આ વર્ષે પરિવાર
સાથે ફેમિલી વેકેશન માટે
કેરળ ગયો હતો.ખૂબ
મજા આવી.ત્યાં કરેલા
પ્રવાસની વાતો ફરી કોઈક
વાર પણ આજે આ
બ્લોગ થકી ગયા સપ્તાહના
બ્લોગમાં છેડેલી ગુજરાતી
ભાષાની અસ્મિતાની વાતના અનુસંધાનમાં જ
એક ચર્ચા છેડવાનું મન
થયું છે કેરળમાં માણેલા
એક સરસ અનુભવ - કથકલી શો જોયા બાદ.
ભારત
વિવિધ ભાષાઓ,પરંપરાઓ અને
સંસ્કૃતિ રસાળ ખજાના સમાન
દેશ છે.અહિં દરેક
પ્રદેશની પોતાની આગવી ઓળખ,
ભાષા,લોકનૃત્ય અને લોકનાટ્ય
છે. મહારાષ્ટ્રના લાવણી તેમજ તમાશા, બંગાળનું જાત્રા,
પંજાબના ભાંગડા અને સ્વાંગ,
તામિળનાડુના ભરતનાટ્યમ
અને તેરુકુટ્ટુ, કેરળનું કથકલી
અને ગુજરાતના ગરબા રાસ અને
ભવાઈ.
ભવાઈ
એ ગુજરાતની લોક નાટ્ય શૈલી
છે જેનો ઉદય ટી.વી.,નાટક અને
ફિલ્મો પહેલા થયો હતો.
આમ તેને મનોરંજનના આ
સઘળા માધ્યમોની જનની ગણી શકાય.
પ્રાચીન સમયમાં મંદિરોમાં કે
ગામને ચોરે ભજવાતી ભવાઈ
મનોરંજન સાથે સમાજને હળવા
ચાબખા મારી સમાજ દર્પણ
તરીકેનું કામ પણ કરતી.રંગલો અને રંગલી
વિવિધ વેશો ભજવી તે
સમયની રૂઢિગત બદીઓ લોકો
સમક્ષ હળવી શૈલીમાં રજૂ
કરી તેને દૂર કરવાનો
સંદેશ આપતા અને આમ
ભવાઈ સમાજ સુધારણાનું અતિ
મહત્વનું કામ પણ કરતી.
અહિ ભૂતકાળનો શબ્દપ્રયોગ કરવો પડે છે
કારણકે આજે ભવાઈ જૂજ
માત્રામાં જ ભજવાતી જોવા
મળે છે. કદાચ ગુજરાતી
નવી પેઢીએ તો તેનું
નામ પણ સાંભળ્યું હશે
કે કેમ તેવો પ્રશ્ન
થાય.
ગુજરાતી
લોકનાટ્ય ભવાઈથી આજની અને આવનારી ગુજરાતી પેઢી પરિચિત
છે કે રહેશે એ
તો ખબર નથી પણ
કેરળમાં ગયા બાદ ત્યાંના
કલા-સંસ્કૃતિની ઓળખ સમા
કથકલીથી ત્યાંની
યુવા પેઢી અને બીજા
અનેક લોકો ચોક્કસ ઘણાં
વર્ષો સુધી પરિચિત રહેશે
એમ લાગે છે.
મારા
કેરળ પ્રવાસ દરમ્યાન કોચી,
મુન્નાર અને ઠેકડી આ
દરેક જગાએ કથકલીના શો
હતાં અને આખા રાજ્યમાં
જ્યાં જ્યાં હું ફર્યો
તે દરેક સ્થળે કથકલીના
પાત્ર-વેશમાં મોટા બેનર્સ,પોસ્ટર્સ અને જાહેર ખબરો
ઠેર ઠેર નજરે પડે. ભવાઈ પ્રકારની
જ કેરળની આ લોક નાટ્ય
શૈલી - કથકલીની ઓળખ ત્યાંની પ્રજાએ એટલી
સુંદર રીતે જાળવી રાખી
છે કે તેનું અનુકરણ
ગુજરાતી પ્રજાએ પણ ભવાઈ
સંદર્ભે કરવું જોઇએ એવો
વિચાર મને આવી ગયો.
ત્યાંના મંદિરોમાં તો કથકલી ભજવાતું
જ હશે પણ ત્યાંના
દરેક પ્રવાસન સ્થળોએ કથકલીના રોજના
એક - બે જાહેર શો
ભજવાય છે.તેની જાહેરાત
પણ ખૂબ અસરકારક રીતે
સારા પ્રમાણમાં કરાય છે અને
દોઢસો - બસો રૂપિયાની એક
ટિકીટ હોવા છતાં આ
બધી જગાએ કથકલીના શો
સિઝન હોય ત્યારે હાઉસફુલ
હોય છે. ગુજરાત સરકાર
પણ ભવાઈ માટે ,ભવાઈ
ના આપણા સાંસ્કૃતિક
વારસાને જાળવી રાખવા માટે
આવા જાહેર પ્રયોગો નિયમિત
ધોરણે ખાસ સ્થળોએ ન
યોજી શકે?
કથકલીમાં
પાંચ તત્વોનો સમાવેશ હોય છે
: નાટ્ય એટલેકે અભિનય, નૃત્ય, સંગીત, સાહિત્ય
અને વસ્ત્રપરિધાન કે મેક અપ.
ખાસ પ્રકારની આયુર્વેદિક માટીમાંથી પાંચ રંગો તૈયાર
કરાય છે જે કથકલી
કલાકારો પોતાના મોઢે ચોપડે
છે. રંગોનું પણ ખાસ મહત્વ
હોય છે.જેમકે નાયક
(કૃષ્ણ કે અર્જુન કે
ઇન્દ્રનો પુત્ર) લીલા રંગનો
મેક અપ લગાડે. ખલનાયક
(રાવણ કે કંસ) કાળું
મહોરૂ ધારણ કરે વગેરે.
દસથી પંદર કિલો વજન
ધરાવતો ખાસ પ્રકારનો ઘાઘરા
જેવો વેશ કથકલી કલાકારે
પહેરવો પડે છે.તેને
તૈયાર થતાં જ બે-ત્રણ કલાક થઈ
જાય અને એ માટે
તેણે અન્ય ત્રણ ચાર
સહાયકોની મદદ લેવી જ
પડે.આટલા ભારે વસ્ત્રો
અને ભપકાદાર મેક અપ બાદ
આખી આખી રાત સુધી
મંદિર કે જાહેર સ્થળે
કથકલી ભજવાય તેમાં કલાકારો
ઉત્સાહ ભેર પોતાનો ભાગ
ભજવે. મોટે ભાગે કથકલીની
વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત
કે શ્રીમદ ભાગવતના અંશો
તેમાં રજૂ થાય.કલાકારોએ
અહિ બોલવાનું ન હોય માત્ર
હાવભાવ, હાથ અને આંગળીની વિવિધ મુદ્રાઓ અને નૃત્ય
દ્વારા પોતાનો ભાગ ભજવવાનો.મોટે ભાગે કથકલીની
વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત
કે શ્રીમદ ભાગવતના અંશો
તેમાં રજૂ થાય. નૃત્યનાટીકાની જેમ
મંચ પર ગાનારા અને
સંગીત વાદ્યો વગાડનારા કલાકારો
જુદા બેઠા હોય. સ્ત્રી
પાત્રો પણ ભવાઈની જેમ
અહિ પુરુષો જ ભજવે.
મેં
કેરળના ઠેકડીમાં કથકલીનો
શો સપરિવાર જોયો.બે કલાક
અગાઉ ટિકીટ ખરીદી છતાં
છેલ્લેથી બીજી હરોળની ટિકીટ
મેળવી શક્યો.સભાખંડ એટલે મોટા ઓરડા
જેવો રૂમ અને તેમાં
સાદી પ્લાસ્ટીકની ખુરશીઓ ગોઠવેલી છતાં
બસો રૂપિયાની એક ટિકીટ ખરીદીને
આવેલાં વિવિધ ભાષી પ્રેક્ષકોમાં
મને ઘણાં ગુજરાતીઓ પણ
જોવા મળ્યા! શો અગાઉ
કથકલીના મુખ્ય પાત્રને સ્ટેજ
પર વસ્ત્ર પરિધાન કરાવવામાં આવ્યું
જેથી લોકો તેમાં લાગતી
મહેનત જોઈ શકે. એક
જ કલાકના શો માં
કથકલીની સારી એવી માહિતી
પૂરી પાડ્યા બાદ અને
એક વેશ ભજવણીના પ્રદર્શન
બાદ કથકલીના બે મુખ્ય પાત્રો
વેશભૂષા સાથે સ્ટેજ પર
પ્રેક્ષકો સાથે ફોટા પડાવવા
બેઠાં. મેં તેમને ખાસ
અભિનંદન પાઠવી આપણી ભવાઈ
વિશે પણ વાત કરી
અને તેઓ ખુશ થયાં.
ભવાઈ
અને કથકલીમાં મોટા ભાગે ઘણું
સામ્ય છે. બંનેમાં કાર્યક્રમની શરૂઆત ભગવાનની સ્તુતિ
કર્યા બાદ પ્રેક્ષકોને આવકારી
કરવામાં આવે છે.બંનેમાં
ભગવાનનું પાત્ર જે કલાકાર
ભજવી રહ્યો હોય તે
મોઢું ઢાંકીને સ્ટેજ પર આવે
છે. બંનેમાં વેશ એટલે કે કોઈક વાર્તા ભજવાય છે.
કથકલી શબ્દ કથા પરથી
જ બન્યો છે. બંને
કલામાં મોટેભાગે પુરુષો જ સ્ત્રી
પાત્રો પણ ભજવતા હોય
છે. બંનેમાં ગીત-સંગીત-અભિનય-નૃત્ય અને મેક
અપનું સરખું મહત્વ હોય
છે.પણ ફરક છે
આ બંને કલાઓ પ્રત્યે,
આ બંને કલાઓ જ્યાં
ભજવાય છે ત્યાંની પ્રજાના
અભિગમની.
કેરળમાં
જ્યાં બધે જ કથકલી
પ્રત્યે માનની દ્રષ્ટીએ લોકો
જોતાં હોવાનું અનુભવ્યા બાદ મને કહેતા
ખેદ થાય છે કે
ભવાઈને ગુજરાતી પ્રજા દ્વારા આટલા
માન-સન્માન પ્રાપ્ત થતાં
નથી. ઉલટું ગુજરાતીઓમાં ભવાઈ
પ્રત્યે એક જાતની સૂગ
અને મોટે ભાગે ખોટી
ગેરસમજ જોવા મળે છે.
ક્યાંક કોઈ ઝગડો કે
રકાસ કે ફારસ જેવી
પરિસ્થિતી સર્જાય તો ત્યાં
આ તો "ભવાઈ થઈ" એવો
શબ્દપ્રયોગ યોજવામાં આવે છે. ભવાઈ
ભજવનારા ભવૈયા કે તરગાળાને
પણ હલકી કે ઉતરતી
કક્ષાના ગણવામાં આવે છે. નવાઈ
લાગે છે કે અખબારોમાં
મોટા મોટા લેખકો કે
પત્રકારો પણ ભવાઈનો નકારાત્મક
રીતે જ કોઈક હાસ્યાસ્પદ
બાબત સાથે સરખામણી કરતી
વખતે ઉલ્લેખ કરે છે.
આપણે જ જો આપણી
સંસ્કૃતિ સાથે વણાયેલ આ લોકકલાને
માનની દ્રષ્ટીએ નહિ જોઇએ અને
તેના પ્રત્યે આદરભાવ નહિ કેળવીએ
તો બીજી પ્રજા પાસેથી
આ સંદર્ભે કોઈ અપેક્ષા રાખવી
એ તો દૂરની વાત
થઈ. ભવાઈનો ખરો અર્થ
તો થાય છે ભવની
ખાતાવહી - માણસના જીવનના જમા-ઉધારનો ચોપડો. તેનો
અતિ ઉમદા ઉદ્દેશ તો
સમાજમાં જાગૃતિ આણી જ્ઞાન સાથે ગમ્મત
પૂરી પાડવાનો રહ્યો છે.
હું
આશા રાખું છું કે
ભવાઈ પણ કથકલી જેવા
માનપાન અને આદર-સત્કાર
પામે.