Translate

Monday, August 19, 2013

ડાન્સ ડાન્સ...! (ભાગ-૧)


[મૂળ બ્લોગ ૨૦૦૭માં મારી ઓફિસના એન્યુઅલ ડે સમારંભમાં અમે ડાન્સ શો રાખ્યો હતો તેને અનુલક્ષીને મેં અંગ્રેજીમાં લખ્યો હતો. બ્લોગ પર મળેલા પ્રોત્સાહક પ્રતિભાવને પગલે અહિં પણ તેનો અનુવાદ કરી બે કે ત્રણ ભાગમાં રજૂ કરીશ. આશા છે તમને પણ અનુભવ વાંચવો ગમશે.]

જીવનમાં બધી સારી વસ્તુઓનો અંત શા માટે આવતો હશે?

હું મારા ૨૬-ઓક્ટોબર-૨૦૦૭ની સાંજે ઓફિસના વાર્ષિક સમારંભમાં યોજાયેલા ડાન્સ પ્રોગ્રામ અને તેના રિહર્સલ્સના સુખદ દિવસો સંદર્ભે વાત કરી રહ્યો છું. વખતે વાર્ષિક સમારંભના કાર્યક્રમમાં અમારા સ્ટાફવર્ગનો  ગ્રૂપ ડાન્સ ઇવેન્ટ એક નવતર પ્રયોગ હતો જેણે ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું.એક ખાસ કોરિઓગ્રાફરને અમને ડાન્સ શિખવવા બોલાવવામાં આવ્યા હતા. તેમણે પોતાનું કામ ભારે નિપુણતાથી પાર પાડ્યું અમારા જેવા સોફ્ટવેર એન્જિન્યર્સ અને સી.., સી.એસ. જેવા પ્રોફેશનલ્સને સ્ટેજ પર નચાવીને! જેમાનાં કેટલાક માટે તો પહેલવહેલો અનુભવ હતો!

કહેવાય છે ને કે યાત્રાની ખરી મજા મુસાફરી દરમ્યાન આવે છે.એ જ રીતે ફાઈનલ ડાન્સ ઇવેન્ટમાં તો મજા આવી જ હતી પણ તે માટેના રિહર્સલ્સનો પંદરેક દિવસનો સમય ગાળો અમારા બધા માટે અવિસ્મરણીય બની રહેશે.
અમારે અમારા જ સહકર્મચારી મિત્રો, સિનિયર્સ કે જુનિયર્સ સામે પર્ફોર્મ કરવાનુ હતુ આથી અમે બધા ખૂબ ઉત્સાહિત હતા.પહેલા દિવસે અમે સૌ એકઠા થયા ઓડિટોરિયમમાં પસંદગી પ્રક્રિયા માટે. કોરિયોગ્રાફર ૬ વાગે આવવાનો હતો તેના ગ્રુપ સાથે. અમે બધા ભેળા થયા હતા અને અમે એક કલાક રાહ જોઈ, બે કલાક વિત્યા અને પ્રથમ દિવસે જ આ રીતે કોરિયોગ્રાફર આટલા મોડા આવ્યા.કોર્પોરેટ જગતમાં સમયનું ખૂબ મહત્વ. એટલે કોઈ આટલા બધા લોકોને આમ બે-બે કલાક રાહ જોવડાવે એ તો વધુ પડતુ જ થઈ ગયુ ગણાય. અમારા આ કાર્યક્રમની આયોજક ટીમના અમારી ઓફિસના સભ્યો, કોરિયોગ્રાઅફરની ટીમ પર બરાબર બગડ્યા અને તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ જ થઈ ગયું. આ કોરિયોગ્રાફરની સમગ્ર ટીમ અમારા કરતા ખાસ્સા અલગ પ્રકારના વ્યવહાર વર્તણૂંક ધરાવતી હતી. અમે બધા ટાઈ -ફોર્મલ વગેરે વસ્ત્ર પરિધાનમાં સજ્જ કોર્પોરેટ પ્રકારના અને તેની ટીમમાં વાંકડિયા લાંબા વાળ ધરવતા હિપ્પી જેવા દેખાતા, બર્મ્યુડા શોર્ટ્સમાં સજ્જ (રોક બેન્ડના સભ્ય હોય તેવો દેખાવ ધરાવતા) અને તે જ પ્રકારના વર્તન-વ્યવહાર ધરાવનાર યુવક-યુવતિઓ હતા.કોરિયોગ્રાફર ઝગડો થતા ક્રોધે તો ભરાયો પણ તેણે પોતે વાંકમાં હોઈ ગુસ્સો દાખવ્યો નહિ. તેણે ઔપચારિક રીતે અમને સૌને મ્યુઝિકના તાલે બે-ત્રણ સહેલા સ્ટેપ્સ કરાવી, અમારી સૌની લચકતા,કૌશલ્ય વગેરેની અમારા નામ સાથે નોંધ કરી. તે આ ભેગી કરેલી માહિતી મુજબ અમને અલગ અલગ ગીત ફાળવવાનો હતો.અમે એ પ્રથમ દિવસે છૂટા પડ્યા.
બીજા દિવસે સાંજે અમે સૌ ફરી ઓડિટોરિયમમાં ભેગા મળ્યા.પણ આજે ફરી પહેલા દિવસની ઘટના નું જ પુનરાવર્તન થયું. કોરિયોગ્રાફર આવ્યો જ નહિં. આજે તો તેનો મોબાઈલ પર પણ સંપર્ક કરી શકાતો નહોતો. તેણે ગઈ કાલે અમારા આયોજકો સાથે થયેલ બોલાચાલી બાદ મનમાં ગાંઠ જ વાળી લીધી હશે કે અમારી સાથે તેણે આ કાર્યક્રમમાં ન જોડાવું. પણ તેણે કોઈ સ્પષ્ટતા કરી જ નહિં અને બોલ્યા વગર જ છેડો ફાડી નાંખ્યો! જે થાય એ સારા માટે. એ ગયો તેથી જ અમે શ્રી હિતેન ગાલા અને તેમની ટીમને અમારા આ કાર્યક્રમની કોરિયોગ્રાફી સોંપી શક્યા અને અમારો આ યાદગાર ડાન્સ-કાર્યક્રમ આપી શક્યા-માણી શક્યા.
હિતેન ગાલા સર સાથેના ડાન્સ પ્રેક્ટીસ સેશન્સ અમારા પ્રોગ્રામના પંદરેક દિવસ પહેલા એક શનિવારથી શરૂ થવાના હતા.મારે એજ સમયે ગુજરાત જવાનુ થયું.હું આ ડાન્સ કાર્યક્રમમાં ભાગ લેવા ખૂબ ઉત્સુક હતો આથી મેં અમારા આયોજક ઓફિસ મિત્રોને મારી જગા ચોક્કસ રાખવા વિનંતી કરી. મનમાં તો મને ફડકો હતો જ કારણ મારે પાંચ દિવસ ગુજરાત રહેવાનું હતું. હું પછીના ગુરૂવારે મુંબઈ પાછો ફર્યા બાદ ઓફિસનું કામ પતાવી, સાડા છ વાગે સીધો દોડ્યો ઓડિટોરિયમમાં! ત્યાંનું દ્રષ્ય મંત્રમુગ્ધ કરી દેનારું હતું.ખાસ પસંદ કરેલા ૧૫-૨૦ જૂના અને નવા ગાયનોની ધૂનપર અમારે નાચવાનું હતું.આમાનાં કેટલાક ગીતો પર અલગ અલગ જૂથોમાં મારા કલીગ્સ ઝૂમી રહ્યા હતા-પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
મારા ખાસ મિત્ર સૂરજે મને એક જૂના ગીતના ખાસ અઘરા ન હતા એવા સ્ટેપ્સ શિખવ્યા અને મને આશા આપી કે મને ચોક્કસ એ ગીત પર ડાન્સ કરવા મળશે! મારા આયોજક મિત્રોએ પણ સહકાર આપ્યો અને છેવટે મને કોરિયોગ્રાફર શ્રી હિતેન ગાલા તરફથી પણ ડાન્સ કરવાનું ગ્રીન સિગ્નલ મળી ગયું અને એક નાનકડા બાળકને પ્રિય રમકડું મળતા જેટલો આનંદ થાય એટલી ખુશીથી હું ઝૂમી ઉઠયો!
સદનસીબે હજી બીજા ૨-૩ ગીતની કોરિયોગ્રાફી શરૂ જ થઈ નહોતી અને મારા માટે તેમાં પણ નૃત્ય કરવા માટેની તક મળવાની આશા જીવંત હતી. ડાન્સ રિહર્સલ્સ ચાલી રહ્યા હતા એ ઓડિટોરિયમ અને તેની બહારના પેસેજના સમગ્ર વિસ્તારનું વાતાવરણ એક વિશેષ ઉર્જા,ઉત્સાહ, યૌવન અને ખુશીથી તેમજ અનેરા તરવરાટ અને થનગનાટથી ભર્યુ ભર્યુ લાગતુ હતું.
બે કોરિયોગ્રાફર્સ અમને ડાન્સ શિખવી રહ્યા હતા. એક શ્રી હિતેન ગાલા પોતે જે પોતાની કલામાં અતિ નિપુણ હતા અને ડાન્સના સ્ટેપ્સ એટલી ખૂબી અને નજાકતથી શિખવાડતા કે બોલિવૂડના હીરો-હીરોઈન પણ એ જોઈ લઘુતાગ્રંથિ અનુભવવા માંડે! તેઓ ઉર્જા અને શ્રેષ્ઠતાની મૂર્તિસમા લાગતા જ્યારે ડાન્સ કરતા. તેમણે બેસાડેલા ડાન્સ સ્ટેપ્સ શિખવામાં સરળ છતાં નજાકત અને ગ્રેસભર્યા હતા. તેમણે બે મુખ્ય ગીતો દેવદાસનું 'સિલસિલા યે ચાહત કા...' અને હમ દિલ દે ચૂકે સનમનું 'ઢોલી તારો..' અત્યાર સુધી કોરિયોગ્રાફ કરી નાંખ્યા હતા.અમારા કાર્યક્રમમાં નવા-જૂના ગીતોની એક પેરોડી શ્રેણી પણ હતી જેમાં એક જૂના ગીતની અંતિમ પંક્તિ થી નવા ગીતના મુખડાની શરૂઆત થતી.આ પેરોડીના બધા ગીતો હિતેન સર જ કોરિયોગ્રાફ કરવાના હતા.
બીજો કોરિયોગ્રાફર હતો તેમનો આસિસ્ટન્ટ અને અમારા જુવાનિયાઓમાં ફેવરેટ બની ચૂકેલો - રોક્સી! તેનું શરીર રબરનું હોય તેમ વળતું હતું,અતિ ફ્લેક્સીબલ. તે મોટા ભાગના વેસ્ટર્ન ડાન્સ બેઝ્ડ બોલિવુડ ગીતો કોરિયોગ્રાફ કરી રહ્યો હતો.મારી તો ઇચ્છા એ બધાં ગીતો પર ડાન્સ કરવાની હતી. પણ હું ગુજરાત થી પાછો ફરું એ પહેલા તેમાંના મોટા ભાગના ગીતો પર કોરિયોગ્રાફી થઈ ચૂકી હતી. આથી મારા નસીબે તો મારા કલીગ મિત્રોને એ પગ થીરકી ઉઠે એવા પણ અઘરાં અને છતાંયે લવલી ડાન્સ પર ઝૂમતા જોવાનું જ લખાયું હતું! રોક્સીએ શક્ય એટલી સુંદર રીતે મનભાવન સ્ટેપ્સ બેસાડ્યા હતાં એ બધાં ગીતો પર! આખરે  મારા સદનસીબે રહી રહીને એક ગીત ઉમેરાયું જેમાં મને પણ રોક્સીની કુશળ કોરિયોગ્રાફી હેઠળ એક ગીત પર ડાન્સ કરવા મળ્યુ : ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મ ના રીમિક્સ્ડ ટાઈટલ ટ્રેક પર! જે મારું ફેવરેટ ગીત હતું!
         આ રીહર્સલ સેશન્સ રોજ સાંજે સાડા છએ ચાલુ થતાં અને લગભગ સવા દસ- સાડા દસ સુધી ચાલુ રહેતાં. આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ થાક્યાપાક્યા હોવા છતાં બધા જુવાનિયાઓ (અમારો મોટા ભાગનો સ્ટાફ યુવાન છે) રીહર્સલ્સ માટે અચૂક હાજર થઈ જતાં! પ્રેક્ટીસ માટે ઓડિટોરિયમમાં ભેગા મળવાની દરેક જણ જાણે આતુરતાપૂર્વક રાહ જોતાં! થોડા કલાક પ્રેક્ટીસ બાદ સ્ટાફ વેલ્ફેર કમીટી (જે ઓફિસમાં અવનવા કાર્યક્રમો યોજવાનું અને એમ્પ્લોયીસના હિતોનું ધ્યાન રાખવા બનાવાયેલી હોય છે) દ્વારા અમારા ડાન્સર્સ માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી. જૈન ડાન્સર્સ પણ સારી સંખ્યામાં હોઈ તેમના માટે કાંદા-લસણ વગરનો જુદો નાસ્તો આવતો.ચા-કોફી સાથે કોરીયોગાફર્સ માટે ખાસ કોલ્ડડ્રીન્ક્સની પણ વ્યવ્સ્થા કરવામાં આવતી. ચા-પાણી-નાસ્તાના બ્રેક પછી ફરી અમારા રીહર્સલ્સનો બીજો દોર શરૂ થતો.

ગુજરાતથી પાછા ફર્યા બાદ મારા ખાસ મિત્ર અને કલીગ એવા સૂરજે  મને પાર્ટનર ફિલ્મના 'સોલવા સાલ હૈ...' ગીતના કેટલાક સરળ સ્ટેપ્સ શિખવાડ્યા હતાં. જે શિખી મારો આત્મવિશ્વાસ થોડો મજબૂત બન્યો હતો. નહિતર ગુજરાત જઈને આવ્યો ત્યાં સુધીમાં બીજા કલીગ મિત્રો તો ઘણાં બધાં ગીતો પર સ્ટેપ્સ શિખી ઘણું સારૂં એવું આગળ વધી ચૂક્યા હતાં. જો મેં રોક્સીના અઘરા સ્ટેપ્સ વાળા વેસ્ટર્ન ડાન્સથી શરૂઆત કરી હોત તો મારા માટે બીજા કલીગ્સ સાથે તાલમેલ મેળવી તેમની સાથે સિન્ક-અપ થવું ખાસ્સું અઘરૂં બની રહ્યું હોત. પણ મારા જેવા બીજા બે -ચાર લેટ લતીફો પણ હતાં જેમણે મારી સાથે 'સોલવા સાલ...' વાળા સરળ સ્ટેપ્સ ધરાવતાં ગીતથી શરૂઆત કરી !

બીજું એક ગીત જેના પર મેં ડાન્સની પ્રેક્ટીસ શરૂ કરી હતું : રંગ દે બસંતીનું ટાઈટલ સોન્ગ. દરરોજ રીહર્સલ્સ સેશન્સની શરૂઆત થતી 'ઢોલી તારો...' ગીતથી અને માત્ર છોકરીઓ જેના પર ડાન્સ કરવાની હતી ગીત 'સિલસિલા યે ચાહત કા...' ગીત થી.અમારામાંથી મોટા ભાગનાને લાગતું કે હિતેન સર બે ગીતો માટે આવતા વેત સ્તેજ ઝડપી લે છે અને રોક્સીના ગીતો પર ડાન્સ કરનારાઓને અન્યાય થાય છે! ડાન્સર્સને ઓડિટોરિયમની બહાર નાનનકડા પેસેજમાં પ્રેક્ટીસ કરવી પડતી! જગા સાંકડી હોવાથી ત્યાં બધા ડાન્સર્સ બરાબર ફીટ પણ થઈ શકતા નહિ.પણ તેઓ જેમેતેમ કરીને એડજસ્ટ કરતાં પણ તેમના મનમાં હિતેનસર પ્રત્યે છૂપો રોષ વધતો ચાલ્યો! ક્યારેક તો ઓડિટોરિયમની બહાર બે-ત્રણ જૂથ અલગ અલગ ગીત પર એક સાથે પ્રેક્ટીસ કરતાં અને હિતેન સરની ખૂદણી પણ!

એવામાં રીહર્સલ્સના  દિવસો દરમ્યાન ૧૯મી ઓક્ટોબરે મારો જન્મ દિવસ આવ્યો અને એ દિવસ હું ક્યારેય ભૂલી નહિ શકું! બધા ડાન્સર્સે ભેગા મળી કાવત્રુ કર્યું અને મને સ્ટેજ પર લઈ જઈ ટીંગાટોળી કરી બર્થડે બમ્પ્સ આપ્યાં! યોગેશ અને આસિફ નામના મારા કલીગ્સે મળીને ત્રાગડો રચ્યો હતો! તેઓ મને ખેંચીને સ્ટેજ પર લઈ ગયા અને એકે મારા બે હાથ અને બીજાએ બે પગ પકડી બાળકને ઉઠાવતા હોય તેમ ઉપાડી લઈ બીજાઓએ પણ કૂંડાળુ બનાવી મને પગથી હળવી લાતોની ગિફ્ટ આપી! હવે તમે કહો કંઈ ભૂલી શકાય એવી વાત છે?!!
(ક્રમશ: )

[આ ઈવેન્ટની કેટલીક સુંદર રંગીન તસવીરો જોવા માટે વેબસાઈટ પર જાઓ:

No comments:

Post a Comment