Translate

રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

ગેસ્ટ બ્લોગ : બધું જ કોઠે પડી ગયું છે આપણને ..


-     મૈત્રેયી મહેતા 
આજ કાલ બધું કોઠે પડી ગયું છે આપણને ..

આજ કાલ બધું કોઠે પડી ગયું છે આપણને ..હં। ... જુઓનેવાત નિર્ભયાની હોય કે હમણા તાજેતરમાં ગેંગ રેપનો ભોગ બનેલી ફોટો જર્નાલીસ્ટની હોય. કે પછી પ્રકાશમાં નહિ આવેલા બળાત્કારના અગણિત કિસ્સાઓની હોય....

"નાં  હોય ! ઓહો....એમ ?..... બિચારી,   અરેરે  ....કેટલું ખોટું થયુંબિચારી  "........આવા હોય છે સામાન્ય જનતાના પ્રતિભાવ  .

છાપામાં  આવતા આવા કિસ્સાઓ વિષે વાંચીને કે પછી ઈલેક્ટ્રોનિક યુગના વરદાન સમા ટીવી પર દર્શાવતા સમાચારોની ક્લિપિંગ જોઇને સામાન્ય જનતા આવો પ્રતિભાવ આપે. . લોકોને માટે વાત કરવાનો, ના ના વાત નહિ, કુથલી કરવાનો વિષય મળે છે. ટોક ઓફ ટાઉન। ... જ્યાં જુઓ ત્યાં આવા બનાવની ચર્ચા  .

કેટલાક વિશેષ જાગૃત લોકો અવાજ ઉઠાવે છેછાપા  કે ટીવીમાં ચર્ચાઓ થાય છે, પેનલ ડિસ્કશન થાય છે.... અગ્રેસર નાગરિકો મીણબત્તી સરઘસો કાઢે,    નેતાઓ , સામાજિક અગ્રણીઓ પોતપોતાનું જ્ઞાન અને સલાહોના પટારા  ખોલી દે છે.. પોલીસ નું  તો આવી બને છેબધા સુરક્ષા વ્યવસ્થામાં ઢીલ બદલ પોલીસ વડા કે મંત્રીઓના રાજીનામાં ની માંગણીઓ કરે છે. વિપક્ષોને  તો સરસ મુદ્દો હાથ લાગી જાય છે....

બે ચાર દિવસ આવો બધો શોરબકોર ચાલે પછી, ખાધું પીધું ને રાજ કર્યું ની જેમ બધા પોતપોતાના જીવન માં ગોઠવાઈ જાય છે....

જીવતે જીવત નરકની યાતના ભોગવે આવા બનાવનો ભોગ બનેલ વ્યક્તિ અને તેના કુટુંબીજનો.....શારીરિક નહિ, સહુથી વધારે માનસિક અને સામાજિક  .  પીડિતા વ્યક્તિ ઘણી વાર આપઘાત પણ કરતી હોય છે. આઘાતમાંથી બહાર આવતા કદાચ આયખું નીકળી જાય છે. " અરેરે , બિચારી ની સાથે કોણ લગન કરશે "......  અલ્યા   સમાજના રક્ષકો, બિચારી લગ્ન શું પુરુષ નામ માત્રથી દૂર  ભાગે એવી માનસિકતામાં સરકી  જતી હોય છે....કોઈ તો બકે છે ," છોકરીનો કઈ વાંક હશે.." ! ! !

મને લાગે છે કે મોટા ભાગના વાચકો વાત સાથે સહમત છે. પ્રશ્ન છે કે બળાત્કારના બનાવો રોકવા કે અટકાવવા  શું કરી શકાય ? તેને માટે લોકોની માનસિકતા બદલવાની અને આવા ગુનેગારોને  કડકમાં કડક સજા, અને તે પણ  તાત્કાલિક સજા કરવાની જરૂર છે.

પણ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રી , એક પગથીયું  નીચે ગણાય છેમાતૃત્વ  ધારણ કરી શકવાનું વરદાન     કદાચ તેને માટે સજારૂપ છેતેથી કોઈને કોઈ ક્ષણે કે તબક્કે સ્ત્રીને તેને અપાયેલું નીચું સ્થાન બતાવનારા પુરુષો સમાજમાં લગભગ ચોતરફ છે . એક યુવતીને પસંદ ના હોય તેવા પુરુષ સાથે પરણાવી દેવી તે પણ બળાત્કારનો એક પ્રકાર છે, મારે માટે,

  પરિણીતાની ઈચ્છા વગર જબરદસ્તીથી ,તેની સાથે જાતીય સુખ માણતા પતિ પણ બળાત્કારી છે.

બળાત્કારી , નાની બાળકી કે વૃદ્ધા , ગમે તેની સાથે પોતાની નરાધમતા આચરી શકે છે, કેમ કે તેનામાં રાક્ષસી વૃત્તિ પેદા થઇ હોય છે. તો થઇ સમાજમાં સુરક્ષિત મહિલાઓની, પણ અનાથ, તરછોડાયેલત્યકત કે છૂટાછેડા લીધેલ કે કાનૂની રીતે અલગ રહેતી સ્ત્રીને તો જીવન જીવવું કેટલું અઘરું હોય છે, એને જઈને પૂછો ! ‘ઈવ ટીઝીંગ’ના દાખલા ઓછા નથી બનતા સમાજમાં  . ઘરની બહાર નીકળીને કામકાજ કરવા જતી દરેકે દરેક મહિલાને આવા અનુભવો થતા હોય છે. તેનો વિરોધ કરતા ઘણી વાર ગંભીર પરિણામો પણ  આવતા હોય છે. વાત માનસિકતાની છે.   પુરુષોની માનસિકતાની માનસિકતા બદલવાનું શક્ય છે ખરું ? શું મહિલાઓએ ચાર દીવાલોની અંદર  રહીને સુરક્ષિત રહેવાનું સ્વીકારી લેવું જોઈએ ? પણ શું ઘરમાં પણ સ્ત્રી  સુરક્ષિત  છે ખરી ? ઘણી વાર સ્ત્રી પોતાના અંગત સગાંઓની  વાસનાનો  ભોગ બનતી હોય છે  ! સગા બાપ સુદ્ધા   ........! એટલે યુવાન વયની છોકરીને પોતાના સગા બાપની સાથે પણ એકાંતમાં ના રહેવું તેમ કહેવાય છે. વાત તો  આમ સદીઓ  પૂર્વેના  જમાનામાં પહોંચી ગઈ  ! પણ  હાકોઈક વાર મને  પણ  લાગે છે કે ઘરના  સુરક્ષિત દાયરામાંથી બહાર  આવીને  સ્ત્રી શું  પામી? ઘરની  બહાર કામ કે નોકરી અર્થે  પગ  મુકતી સ્ત્રીને જોતાં  વ્હેંત  કેટલાક પુરુષો એમ  માને  છે કે આતો સહજ પ્રાપ્ય  છે ! સ્ત્રીને ઘરની બહાર નીકળીને ઘરની જવાબદારી ઉપરાંત નોકરીની જવાબદારી પણ નિભાવવાની   . બસ કે ટ્રેન માં ધક્કા ખાતા ખાતા મુસાફરી કરવાની  . ઓફિસનું વળી જુદું રાજકારણ, ત્યાં પણ જુદા જુદા પુરુષોના માનસિક , ઘણી  વાર શારીરિક અડપલાનો ભોગ બનતા બચવાનું, અને ઘરે આવીને પતિ કે પિતા કે અન્યોના પ્રશ્ન બાણોના જવાબો આપવાના  .  કેમ  જાણે સ્ત્રી તો કઈ ગુનો ના કરતી હોય.....

સ્થિતિ માત્ર ભારતમાં નહિ, દુનિયાભરમાં છે. ઇસ્લામિક દેશમાં તો વળી વાત કરવા જેવી  નથી. પણ પાશ્ચાત્ય દેશોમાં પણ સ્ત્રી દેખાય છે તેટલી સ્વતંત્ર કે સુરક્ષિત નથી.

તાજેતરમાં મુંબઈમાં ટ્રેનમાં એક પરદેશી યુવતીની ઉપર હુમલો કરીને તેને લુટી લેવામાં આવી  ! કે વિદેશી યુવતી પર બળાત્કાર કરવાના બનાવો પણ બન્યા છે. શરમ આવવી જોઈએ ! મેરા ભારત મહાન ની આત્મશ્લાઘામાં રાચતા ભારતવાસીઓએ સમજવાની જરૂર છે કે પુરાતન કાળ ની સિદ્ધિઓને બળે હવે  આજની તારીખમાં ગર્વ કરવા જેવું આપણી  પાસે બહુ  કાંઈ   બચ્યું નથી. આખી દુનિયામાં આપણે અસ્વચ્છ , ગરીબ અને બેઈમાન જેવી આબરૂ કમાયા છીએ. તેમાયે  મહેમાનોને દેવતા સમજતા  આપણા દેશમાં વિદેશી મહેમાન પર બળાત્કાર ? વિદેશી હૂંડિયામણ ની  અત્યંત જરૂર ધરાવતા દેશમાં , વિદેશી મહેમાનોને આવતા વિચાર કરતા કરી દે તેવા કૃત્યોની સાથે સાથે   " ભાઈઓ ને બહેનો " જેવા સંબોધન સાથે વિશ્વને અચંબામાં મૂકી દેતા મહાન વિવેકાનંદના દેશમાં મહેમાન પર બળાત્કાર ?

જોકે વાત કોઈ પણ સ્ત્રીપર થતા બળાત્કાર રોકવાની છે.

ના કરે નારાયણ અને જો કોઈ એવી વસમી સ્થિતિ માં મુકાઈ જાય તો શું  કરીને બચી શકાય ?

મોટે ભાગે સમયસૂચકતા  આવા કિસ્સાઓમાં  કામ  લાગે  . એકાંતમાં જવાનું ટાળવું  .

1)  ગુનેગાર હમેશા ડરેલો હોય તેથી સ્ત્રીએ જોરજોરથી બુમો પાડીને લોકોને ભેગા કરવાનો કે  મદદ માટે બોલાવવાનો પ્રયાસ કરવો જોઈએ,

 2)  હિંમતભેર પર્સ કે થેલી   કે પાસે જે હોય તે મારીને  ભાગવાનો પ્રયાસ કરી શકાય  .

3)  પર્સ માં  પેપર સ્પ્રે  જેવું રાખવું, અથવા પરફ્યુમ સ્પ્રે પણ ગુનેગારની આંખમાં સ્પ્રે કરી શકાય

4) લાગ જોઈ ગુનેગાર પોતાના   પગનું બેલેન્સ - સમતોલન   ગુમાવે તે રીતે પગ પર કિક -લાત મારી શકાય પછી ભાગી શકાય

 5) સેફટી પીન સાથે રાખવી, લાગ મળે તો તે ગુનેગાર ને મારી શકાય,

6) ગુનેગારના  નાજુક ભાગ પર લાત મારી ભાગી જવું

7) સ્વ બચાવ માટેના   કોઈ પણ પ્રકારના માર્શલ આર્ટની  તાલીમ લેવી જોઈએ, જેથી વખત આવે પોતાનો બચાવ કરી શકાય

બધા સ્વબચાવના સામાન્ય  ઉપાયો છે પણ ક્યાંયથી વિશેષ તાલીમ મળતી હોય તો તે લેવી તો જોઈએ।

 સમાજમાં સ્ત્રી દાક્શિણ્ય જેવા મૂલ્યોનું પ્રચલન વધે તેમ વિચારધારા ઉભી કરવાનો પ્રયાસ કરવો

કદાચ યુગ કલિયુગ ના સહુથી બીભત્સ યુગનું નામ કમાશે, એમ આસાર લાગે છે. બધા ખરાબ છે કે બધાની નજર ખરાબ છે એમ કહેવાનો  મારો જરા પણ ઈરાદો નથી. વાત માત્ર ને માત્ર બદનજર ધરાવતા કે બીભત્સ આચરણ કરતા લોકોની  વાત છે.

ભગવાને માનવ જાતિની રચના કરી, તેમાં સ્ત્રી અને પુરુષ- બન્નેનું સર્જન કર્યું  . તો સ્ત્રી તે  માનવ  જાતના ભાગ રૂપ છે. પુરુષ અને સ્ત્રી એકબીજાના પુરક છે. તેમાં પરસ્પર સ્પર્ધા ની વાત નથી. બંને સાથે મળીને જીવન જીવવાનું છે, સહચર્યને સાર્થક કરી, ધર્મ ,અર્થ , કામ  અને મોક્ષની પ્રાપ્તિ અર્થે સાથે મળીને જીવન માર્ગ પર ચાલવાનું છે. ત્યારેસ્ત્રી પ્રત્યે દાક્ષિણ્ય  દાખવવું તેકંઈ  કહેવાની કે સમજાવવાની  વાત નથી... વિષે કહેવું પડે, ..?  ! ! સ્ત્રી ના માનસન્માન વિષે ઘણું લખાયું  છે , પણ સહુ સમજદાર છે, કહેવાની નહિ, આચરણ માં મુકવાની જરૂર છે... બસ, અમે મહિલાઓ, સ્ત્રીઓ, માતાઓ, બહેનો ,દીકરીઓ , શિક્ષિકાઓ માન અને સન્માન માંગીએ છીએ જે અમારો અધિકાર છે. અસ્તુ     .....!

 
-        મૈત્રેયી મહેતા  (mainakimehta@yahoo.co .in)

1 ટિપ્પણી:

  1. મૈત્રેયીબેન મહેતા લિખિત ગેસ્ટ્બ્લોગ "આપણને બધું કોઠે પડી ગયું છે..." આખો વાંચ્યો અને એ ખૂબ ગમ્યો.આવા લેખો વંચાતા રહેવા જોઇએ.
    - હસમુખ વોરા

    જવાબ આપોકાઢી નાખો