સૂરત શહેરના એક અતિ ચર્ચાસ્પદ ગેંગરેપ કેસનો ચુકાદો ફક્ત બે-અઢી મહિનામાં આવી ગયો એ સમાચાર વાંચી ખૂબ આનંદ થયો.ભારતમાં કાયદાકાનૂનની લડત વર્ષો સુધી ખૂબ લાંબી ચાલે છે અને ક્યારેક તો સાચા નિર્દોષ લોકોને જીવનભર ઝઝૂમવા છતાંય ન્યાય નથી મળતો.આવી પરિસ્થિતીમાં એક ગેંગરેપ કેસનો ચુકાદો ફક્ત અઢી મહિનામાં આવી જાય એ ખૂબ સારી વાત છે અને આને કાયદાકાનૂનની દુનિયામાં પરિવર્તન લાવવામાટે એક શ્રેષ્ઠ દાખલા તરીકે લઈ શકાય,ખાસ તો એટલા માટે પણ કારણકે અહિં ૧૨મા ધોરણમાં ભણતી એક માસૂમ વિદ્યાર્થિની પર તેના સહધ્યાયી યુવક મિત્ર સમક્ષ સમૂહ બળાત્કાર જેવું હિચકારુ દુષ્ક્રુત્ય આચરનાર આરોપી ત્રણ ગુનેગારો પૈકી એક તો સરકારી ખાતાના એક પોલિસ ઓફિસરનો દિકરો હતો.
તાજેતરમાં ફરી અખબારોમાં ચર્ચાએ ચડેલો રુચિકા કેસ હોય કે પછી મુંબઈનો બે વર્ષ પહેલાનો નિરજ ગ્રોવર હત્યા કેસ કે પછી સિને કલાકાર શાઈની આહૂજા દ્વારા તેની નોકરાણી પર થયેલા કથિત બળાત્કારનો કેસ હોય આ બધા કેસોની સૂનવણીઓની તારીખ પર તારીખ પડ્યા કરે છે.ઘણા આવા કેસો શરૂઆતમાં મિડીયામાં ઘણા ચગે છે અને ખાસ્સી એવી જાહેર ઉત્કંઠા જગાવે છે પણ સમયના ચક્કર સાથે મિડીયાનો પણ તેમનામાંથી રસ ઓછો થતો જાય છે અને અંતે તેઓ ટૂંકી એવી લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે.
આપણામાંના કેટલાને અભિષેક કાસ્લીવાલ કેસ કે પછી પાત્રાવાલા અપહરણ અને હત્યા કેસ યાદ છે?આવા ઘણા કેસો મજબૂત પૂરાવાઓના અભાવે કાં તો કાયદામાં રહેલા ગૂંચવાડા અને છટકબારીઓ કે પછી ક્યારેક આરોપી મોટા માથાના હોવાને લીધે કે તેના શક્તિશાળી સંપર્કોને કારણે લાંબા સમય બાદ અદાલતમાં સૂનાવણી માટે સમય પામતા જ નથી.
બળાત્કાર એક અતિ અધમ અને હીન એવો ગંભીર ગુનો છે જેનો ભોગ બનેલી વ્યક્તિએ તેના પરિણામ જીવનભર ભોગવવાનો વારો આવે છે.આપણો સમાજ હજી બળાત્કારનો ભોગ બનેલી તદ્દન નિર્દોષ વ્યક્તિને સાહજિક્તાથી સ્વીકારી શકે એટલો પુખ્ત બન્યો નથી જે એક દુ:ખની વાત છે.ઘણી બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિ આત્મહત્યાનો આશરો લે છે અથવા જો આરોપી વગ ધરાવનાર વ્યક્તિ હોય તો તે બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિનું જીવન નરકથીયે બદતર બનાવી દે છે.
કેટલાક દિવસ પહેલા એક રૂંવાડા ઉભા કરી દે એવો કિસ્સો વાંચ્યો જેમાં એક હોસ્પિટલમાં એક વોર્ડબોયે એક નર્સ પર આજથી છત્રીસ વર્ષ પહેલા બળાત્કાર કર્યો હતો તેની વાત હતી જેના કારણે તે નર્સ કોમામાં ચાલી ગયેલી અને આજે પણ તે નર્સ એ જ સ્થિતીમાં જીવીત છે.તે નરાધમ વોર્ડબોયે નર્સ પ્રતિકાર ન કરી શકે તેમજ ચીસ ન પાડી શકે એ માટે તેના ગળામાં ધાતુની સાંકળ બાંધી દીધી હતી અને પછી નિર્દયતાથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.એ સાંકળ તેમજ માનસિક ઘા ને કારણે નર્સ કોમામાં સરકી ગઈ હતી.વોર્ડબોય પકડાઈ ગયો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ છોડી મૂકવામાં આવ્યો પણ તેણે આચરેલા પાપની સજા નિર્દોષ એવી તે નર્સ આજે પણ એ ઘટનાના ૩૬ વર્ષ બાદ જીવન અને મ્રુત્યુ વચ્ચે ઝોલા ખાતી ભોગવી રહી છે.આ દુર્ઘટના વેળાએ નર્સની ઉંમર ૨૮-૨૯ વર્ષ હશે અને આજે તે ૬૦ વર્ષની વય પણ વટાવી ચૂકી છે,તેના પરિવારે પણ તેને તરછોડી મૂકી હોવાથી હોસ્પિટલનો એ ઓરડો જ તેનું ઘર બની રહ્યો છે જ્યાં એ હોસ્પિટલની બીજી નર્સો તેનું ધ્યાન રાખી તેને જીવાડી રહી છે.
આજકાલ રોજ તમે અખબારમાં બળાત્કારના ૨-૩ કિસ્સા વાંચતા હશો.અને ઘૃણાસ્પદ બાબત એ હોય છે કે આ અધમ કૃત્ય સગીર વયની યુવતિઓ કે ક્યારેક તો યુવક પર કે સાવ કુમળી વયના ફૂલ જેવા બાળક પર આચરવામાં આવે છે.સગી દિકરી પર વર્ષો સુધી બળાત્કાર કરનાર અને કરાવનાર નરપિશાચ બાપનો કિસ્સો પણ થોડા સમય અગાઉ જ પ્રકાશમાં આવ્યો હતો.ગયા અઠવાડિયે જ બીજો પણ એક વિચિત્ર કિસ્સો વાંચવામાં આવ્યો જેમાં નોકરી માંગવા ગયેલા એક યુવાને ઘરમાં ૧૫ વર્ષની બાળાને એકલી જોઈ એટલે પરાણે ઘરમાં ઘૂસી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો.પછી તો તે તરત પાડોશીઓ દ્વારા પકડાઈ પણ ગયો અને તેણે પારાવાર પસ્તાવો પણ વ્યક્ત કર્યો.તેના જણાવ્યા મુજબ તેમજ મોટા ભાગના બળાત્કારના કિસ્સાઓમાં બનતુ હોય છે તેમ આ એક ક્ષણિક તીવ્રતમ આવેગને લીધે બનવા પામતુ હોય છે.પણ તેના કારણે ગુનાનો ભોગ બનનાર અને ગુનો આચરનાર બંનેના સમગ્ર જીવન બદલાઈ જાય છે.
જરૂર છે યુવાનોએ પોતાની વૃત્તિઓ પર કાબૂ રાખવાની અને સારા શોખ કેળવવાની,સદાયે પ્રવૃત્ત રહેવાની જેથી મન સારી વસ્તુઓમાં પરોવાયેલુ રહે. અને યુવતિઓ માટે જરૂર છે બહાદુર તેમજ હોશિયાર બનવાની અને સાવધ રહેવાની.જો બળાત્કાર જેવી પરિસ્થિતીનો સામનો કરવાનો વારો પણ આવે તો ત્યારે ભયભીત બન્યા વગર હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર હોય છે.જો ડરી ગયા તો સામેવાળા નરાધમનું કામ આસાન થઈ જાય છે.એકાંત ધરાવતા સ્થળોએ કે પાર્ટીઝ વગેરેમાં પણ એકલા જવાનું ટાળવુ જોઇએ.બળાત્કાર જેવી પરિશ્તિતી ઉભી થતા બૂમાબૂમ કરવામાં કોઇ સંકોચ રાખવો જોઇએ નહિ તેમજ લાગ મળ્યે બળાત્કારીના નાક પર જોરથી મુક્કો કે તેના બે પગ વચ્ચે જોરથી લાત મારીને પણ દુર્ઘટના ટાળી શકાય. માતાપિતાઓએ જરૂર છે તેમના સંતાનો પ્રત્યે પૂરતું ધ્યાન આપવાની.બાળકને કદિ ક્યાંય એકલુ મોકલવું નહિં.આડોશપાડોશમાં પણ બાળક જ્યારે રમવા જાય ત્યારે તે કોની સાથે રમે છે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ સાથે પણ તે એકલું નથી ને એ વાતની કાળજી રાખવી જોઇએ.અને યુવાન બનેલા સંતાનોના પણ મિત્ર બની જઈ તેમને પૂરતો સમય આપવો જોઇએ અને તેમની કાળજી રાખવાની સાથે સાથે તેમની ગતિવિધિઓ પર ધ્યાન આપવું જોઇએ.
અંતે આ બ્લોગ પૂરો કરતી વેળાએ ઇશ્વરને એકજ પ્રાર્થના કે દરેક મનુષ્યને બીજાઓ સાથે સારી રીતે વર્તવાની સદબુદ્ધિ આપજે,ગુનાઓ થાય જ નહિ એવું જીવન સૌનું બનાવજે અને ભારતીય કાયદાકાનૂન પ્રક્રિયા ઝડપી બનાવજે જેથી સુરતના ગેંગરેપ કેસની જેમજ પાછલા બધા કેસો ઝડપી ઉકેલાય અને યોગ્ય વ્યક્તિઓને ન્યાય મળે...
રવિવાર, 14 માર્ચ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો