Translate

મંગળવાર, 23 માર્ચ, 2010

આજકાલના નેતાઓ Vs મહાત્મા ગાંધીજી

માયાવતીનું લાખો રૂપિયાની નોટોનો હાર પહેરી અભિવાદન ઝીલતી તસવીર છાપામાં નજરે પડી.આગળ વાંચ્યું ગયા અઠવાડિયે આ જ માયાવતીને કરોડ રૂપિયા જેટલી કિંમતની ચલણી નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હયો અને તેમની પાર્ટીના એક નેતાએ તો જાહેરાત પણ કરી દીધી કે હવે પછીના દરેક જાહેર સમારંભમાં માયાવતીદીદીને આ જ રીતે ચલણી નોટોના હારથી સત્કારવામાં આવશે. આ એ જ માયાવતી છે જે થોડા સમય અગાઉ તેમના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કરોડો રૂપિયાના પૂતળા ઉભા કરવા બદલ સમાચારોમાં ચમક્યા હતાં.(ક્યારે આપણાં આજકાલનાં નેતાઓ સાચા અને યોગ્ય કારણસર સમાચારોમાં આવતા થશે?)
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો