરદાર પટેલને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમ સહિત અન્ય ત્રણ કાર્યક્રમો યોજાયાં.દેશનાં લગભગ દરેક મુખ્ય શહેરમાં, જિલ્લાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં 'એકતા દોડ' યોજાઈ જેમાં સમાજના દરેક વર્ગનાં લોકો એક સાથે દોડ્યાં.એમાં ખાસ કરીને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) ના યુવાનોનો સમાવેશ થતો હતો..

શા માટે દૂરંદેશી મહાન નેતાની જન્મજયંતિના દિવસ ને સરકારે 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું?ચાલો જરા ઇતિહાસમાં ડોકિયું કરીએ એટલે તમને આપોઆપ સમજાઈ જશે.

સરદાર પટેલ એક સિદ્ધાંતવાદી નેતા હતા. દ્રઢ રાષ્ટ્રપ્રેમી એવા તેમણે પોતાના પાયાના સિદ્ધાંતો સાથે કોઈ પણ ભોગે સમાધાન સાધ્યું નહોતું અને સદાયે 'રાષ્ટ્રના હિત'ને અગ્રિમતા આપી હતી.સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ ભારતના ૫૬૫ રાજ્યોના વિલિનિકરણે તેમને 'લોખંડી પુરુષ'નું બિરૂદ અપાવ્યું હતું.

તેમણે કુનેહ પૂર્વક સામ-દામ-દંડ-ભેદની નિતીના યથાયોગ્ય ઉપયોગ દ્વારા પોતાના લક્ષ્ય હાસલ કર્યા હતા.તેમના દ્રઢનિશ્ચયીપણા અને કુનેહ સામે ઝૂકી જઈ દેશી રાજા-રજવાડાઓ પાસે ભારતમાં ભળી જવા સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નહોતો.

મહાત્મા ગાંધી પણ એમ સ્પષ્ટ પણે માનતા હતા કે દેશી રજવાડાને એક કરવાનું પડકારજનક કામ સફળતાપૂર્વક કરી શકે એવી એક માત્ર વ્યક્તિ સરદાર જ છે.કોંગ્રેસે આ મસમોટી જવાબદારી સરદારને સોંપી અને તેમણે આ પડકારનો સ્વીકાર કરી તેને સફળતાપૂર્વક પાર પાડ્યો.તેઓ વ્યવહારૂ રાજાઓ સામે નમ્ર બની રહ્યા અને જિદ્દી રાજાઓ સામે કઠોર.જ્યાં જ્યાં લશકરી ટુકડી મોકલવાની જરૂર ઉભી થઈ ત્યાં ત્યાં એમ કરતા પણ તેઓ લેશમાત્ર અચકાયા નહિ.

તેમણે રજવાડાઓની આર્થિક સમસ્યાનો હલ લાવવા તેમના જીવનનિર્વાહ માટે સાલિયાણારૂપે ચોક્કસ રકમ તેમને મળી રહે એવી વ્યવસ્થા કરી.તેમની 'ગાજર અને લાકડી'થી કામ કઢાવવાની નિતીને કારણે જૂનાગઢ,હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર સિવાયના બધાં જ રાજ્યો ભારતમાં જોડાવા તૈયાર થઈ ગયાં.

પોતાના મુત્સદીપણા અને અડગતાને પગલે તેઓ જૂનાગઢ અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં સફળ રહ્યા પરંતુ જમ્મુ-કાશ્મીર પ્રશ્ને ત્યારના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સરદારની સલાહને અવગણીને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલાહકાર સમિતી પાસે ગયા અને ઐતિહાસિક ભૂલના પરિણામે આજે પણ કાશ્મીર સમસ્યા સળગતો કોયડો બને આપણને સતાવી રહી છે. જો વખતે નહેરુ સરદારની સલાહ માન્યા હોત તો જૂનાગઢ અને હૈદરાબાદની જેમ જમ્મુ-કાશ્મીર પણ અખંડ ભારતનો ભાગ બની ગયું હોત અને જમ્મુ-કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી ગયો હોત.

આમ ૫૬૫ દેશી રજવાડાઓને અખંડ ભારતમાં ભેળવી દેવાની જવલંત સફળતા,ગમે તેવી વિકટ પરિસ્થીતીમાં પણ પોતાને જે પ્રાપ્ત કરવું હતું તે પ્રાપ્ત કરીને જંપવાની કુનેહ અને લોઢા જેવી અડગતા અને પહાડ જેટલી હિંમતે તેમને સરદારનું બિરૂદ અપાવ્યું.

અન્ય એક રસપ્રદ પાસાને જોઇએ.વડાપ્રધાન બનવાના બધાં જરૂરી ગુણો ધરાવતા હોવા છતાં તેમના આદર્શ એવા મહાત્મા ગાંધીની ઇચ્છાને માન આપી તેમણે ભારતના પ્રધાનમંત્રી બનવાનું માન જવાહરલાલ નહેરૂને આપ્યું.

૧૯૪૬માં ભારતની સ્વતંત્રતા હાથવેંતમાં હતી અને કોંગ્રેસ ચૂંટણી જીતી ગયું ત્યારે સ્પષ્ટ બન્યું કે જે વ્યક્તિ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તે સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ પદે હતા તેથી ગાંધીજીએ તેમને બીજી મુદ્દત માટે અધ્યક્ષ પદનો સ્વીકાર કરવાની ફરજ પાડી.ગાંધીજીએ પદ મટે પોતાની પ્રથમ પસંદગી નહેરૂ હોવાની સ્પષ્ટ વાત પણ જાહેર કરી દીધી. પણ નિયમાનુસાર માટે ૧૫ રાજ્યો-પ્રદેશોની સ્થાનિક કોંગ્રેસ કમિટીએ ઉમેદવારી નોંધાવી પોતપોતાનો મત આપવાનો હતો.૧૫માંથી ૧૨ કોંગ્રેસ કમિટીએ સરદાર પટેલને કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે યોગ્ય ઠેરવતા પોતાના મત તેમના પક્ષમાં આપ્યાં.પરંતુ બહુમતી સરદારના પક્ષે હોવા છતાં નહેરૂની જિદ અને ગાંધીજીના અંગે મતને તેમના પ્રત્યેના અપ્રતિમ આદરભાવને લીધે સરદારે પોતાનું નામ પાછું ખેંચી લીધું અને જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા.

અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતાં પ્રમાણિક અને કુશળ વહીવટદાર સરદારને તેમની લાયકાત પ્રમાણે જે મળવું જોઇતુ હતું તે મળ્યું તેમ છતાં આજે પણ આખો ભારત દેશ તેમને પોતાના લાડીલા આદર્શ નેતાની સન્માનભરી દ્રષ્ટીએ જુએ છે અને એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય કે તેઓ ભારતનાં પ્રથમ અને અંતિમ નેતા છે જેને લોહપુરુષની પદવી આપી શકાય.

હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે કે ગુજરાતના મહાન નેતાની પ્રતિભાને છાજે તેવી વિશ્વની સાઉથી ઉંચી પ્રતિમા તૈયાર કરવી અને સમગ્ર વિશ્વને તેમની ઓળખ કરાવવી. પ્રતિમા ૧૮૨ મીટર લાંબી હશે અને તેને આરૂઢ કરવા નર્મદા જિલ્લાના નર્મદા બંધથી . કિલોમીટર દૂર આવેલા સાધુ દ્વીપની પસંદગી કરાઈ છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) પ્રોજેક્ટ કાર્યાન્વિત કરશે જે માટે વિશ્વભરમાંથી આવેલા ટેન્ડર્સ પૈકી લાર્સન એન્ડ ટુબ્રો કંપની ને પ્રતિમા તૈયાર કરી આરૂઢ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ પ્રોજેક્ટ ૨૦૧૮ સુધી પૂર્ણ થાય એવી સંભાવના છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો