Translate

રવિવાર, 14 માર્ચ, 2010

સિલ્વર જ્યુબિલી સ્પેશિયલ : મારું માછલીઘર (ભાગ - ૧)

વ્હાલા વાચકમિત્રો,

આજે 'બ્લોગ ને ઝરૂખેથી...' આ કટાર સિલ્વર જ્યુબિલી ઉજવી રહી છે! એટલે કે આજે આ કટારમાં આપ ૨૫ મો બ્લોગ-લેખ વાંચી રહ્યાં છો. મને ખુશી છે કે તમે આ કટાર પસંદ કરો છો. મારા માટે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે મારા બ્લોગ્સથી પ્રેરાઈ અમિતા અને ભૈરવી જેવા વાચકમિત્રોએ પોતાના નવા બ્લોગ્સ બનાવ્યા છે. તમે નિયમિત રીતે મને ફીડબેક પણ આપતા રહો છો અને ગેસ્ટ બ્લોગમાટે લેખ મોકલતા રહો છો એથી મારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થાય છે. બસ આમ જ આ કટાર વાંચતા રહેશો-વંચાવતા રહેશો અને તમાર પ્રતિભાવો-લેખો વગેરે મને vikas.nayak@gmail.com આ ઇમેલ આઈડી પર અથવા જન્મભૂમિના સરનામે પોસ્ટથી મોકલતા રહેશો.

થેન્કસ અ લોટ!

-વિકાસ ઘનશ્યામ નાયક

-------------------------------------------------------------------------------------


હું એક પ્રકૃતિપ્રેમી છું. મને પશુ-પક્ષી,ફૂલ-છોડ,જીવજંતુ વગેરે અતિ પ્રિય છે અને નાનપણથી જ મને મારા ઘરમાં મારું પોતાનું એક નાનકડું માછલીઘર હોય એવી પ્રબળ ઇચ્છા હતી.ઘણાં વર્ષો બાદ, થોડાં સમય પહેલા મારી આ ઇચ્છા પૂર્ણ થઈ. હવે હું મારા ઘરમાં એક નાનકડું માછલીઘર ધરાવું છું જેમાં નાની નાની રંગબેરંગી છએક માછ્લીઓ વસે છે.

ખરું જોતા માછલીઓની સંખ્યા ઘણી વધુ હોવી જોઇતી હતી પણ આ બ્લોગ દ્વારા મારે તમારી સાથે, મેં કરેલી થોડી ભૂલોના કારણે મારી પ્રિય એવી પાંચ-છ માછલીઓ ગુમાવ્યાનું દુ:ખ વહેંચવું છે.સાથે જ તમારી સાથે કેટલાક અનુભવ-પાઠ પણ વહેંચવા છે જેથી તમારામાંના કોઈને પણ માછલીઘર બનાવવાની ઇચ્છા થાય તો તમે મારી ભૂલો નું પુનરાવર્તન કરી કેટલીક નિર્દોષ માછલીઓના મ્રુત્યુનું કારણ ન બનો.

પ્રકૃતિપ્રેમી હોવાને લીધે મને શંખ-છીપલાં-પીંછા વગેરે સંગ્રહ કરવાનો પણ શોખ.કાચની પારદર્શક ચાર દિવાલ ધરાવતા મારા નાનકડા માછલીઘરમાં મેં પાણી ભર્યા બાદ વર્ષો સુધી સંઘરેલા શંખ અને છીપ બિછાવ્યા.હવા માટેનો નાનો પંપ ફીટ કર્યો અને બે-ત્રણ દિવસ બાદ મેં એમાં ચાર નાનકડી સુંદર માછલીઓ તરતી મૂકી.મારી પ્રથમ પ્રિય પેટ એવી એ માછલીઓ તેમના એ નવા ઘરમાં પ્રવેશતા જ ત્વરા અને ચંચળતાથી આમતેમ ઘૂમવા માંડી.

એક લાલાશ પડતા કેસરી રંગની અને સોય જેવો નાનકડો પૂંછ્ડીનો હિસ્સો બહાર ધરાવતી ટેન્જેરિન જાતિની જોડ અને બીજી રાખોડી રંગની નાનું પાતળું એવું શરીર ધરાવતી ઝેબ્રા જાતિની જોડ એમ કુલ ચાર માછલીઓ મારા ઘરનો-મારા માછલીઘરનો હિસ્સો બની ગઈ! વર્ષોની મારી પોતીકુ માછલીઘર ધરાવવાની ઇચ્છ પૂરી થતા મને અપાર સંતોષની લાગણીનો અનુભવ થયો.તેમના માટે ખાસ પ્રકારનો ખોરાક નાનીનાની ગોળીઓ સ્વરૂપે ખરીદ્યો હતો તે મેં માછલીઘરમાં ઉપરથી ભભરાવ્યો ત્યારે જે ઝડપ અને ઉત્સાહથી તેમણે એ ખાવા માટે દોડાદોડ કરી મૂકી એ જોવું એક લહાવો બની રહ્યું!

મેં ક્યાંક એવું વાંચેલું કે જો તમે રોજ થોડો સમય માછલીઘરમાંની માછલીઓને નિહાળવામાં પસાર કરો તો તમારું બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. મને વિચાર આવ્યો ઉંચું બ્લડપ્રેશર ધરાવતી મારી મમ્મીને હું રોજ થોડી વાર મારી માછલીઓ સામે બેસી તેમને જોયા કરવાની સલાહ આપીશ.

લાલ રંગી ટેન્જેરિન સ્વભાવે શાંત આથી ધીમેધીમે ગતિ કરતી અને ઝેબ્રા કરતા કદમાં થોડી મોટી હતી.સોય જેવી પૂંછડી જેની થોડી વધુ લાંબી તે માદા અને કદમાં થોડી માદા કરતા નાની તે નર એવું મને દુકાનદારે કહેલું.ઝેબ્રા કદમાં સાવ પાતળી અને થોડી લાંબી.તે એટલી બધી ચપળ અને ઉતાવળી કે એક મિનિટ શાંતિથી જંપે નહિં, સતત આમતેમ આમતેમ ઘૂમ્યા જ કરે!મને વિચાર આવતો આ માછલીઓને થાક નહિં લાગતો હોય?ઉંઘ નહિં આવતી હોય?તરસ કોને કહેવાય એનો જરા સરખો પણ ખ્યાલ હશે?

માછલીઓ લાવ્યા બાદ બીજા દિવસે સવારે ઉઠતાવેત સૌથી પહેલું કામ મેં મારા માછલીઘર પાસે જઈ મારી પ્રિય માછલીઓને નિહાળવાનું કર્યું પણ મારા દુ:ખનો પાર ન રહ્યો જ્યારે મેં એક ઝેબ્રા માછલીના નિશ્ચેષ્ટ શરીરને પાણીની સપાટી પર ઉંધુ તરતા જોયું.જ્યારે માછલી બિલકુલ હલનચલન કર્યા વગર ઉંધી તરતી હોય ત્યારે તે મૃત્યુ પામી હોય છે.મેં એ ઝેબ્રા માછલીના નાનકડા લીસ્સા મૃત શરીરને પાણી બહાર કાઢી મારી હથેળીમાં મૂક્યું અને તેનું નિરીક્ષણ કર્યું.તેના પેટ પાસે મને એક ચીરો દેખાયો અને તરત મને સમજાઈ ગયું કે શોભા વધારવા માટે મૂકેલ એક શંખ પર ઘણા બધાં કાંટા ઉપસેલા હતા.અતિ ચંચળ એવી મારી એ ઝેબ્રા માછલીનું શરીર આમતેમ આમતેમ ઘૂમતી વેળાએ ચોક્કસ એ શંખનાં કાંટા સાથે ઘસાયું હશે અને મારી પ્રિય એવી એ નાનકડી માછલી જીવ ગુમાવી બેઠી, મારી બીજી એક પ્રિય નિર્જીવ વસ્તુના કારણે. આ જ્ઞાન મોડુ લાધવા બદલ મને પારાવાર પસ્તાવો થયો.

આ મારો પહેલો પાઠ હતો : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.

મેં એ કાંટાળો શંખ તરત માછલીઘરમાંથી બહાર કાઢી નાંખ્યો.મારી મ્રુત ઝેબ્રા માછલીનું શરીર મેં ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી તે કોઇક પક્ષીનો ખોરાક બની શકે અને મ્રુત્યુ બાદ પણ તેનું શરીર કોઈક જીવને કામ લાગે. ટેન્જેરીનની જોડી તો સાબૂત હતી પણ એકલી પડી ગયેલી મારી ઝેબ્રા માછલીને જોઈ મને ખૂબ દુ:ખ થતું.

થોડા દિવસો બાદ હું કેસરી રંગની કાળા ટપકાં ધરાવતી મૌલી માછલીઓની એક જોડ લઈ આવ્યો.કાળી પૂંછડી અને નાનકડી કાયા ધરાવતી આ માછલી પણ અતિ નાજુક અને સુંદર હતી.મારી આ પાંચ માછલીઓ સંપથી તેમના નાનકડા ઘરમાં રહેવા લાગી હતી. મને લાંબા સમય સુધી તેમને જોતા બેસી રહેવાનું વ્યસન થઈ પડ્યું.

દસેક દિવસ બાદ મને માછલીઘરનું પાણી બદલવાની ફરજ પડી કારણ પાણી થોડુ ગંદુ અને ધૂંધળું થઈ ગયું હતું.પાણી બદલવાની આ ક્રિયા દર પંદર દિવસે-મહિને કરવી પડતી હોય છે.મેં આ ક્રિયા કરતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ લીધી નહિં એ મારી બીજી મોટી ભૂલ.મેં ચાલુ નળમાંથી સ્વચ્છ પાણી બાલદીમાં ભર્યુ અને માછલીઓને ધ્યાનથી હાથમાં પકડવાની જાળી વડે માછલીઘરમાંથી બહાર કાઢી બાલદીમાં મૂકી.પાંચે માછલીઓ થોડી ગભરાઈ ગયેલી જણાઈ અને રઘવાટમાં બાલદીનાં થોડાઘણાં પાણીમાં આમતેમ આમતેમ ઘૂમવા લાગી.મને ક્યાં ખબર હતી કે વીસેક મિનિટ બાદ હું તેઓમાંની ફક્ત ચારને જીવિત જોવા પામીશ?મેં માછલીઘરની કાચની ટાંકી ચીવટપૂર્વક ધોઈને સ્વચ્છ બનાવી દીધી.માછલીઘરમાં ગોઠવેલા શંખ-છીપ-પથરા વગેરે પણ સ્વચ્છ પાણીથી ધોઈ, ફરી માછલીઘરમાં નળનું તાજુ ચોખ્ખુ પાણી ભરી તેમાં ગોઠવી દીધાં.અને જેવુ મેં માછલીઓ મૂકેલી એ બાલદીમાં જોયું તો મારી બીજી ઝેબ્રા માછલી લાશ થઈ ઉંધી તરી રહી હતી.મેં આશ્ચર્યમિશ્રીત શોકની લાગણી અનુભવી.આ વખતે તો બાલદીમાં કાંટાળા શંખ કે બીજી કોઈ ધારદાર વસ્તુ પણ નહોતી.તો પછી ઝેબ્રા માછલી મને છોડી શા માટે દૂર ચાલી ગઈ?મને એ ખબર નહોતી કે માછલીના જીવનપર્યાયસમું પાણી મારી બીજી માછલીના મૃત્યુનું કારણ બન્યું હતું.
મેં બીજી ઝેબ્રા માછલીનું નાજુક મૃત શરીર પણ પહેલી ઝેબ્રાની જેમ મારા ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી એ એકાદ ભૂખ્યા પક્ષીના પેટમાં જાય.મને હજી સુધી મારી પ્રિય એવી બીજી માછલીના મોતનું કારણ સમજાયું નહોતું.મેં મારું સમગ્ર ધ્યાન બીજી ચાર માછલીઓ પર કેન્દ્રિત કર્યું જેમને મેં માછલીઘરમાં મૂકી દીધી હતી.મેં નોંધ્યું કે આ ચાર માછલીઓ પણ પહેલા જેવી સ્ફૂર્તિલી અને ચપળ જણાતી નહોતી.તેઓ ધીમી અને સૂસ્ત બની ગઈ હતી. તેમના ખાસ ખોરાકના દાણા પણ તેમની અશક્તિમાં કોઈ ફેરફાર લાવી શક્યા નહિં.પહેલા તો કેવી તેઓ આ દાણા માછલીઘરની ટાંકીમાં પડતા જ તે ખાવા દોડાદોડ કરી મુકતી અને આજે? એક ટેન્જેરીન પણ પોતાના શરીર પર નો કાબૂ જાણે ગૂમાવવા લાગી અને તેનું શરીર ઉંધુ થઈ જવા લાગ્યું.તે બરાબર તરી શકતી નહોતી પણ છતા તે જીવતી હતી એ ચોક્કસ.હું બેચેન બની ગયો.મારે એને કોઈ પણ ભોગે મરવા દેવી નહોતી.મેં વિચાર કર્યો શું કરું?ત્યાં યાદ આવ્યું કે નજીકના જ એક પાડોશી વર્ષો પહેલા મોટી પાણીની ટેંકમાં માછલીઓ રાખતા.હું નાનો હતો ત્યારે તેમના ઘરે જઈ ઘણી વાર સુધી નાનીમોટી રંગબેરંગી માછલીઓ રસપૂર્વક જોયા કરતો.તરત હું તેમના ઘેર દોડ્યો.તેમણે સલાહ આપી અને મેં બીજો એક પાઠ શીખ્યો : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.
પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.માછલીઓને પણ થોડા સમય માટે માછલીઘરમાંથી બહાર અલગ પાત્ર કે બાલદીમાં આવા વાસી પાણીમાં જ મૂકવી જોઇએ.આવા વાસી પાણીમાં ક્લોરિનનો નાશ થવા સાથે પૂરતો ઓક્સિજન પણ ભળી ચૂક્યો હોય છે.મારા પાડોશીએ મને બે ઉપયોગી વસ્તુ ખરીદવાની પણ સલાહ આપી. એક ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને બીજું એન્ટી-ફન્ગલ પ્રવાહી. આ બે લિક્વીડના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય . તેમણે મને આ પ્રવાહી થોડા પ્રમાણમાં કામચલાઉ ધોરણે આપ્યા અને મે તેમના થોડા થોડા ટીપાં માછલીઘરના પાણીમાં ભેળવી દીધાં. એનાથી જાણે માછલીઓની અવસ્થામાં થોડો સુધારો જણાયો. પણ હજી તેઓ પહેલા જેવી એકદમ સ્વસ્થ તો નહોતી જ થઈ.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો