Translate

Sunday, January 26, 2014

પગના ઘૂંટણ પાસે સર્જરી


ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પડી ગયો,એકાદ અઠવાડિયું આરામ કર્યા બાદ પગ સારો થઈ ગયો હશે એમ માની ઓફિસ જવાનું શરૂ કરી દીધું,વીસેક દિવસ બાદ સપરિવાર કેરળ પણ ફરી આવ્યો,ત્યારબાદ કુટુંબકીય વ્યવહાર સાચવવા બે-એક દિવસ અમદાવાદ પણ જઈ આવ્યો.છતાં એક મહિનામાં પગ પોતાની મેળે સાજો થયો.

એકાદ મહિના જેટલો સમય થયો હોવા છતાં હું હજી સહેજ લંગડાઈને ચાલતો હતો.પગમાં હજી આત્મવિશ્વાસ આવ્યો નહોતો. એક મહિના દરમ્યાન પણ બે-ત્રણ વાર, પેલી પડી ગયો ત્યારે જે સ્થિતી થઈ હતી રીતે પગ ફરી ગયો અને પગને અંદર કંઈક તૂટી ગયું હોય એવો અનુભવ થયેલો.

આખરે એક મહિના પછી ફરી પેલા ઢીલા ડોક્ટર પાસે જવું પડ્યું અને તેમણે એમ.આર.આઈ રીપોર્ટ કઢાવવાની સલાહ આપી.મારી તો હજી ઇચ્છા નહોતી.વધુ પડતા આશાવાદી હોવાનું એક નકારાત્મક પાસુ છે.ઘણી વાર માણસે વ્યવહારૂ બનવું પડતું હોય છે.મને તો હજી એમ કે પગમાં જે સમસ્યા છે તે સમય જતાં ઠીક થઈ જશે.પણ પત્નીની જીદ આગળ ઝૂકી મેં એમ.આર.આઈ. રીપોર્ટ કઢાવવાનું નક્કી કરી લીધું.

મેગ્નેટીક રેસોનન્સ ઇમેજીંગ નામે ઓળખાતા અતિ આધુનિક મેડિકલ રીપોર્ટ ખૂબ મોંઘા હોવા છતાં શરીરના કોઈ પણ ભાગમાં કંઈ પણ સમસ્યા હોય તેનું સચોટ નિદાન કરવામાં મદદ કરે છે.કરોડો રૂપિયાની કિંમતના મોટા સાધનમાં વચ્ચે મોટું કાણું હોય.તમારે બેડ પર સૂઈ જવાનું અને સ્વયંસંચાલિત એવું સાધન પોતાની મેળે તમને પેલા કાણામાં ધકેલી દે.શરીરના જે ભાગનો રીપોર્ટ કાઢવાનો હોય તે ભાગ સુધી બેડ મશીનમાં અંદર જતો રહે અને પછી ચિત્રવિચિત્ર અવાજો સાથે અદ્રશ્ય કિરણો શરીરના ભાગની ચારે બાજુથી પસાર થઈ મશીનમાં એ ભાગની ઘણી બધી તસવીરો  નોંધાઈ જાય.લગભગ અડધો-એક કલાક પ્રક્રિયા ચાલે! ડરામણા અવાજો અને કોઈની હાજરી વગરના રૂમમાં પોચા હ્રદયવાળા દર્દીની શી હાલત થતી હશે તેની કલ્પના કરવી રહી! મને તો જો કે અનુભવ માણવાની પણ મજા આવી!

મારા રીપોર્ટનું નિદાન આવ્યું કે મારા ડાબા પગનો એ.સી.એલ. નામે ઓળખાતો લિગામેન્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. એ.સી.એલ. પગના ઘૂંટણ ઉપરના અને નીચેના હાડકાઓને જોડતો અને પગને સંતુલનમાં રાખી ગાદી જેવું કામ કરતો એક પોચો ગાદી જેવો તંતુ છે. એ.સી.એલ. તૂટી જાય તો ચાલી તો શકાય પણ પગ સદાયે હાલકડોલક સ્થિતીમાં રહે અને તેના પર વજન આવે કે ખાડાટેકરા વાળો રસ્તો આવે કે દાદરા ચઢતી વખતે તમારા પડી જવાનો ભય સદાય તમારે માથે ઝળુંબતો રહે.  ઢીલા ડોક્ટર સાહેબ તો કહેતમારે જો ઓપરેશન કરાવશો  તો તમે સંપૂર્ણ ભયમુક્ત થઈ ચાલી શકશો નહિતર સદાયે તમારે અસંતુલન થતાં પગ ક્યારે દગો દઈ દે અને ગબડી પડશે એવા ડર સાથે આખી જિંદગી જીવવું પડશે. તમારે નિર્ણય લેવાનો છે તમારે શસ્ત્રક્રિયા કરાવવી છે કે નહિ.”

તેમના આવા મંતવ્ય બાદ હું સીધો અમારા ફેમીલી ડોક્ટર પાસે ગયો અને તેમણે મને સલાહ આપી કે જરા પણ વિલંબ કર્યા વગર મારે શસ્ત્રક્રિયા કરાવી લેવી.મારા જેવા સક્રિય જીવન જીવવા વાળા શોખીન જીવડાને ખોડંગાતા પગે ચાલવું કે સ્ટેશન પર ધીમે ધીમે ડરતા ડરતા પુલના દાદરા ચડવું કેમ પરવડે?તેઓ જાણે છે કે મને દોડવાનો,ટ્રેકીંગનો કેવો શોખ છે અને મુંબઈના જીવનમાં ગાડી-બસ વગેરે પકડવા, શોખ હોય તેણે પણ સતત દોડવું પડતું તો હોય છે. આથી તેમણે તરત એક સારા ઓર્થોપેડીક સર્જન સાથે મારી બીજા દિવસની અપોઈન્ટમેન્ટ ગોઠવી દીધી.પપ્પાના કહેવાથી અન્ય એક ઓર્થોપેડીક સર્જનની સવારે અને ફેમીલી ડોક્ટરે બતાવેલા સર્જનની સાંજે મુલાકાત લીધી અને બધાં એક સૂરમાં જણાવ્યું ઓપરેશન કરાવ્યે જ  છૂટકો! મેં તરત ઓફિસમાં એક મહિનાની રજ માગી લીધી અને ૧૯મી ડિસેમ્બરે મલાડની એક ખાનગી હોસ્પિટલમાં મારા ફેમીલી ડોક્ટરે સૂચવેલા સર્જન પાસે .સી.એલ. રીકન્સ્ટ્રકશન નામે ઓળખાતી સર્જરી કરાવી લીધી.

અહિં   એ.સી.એલ રીકન્સ્ટ્રકશન ઓપરેશનની અને આજકાલની ટેક્નોલોજીની મેડીકલ ક્ષેત્રે પ્રગતિની થોડી ચર્ચા કરવાનું મન થાય છે. ઘૂંટણની આસપાસ ચાર કાણા પાડી સૂક્ષ્મ દૂરબીન દ્વારા આરથ્રોસ્કોપી પદ્ધતિથી આ સર્જરી થઈ.પહેલા તો પીઠ પાછળ કરોડરજ્જૂ પાસે ઈંજેકશન મારી કમર નીચેનું આખું શરીર અસંવેદનશીલ કરી નંખાયું. જેવું ઈંજેકશન શરીરમાં ભોંકાયું કે આખા શરીરમાં જાણે પળવારમાં વિજળી પસાર થઈ હોય એવો અનુભવ થયો અને થોડી પળોમાં પગ જડ બની ગયાં.પછી ડોક્ટરે ચાર કાણાં પાડી સૂક્ષ્મ દૂરબીન પગની અંદર ઉતારી પગના અન્ય ભાગમાંથી કોષો ચૂંટી કાઢ્યા અને તેમની મદદ્થી મારો તૂટી ગયેલો લિગામેન્ટ ફરી સાંધ્યો કે નવો બનાવ્યો. આખી શસ્ત્ર ક્રિયા મેં પોતે પણ મોટા સ્ક્રીન પર જોઈ અને ડોક્ટરે પણ સ્ક્રીન પર જોતા જોતા બે કલાકમાં ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. છે ને ટેક્નોલોજીનો અદભૂત વિકાસ અને તેની કમાલ!

બાર દિવસમાં તો હું ફરી ચાલતો થઈ ગયો અને હજી ફિઝિઓથેરાપી વ્યાયામ દ્વારા પગને મજબૂત બનાવવાની કસરત રોજ ચાલુ છે.ડોક્ટરના કહ્યા મુજબ હજી ચાર-પાંચ મહિના હું કૂદી,દોડી કે નાચી શકીશ નહિ પણ મહિના થવા દો પછી બધું નોર્મલ થઈ જશે! જેવો સમયગાળો પૂરો થશે કે તરત હું અમી અને નમ્યા સાથે સંજય લીલા ભણસાલીની રામલીલાના મારા અતિ પ્રિય ગરબા 'નગાડા સંગ ઢોલ...' પર ગીતમાંના શબ્દો "પૈરો સે બેડી ઝરા ખોલ"ને અનુસરીને પગની બેડીઓ ફગાવી દઈ ગરબે ઘૂમવાનો છું!

ટેક્નોલોજીની જ વાત છેડી છે તો આવતાં સપ્તાહે ટેક્નોલોજી, તેના આજના જગતમાં અને આપણાં રોજબરોજના જીવનમાં મહત્વ અને જરૂરિયાત અંગે થોડી વધુ ચર્ચા માંડીશ.

No comments:

Post a Comment