Translate

રવિવાર, 4 ઑગસ્ટ, 2013

બ્રહ્મકમળ દર્શન માટે બ્લોગના વાચકમિત્રોનો આભાર!


          જુલાઈ માસના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ સારી ઘટનાઓ બની. અગાઉ "પુષ્પોનું સુંદર વિશ્વ" બ્લોગમાં ગુલાબી રંગના સુંદર લીલીના પુષ્પોની વાત કરી હતી.એ વાંચી નવી મુંબઈમાં રહેતા દિપાલીબેન સંઘવી નામના વાચકે તેમના દમણના ઘરે ઉગતાં પીળા લીલી પુષ્પોના બીજ મને કુરિયર દ્વારા મોકલી આપ્યાં! તરત એ ઉગાડ્યા અને ગત સપ્તાહમાં એ બીજ અંકુરિત થઈ તેમાંથી નાના નાના રોપ ઉગી નિકળ્યા છે! આ છોડ જલ્દીથી મોટા થઈ જાય એવી ઇચ્છા હું ધરાવું છું અને ગુલાબી અને સફેદ લીલીની સુંદરતા માણવાની સાથે સાથે હવે હું પીળા સુંદર લીલી પુષ્પો જોવા આતુર છું! આ ચોમાસે જ જો આ ફૂલો જોવા મળી જાય તો તો મજા પડી જાય! નહિતર ધીરજના 'ફૂલ' મધુરા એમ કહેવત થોડી બદલીને મન મનાવવું પડશે! દિપાલીબેન તમારો આ પીળા લીલીના બીજ મોકલાવવા બદલ હ્રદયપૂર્વકનો આભાર!

        સાથે આ બ્લોગમાં જ એક ઇચ્છા એવી વ્યક્ત કરી હતી કે વર્ષમાં એક જ વાર ખીલતાં (કે દર્શન દેતાં?) બ્રહ્મકમળના પુષ્પો જોવાની ઝંખના છે. ગયા વર્ષે હું એક રાત મોડો પડ્યો અને આ ફૂલ એક પાડોશીને ત્યાં જોતા ચૂકી ગયેલો! આ ફૂલોની વિશેષતા એ છે કે વર્ષમાં એક-બે વાર જ ચોમાસાની એક રાતે તેઓ ખીલે છે થોડાં જ કલાકો માટે. આ વર્ષે બ્લોગ વાંચી મને પહેલા ફોન કર્યો મંજુબેન સાવલા નામના વાચકે ગોરેગામથી. કળી દેખાઈ એટલે એક દિવસ અગાઉ તેમણે મને જાણ કરી આમંત્રણ આપ્યું કે એક-બે દિવસમાં જ બ્રહ્મકમળ ખીલશે એટલે તમે એ જોવા અવશ્ય પધારજો. પણ જુલાઈ માસના અંતિમ દિવસે .... ના એક્ચ્યુલી રાતે તેમનો ફરી ફોન આવ્યો કે ફૂલો ખીલી ચૂક્યાં છે! મને ઓફિસમાં મોડું થયું હતું અને તબિયત પણ થોડી નરમ-ગરમ હોઈ મેં નિસાસો નાખ્યો કે આ વર્ષે પણ બ્રહ્મકમળ જોવા નહિ મળે. ત્યાં જ મોબાઈલની ઘંટડી ફરી રણકી અને સામેથી મારા ઘરથી નજીકના જ અંતરે રહેતા નિલેશભાઈ ગણાત્રા નામના વાચક મિત્રે જણાવ્યું કે તેમણે મારો ફૂલો વાળો બ્લોગ વાંચ્યો હતો અને તેમના ઘરે પણ ૩૧મી જુલાઈની એ રાતે એક-બે નહિ પણ પૂરા પાંચ પાંચ બ્રહ્મકમળ પુષ્પો એક સાથે ખીલ્યાં હતાં! તેમણે પણ મને ભાવ પૂર્વક તેમના ઘરે એ ફૂલોના દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું. આ વર્ષે બ્રહ્મકમળ દર્શનનું સૌભાગ્ય મારા લલાટે લખાયું જ હશે! એટલે કોઈ જાતની પૂર્વ ઓળખાણ કે વાતચીત વગર સામેથી આ બીજા વાચકમિત્રનો ફોન આવ્યો! હું અમી અને નમ્યાને લઈ પહોંચી ગયો રાતે ૧૧ વાગે નિલેશભાઈ ગણાત્રાના ઘરે. પ્રવેશતાં જ સામે પાંચ પાંચ બ્રહ્મકમળ પુષ્પો જાણે હસીને અમારું સ્વાગત કરી રહ્યાં હતાં! શી એમની આભા...શી એમની શોભા! કદાચ એ નાજુક પણ કદમાં સારા એવા મોટા ફૂલોની સુંદરતા, એમની નજાકત, એમની દિવ્યતા, એમના પ્રભાવને હું શબ્દોમાં ન્યાય નહિ આપી શકું. કદાચ આ બ્લોગ સાથે છપાયેલ ફોટો પણ એમ કરવામાં સંપૂર્ણ રીતે સફળ નહિ થઈ શકે! આ માટે તો તમારે પોતે આ ફૂલના પ્રત્યક્ષ દર્શન કરવા રહ્યાં...
 

નિલેશભાઈના પત્ની નીતાબેન મારા બ્લોગની કટાર નિયમિત વાંચે અને નિલેશભાઈને શનિવારે જન્મભૂમિની મહેક પૂર્તિમાં આવતી ઇન્ટરનેટ કોર્નર ખૂબ ગમે! તેઓ નિયમિત આ બંને કટાર ઘણાં સમયથી વાંચતા હતાં પણ તેમણે ક્યારેય પ્રતિભાવ મોકલ્યો ન હતો પણ જ્યારે તેમના ઘેર બ્રહ્મકમળ ખીલ્યાં ત્યારે તેમને મારો ફૂલો પરનો બ્લોગ યાદ આવ્યો અને તેમણે તરત મને ફોન કરી આ દુર્લભ ફૂલના દર્શન કરવા આમંત્ર્યો. હું એ બદલ આ દંપતિનો આભાર માનું છું.

બ્રહ્મકમળ ફૂલની વિશેષતા એ છે કે તે ચોમાસું બરાબર જામી જાય ત્યાર પછીની શ્રાવણ માસની કે તેની નજીકની એક રાત્રિએ ખીલે છે. જેમ છોડ મોટો થતો જાય તેમ ફૂલોની સંખ્યા વધતી જાય. નિલેશભાઈના ઘરે પાંચ તો તેમના અન્ય એક સંબંધીને ત્યાં પણ એ જ રાતે એક ફૂલ ખીલ્યું હતું. મંજુબેન સાવલાને ફોન કરતાં માલૂમ પડ્યું કે તેમને ત્યાં પણ એ જ રાતે એક કરતાં વધુ બ્રહ્મકમળ ખીલ્યાં હતાં અને તેમની સોસાયટીમાં પાંચેક પાડોશીઓને ત્યાં પણ એજ રાતે કુલ મળીને પચીસેક બ્રહ્મકમળ ખીલ્યાં હતાં. મંજુ બેન પ્રકૃતિ પ્રેમી છે અને પ્રાણીઓ,પંખીઓ તેમજ વનસ્પતિ અંગેનું સારું એવું જ્ઞાન ધરાવે છે.તેમણે બીજા પણ અનેક પ્રકારના કમળની અને અન્ય દુર્લભ ફૂલોની રસપ્રદ માહિતી આપી. તેમનો પણ મને બ્રહ્મકમળ જોવા બોલાવવા અને ફૂલો વિશેની રસપ્રદ માહિતી આપવા બદલ આભાર!
 

ઓફિસના એક મિત્રને જ્યારે બીજે દિવસે મેં બ્રહ્મકમળ જોયાના અનુભવની વાત કરી ત્યારે તેણે દાવો કર્યો કે તેના ઘેર પણ બ્રહ્મકમળનો છોડ છે અને તેને ત્યાં ગયા વર્ષે એક કરતાં વધુ વાર ચોમાસાની રાત્રિ દરમ્યાન આ ફૂલ ખીલ્યા હતાં. હવે એક વાર ખીલે કે એક કરતાં વધુ વાર પણ આ ફૂલ ચોક્કસ અન્ય ફૂલો કરતાં નોખાં અને વિશિષ્ટ છે અને તેમની દિવ્યતાનો અનુભવ તો તમે તેમને જુઓ ત્યારે જ કરી શકો.

દિપાલીબેને મોકલાવેલ પીળા લીલીના ફૂલના થોડાં બીજ મેં નીતા નિલેશ ગણાત્રા સાથે પણ વહેંચ્યા અને તેમણે પણ મને બ્રહ્મકમળના છોડની એકાદ ડાળી આપવાનો કોલ આપ્યો છે! અન્ય એક ગાર્ડનિંગનો શોખ ધરાવતી ઓફિસમિત્રને પણ પીળા લીલીના થોડા બીજ મેં આપ્યાં છે અને બીજાં થોડાં બીજ મંજુબેનને પણ મારે પહોંચતા કરવાના છે. આમ દિપાલી બેને મોકલાવેલ પીળા લીલીના પુષ્પો ચાર ચાર ઘરોમાં પોતાની સુંદરતા ફેલાવશે!

થોડા મહિનાઓ અગાઉ વડાલા રહેતાં, આ કટારના નિયમિત વાચક અને ગેસ્ટ બ્લોગર એવા કિશોરીબેન કામદારે પણ મને 'મે ફ્લાવર' તરીકે ઓળખાતા, ફક્ત મે મહિનામાં જ ફૂલ ખીલવતા એક પ્રકારના છોડનો રોપ આપ્યો હતો, જે એક વાર ઉંદર ખાઈ જવા છતાં, થોડા દિવસો અગાઉ ફરી ઉગ્યો છે! હું આશા રાખું છું કે આવતા વર્ષે મારે ઘેર પીળા લીલીના પુષ્પો,મે ફ્લાવર અને બ્રહ્મકમળ ત્રણે પુષ્પો ખીલે!

1 ટિપ્પણી: