માણસ
ધારે છે કંઈક અને થાય છે કંઈક બીજું. ઇશ્વર ઘણી વાર આખી પરિસ્થિતી પલટી નાખતો હોય છે.
છેલ્લા લગભગ સાત-આઠ વર્ષથી હું સતત
મુંબઈ મેરેથોન દોડમાં ભાગ લઉં છું.આ વર્ષે પણ ઉત્સાહભેર સતત બીજી વાર ૨૧ કિલોમીટર દોડવા
હાફ-મેરેથોન માટે નામ નોંધાવી દીધું હતું ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં જ. પણ ઇશ્વરેચ્છા
આગળ કોઈનું કંઈ ચાલે છે?
ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઓફિસની એક આઉટડોર
ટીમ-બિલ્ડીંગ એક્ટીવીટીમાં ગયો હતો.બોરિવલીના ગોરાઈ નજીક એક ખાનગી ફાર્મહાઉસ જેવા બંગલાની
આસપાસ મિની-જંગલ જેવું વાતાવરણ સર્જી એક સુંદર એડવેન્ચર પાર્ક બનાવ્યો છે આ બંગલાના
માલિકે અને ત્યાં સાધનો બેસાડી કોર્પોરેટ ઓફિસના યુવા કર્મચારીઓને આકર્ષે એવા આ પાર્કમાં
જતા વેત હું પણ ખુશખુશાલ થઈ ઉત્સાહમાં આવી ગયો!
કતારબદ્ધ લટકાવેલા રબરના ટાયરોમાંથી નિકળવાનું,ખાસ્સી
ઉંચાઈએ બનાવેલ લાકડાના પાટીયાઓ વાળા રસ્તા પર હાલક-ડોલક થતાં ચાલવાનું,જાળી પર દોડવાનું,હવામાં
લટકતા લાકડાઓ પકડી ટારઝનની જેમ એક છેડે થી બીજે છેડે જવાનું,તીરંદાજી કરવાની આ બધી
જ એક્ટીવીટીમાં ભાગ લેવાના વિચારમાત્રથી હું રોમાંચિત થઈ ઉઠ્યો હતો!
પણ અમારા ચાલીસેક જણના ગૃપને ત્રણ ટીમ્સમાં
વિભાજીત કરી દેવાયા અને ત્રણે જૂથોને અલગ અલગ એક્ટીવીટીઝ સોંપવામાં આવી.અમારી પહેલી
જ એક્ટીવીટી હતી. સુમો રેસ્લીંગ.જાપાનના જાડાપાડા સુમો યોદ્ધાઓને તસવીરો કે એડ્સમાં
કે કોઈ ફિલ્મમાં તમે જોયાજ હશે.બસ તેમના જેવા બનવા માટે હવા ભરેલું ખાસ કોસ્ચ્યુમ પહેરી
તમારે સામી ટીમના એક ખેલાડી સામે બોક્સીંગમાં હોય તેવા ચોરસ મેદાનમાં ઉતરવાનું અને
હાથ કે પંજાનો ઉપયોગ કર્યા વગર ખભા કે પગ વડે ધક્કા મારી સામા ખેલાડીને નીચે પાડી દેવાનો
અથવા ચોરસ બાઉન્ડરીની કોઈ પણ એક બાજુના દોરડા પર અડાડી દેવાનો તો તમે જીતી જાવ.આમ જે
બે ટીમ સામસામે રમી રહી હોય તેમના દરેક ખેલાડી વારાફરતી એક પછી એક મેદાનમાં સામસામા
લડવા ઉતરે.
પહેલા ચાર-પાંચ ખેલાડીઓનો વારો ચાલ્યો ત્યાં
સુધી મેં પણ ચિચિયારીઓ પાડી અમારી ટીમના ખેલાડીઓને પાનો ચડાવ્યો અને મજા કરી.પણ પછી
લગભગ સાડા-અગિયાર પોણા-બારની આસપાસ મારો વારો આવ્યો અને મેં પણ સુમો રેસ્લરના વસ્ત્ર
ધારણ કર્યાં.આમ ખૂબ વજનદાર નહિ પણ હવાને કારણે ખાસ્સા ફુલેલા એવા આ કોસ્ચ્યુમમાં હું
પણ અન્યોની જેમ ખૂબ ફની લાગતો હતો.મેં મારા સામા અપોનેન્ટ એવા ગુજરાતી મનીષ સાથે એવી
મજાક પણ કરી કે ચાલો આપણે સુમો-ગરબા રમીએ! અને અમે રમત શરૂ કરી. નીચે પડતા બચી જવા
મેં અજાણતા કઈ રીતે પગ પર જોર આપ્યું કે મને ખબર જ ન પડી અને મારો આખો પગ એ ફૂલેલા
વસ્ત્રમાં ફરી ગયો અને મને જાણે કોઈએ જોરથી લાકડીનો ફટકો માર્યો હોય એવો અનુભવ થતાં
મેં ઘૂંટણના ટચાકા ફૂટતા હોય એવા અવાજ સાથે પગમાં ભયંકર વેદના અનુભવી. તડતડતડતડ એવા
અવાજો સાથે મારા ડાબા પગનાં ઘૂંટણ પાસે ઘણું બધું તૂટતું અનુભવી હું ભોંય પર ફસડાઈ
પડ્યો અને આટલું થવા છતાં હજી મેં ફરી પગ પર ઉભા થવા પ્રયાસ કર્યો.સરીયામ નિષ્ફળતા.ફરી
પગમાં તડતડતડતડના અવાજો.પાછો પડ્યો.બીજી વાર ઉભા થવા પ્રયાસ કર્યો.આ વખતે પણ એ જ ઘટનાનું
પુનરાવર્તન.ઘૂંટણ નીચેનો મારો પગ જ જાણે છૂટ્ટો પડી ગયો હોય એવું મને ઘડી ભર લાગ્યું.હવે
મેં શસ્ત્રો હેઠા મૂકી દીધાં અને મારા અન્ય ટીમ મેમ્બર્સે મને ઉભો કરી સુમોના પેલા
વસ્ત્રો દૂર કરી ખુરશી પર બેસાડ્યો.પગમાં થોડા દુખાવા સિવાય બીજું બધું ઓલરાઈટ હતું
એટલે મને એમ કે પગમાં મોચ આવે છે એવું કંઈક સામાન્ય બન્યું હશે.આમ જ વિચારતા વિચારતા
સાંજના છ વગાડી દીધા,મનમાં હજી પેલી બીજી બધી એડવેન્ચરસ એક્ટીવીટી પૂરી કરવાની તીવ્ર
ઇચ્છા સાથે. પણ પગે મારો સાથ ન આપ્યો.અને મારી ખૂબ ઇચ્છા છતાં ઇશ્વરની ઇચ્છા જ પૂરી
થઈ અને હું ત્યાંની એક પણ રમત પૂરી કરી શક્યો નહિ.
ત્યાંથી
જે ડોક્ટર પાસે ગયો તે થોડા ઢીલા હતા (આમાં પણ ઇશ્વરેચ્છા જ હોવાનું પાછળથી ફલિત થયું)
એટલે એમણે એક્સરે કાઢ્યો જેમાં હાડકામાં તો કોઈ તકલીક ન હોવાનું જણાયું આથી તેમણે સાત-આઠ
દિવસના બેડ-રેસ્ટ પછી ઓફિસ જઈ શકાશે એવી સલાહ આપી.
સાત-આઠ
દિવસ પછી મને પણ જરાક સારૂં લાગ્યું અને હું ફરી બિન્ધાસ્ત હરવા-ફરવા લાગ્યો.પણ હું
પહેલાની જેમ દોડતા-ભાગતા આત્મવિશ્વાસ પૂર્વક ચાલતો નહોતો.
પંદરમી
નવેમ્બરે સપરિવાર કેરળ પ્રવાસે જવાનું આયોજન હતું.તે પાર પડ્યું.ખૂબ સારી રીતે પ્રવાસની
મજા માણી સાત-આઠ દિવસે પાછો ફર્યો.પણ હજી પગે સહેજ લંગડાઈને જ ચાલતો હતો.એક-બે જણે
એવી પણ વાત કરેલી કે લિગામેન્ટનો પ્રોબ્લેમ હોય તો તેને ઠીક થતાં એક-બે મહિના કે તેથી
વધુ સમય પણ લાગે.આથી મેં રાહ જોઇ પણ એક મહિનો વીતી જતાં મારી ધીરજ ખૂટી અને પત્નીની
જિદને કારણે આખરે મેં એમ.આર.આઈ સ્કેન કઢાવવાનું નક્કી કર્યું જેમાં સાચું નિદાન થયું
કે પગના ઘૂંટણની ઉપર અને નીચેના હાડકાને જોડતો એ.સી.એલ. નામે ઓળખાતો લિગામેન્ટ સંપૂર્ણ
રીતે તૂટી ગયો હતો.
હવે જો આ નિદાન પહેલા જ દિવસે ઓક્ટોબરમાં જ્યારે
હું પડી ગયેલો ત્યારે થયું હોત તો કદાચ હું પરિવારને લઈને કેરળ ફરવા ન જઈ શક્યો હોત
અને ફ્લાઈટ,હોટલ્સ વગેરેના કેન્સલેશન્સને કારણે હજારો રૂપિયાનું નુકસાન થાત તે વધારામાં.પણ
ઇશ્વરે મને ઢીલા ડોક્ટર પાસે મોકલ્યો.અને દોઢેક મહિનો પસાર થઈ ગયો, એ પછી મારા ખરા
પ્રોબ્લેમનું નિદાન થયું. પછી તો કઈ રીતે પગ પર શસ્ત્રક્રિયા કરી તૂટેલો લિગામેન્ટ
ફરી સાંધવો પડ્યો અને એ બધા અનુભવની વાત આવતા સપ્તાહે પણ આજે ઓપરેશનના એક મહિના બાદ
તમે જ્યારે કદાચ આ બ્લોગ વાંચી રહ્યા હશો એ રવિવારની સવારે હજારો મુંબઈગરા મેરેથોનમાં
દોડી રહ્યાં હશે ત્યારે હું પણ એમની સાથે દોડવાની જગાએ, સવારે વહેલા ઉઠી મલાડથી મુંબઈ
ચર્ચગેટ આવી નરીમાન પોઇન્ટ પાસે રસ્તાની એક બાજુએ ઉભા રહી માત્ર તેમને ચીયર કરી રહ્યો
હોઈશ એમાં પણ ઇશ્વરેચ્છા જ કારણભૂત છે અને આગામી પાંચ મહિના સુધી હું દોડી,નાચી કે
કૂદી નહિ શકું એમાં પણ કદાચ ઇશ્વરે મારૂં કંઈક સારૂં જ ઇચ્છ્યું હશે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો