Translate

શનિવાર, 11 જાન્યુઆરી, 2014

ગેસ્ટ બ્લોગ : ઝાકળનું સરનામું


                                                                        - પ્રતિમા પંડ્યા
[ બ્લોગને ઝરૂખેથી...માં આ વખતે ગેસ્ટબ્લોગ તરીકે કવયિત્રી શ્રીમતી પ્રતિમા પંડ્યાના લઘુકાવ્ય-સંગ્રહ 'ઝાકળનું સરનામું'માંથી કેટલીક લઘુ-કવિતાઓ લીધી છે.ટૂંકાણમાં પણ કેટલું બધું વ્યક્ત થઈ શકે તેનો ઉત્તમ નમૂનો આ કાવ્યો છે.વળી કાવ્ય જેવું કંઈક સર્જવા અનોખું હ્રદય અને દ્રષ્ટી પણ જોઇએ એ વાતની સાબિતી આ ગેસ્ટબ્લોગ પૂરી પાડે છે.]
 
હોંશભેર ઉછળતાં મોજાંએ
 કિનારે એવું તે શું જોયું?
કે...પાછાં વળી ગયાં શાંત થઈને,
દરિયા તરફ?
* * *
 
રોજ ખડખડાટ હસતા સૂર્યની સામે
 કોડિયું મંદ મંદ હસે છે
 સૂર્યગ્રહણના દિવસે.
       * * *


આકાશ ભલેને ગમે તેટલું વિશાળ હોય પણ...
ચાંદા પાસે તેની ભૂરાશ
 ઝાંખીને ઝાંખી .
       * * *
 
ભરચક્ક રસ્તા ઉપર
જોઉં છું ટોળેટોળાં
 પણ ... માણસ
 ક્યાંય દેખાતો નથી.
* * *
 
હવે ખેતરમાં ચાડિયા વધુ
ને પાક ઓછો છે
 ખબર નથી પડતી
 કોણ કોને સાચવે છે?
 * * *
 
નગરના રસ્તા પર
ઝગમગતા વિજળીના દીવા
ચંદ્રને રોજ હંફાવે છે.
      * * *
 

જાત્રાની વાટમાં
વર્ષોથી પડેલા પથ્થર
ક્યારે દેવ થઈ પૂજાય -
કાંઈ કહેવાય નહીં.
        * * *
 
પતંગિયાને -
કોનો વારસો મળ્યો હશે-
મેઘધનુષનો?
ફૂલોનો?
કે પછી...
હોળીના રંગોનો?
       * * *


સાપનો ડંખ તો
મદારી ઉતારી આપે
પણ...
માણસના ડંખનું શું?
       * * *
 
જ્યાં સુધી પાપીઓ -
જગતને માણે છે,
ત્યાં સુધી કેમ કહેવાય
કે ઇશ્વર બધું જાણે છે!
       * * *


ગુલમહોર અને ગરમાળો
પાનખરમાં દેવાળું કાઢે
તો
ઉનાળામાં ફરી...
શ્રીમંત થવાની
આશા છોડતા નથી.
        * * *
 
 
ધોધમાર વરસાદની પ્રતીક્ષામાં
વરસોથી અડીખમ
તરસ લઈને ઊભેલો કૂવો
હવે વાદળને
ઝાકળનું સરનામું પૂછે છે...
કદાચ, તેને...
સફળતાનું પ્રથમ સોપાન
સમજાઈ ગયું હશે.
       * * *


આઝાદીનો ઇતિહાસ
ભણવાનો હોય,
તો પંખીના મોઢે
સાંભળવાનો હોય
 
       * * *
હિમાલયે ઓઢેલી સફેદ ચાદર
માણસના નજીક આવવાથી
મેલી થવાને બદલે
માણસને વધુ
શુદ્ધ બનાવે છે.
* * *


ક્યારેક શબ્દો
ખિસકોલી બની જાય છે-
નથી જરાય જંપતા
કે નથી મને જંપવા દેતા
                 * * *
 
 
એક સુગંધી ફૂલ તોડવા
હાથ લંબાવું છું ત્યાં તો
આખેઆખું વૃક્ષ
મારો હાથ પકડીને
મારી સાથે
ચાલવા લાગે છે
                * * *


લીલાંછમ્મ વૃક્ષની પરિભાષા
શું હોઈ શકે?
ડાળીએ ડાળીએ લૂમઝૂમ ફૂલો
કે ડાળીએ ડાળીએ
બંધાયેલા પંખીના માળા?
* * *
 
 
એનો સૂરજ
એનો તડકો
છતાં
પાન પર નવું ઝાકળ જોતાં
સવાર નવી લાગે છે!


-     પ્રતિમા પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો