Translate

શુક્રવાર, 28 જૂન, 2013

ગેસ્ટ બ્લોગ : વસ્તીની પેલે પાર ....

         - ખેવના દેસાઈ


“જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તનેય દૂરના ચશ્માં છે ઈશ્વર….”

સૌમ્ય જોશીની આ પંક્તિઓમાં આવતી એ દૂર ની વસ્તી તરફથી જો ઈશ્વર પણ મોં  ફેરવી લેતો હોય તો આપણે? બારીના કાચ કે  નાકનું  ટીચકું ચડાવતાં  અધખુલ્લી આંખમાંથી કે હૃદયનાં પટ પરથી એ આખું દ્રશ્ય ભૂંસી નાખવા મથતા  હોઈએ છીએ. એ વસ્તી, ગંદવાડ, મંદવાડ કે  અંધકાર હંમેશા આપણી  આસપાસ છતાં આપણાંથી જોજન દુર હોય એવી ભ્રમણા છે . પણ એનું હોવું એ એક કટુ સત્ય છે. પણ આ કટુતા જો આકર્ષણનું કેન્દ્ર બની જાય તો? એ જોજન દુર એવા સત્ય ને નજીકથી અનુભવવા, કઈ કેટલાય જોજનોનું ભૌતિક  અંતર કાપવા આજે ધાડેધાડા તૈયાર છે એની જાણ  છે તમને?
ઝૂંપડપટ્ટી પર્યટન, સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એટલું જ આ પર્યટનનું ક્ષેત્ર પ્રખ્યાત છે, દક્ષિણ આફ્રિકા ના  રાયો- દ-જનારીઓ માં 15 વર્ષ પહેલા આ જુવાળ શરૂ  થયો હતો જે આજે  કૂદકે ને ભૂસકે વધતો લાખો  રૂપિયાનો  ઉદ્યોગ બની ગયો છે . આફ્રિકા જ્યાં કુદરત એની સોળે કળાએ ખીલી છે.  ત્યાંજ ગરીબી ને ભૂખમરો પણ ચોમેર પોતાનું સામ્રાજ્ય ધરાવે છે . આવા વિરોધાભાસી વાતાવરણ વચ્ચે વિક્ટોરિયા સફારી અને નૈરોબી ટુરીઝમ એડવેન્ચર જેવી સંસ્થાઓ એ ગરીબી ને ભૂખમરાનું પ્રદર્શન કરી રોકડો વેપલો કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એકલા કેપ ટાઉન માં 2006 માં 3 લાખ  પર્યટકો એ આ ઝૂંપડપટ્ટી પર્યટનનો આનંદ માણ્યો હતો . અને આ જુવાળ હવે આફ્રિકા જ નહિ પણ દ .અમેરિકા નાં મેક્સિકો કે એશિયા નાં મનીલામાંય ધૂમ મચાવી રહ્યું છે .
પણ એ તો બધું ત્યાં  થાય છે પણ એમાં આપણે શું? પણ આમાં તો આપણું  લાડીલું શહેર પણ અપવાદ નથી . મુંબઈ ની 40% વસ્તી જ્યાં રહે છે તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક ધારાવી તો આ ધંધાનું એક મુખ્ય કેન્દ્ર છે. ચામડાની પર્સ કે માટીના ઘડાની ખરીદી  સિવાય ક્યારેય ધારાવી જોયું છે? લગભગ 6 લાખ લોકો જ્યાં  1500 નાના મોટા ઉદ્યોગો કરી પેટીયું રળે છે એ વસ્તી પીવાના પાણી ની વાત જવા દો  સૂર્ય ના એકાદ કિરણથીયે વંચિત છે ..તો  એવી પ્રજા ને મળવાનું મન થાય ખરું? ખબર છે મને કે ગમે તેટલા પરદુઃખભંજન હશો તોય ના જ પાડશો તો પછી આ ઝૂંપડપટ્ટી પર્યટન કોને માટે? ચકચાર જગાવવા જાણીતી મીડિયા માટે કે બીજા ને દુઃખી જોઈ દુઃખી થતા સમાજ સેવકો માટે?. ..ના રે ના પર્યટન તો આનંદ પ્રમોદ માટે હોય, ખરું ને?
છેલ્લા 8 વર્ષથી ધારાવીનું પર્યટન કરાવતા "રીઆલીટી ટુર્સ  એન્ડ ટ્રાવેલ્સ"નાં  મતે  આ તો મુંબઈનાં પ્રવાસનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. મુંબઈ આપણા  ભારતીયો માટે સ્વપ્નનગરી છો હોય દરિયા પાર ના પ્રવાસીઓ માટે તો એકમાત્ર ધારાવી જ સાહસ અને ઉત્તેજનાનું સરનામું છે . આ પર્યટનમાં ભાગ લેનારાઓ માં 95% પશ્ચિમ દેશોમાંથી આવતાં પ્રવાસીઓ છે જેને જીવનની  "રીઆલીટી" ને ખુબ નજીકથી જોવી છે. એમના દેશ માં ટીવી પર અવારનવાર દેખાડાતી ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવાતી વરવી ગરીબી ની વાસ્તવિકતા જોવી છે . અને પોતે એ વાસ્તવિકતાથી પર,  ઘણે અંશે સમૃદ્ધ છે એનો છીછરો સંતોષ લેવો છે.
રીઆલીટી ટુર્સ વાળા આ કામ સુપેરે કરી જાણે છે .ધારાવી અને આસપાસના વિસ્તારની સાથે ધોબી ઘાટ અને ગ્રાન્ટ રોડનાં  કમાટીપુરા પણ તેમના "રિઅલ એક્સ્પિરીંયન્સ"નાં પેકેજ માં આવરી લેવામાં આવે છે. વૈભવી હોટેલમાંથી પીક અપ અને એ.સી. ગાડી માં પ્રવાસ જેવા ડીંડાણા સાથે આ ટુર્સ ગજવા ભરે છે. પ્રવાસીઓની જીજ્ઞાસા સંતોષવા  એકાદ 'ખોલી' ભાડે રાખી તેનું અવલોકન અને તેની પતરા ની છત પરથી આસપાસ નો નઝારો જોવાની વ્યવસ્થા પણ છે . ટુર ગાઈડનાં કહેવા પ્રમાણે આ તો 5-સ્ટાર સ્લમ છે અહીના ઘરોમાં ટીવી છે, ફ્રીજ છે ને વિસ્તારમાં પોતાનું જીમ પણ છે પણ એને કોઈ પૂછતું નથી કે સ્વચ્છતા, પાણી કે સૂર્યપ્રકાશ નો વૈભવ ક્યાં? પ્રવાસીઓ ક્યારેક નિરાશ પણ થાય છે કારણકે એ લોકો  તો ભૂખ્યા-નાગા છોકરા અને ગંદા ગોબરા માણસો જોવાની આશાએ  આવ્યા હોય છે અને એ ક્યાંક પૂરી ના થતા રંજ અનુભવે છે .
મારા દેશની, મારા શહેર ની ગરીબી એક વરવા મનોરંજનનું સાધન બની જાય એ મને માન્ય નથી. મારા દેશવાસીનાં  ઉઘાડા ઘરો માં ડોકિયા કરીને, ફોટા પાડીને એ વેચીને ખિસ્સા ભરવાની ધ્રુણાસ્પદ માનસિકતા અસહ્ય છે . એક આવીજ વસ્તીના રેહવાસીનું વેધક વિધાન કે "એ લોકો અમારો ફોટો પાડીને લઇ જાય છે ને છોગાં માં અમારું સ્વમાન પણ" કેટલું પીડાદાયી છે!   મૃત્યુ કે માંદગીની જેમ ગરીબીનો મલાજો રાખવો  જરૂરી નથી? અશ્લીલ દ્રશ્યો જ નથી હોતા માનસિકતા પણ હોય છે . વધુ ગરીબ કોણ છે વસ્તી ની પેલે પાર રહેતા કે પછી????
                                                                                                                                                                                                                                         - ખેવના દેસાઈ

મંગળવાર, 11 જૂન, 2013

પુષ્પોનું સુંદર વિશ્વ

     મને ઝાડછોડ વાવવાનો ઘણો શોખ છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહિ,ત્યાં આંગણામાં બગીચો બનાવવાની તો કલ્પના જ કરવી રહી! આમ છતાં મારા ઘરની આસપાસ તેમજ ગેલેરીમાં મેં દસેક કુંડાઓમાં તુલસી, બારમાસી,મની પ્લાન્ટ,સુશોભન તેમજ વાસ્તુ માટે સારા ગણાતા બામ્બુ(વાંસ) પ્લાન્ટ્સ,એક નાનો લીમડો,પથરીના પાનનો છોડ,તીવ્ર સુગંધ વાળા અજમાના પાન ધરાવતો છોડ અને બીજા મને નામ નથી ખબર તેવા અન્ય ત્રણચાર છોડ વાવ્યાં છે અને તેમને હું ઘણાં પ્રેમથી ઉછેરું છું. હવે આમાં એક ઘાસ જેવો દેખાતો અંગ્રેજીમાં લીલી નામે ઓળખાતા સુંદર નાજુક ફૂલોનો છોડ છે જે મને વિશેષ પ્રિય છે. આ ફૂલોની ખાસિયત એ છે કે તેમનો વરસાદ સાથે કોઈક અનેરો સંબંધ છે.વર્ષારૂતુની શરૂઆતમાં જ ઘાસ જેવા દેખાતા આ છોડ પર ઘણાં બધાં ગુલાબી ફૂલો આવે છે જે અતિ નાજુક અને સુંદર હોય છે. દિવસ થતાં આ પુષ્પો ખીલે અને સાંજ સુધીમાં ફરી બિડાઈ જાય અને આ પુષ્પોનું આયુષ્ય એક જ દિવસનું. વર્ષારાણીનું આગમન થઈ ચૂક્યા બાદ એક નાના કૂંડામાં વાવેલા છોડને સતત સાત-આઠ દિવસ સુધી દસ-બાર ફૂલો રોજ આવે! અને એ કૂંડુ સુંદરતાથી ઘેરાઈ જાય!


 હવાની લહેરખી સાથે મંદ મંદ ઝૂમતાં આ ફૂલો જાણે આસપાસના અન્ય છોડવા અને ફૂલો સાથે વાતચીત કરતા દેવદૂત સમા લાગે! લીલીના ફૂલ સફેદ રંગના પણ હોય છે. લીલીના ફૂલનું કદ સાવ નાનું પણ તેની સુંદરતા અપાર! બારમાસીના ફૂલ જેવડું જ તેમનું કદ.તેને પાંચ-છ ગુલાબી પાંખડી અને વચ્ચે  નાજુક નાનકડી બે-ચાર દાંડીઓનાં અગ્ર ભાગ પર પીળા રંગના તંતુઓ જોવા મળે. આ ફૂલને ભગવાને સુગંધ નથી આપી પણ તેમનામાં અને કમળના પુષ્પોમાં ઘણી સામ્યતા લાગે. લીલી જાણે કમળની મીની આવ્રુત્તિ જોઈ લ્યો! લીલીના ફૂલ સફેદ રંગના પણ થાય છે.માત્ર ફરક એટલો કે ગુલાબી પાંખડીઓની જગાએ તેમની પાંખડીઓ સફેદ રંગની હોય છે. મારી ઓફિસની એક મિત્રને મેં ગુલાબી લીલીના છોડ આપી તેની પાસેથી સફેદ લીલીના છોડ મેળવ્યા છે પણ તેમાં હજી આ વર્ષારૂતુનાં ફૂલ આવ્યાં નથી અને હું મારા ગુલાબી અને સફેદ લીલી પુષ્પોને વધાવવા આતુર છું!

     પાડોશમાં એક જગાએ બ્રહ્મ કમળ નામનું એક સફેદ રંગનું પુષ્પ થાય છે જેની ખાસિયત એ છે કે તે પણ વર્ષમાં એક જ વાર ખીલે છે અને તે પણ મધ્યરાત્રિને સમયે!ગયા વર્ષે હું એ જોવામાં મોડો પડ્યો અને બીજે દિવસે રાત્રે ખબર પડી એ તે ફૂલ વર્ષમાં એક જ વાર એક રતે ખીલે છે અને તે તોડીને મંદિરમાં મહાદેવને ચડાવી દેવાયું હતું. હવે જોઇએ આ વર્ષે એ પુષ્પના દર્શન થાય છે કે કેમ!
કમળ બે પ્રકારના હોય છે એક રાત્રે ખીલનારા અને બીજાં દિવસે ખીલનારા.આ ફૂલનું સૌંદર્ય એટલું અદભૂત હોય છે કે પેલા એક સંસ્ક્રુત શ્લોકમાં કહ્યા મુજબ ભમરો ઉડી જવાને બદલે તેના મોહાકર્ષણમાં, તે બિડાઈ જવાનું હોય ત્યારે તેમાં કેદ થઈ મોત વહાલું કરે છે!
એક કમળનું ફૂલ એવા પ્રકારનું પણ થતું સાંભળ્યું છે જે બાર વર્ષે એક જ વાર ખીલે છે!
     પુણે પાસે 'કાસ' નામનો એક સપાટ મેદાન જેવો પ્રદેશ છે.જ્યાં ચોમાસું પૂરું થવા આવે તે સમયે ખાસ પ્રકારના ફૂલોની મખમલી ચાદરથી એ આખો પ્રદેશ છવાઈ જાય છે. જાંબલી અને ગુલાબી રંગના ફૂલો.જ્યાં સુધી દ્રષ્ટી જાય ત્યાં સુધી ફૂલો અને માત્ર ફૂલો! આ ચોમાસું પૂરું થયે આ પ્રદેશની મુલાકાત લેવા જેવી ખરી.પણ એક વાત યાદ રાખવી કે અહિં જતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અથવા તમે બી.એન.એચ.એસ. જેવી સંસ્થાનો સંપર્ક કરી શકો જે ત્યાંના પ્રવાસનું આયોજન કરતે હોય છે.( આ જગા વિશે વધુ માહિતા મેળવવા અને ત્યાંની કેટલીક સુંદર તસ્વીરો જોવા http://www.placesnearpune.com/2010/09/kaas-plateau-maharashtra-valley-of-flowers/   આ વેબસાઈટની મુઆકાત લો.)

     ઉત્તરાખંડ રાજ્યમાં તો ‘વેલી ઓફ ફ્લાવર્સ’ તરીકે ઓળખાતી આખી ફૂલોની ખીણ છે જેના વિષે મેં ફક્ત સાંભળ્યુ જ છે.મૈસૂરના વૃંદાવન ગાર્ડન અને ઊટીના ફૂલોના બગીચાઓ પણ મેં હજી સુધી જોયા નથી. આ પ્રદેશોની અને ઉદ્યાનોની મુલાકાત એક વાર તો ચોક્કસ લેવી જ છે અને કાશ્મીરમાં થતા કાળા ગુલાબ અને બાર વર્ષે એક જ વાર ખીલતા પેલા બ્રહ્મકમળને  પણ એક વાર પ્રત્યક્ષ નિહાળવાની ઇચ્છા ખરી!


May Flower picture shared by Dr. Bharat Palan (see comments of this blog for more details). This flower also blooms only once a month in May every year :

રવિવાર, 2 જૂન, 2013

પ્રાણીઓ માટે પુલ


        આસામ,બિહાર,ઝારખંડ,મધ્યપ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગીચ જંગલોમાં થઈને રેલવે ટ્રેક પસાર થતાં હોય છે. ગીચ જંગલોમાં માનવ વસ્તી ઓછી હોવાને લીધે કદાચ ગાડી પૂરપાટ ભગાવવામાં આવતી હોય છે પણ અહિ સ્વાર્થી અને અવિચારી સત્તાવાળાઓ અને ગાડી હંકારનારા ડ્રાઈવર્સ હકીકત ભૂલી જતાં હોય છે અથવા કદાચ હકીકત સામે આંખ આડા કાન કરતાં હોય છે કે ગીચ જંગલોમાં, પ્રુથ્વી પર મનુષ્ય જેટલો જીવવાનો અબાધિત અધિકાર ધરાવતા પ્રાણીઓ વસતા હોય છે. જંગલ જેનું ઘર હોય એવા પ્રાણીઓ જ્યારે પોતાના વિસ્તારમાં એક જગાએથી બીજી જગાએ ચાલીને જતા હોય અને ત્યાં તેમના માર્ગમાં વચ્ચે રેલવે પાટા પરથી પૂરપાટ ઝડપે પસાર થતી ગાડી આવી જાય ત્યારે ભયંકર અકસ્માત સર્જાતો હોય છે અને ત્યારે ગાડી કે મનુષ્યને તો દેખીતું કોઈ નુકસાન થતું નથી પણ એક કે ક્યારેક એક કરતાં વધુ અબોલ સજીવો પોતાનો જીવ ગુમાવી બેસે છે અથવા ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે.પોતાના કોઈ જાતના ગુના વગર તેમને સજા મળે છે.

ગયા સપ્તાહે અખબારમાં ત્રણ હાથીઓના રેલવે ટ્રેક પાસે પડેલા શબ જોઈ કાળજુ કંપી ગયું.અન્ય એક હાથી બૂરી રીતે ઘાયલ થયો હતો. હાથીઓ મોટે ભાગે ટોળામાં રહેતા - ચાલતા હોય છે.તેથી ગમખ્વાર અકસ્માતમાં ત્રણ હાથી મ્રુત્યુ પામ્યાં અને એક હાથી ઘાયલ થયો હતો. દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી જિલ્લાના બનાર્હટ વિસ્તારના જંગલમાં બની હતી પણ આવા કિસ્સા અગાઉ પણ અનેક વાર બન્યાં છે અને છાપાંઓમાં તેના જુગુપ્સા પ્રેરક ચિત્રો છપાયાં બાદ ભૂલાઈ ગયાં છે.

આપણે વિદેશી પ્રજા પાસેથી અંગે કંઈક ચોક્કસ શીખી શકીએ.

હિંદી મહાસાગરમાં આવેલા ક્રિસ્મસ આઈલેન્ડ નામના ઓસ્ટ્રેલિયન ટાપુ પર મનુષ્યો સહિત અનેક અન્ય જાતના પ્રાણીઓ અને વનસ્પતિ જીવે છે. ટાપુઓ અહિં વસતા ખાસ પ્રકારનાં લાલ કરચલાઓ માટે વિખ્યાત છે.તેમની સંવનનની રૂતુમાં, કરચલાઓ લાખોની સંખ્યામાં જંગલમાંથી દરિયા કિનારા તરફ સ્થળાંતર કરે છે. ખાસ રૂતુમાં ત્યાંની સરકાર અમુક રસ્તાઓ વાહન વ્યવહાર માટે સાવ બંધ કરી દે છે. ક્રિસ્મસ આઈલેન્ડમાં ત્યાંની સરકારે અન્ય કેટલાક માર્ગ પર ખાસ કરચલાઓ માટે આખા પુલ કે જમીનની નીચે (અન્ડરગ્રાઉન્ડ) ટનલ્સ બનાવ્યા છે જ્યાંથી પસાર થતાં કરચલાઓ વાહનો નીચે ચગદાઈ મરતા નથી અને આમ હજારો કરચલાઓનાં જીવ બચી જાય છે.
 

 
 


(ખાસ પ્રકારના કરચલાઓ અંગે વધુ માહિતી મેળવવા અને તેમના રંગીન ફોટોગ્રાફ્સ જોવા http://www.amusingplanet.com/2011/11/christmas-island-is-small-australian.html  વેબસાઈટની મુલાકાત લો.)

ભારતમાં બને છે તેમ આફ્રિકામાં પણ હાથીઓ અને જંગલો વચ્ચેથી પસાર થતા રસ્તાઓ પરના વાહનો વચ્ચે ટક્કર થતી હતી.કેન્યાના ઉત્તર પ્રાંતમાં હાથીઓની સુરક્ષા કાજે ત્યાંની સરકારે આશરે ૧૦લાખ ડોલરના ખર્ચે ભૂગર્ભમાંથી પસાર થતો પુલ (અન્ડરપાસ) બનાવી દીધો છે જેથી ઉપર રસ્તા પરથી વાહનો અને નીચે બોગદામાંથી હાથીઓ સુરક્ષિત રીતે પસાર થઈ શકે.


નેધરલેન્ડના હાઈવે અ-૫૦ પર સતત વાહનોના ટ્રાફીક જામ હોય છે,એ હાઈવેની બંને બાજુએ વિશાળ જંગલ પથરાયેલું છે.હરણ,ત્યાંનું સ્થાનિક પશુ બેજર,જંગલી ભુંડ વગેરે રસ્તો ક્રોસ કરતે વખતે ઘણી વાર અકસ્માતનો ભોગ બનતાં હતાં.પરિણામે નેધરલેન્ડની સરકારે ત્યાંના હાઈવે પર નાના મોટા ૬૦૦ પુલ બનાવડાવ્યા છે.વળી પુલો ક્રુત્રિમ ન લાગે અને પ્રાણીઓ તેમનો સહજતાથી ઉપયોગ કરી શકે એ માટે તેના પર હરિયાળી પણ ઉગાડવામાં આવી છે.અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં અનેક કાચિંડાઓ રસ્તો ક્રોસ કરતે વેળાએ વાહનો નીચે આવીને ચગદાઈ મરતાં હતાં.એ એન્કાઉન્ટર્સ ન થાય એ માટે ત્યાંની સરકારે ઠેર ઠેર એ રસ્તાઓ પર ટનલ્સ તૈયાર કરાવી છે.




કેનેડાના આલ્બર્ટામાં આવેલા બાન્ફ નેશનલ પાર્ક ખાતે,જર્મનીના બિર્કેનાઉ,અમેરિકાના ન્યુજર્સી ખાતે સ્કોચ પ્લેન્સમાં અને વોચતુંગ રીઝર્વેશન ખાતે ઇન્ટરસ્ટેટ ૭૮માં,બેલ્જિયમ ખાતે ઈ-૩૧૪,અમેરિકાના મોન્ટાના ખાતે ફ્લેટહેડ ઇન્ડિયન રીઝર્વેશન ખાતે,નેધરલેન્ડના બોર્કેલ્ડ ખાતે,અમેરિકાના વોશિંગ્ટન ખાતે કીચેલસ સરોવર નજીક આવા ખાસ પ્રાણીઓ માટેના પુલ બનાવાયા છે અથવા બનાવાઈ રહ્યા છે. (પ્રાણીઓ માટેના પુલની તસવીરો જોવા માટે  http://twistedsifter.com/2012/07/animal-bridges-around-the-world વેબસાઈટ વિઝીટ કરો.) વિશ્વમાં અનેક જગાએ પ્રાણીઓની સુરક્ષા માટે હાઈવે અને સંવેદનશીલ માર્ગો પાસે સચેત રહેવાનો સંદેશ આપતા અર્થસભર હોર્ડીંગ્ઝ અને બેનર્સ લગાડેલા પણ જોવા મળે છે.




આપણાં દેશમાં તો ગાયમાં ૩૩કરોડ દેવીદેવતાઓનો વાસ હોવાનું મનાય છે અને તેની પૂજા કરાય છે. નાગપંચમી જેવા તહેવારો ફક્ત નાગની પૂજા કરવા મનાવાય છે અને અનેક જગાઓએ ગોગમહારજના મંદિરો બનવી ત્યાં નાગદેવની પૂજા થાય છે.આ બધું કરવાની સાથે આપણી સરકાર જો પ્રાણીઓ માટે, તેમની સુરક્ષા માટે પગલાં લે તો આપણે સાચા અર્થમાં તેમનાં માટે કંઈક કર્યું લેખાય. આપણી ભ્રષ્ટાચારથી ખદબદતી સરકાર જેમાં ઘાસચારા કૌભાંડો સર્જાય છે ત્યાં માણસો માટે પુલ બનાવવામાં પણ વર્ષો લાગી જતાં હોય અને અનેક ગેરરીતિઓ આચરવામાં આવતી હોય ત્યાં પ્રાણીઓ માટે અલાયદા પુલ બાંધવાની વાત સ્વપ્નવત લાગે છે!પણ આશા રાખીએ કે સ્વપ્ન પૂર્ણ થાય અને એટ લીસ્ટ જંગલમાંથી પસાર થતી ગાડીઓના ડ્રાઈવર્સને ભગવાન એટલે સદબુદ્ધિ આપે કે તેઓ રેલવેની ગાડી કે અન્ય વાહનની સ્પીડ ધીમી રાખે જેથી કોઈ નિર્દોષ પશુ પોતાનો જીવ   ગુમાવે...