Translate

રવિવાર, 25 ઑગસ્ટ, 2013

ડાન્સ ડાન્સ...! (ભાગ-૨)


એન.એસ.ઈ. ના અમારા વાર્ષિક સમારંભના મુખ્ય આકર્ષણ સમા ડાન્સ કાર્યક્રમમાં ભાગ લીધેલ કેટલાક પાત્રોની ખૂબી ખાસિયતોથી અમે આ કાર્યક્રમના રિહર્સલ્સ દરમ્યાન જ પરિચયમાં આવ્યા.બોલિવુડની હીરોઈન કે કોઈ કોરિયોગ્રાફર જેવીજ લચક અને ગ્રેસ અમારી એક કલીગમાં હતો.અમે બધા ડાન્સર્સ એક ઇમેલ ગ્રુપ બનાવી એ દિવસો દરમ્યાન જોક્સ,કમેન્ટ્સ વગેરે આખો દિવસ શેર કરતાં એમાં આ મેડમને 'ધ ડાન્સર' તરીકે સંબોધતા,ક્યારેય તેનું કોઈ નામ ન લખતું અને આ રમતમાં એમ છતાં બધા જાણતા કે વાત થઈ રહી હતી દ્વિતી શાહની!દ્વિતી ખૂબ સુંદર ડાન્સ કરતી.તેનું પાતળું શરીર રબરની જેમ વળતું!તેના સ્ટેપ્સ લચકભર્યાં,કૂદાકૂદ ભરયા કે ચકરાવા ભર્યા હોય પણ જે તેને ડાન્સ કરતી જુએ તે જોતા જ રહી જાય એટલું સરસ એ નાચતી.તે મોટા ભાગના વેસ્ટર્ન ડાન્સમાં સામેલ હતી.
છોકરાઓમાં એક ડાન્સર હતો - કોમેડિયન,કલાકાર,ફ્લર્ટ,તોફાની,નટખટ આ બધા વિશેષણો જેને આપી શકાય તેવો આસિફ!જેવી દ્વિતી ઓડિટોરિયમમાં પ્રવેશે કે તરત તેની લાક્ષણિક અદામાં આસિફ સર ઝૂકાવી તેનું અભિવાદન અને સ્વાગત કરે!પહેલાં તો દ્વિતી આસિફની આવી ચેષ્ટાથી શરમાઈ જતી અને ભોંઠપ અનુભવતી પણ પછી તે એનાથી ટેવાઈ ગઈ હતી!આસિફ આખો વખત દ્વિતીની પ્રશંસાના પુલ બાંધતો રહેતો અને ક્યારેક તો હસવા હસવામાં તેને પગે પણ પડતો!!! આસિફની રમૂજ અને ક્યારેક મૂર્ખામી ભરી કમેન્ટ્સ સાંભળવાની મજા આવતી!તે નખરા કરવામાં અને ચિત્રવિચિત્ર હરકતો કરી અવનવા પોઝીસમાં ફોટા પડાવવામાં એક્કો હતો!બધાનું આમાં ઘણું મનોરંજન થઈ જતું!
અમારા કાર્યક્રમના મોટા ભાગના ગીત પર ડાન્સ કરનાર હીરોઇન હતી તેજશ્રી.દેવદાસના સિલસિલા યે ચાહત કા...ગીતમાં તે ઐશ્વર્યા રાઈવાળો લાક્ષણિક સ્ટેપ કરતી વખતે મોઢા પર જે નિર્દોષ ભાવ ધારણ કરી આંગળી હડપચી પર મૂકતી એ જોઈ રિહર્સલ્સ માટે આવેલા સૌ કોઈ હર્ષની ચિચિયારીઓ પાડી તેને બિરદાવતાં અને ચિડવતાં!ગણેશ આરાધનાના પ્રારંભ ગીતમાં તે શાસ્ત્રીય ન્રુત્ય પણ કરતી અને એક વેસ્ટર્ન ડાન્સ ગીતમાં તે સાલસા પણ કરતી વિજયેન્દ્ર સાથે!
તબલા સરસ વગાડી જાણનાર ઉંચો વિજયેન્દ્ર બોસ અમારા ગ્રુપનો અભિષેક બચ્ચન હતો તો દ્વિતીની જેમ ડાન્સ કલામાં અતિ નિપુણ એવો છોકરાઓમાંનો પાતળો ઉમેશ પણ રબરની જેમ શરીર વાળી બધા સ્ટેપ્સ ખૂબ ગ્રેસફુલી કરતો!ધૂમના ટાઈટલ સોન્ગ પર તે દ્વિતી અને વિજયા સાથે બેસી ઉભો થતો અને ફરી એટલી જ ઝડપથી બેસી પાછો ઉભો થતો!આ સ્ટેપ આટલો સરસ કરતો જોઈ મને તેની ઇર્ષ્યા આવતી!
વિજયા પણ ડાન્સર ટોળકીનું એક અલગ જ કેરેક્ટર હતી!તેના વાંકડિયા વાળ ને લીધે તેનું નામ જ મેગી (નૂડલ્સ) પડી ગયું હતું!એ પણ ખૂબ સારો ડાન્સ કરતી.રિહર્સલ્સ દરમ્યાન મોટે ભાગે અધવચ્ચે તે સ્ટેપ ભૂલી જતી અને બાજુ વાળા ડાન્સરને પૂછતી કે એ સ્ટેપ કયો છે!અમે બધાં એ જોઈ ખૂબ હસતાં.એક બે વેસ્ટર્ન ડાન્સમાં તો વિજયા અને દ્વિતી 'કાર્ટવ્હીલ' તરીકે ઓળખાતો સ્ટેપ કરતાં જેમાં સ્ટેજ પર એક બાજુથી પ્રવેશી ગાડાના પૈડાની જેમ હાથ અને પગ અનુક્રમે ઉપર નીચે લઈ જઈ આખું શરીર ઉંધુ કરી ગોળ ગોળ ફરતાં ફરતાં બીજી બાજુથી બહાર નિકળી જવાનું હોય!માત્ર આ બે છોકરીઓ જ આ સ્ટેપ્સ કરી શકતી.વિજયા પણ ગણેશ વંદના ગીત 'તુજ નમો' માં તેમજ ભૂલભૂલૈયાના વેસ્ટર્ન ડાન્સ 'હરે રામ હરે રામ...'માં સરખાં જ કૌશલ્યથી ડાન્સ કરતી!
છોકરીઓમાં ટોમબોય જેવી મમતા યોગેશને જાણી જોઈને 'યોગેસ' કે જૂતા માટે 'સૂઝ' જેવા ઉચ્ચારો કરતી એ મને ખૂબ ગમતું!એ પણ ઘણી એનર્જેટીક ડાન્સર હતી.ઉપરા ઉપરી ઘણાં બધાં ગીતો પર પ્રેક્ટીસ કર્યા બાદ તે ઘણી વાર થાકીને ઠૂસ થઈ જતી પણ ક્યારેય કોઈ ગીત પર પ્રેક્ટીસ માટે 'ના' કહી બેસી ન જતી.ભારે શરીર વાળી દીપા કે મને તેની પારસી બોલી અને ખાસ પ્રકારની શૈલીથી હસાવતી રુખસાના કે વારંવાર પડી જતી છતાં ઉભી થઈ ફરી નાચવા લાગતી નીતા કે 'મૂડ મૂડ કે ના દેખ' ગીતમાં મારી પાર્ટનર બનતી આરતી કે 'તુજ નમો' માં ગણપતિનું મહોરું પહેરતી ખ્રિસ્તી પ્રેમિલા અને વિભુતી,રજની,મિતાલી,નવનીત આ બધી કલીગ્સ પ્રત્યે મને કામ અને ઘરની જવાબદારી સાથે શોખ પૂરો કરવા ઉત્સાહથી રિહર્સલમાં નિયમિત આવવા બદલ માન ઉપજતું. 

છોકરાઓમાં વૈભવ,સૂરજ,રજનીશ,ધરણેન્દ્ર,વિરેન,વિક્રમ,લક્ષ્મીનારાયણ,યોગેશ,મનોજ અને ગૌરીશંકર તો સારું નાચતાં જ પણ પ્રમોદ,સુજીત,હોશીદાર,સીજો,વિકાસ શ્રીવાસ્તવ અને દીપક વગેરે ડાન્સની બાબતમાં બે ડાબા પગ ધરાવતા હોવા છતાં અનિયમિત તો ક્યારેક કામ ની વ્યસ્તતા ને લીધે ગેરહાજર રહીને પણ ડાન્સ કાર્યક્રમમાં ભાગ લેવાનો જે ઉત્સાહ અને જોશ બતાવતા એ કાબેલે તારીફ હતું!
રોજ રીહર્સલ સેશન્સ પત્યાં પછી અમે છોકરાઓ પાંચ-દસ મિનિટ ધમાલ કરતાં!જેમાં અંગ્રેજી કે દક્ષિણ ભારતીય કે અન્ય તોફાની બીટ્સ વાળા ગીત મોટેથી વગાડી અમે બધાં ગાંડાની જેમ મન મૂકીને નાચતાં!વૈભવ અને આસિફ તેમના સહેજ અભદ્ર ગણી શકાય એવા સ્ટેપ્સ સાથે સૌથી પહેલા કૂદકો મારી સ્ટેજ પર ચઢી જતાં પછી તો અમે બધાં એમાં જોડાતા અને 'બેન્ડબાજા'માં નાચતા હોય તેમ ખભા હલાવી,એકબીજા સાથે સામસામી છાતી ઘસી કે નાગ-નાગીન સ્ટેપ્સ કરી કે ટીપીકલ બોલિવુડના ગીતના સ્ટેપ્સ કરી થાકી જવાય એટલું નાચતા અને રીહર્સલ સેશન્સ આ સાથે પૂરા થતાં.

આ રીહર્સલ્સ સેશન્સ દરમ્યાન માણેલી ક્ષણો અમે બધાં જીવનમાં ક્યારેય ભૂલી શકીશું નહિ!

[આ ઈવેન્ટની કેટલીક સુંદર રંગીન તસવીરો જોવા માટે વેબસાઈટ પર જાઓ:

સોમવાર, 19 ઑગસ્ટ, 2013

ડાન્સ ડાન્સ...! (ભાગ-૧)


[મૂળ બ્લોગ ૨૦૦૭માં મારી ઓફિસના એન્યુઅલ ડે સમારંભમાં અમે ડાન્સ શો રાખ્યો હતો તેને અનુલક્ષીને મેં અંગ્રેજીમાં લખ્યો હતો. બ્લોગ પર મળેલા પ્રોત્સાહક પ્રતિભાવને પગલે અહિં પણ તેનો અનુવાદ કરી બે કે ત્રણ ભાગમાં રજૂ કરીશ. આશા છે તમને પણ અનુભવ વાંચવો ગમશે.]

જીવનમાં બધી સારી વસ્તુઓનો અંત શા માટે આવતો હશે?

હું મારા ૨૬-ઓક્ટોબર-૨૦૦૭ની સાંજે ઓફિસના વાર્ષિક સમારંભમાં યોજાયેલા ડાન્સ પ્રોગ્રામ અને તેના રિહર્સલ્સના સુખદ દિવસો સંદર્ભે વાત કરી રહ્યો છું. વખતે વાર્ષિક સમારંભના કાર્યક્રમમાં અમારા સ્ટાફવર્ગનો  ગ્રૂપ ડાન્સ ઇવેન્ટ એક નવતર પ્રયોગ હતો જેણે ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું.એક ખાસ કોરિઓગ્રાફરને અમને ડાન્સ શિખવવા બોલાવવામાં આવ્યા હતા. તેમણે પોતાનું કામ ભારે નિપુણતાથી પાર પાડ્યું અમારા જેવા સોફ્ટવેર એન્જિન્યર્સ અને સી.., સી.એસ. જેવા પ્રોફેશનલ્સને સ્ટેજ પર નચાવીને! જેમાનાં કેટલાક માટે તો પહેલવહેલો અનુભવ હતો!

કહેવાય છે ને કે યાત્રાની ખરી મજા મુસાફરી દરમ્યાન આવે છે.એ જ રીતે ફાઈનલ ડાન્સ ઇવેન્ટમાં તો મજા આવી જ હતી પણ તે માટેના રિહર્સલ્સનો પંદરેક દિવસનો સમય ગાળો અમારા બધા માટે અવિસ્મરણીય બની રહેશે.
અમારે અમારા જ સહકર્મચારી મિત્રો, સિનિયર્સ કે જુનિયર્સ સામે પર્ફોર્મ કરવાનુ હતુ આથી અમે બધા ખૂબ ઉત્સાહિત હતા.પહેલા દિવસે અમે સૌ એકઠા થયા ઓડિટોરિયમમાં પસંદગી પ્રક્રિયા માટે. કોરિયોગ્રાફર ૬ વાગે આવવાનો હતો તેના ગ્રુપ સાથે. અમે બધા ભેળા થયા હતા અને અમે એક કલાક રાહ જોઈ, બે કલાક વિત્યા અને પ્રથમ દિવસે જ આ રીતે કોરિયોગ્રાફર આટલા મોડા આવ્યા.કોર્પોરેટ જગતમાં સમયનું ખૂબ મહત્વ. એટલે કોઈ આટલા બધા લોકોને આમ બે-બે કલાક રાહ જોવડાવે એ તો વધુ પડતુ જ થઈ ગયુ ગણાય. અમારા આ કાર્યક્રમની આયોજક ટીમના અમારી ઓફિસના સભ્યો, કોરિયોગ્રાઅફરની ટીમ પર બરાબર બગડ્યા અને તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ જ થઈ ગયું. આ કોરિયોગ્રાફરની સમગ્ર ટીમ અમારા કરતા ખાસ્સા અલગ પ્રકારના વ્યવહાર વર્તણૂંક ધરાવતી હતી. અમે બધા ટાઈ -ફોર્મલ વગેરે વસ્ત્ર પરિધાનમાં સજ્જ કોર્પોરેટ પ્રકારના અને તેની ટીમમાં વાંકડિયા લાંબા વાળ ધરવતા હિપ્પી જેવા દેખાતા, બર્મ્યુડા શોર્ટ્સમાં સજ્જ (રોક બેન્ડના સભ્ય હોય તેવો દેખાવ ધરાવતા) અને તે જ પ્રકારના વર્તન-વ્યવહાર ધરાવનાર યુવક-યુવતિઓ હતા.કોરિયોગ્રાફર ઝગડો થતા ક્રોધે તો ભરાયો પણ તેણે પોતે વાંકમાં હોઈ ગુસ્સો દાખવ્યો નહિ. તેણે ઔપચારિક રીતે અમને સૌને મ્યુઝિકના તાલે બે-ત્રણ સહેલા સ્ટેપ્સ કરાવી, અમારી સૌની લચકતા,કૌશલ્ય વગેરેની અમારા નામ સાથે નોંધ કરી. તે આ ભેગી કરેલી માહિતી મુજબ અમને અલગ અલગ ગીત ફાળવવાનો હતો.અમે એ પ્રથમ દિવસે છૂટા પડ્યા.
બીજા દિવસે સાંજે અમે સૌ ફરી ઓડિટોરિયમમાં ભેગા મળ્યા.પણ આજે ફરી પહેલા દિવસની ઘટના નું જ પુનરાવર્તન થયું. કોરિયોગ્રાફર આવ્યો જ નહિં. આજે તો તેનો મોબાઈલ પર પણ સંપર્ક કરી શકાતો નહોતો. તેણે ગઈ કાલે અમારા આયોજકો સાથે થયેલ બોલાચાલી બાદ મનમાં ગાંઠ જ વાળી લીધી હશે કે અમારી સાથે તેણે આ કાર્યક્રમમાં ન જોડાવું. પણ તેણે કોઈ સ્પષ્ટતા કરી જ નહિં અને બોલ્યા વગર જ છેડો ફાડી નાંખ્યો! જે થાય એ સારા માટે. એ ગયો તેથી જ અમે શ્રી હિતેન ગાલા અને તેમની ટીમને અમારા આ કાર્યક્રમની કોરિયોગ્રાફી સોંપી શક્યા અને અમારો આ યાદગાર ડાન્સ-કાર્યક્રમ આપી શક્યા-માણી શક્યા.
હિતેન ગાલા સર સાથેના ડાન્સ પ્રેક્ટીસ સેશન્સ અમારા પ્રોગ્રામના પંદરેક દિવસ પહેલા એક શનિવારથી શરૂ થવાના હતા.મારે એજ સમયે ગુજરાત જવાનુ થયું.હું આ ડાન્સ કાર્યક્રમમાં ભાગ લેવા ખૂબ ઉત્સુક હતો આથી મેં અમારા આયોજક ઓફિસ મિત્રોને મારી જગા ચોક્કસ રાખવા વિનંતી કરી. મનમાં તો મને ફડકો હતો જ કારણ મારે પાંચ દિવસ ગુજરાત રહેવાનું હતું. હું પછીના ગુરૂવારે મુંબઈ પાછો ફર્યા બાદ ઓફિસનું કામ પતાવી, સાડા છ વાગે સીધો દોડ્યો ઓડિટોરિયમમાં! ત્યાંનું દ્રષ્ય મંત્રમુગ્ધ કરી દેનારું હતું.ખાસ પસંદ કરેલા ૧૫-૨૦ જૂના અને નવા ગાયનોની ધૂનપર અમારે નાચવાનું હતું.આમાનાં કેટલાક ગીતો પર અલગ અલગ જૂથોમાં મારા કલીગ્સ ઝૂમી રહ્યા હતા-પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
મારા ખાસ મિત્ર સૂરજે મને એક જૂના ગીતના ખાસ અઘરા ન હતા એવા સ્ટેપ્સ શિખવ્યા અને મને આશા આપી કે મને ચોક્કસ એ ગીત પર ડાન્સ કરવા મળશે! મારા આયોજક મિત્રોએ પણ સહકાર આપ્યો અને છેવટે મને કોરિયોગ્રાફર શ્રી હિતેન ગાલા તરફથી પણ ડાન્સ કરવાનું ગ્રીન સિગ્નલ મળી ગયું અને એક નાનકડા બાળકને પ્રિય રમકડું મળતા જેટલો આનંદ થાય એટલી ખુશીથી હું ઝૂમી ઉઠયો!
સદનસીબે હજી બીજા ૨-૩ ગીતની કોરિયોગ્રાફી શરૂ જ થઈ નહોતી અને મારા માટે તેમાં પણ નૃત્ય કરવા માટેની તક મળવાની આશા જીવંત હતી. ડાન્સ રિહર્સલ્સ ચાલી રહ્યા હતા એ ઓડિટોરિયમ અને તેની બહારના પેસેજના સમગ્ર વિસ્તારનું વાતાવરણ એક વિશેષ ઉર્જા,ઉત્સાહ, યૌવન અને ખુશીથી તેમજ અનેરા તરવરાટ અને થનગનાટથી ભર્યુ ભર્યુ લાગતુ હતું.
બે કોરિયોગ્રાફર્સ અમને ડાન્સ શિખવી રહ્યા હતા. એક શ્રી હિતેન ગાલા પોતે જે પોતાની કલામાં અતિ નિપુણ હતા અને ડાન્સના સ્ટેપ્સ એટલી ખૂબી અને નજાકતથી શિખવાડતા કે બોલિવૂડના હીરો-હીરોઈન પણ એ જોઈ લઘુતાગ્રંથિ અનુભવવા માંડે! તેઓ ઉર્જા અને શ્રેષ્ઠતાની મૂર્તિસમા લાગતા જ્યારે ડાન્સ કરતા. તેમણે બેસાડેલા ડાન્સ સ્ટેપ્સ શિખવામાં સરળ છતાં નજાકત અને ગ્રેસભર્યા હતા. તેમણે બે મુખ્ય ગીતો દેવદાસનું 'સિલસિલા યે ચાહત કા...' અને હમ દિલ દે ચૂકે સનમનું 'ઢોલી તારો..' અત્યાર સુધી કોરિયોગ્રાફ કરી નાંખ્યા હતા.અમારા કાર્યક્રમમાં નવા-જૂના ગીતોની એક પેરોડી શ્રેણી પણ હતી જેમાં એક જૂના ગીતની અંતિમ પંક્તિ થી નવા ગીતના મુખડાની શરૂઆત થતી.આ પેરોડીના બધા ગીતો હિતેન સર જ કોરિયોગ્રાફ કરવાના હતા.
બીજો કોરિયોગ્રાફર હતો તેમનો આસિસ્ટન્ટ અને અમારા જુવાનિયાઓમાં ફેવરેટ બની ચૂકેલો - રોક્સી! તેનું શરીર રબરનું હોય તેમ વળતું હતું,અતિ ફ્લેક્સીબલ. તે મોટા ભાગના વેસ્ટર્ન ડાન્સ બેઝ્ડ બોલિવુડ ગીતો કોરિયોગ્રાફ કરી રહ્યો હતો.મારી તો ઇચ્છા એ બધાં ગીતો પર ડાન્સ કરવાની હતી. પણ હું ગુજરાત થી પાછો ફરું એ પહેલા તેમાંના મોટા ભાગના ગીતો પર કોરિયોગ્રાફી થઈ ચૂકી હતી. આથી મારા નસીબે તો મારા કલીગ મિત્રોને એ પગ થીરકી ઉઠે એવા પણ અઘરાં અને છતાંયે લવલી ડાન્સ પર ઝૂમતા જોવાનું જ લખાયું હતું! રોક્સીએ શક્ય એટલી સુંદર રીતે મનભાવન સ્ટેપ્સ બેસાડ્યા હતાં એ બધાં ગીતો પર! આખરે  મારા સદનસીબે રહી રહીને એક ગીત ઉમેરાયું જેમાં મને પણ રોક્સીની કુશળ કોરિયોગ્રાફી હેઠળ એક ગીત પર ડાન્સ કરવા મળ્યુ : ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મ ના રીમિક્સ્ડ ટાઈટલ ટ્રેક પર! જે મારું ફેવરેટ ગીત હતું!
         આ રીહર્સલ સેશન્સ રોજ સાંજે સાડા છએ ચાલુ થતાં અને લગભગ સવા દસ- સાડા દસ સુધી ચાલુ રહેતાં. આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ થાક્યાપાક્યા હોવા છતાં બધા જુવાનિયાઓ (અમારો મોટા ભાગનો સ્ટાફ યુવાન છે) રીહર્સલ્સ માટે અચૂક હાજર થઈ જતાં! પ્રેક્ટીસ માટે ઓડિટોરિયમમાં ભેગા મળવાની દરેક જણ જાણે આતુરતાપૂર્વક રાહ જોતાં! થોડા કલાક પ્રેક્ટીસ બાદ સ્ટાફ વેલ્ફેર કમીટી (જે ઓફિસમાં અવનવા કાર્યક્રમો યોજવાનું અને એમ્પ્લોયીસના હિતોનું ધ્યાન રાખવા બનાવાયેલી હોય છે) દ્વારા અમારા ડાન્સર્સ માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી. જૈન ડાન્સર્સ પણ સારી સંખ્યામાં હોઈ તેમના માટે કાંદા-લસણ વગરનો જુદો નાસ્તો આવતો.ચા-કોફી સાથે કોરીયોગાફર્સ માટે ખાસ કોલ્ડડ્રીન્ક્સની પણ વ્યવ્સ્થા કરવામાં આવતી. ચા-પાણી-નાસ્તાના બ્રેક પછી ફરી અમારા રીહર્સલ્સનો બીજો દોર શરૂ થતો.





ગુજરાતથી પાછા ફર્યા બાદ મારા ખાસ મિત્ર અને કલીગ એવા સૂરજે  મને પાર્ટનર ફિલ્મના 'સોલવા સાલ હૈ...' ગીતના કેટલાક સરળ સ્ટેપ્સ શિખવાડ્યા હતાં. જે શિખી મારો આત્મવિશ્વાસ થોડો મજબૂત બન્યો હતો. નહિતર ગુજરાત જઈને આવ્યો ત્યાં સુધીમાં બીજા કલીગ મિત્રો તો ઘણાં બધાં ગીતો પર સ્ટેપ્સ શિખી ઘણું સારૂં એવું આગળ વધી ચૂક્યા હતાં. જો મેં રોક્સીના અઘરા સ્ટેપ્સ વાળા વેસ્ટર્ન ડાન્સથી શરૂઆત કરી હોત તો મારા માટે બીજા કલીગ્સ સાથે તાલમેલ મેળવી તેમની સાથે સિન્ક-અપ થવું ખાસ્સું અઘરૂં બની રહ્યું હોત. પણ મારા જેવા બીજા બે -ચાર લેટ લતીફો પણ હતાં જેમણે મારી સાથે 'સોલવા સાલ...' વાળા સરળ સ્ટેપ્સ ધરાવતાં ગીતથી શરૂઆત કરી !

બીજું એક ગીત જેના પર મેં ડાન્સની પ્રેક્ટીસ શરૂ કરી હતું : રંગ દે બસંતીનું ટાઈટલ સોન્ગ. દરરોજ રીહર્સલ્સ સેશન્સની શરૂઆત થતી 'ઢોલી તારો...' ગીતથી અને માત્ર છોકરીઓ જેના પર ડાન્સ કરવાની હતી ગીત 'સિલસિલા યે ચાહત કા...' ગીત થી.અમારામાંથી મોટા ભાગનાને લાગતું કે હિતેન સર બે ગીતો માટે આવતા વેત સ્તેજ ઝડપી લે છે અને રોક્સીના ગીતો પર ડાન્સ કરનારાઓને અન્યાય થાય છે! ડાન્સર્સને ઓડિટોરિયમની બહાર નાનનકડા પેસેજમાં પ્રેક્ટીસ કરવી પડતી! જગા સાંકડી હોવાથી ત્યાં બધા ડાન્સર્સ બરાબર ફીટ પણ થઈ શકતા નહિ.પણ તેઓ જેમેતેમ કરીને એડજસ્ટ કરતાં પણ તેમના મનમાં હિતેનસર પ્રત્યે છૂપો રોષ વધતો ચાલ્યો! ક્યારેક તો ઓડિટોરિયમની બહાર બે-ત્રણ જૂથ અલગ અલગ ગીત પર એક સાથે પ્રેક્ટીસ કરતાં અને હિતેન સરની ખૂદણી પણ!

એવામાં રીહર્સલ્સના  દિવસો દરમ્યાન ૧૯મી ઓક્ટોબરે મારો જન્મ દિવસ આવ્યો અને એ દિવસ હું ક્યારેય ભૂલી નહિ શકું! બધા ડાન્સર્સે ભેગા મળી કાવત્રુ કર્યું અને મને સ્ટેજ પર લઈ જઈ ટીંગાટોળી કરી બર્થડે બમ્પ્સ આપ્યાં! યોગેશ અને આસિફ નામના મારા કલીગ્સે મળીને ત્રાગડો રચ્યો હતો! તેઓ મને ખેંચીને સ્ટેજ પર લઈ ગયા અને એકે મારા બે હાથ અને બીજાએ બે પગ પકડી બાળકને ઉઠાવતા હોય તેમ ઉપાડી લઈ બીજાઓએ પણ કૂંડાળુ બનાવી મને પગથી હળવી લાતોની ગિફ્ટ આપી! હવે તમે કહો કંઈ ભૂલી શકાય એવી વાત છે?!!
(ક્રમશ: )

[આ ઈવેન્ટની કેટલીક સુંદર રંગીન તસવીરો જોવા માટે વેબસાઈટ પર જાઓ:

રવિવાર, 11 ઑગસ્ટ, 2013

ગેસ્ટ બ્લોગ : બ્લોગથી પ્રેરાઈ સત્કાર્ય કરતી વેળા થયેલો અનુભવ


                                        -  ઈલા વૈદ્ય

આ કટારમાં દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્ય નો બ્લોગ વાંચી, તેનાથી પ્રેરાઈને મેં અને મારી દીકરીએ દયાવિહાર અનાથાશ્રય માં જવાનું નક્કી કર્યું .ત્યાં જઈને જે અનુભવ્યું તે માન્યામાં ન આવે કે ખરેખર શું આવા માનવ પણ હોઈ શકે? તેને માટે માનવ નહિ પણ દેવ શબ્દ જ યોગ્ય છે. આજ ખરી ભક્તિ પછી મંદિર માં ન જઈએ  તો પણ પ્રભુ પ્રસન્ન રહે. આજે જયારે એક બાળક બસ નો જમાનો આવી ગયો છે ત્યારે ૧૭ બાળકોને નિસ્વાર્થ ભાવે ઉછેરવા સંસ્કાર અને શિસ્તથી એ તો કોઈ આવા  ચાકો દંપતિ જેવા વિરલા જ કરી શકે. અમે ગયા કે તરતજ દરેક બાળક આવીને લાઈનસર બેસી ગયા . પોતાનો પરિચય આપ્યો. બધાએ સાથે  મળીને ગીત ગાયુ અને અમારો આભાર વ્યક્ત કર્યો . દરેકના મોઢા પર હસીખુશી તરતી હતી. બાળઉછેર એજ પરમોધર્મ ગણી પોતાના અંગત મોજશોખનો ત્યાગ કરવો એ તો કોઈ મહાન આત્માજ કરી શકે.  

                             મારી દીકરીએ બધા બાળકો સાથે વાર્તાલાપ, ડિબેટ કરી , તેમની સાથે રમત રમી, આ બધા બાળકો માં જે યુવાન વયના છે તે સામાજિક અને રાજનૈતિક વિચારધારા ધરાવે  છે. મારી દીકરી એ તેમને પુછ્યું કે વિશ્વમાં તમે એક વસ્તુ બદલવા માંગતા હો તો તમે કઈ વસ્તુ બદલો ? તો એકે જવાબ આપ્યો કે હું શિક્ષણ પ્રણાલી બદલીશ. કારણ કે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં મહદ અંશે ગોખણપટ્ટી હોય છે. અને શિક્ષકો પણ ભણાવવામાં ઉત્સાહ નથી દાખવતા. મને એવી શિક્ષણ પ્રણાલી જોઈએ છે જેમાં પ્રેક્ટીકલ ટીચિંગ પ્રોસેસ હોય. બીજા એ કહ્યું કે હું ટેકનોલોજી ના લીધે જે આળસ આ પ્રજામાં આવી ગઈ છે તેને હું બદલવા માંગું છું. ત્રીજા એ કહ્યું કે હું ભ્રષ્ટાચાર ને દુર કરવા માંગું છું. એમના જવાબ સાંભળી અમે ગદગદ થઇ ગયા અને તાળીઓ થી તેમને વધાવી લીધા. આ છોકરાઓ આપણી યુવા પેઢીને પણ પ્રેરણા આપે તેવા છે. આ છોકરાઓના વિચારથી  આપણે જાણી શકીએ કે ચાકો દંપતિ એમને સારા સંસ્કાર આપી એમના સર્વાંગી વિકાસમાં કાર્યરત છે.

                   અમનેતો ખબરજ ના પડી કે આમાંથી એમના બે દીકરા કયા છે? પોતાના બે બાળકો સાથે તેમના જેવીજ કાળજીથી બીજા પંદર બાળકોને ઉછેરવા,ભણાવવા,સર્વાંગી વિકાસ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે કાબિલે દાદ છે.

                   આવા સુંદર માર્ગદર્શક લેખો લખવા એ પણ એક ઉત્તમ સામાજિક સેવા જ છે. વિકાસભાઈને ખુબ ખુબ ધન્યવાદ. 

                                                                                                ઈલા વૈદ્ય

રવિવાર, 4 ઑગસ્ટ, 2013

બ્રહ્મકમળ દર્શન માટે બ્લોગના વાચકમિત્રોનો આભાર!


          જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ સારી ઘટનાઓ બની. અગાઉ "પુષ્પોનું સુંદર વિશ્વ" બ્લોગમાં ગુલાબી રંગના સુંદર લીલીના પુષ્પોની વાત કરી હતી.એ વાંચી નવી મુંબઈમાં રહેતા દિપાલીબેન સંઘવી નામના વાચકે તેમના દમણના ઘરે ઉગતાં પીળા લીલી પુષ્પોના બીજ મને કુરિયર દ્વારા મોકલી આપ્યાં! તરત એ ઉગાડ્યા અને ગત સપ્તાહમાં એ બીજ અંકુરિત થઈ તેમાંથી નાના નાના રોપ ઉગી નિકળ્યા છે! આ છોડ જલ્દીથી મોટા થઈ જાય એવી ઇચ્છા હું ધરાવું છું અને ગુલાબી અને સફેદ લીલીની સુંદરતા માણવાની સાથે સાથે હવે હું પીળા સુંદર લીલી પુષ્પો જોવા આતુર છું! આ ચોમાસે જ જો આ ફૂલો જોવા મળી જાય તો તો મજા પડી જાય! નહિતર ધીરજના 'ફૂલ' મધુરા એમ કહેવત થોડી બદલીને મન મનાવવું પડશે! દિપાલીબેન તમારો આ પીળા લીલીના બીજ મોકલાવવા બદલ હ્રદયપૂર્વકનો આભાર!

        સાથે આ બ્લોગમાં જ એક ઇચ્છા એવી વ્યક્ત કરી હતી કે વર્ષમાં એક જ વાર ખીલતાં (કે દર્શન દેતાં?) બ્રહ્મકમળના પુષ્પો જોવાની ઝંખના છે. ગયા વર્ષે હું એક રાત મોડો પડ્યો અને આ ફૂલ એક પાડોશીને ત્યાં જોતા ચૂકી ગયેલો! આ ફૂલોની વિશેષતા એ છે કે વર્ષમાં એક-બે વાર જ ચોમાસાની એક રાતે તેઓ ખીલે છે થોડાં જ કલાકો માટે. આ વર્ષે બ્લોગ વાંચી મને પહેલા ફોન કર્યો મંજુબેન સાવલા નામના વાચકે ગોરેગામથી. કળી દેખાઈ એટલે એક દિવસ અગાઉ તેમણે મને જાણ કરી આમંત્રણ આપ્યું કે એક-બે દિવસમાં જ બ્રહ્મકમળ ખીલશે એટલે તમે એ જોવા અવશ્ય પધારજો. પણ જુલાઈ માસના અંતિમ દિવસે .... ના એક્ચ્યુલી રાતે તેમનો ફરી ફોન આવ્યો કે ફૂલો ખીલી ચૂક્યાં છે! મને ઓફિસમાં મોડું થયું હતું અને તબિયત પણ થોડી નરમ-ગરમ હોઈ મેં નિસાસો નાખ્યો કે આ વર્ષે પણ બ્રહ્મકમળ જોવા નહિ મળે. ત્યાં જ મોબાઈલની ઘંટડી ફરી રણકી અને સામેથી મારા ઘરથી નજીકના જ અંતરે રહેતા નિલેશભાઈ ગણાત્રા નામના વાચક મિત્રે જણાવ્યું કે તેમણે મારો ફૂલો વાળો બ્લોગ વાંચ્યો હતો અને તેમના ઘરે પણ ૩૧મી જુલાઈની એ રાતે એક-બે નહિ પણ પૂરા પાંચ પાંચ બ્રહ્મકમળ પુષ્પો એક સાથે ખીલ્યાં હતાં! તેમણે પણ મને ભાવ પૂર્વક તેમના ઘરે એ ફૂલોના દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું. આ વર્ષે બ્રહ્મકમળ દર્શનનું સૌભાગ્ય મારા લલાટે લખાયું જ હશે! એટલે કોઈ જાતની પૂર્વ ઓળખાણ કે વાતચીત વગર સામેથી આ બીજા વાચકમિત્રનો ફોન આવ્યો! હું અમી અને નમ્યાને લઈ પહોંચી ગયો રાતે ૧૧ વાગે નિલેશભાઈ ગણાત્રાના ઘરે. પ્રવેશતાં જ સામે પાંચ પાંચ બ્રહ્મકમળ પુષ્પો જાણે હસીને અમારું સ્વાગત કરી રહ્યાં હતાં! શી એમની આભા...શી એમની શોભા! કદાચ એ નાજુક પણ કદમાં સારા એવા મોટા ફૂલોની સુંદરતા, એમની નજાકત, એમની દિવ્યતા, એમના પ્રભાવને હું શબ્દોમાં ન્યાય નહિ આપી શકું. કદાચ આ બ્લોગ સાથે છપાયેલ ફોટો પણ એમ કરવામાં સંપૂર્ણ રીતે સફળ નહિ થઈ શકે! આ માટે તો તમારે પોતે આ ફૂલના પ્રત્યક્ષ દર્શન કરવા રહ્યાં...
 

નિલેશભાઈના પત્ની નીતાબેન મારા બ્લોગની કટાર નિયમિત વાંચે અને નિલેશભાઈને શનિવારે જન્મભૂમિની મહેક પૂર્તિમાં આવતી ઇન્ટરનેટ કોર્નર ખૂબ ગમે! તેઓ નિયમિત આ બંને કટાર ઘણાં સમયથી વાંચતા હતાં પણ તેમણે ક્યારેય પ્રતિભાવ મોકલ્યો ન હતો પણ જ્યારે તેમના ઘેર બ્રહ્મકમળ ખીલ્યાં ત્યારે તેમને મારો ફૂલો પરનો બ્લોગ યાદ આવ્યો અને તેમણે તરત મને ફોન કરી આ દુર્લભ ફૂલના દર્શન કરવા આમંત્ર્યો. હું એ બદલ આ દંપતિનો આભાર માનું છું.

બ્રહ્મકમળ ફૂલની વિશેષતા એ છે કે તે ચોમાસું બરાબર જામી જાય ત્યાર પછીની શ્રાવણ માસની કે તેની નજીકની એક રાત્રિએ ખીલે છે. જેમ છોડ મોટો થતો જાય તેમ ફૂલોની સંખ્યા વધતી જાય. નિલેશભાઈના ઘરે પાંચ તો તેમના અન્ય એક સંબંધીને ત્યાં પણ એ જ રાતે એક ફૂલ ખીલ્યું હતું. મંજુબેન સાવલાને ફોન કરતાં માલૂમ પડ્યું કે તેમને ત્યાં પણ એ જ રાતે એક કરતાં વધુ બ્રહ્મકમળ ખીલ્યાં હતાં અને તેમની સોસાયટીમાં પાંચેક પાડોશીઓને ત્યાં પણ એજ રાતે કુલ મળીને પચીસેક બ્રહ્મકમળ ખીલ્યાં હતાં. મંજુ બેન પ્રકૃતિ પ્રેમી છે અને પ્રાણીઓ,પંખીઓ તેમજ વનસ્પતિ અંગેનું સારું એવું જ્ઞાન ધરાવે છે.તેમણે બીજા પણ અનેક પ્રકારના કમળની અને અન્ય દુર્લભ ફૂલોની રસપ્રદ માહિતી આપી. તેમનો પણ મને બ્રહ્મકમળ જોવા બોલાવવા અને ફૂલો વિશેની રસપ્રદ માહિતી આપવા બદલ આભાર!
 

ઓફિસના એક મિત્રને જ્યારે બીજે દિવસે મેં બ્રહ્મકમળ જોયાના અનુભવની વાત કરી ત્યારે તેણે દાવો કર્યો કે તેના ઘેર પણ બ્રહ્મકમળનો છોડ છે અને તેને ત્યાં ગયા વર્ષે એક કરતાં વધુ વાર ચોમાસાની રાત્રિ દરમ્યાન આ ફૂલ ખીલ્યા હતાં. હવે એક વાર ખીલે કે એક કરતાં વધુ વાર પણ આ ફૂલ ચોક્કસ અન્ય ફૂલો કરતાં નોખાં અને વિશિષ્ટ છે અને તેમની દિવ્યતાનો અનુભવ તો તમે તેમને જુઓ ત્યારે જ કરી શકો.

દિપાલીબેને મોકલાવેલ પીળા લીલીના ફૂલના થોડાં બીજ મેં નીતા નિલેશ ગણાત્રા સાથે પણ વહેંચ્યા અને તેમણે પણ મને બ્રહ્મકમળના છોડની એકાદ ડાળી આપવાનો કોલ આપ્યો છે! અન્ય એક ગાર્ડનિંગનો શોખ ધરાવતી ઓફિસમિત્રને પણ પીળા લીલીના થોડા બીજ મેં આપ્યાં છે અને બીજાં થોડાં બીજ મંજુબેનને પણ મારે પહોંચતા કરવાના છે. આમ દિપાલી બેને મોકલાવેલ પીળા લીલીના પુષ્પો ચાર ચાર ઘરોમાં પોતાની સુંદરતા ફેલાવશે!

થોડા મહિનાઓ અગાઉ વડાલા રહેતાં, આ કટારના નિયમિત વાચક અને ગેસ્ટ બ્લોગર એવા કિશોરીબેન કામદારે પણ મને 'મે ફ્લાવર' તરીકે ઓળખાતા, ફક્ત મે મહિનામાં જ ફૂલ ખીલવતા એક પ્રકારના છોડનો રોપ આપ્યો હતો, જે એક વાર ઉંદર ખાઈ જવા છતાં, થોડા દિવસો અગાઉ ફરી ઉગ્યો છે! હું આશા રાખું છું કે આવતા વર્ષે મારે ઘેર પીળા લીલીના પુષ્પો,મે ફ્લાવર અને બ્રહ્મકમળ ત્રણે પુષ્પો ખીલે!