બીજા દિવસે બે મૌલી માછલીઓ મરી ગઈ.મને લાચારી અને ઘોર નિરાશા તથા વેદનાનો અનુભવ થયો.ફરી તેમના શરીર મારા ઘરના છાપરે ફેંકવાની એ દુ:ખદ પ્રક્રિયા મેં અનુસરી.હવે મારા માછલીઘરમાં ફક્ત બે ટેન્જેરીન માછલીઓ રહી હતી.માછલીઘર મને ખાલી ખાલી લાગ્યું.મેં નવી બે હોકી માછલીઓ ખરીદી જે સુંદર અને ઝેબ્રા માછલીઓ જેવી જ ચપળ અને અસ્થિર હતી.ફરી માછલીઘર જીવંત અને ધબક્તુ લાગવા માંડ્યું.હોકી માછલીઓની ખાસિયત એ હતી કે તેમના શરીર પારદર્શક રાખોડી રંગના હતા અને શરીરના મધ્ય ભાગમાં કાળી માથા થી પૂંછડી સુધી લાંબી પટ્ટી તેમના શરીર પર હતી જેનો આકાર હોકી રમવાની લાકડી જેવો હતો તેથી જ કદાચ તેમનું નામ હોકી માછલી પડ્યું હશે. અને આ માછલીઓની બીજી વિશેષતા એ હતી કે તેમના શરીર પરના કાળા પટ્ટાનો રંગ બદલાતો હતો!ક્યારેક કાળો ચટ્ટક તો ક્યારેક ઝાંખો રાખોડી જેવો!
મારી ચારે માછલીઓ સુખેથી રહેવા લાગી. આ એકાદ મહિના સુધી ચાલ્યું.પછી એક દિવસ એક ગજબની રહ્સ્યમય ઘટના બની.ઓફિસેથી પાછા ફર્યા બાદ નિત્યક્રમ મુજબ હું માછલીઘર પાસે જઈ પહોંચ્યો અને મેં નોંધ્યું કે એમાં ફક્ત ત્રણ માછલીઓ હતી.બે હોકી અને એક ટેન્જેરીન.એક ટેન્જેરીન ગાયબ હતી.હવે એ ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન કદમાં કંઈ એટલી પણ નાની નહોતી જેથી જો એ કદાચ ઉછળીને માછલીઘરની ટાંકીમાંથી બહાર પડી ગઈ હોય તો મારી નજરે ન ચડે.મેં માછલીઘરની આજુબાજુ,ઉપર-નીચે બધે ધ્યાનથી ચકાસી જોયું.પણ એ મારી નજરે ન પડી.મને એક વિચાર આવ્યો.બાજુની ભીંત પરથી કદાચ ગરોળી આવી અને મારી પ્રિય ટેન્જેરીનને ગળી ગઈ હોય-ખાઈ ગઈ હોય એમ બની શકે?આ મુશ્કેલ લાગતું હતું પણ અશક્ય તો નહોતું જ.
મેં મારી પત્ની,મમ્મી અને બહેનોને ખોવાઈ ગયેલી ટેન્જેરીન વિષે પ્રુચ્છા કરી પણ તેમને આ વિષે કંઈ ખબર ન હતી.મેં ફરી એક વાર આખા માછલીઘરને અતિ ધ્યાનથી ચકાસી લીધું.શંખ ધ્યાનથી જોઈ લીધાં.એક શંખ એવો હતો જે મોટો પણ ખુલ્લો હતો અને તેમાં મારી માછલીઓને આરામ કરતા મેં ઘણી વાર જોયેલી,પણ તેમાં માછલી ભરાઈ જાય એ શક્ય જ નહોતું.બીજાં કેટલાક શંખોનું શરીર લાંબુ હતું પણ મોઢું અતિશય નાનુ એટલે તેમાં થઈને ટેન્જેરીન જેટલી મોટી માછલી અંદર જતી રહે અને ફસાઈ જાય એ પણ અતિ મુશ્કેલ જણાતું હતું.મેં આ બધા શંખ હાથમાં લઈ હલાવી જોયા જેથી માછલી તેમાં કદાચ ગઈ પણ હોય તો બહાર આવી જાય.હવે આ એક રહસ્યમય ઘટના બની ગઈ કે મારી ટેન્જેરીન માછલી ગઈ ક્યાં?
બીજા ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયાં.મેં મારી ગાયબ થઈ ગયેલી માછલીની વાત બધાં મિત્રો-સહકર્મચારીઓને કરી અને દરેક જણ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા પણ કોઈ મને કહી શક્યું નહિં કે મારી પ્યારી ટેન્જેરીન ક્યાં જતી રહી હોઈ શકે.
છેવટે એ દિવસ આવ્યો જ્યારે મેં માછલીઘરનું પાણી મારા નિયમ મુજબ બદલવાનું નક્કી કર્યું. આ વખતે મારી પત્ની પણ મને આ કામમાં મદદ કરી રહી હતી.માછલીઘરમાંથી મારી ત્રણ માછલીઓને બહાર કાઢતા પહેલાં મેં શંખો બહાર કાઢવાની શરૂઆત કરી.દરેક શંખ બહાર કાઢતા પહેલા મેં તેમને જોરથી માછલીઘરના પાણીમાં જ હલાવ્યા અને બહાર કાઢી બાજુ પર મુકવાની શરૂઆત કરી.મને પોતાને પણ ખબર નથી મેં આ પ્રમાણે શા માટે કર્યું.ત્રણેક શંખ આ રીતે હલાવી બહાર કાઢ્યા બાદ એક લાંબો અણિયાળા મોઢાવાળો શંખ મારા હાથમાં આવ્યો અને જેવો મેં તેને પાણીમાં હલાવવાની શરૂઆત કરી કે તરત તેમાંથી કોઈક કેસરી રંગના તીવ્ર દુર્ગંધ ધરાવતા પદાર્થના ફોદા બહાર નીકળયા.આ હતા મારી ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન માછલીના અવશેષો.મને હજી નથી સમજાતું કે એટલા નાના શંખના મોઢામાંથી તે કાણા કરતા ખાસ્સા મોટા કદની મારી પ્રિય ટેન્જેરીન એ શંખમાં પ્રવેશી શી રીતે?(અને શા માટે?)તેના શરીરનાં હવે તો નક્કર ઘન સ્વરૂપમાં પણ ન રહેલા એ અવશેષો જોઈ મને એક કમકમાટી ભરી લાગણી થઈ આવી. આ દ્ર્શ્ય જોઈને મારી પત્નીની તબિયત પણ ખરાબ થઈ ગઈ અને તેને આખો દિવસ ઉલટી થઈ અને તેનું માથું ભારે થઈ ગયું.હું બે-એક દિવસ સુધી ખૂબ ઉદાસ અને દુખી રહ્યો.
એ અરૂચિકર દ્રશ્ય હજી મારા મનમાં ક્યારેક ઘૂમરાય છે.પેલા દિવસે જ્યારે ટેન્જેરીન માછલી ગાયબ થયાની પ્રથમ વાર જાણ થઈ ત્યારે પણ મેં બધા શંખ જોરથી હલાવ્યા હતાં.તેમાં આ શંખ જેમાં મારી ટેન્જેરીન કેદ થઈ ગઈ હતી એ પણ મારા દ્વારા આ જ રીતે હલાવાયો હતો.પણ અફસોસ ત્યારે કદાચ જીવિત અવસ્થામાં એ માછલી પણ અંદર હલી હશે પણ તે બહાર આવી શકી નહિ.હું એની તે શંખમાં હાજરી કળી શક્યો નહિં અને તેને બચાવી શક્યો નહિ.
ત્રીજો પાઠ જે મેં શીખ્યો : એવું કંઈ પણ માછલીઘરમાં ના રાખશો જેને નાના કાણા જેવું પણ કોઈક મુખ હોય જેમાં કદાચ તમારી માછલી ઘૂસી જઈ શકે પણ તેમાંથી પાછી બહાર ન આવી શકે.મેં મારી પ્રિય એવી એક માછલી આવી સામાન્ય લાગતી ભૂલને કારણે ગુમાવી.મને ક્યારેય જરા સરખો પણ ખ્યાલ ન આવ્યો કે માછલી આટલા નાના કાણાંમાં થઈ શંખની અંદર ઘૂસી જશે.
( ગયા સપ્તાહે જે વાચક મિત્રો આ બ્લોગનો પ્રથમ ભાગ વાંચી શક્યા નથી તેમના માટે મે શીખેલા બે પાઠ આ મુજબ છે:
પહેલો પાઠ : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
બીજો પાઠ : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને એન્ટી-ફન્ગલ પ્રવાહીના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય.)
આ ઘટના પછી પણ મેં બે એક માછલી ગુમાવી અને તે તો કોઈ ચોક્કસ કારણસર પણ મ્રુત્યુ નહોતી પામી. હવે તો હું મારી માછલીઓની વિશેષ કાળજી પણ રાખું છું.છતાં એ વાત નક્કી કે આ શોખ દેખાય કે લાગે એટલો સરળ તો નથી જ. બીજી પણ એક માન્યતા એવી છે કે માછલીઘર પણ એક કેદ જ ગણાય. ચાર દિવાલોની વચ્ચે તમે તમારા શોખ માટે કેટલીક નિર્દોષ માછલીઓને ગોંધી રાખો એ બરાબર નથી. પણ આ મત સાથે હું સહમત નથી.એમ તો મચ્છીમારીના વ્યવસાય પર નભતા હજારો માછીમારો માછલી મારીને જ પોતાનું પેટ ભરે છે ને?અને કેટલાંયે માંસાહારી લોકો મજાથી માછલીઓ પેટમાં પણ પધરાવે છે.તો માછલીઘર જેવું કંઈક ઘરમાં રાખી તેમાં થોડી ઘણી માછલીઓને પ્રેમ અને જતનપૂર્વક ઉછેરવી મારા હિસાબે અયોગ્ય નથી જ.
પણ એક વાત ચોક્કસ કે આ શોખ અઘરો અને તમારો સારો એવો સમય અને ધ્યાન માગી લે તેવો છે.આથી જો એ કેળવવાની ઇચ્છા થાય તો તેને પૂર્ણ ન્યાય આપવાની તૈયારી હોવી જોઇએ.અને કોઇ પણ શોખને અમલમાં મૂકતા પહેલા તેને લગતો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો જરૂરી છે નહિતર જાણ્યે-અજાણ્યે તમે મારા દ્વારા થયેલી ભૂલની જેમ અજાણ્યા મૂંગા જીવને અન્યાય કરી બેસશો. અત્યારે મારા માછલીઘરમાં પાંચ સુંદર માછલીઓ છે અને હું આશા રાખું છું કે હું તેમને અકાળે ન ગુમાવી બેસું.
(સંપૂર્ણ)
રવિવાર, 21 માર્ચ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ઓહ વિકાસ,
જવાબ આપોકાઢી નાખોતારે પહેલા મને પૂછવું જોઇતુ હતું તો હું તને માછલીઓને જાળવવાની યોગ્ય ટીપ્સ આપી દેત.શરૂઆતમાં આ ખૂબ અઘરું છે કારણ નવા નવા માછલીઘરમાં માછલીઓ વારંવાર મરી જતી હોય છે,પણ થોડા સમય બાદ બધું થાળે પડી જાય છે.
દેવેન્દ્ર પૂરબિયા (બેંગ્લોર)
હેય વિકાસ,
જવાબ આપોકાઢી નાખોમાછલીઓ અને માછલીઘર વિશે આ અતિ ઉપયોગી માહિતી શેર કરવા બદલ તારો આભાર.મને પણ પાળેલા પ્રાણી ખાસ કરી કુતરું રાખવાનો ખૂબ શોખ છે.બે વર્ષ પહેલા મારે ઘેર હું એક કાચબો લાવી હતી.પણ તે કહ્યું તેમ ખરેખર તમે જો કોઈ પાળેલા પ્રાણી રાખવાનો શોખ ધરાવતા હોવ તો તમને એ વિશેની સંપૂર્ણ માહિતી હોવી અતિ આવશ્યક છે. મારા કાચબાનું નામ લીઓ હતું અને હું પણ તારી જેમ બ્લોગ બનાવીશ ત્યારે તેના ફોટા ચોક્કસ એના પર મૂકીશ!લીઓ થોડા સમય સુધી તો ખુશ હતો પણ પછી મેં નોંધ્યુ કે તે એક ખૂણામાં એકલો પડી રહેતો, બરાબર ખાતો પણ નહિ. મને લાગ્યું કે તે પણ મનુષ્યની જેમ એકલતા અનુભવે છે આથી હું તેને અમારા એક અન્ય સંબંધીને ત્યાં ફાર્મહાઉસ પર મૂકી આવી જ્યાં બીજા બે કાચબા પહેલેથી હતાં. હવે લીઓ તેમની ભેગો ખુશ છે અને બરાબર ખાય પણ છે! ટૂંક સમયમાં હું મારા ઘરમાં એક નાનકડું માછલીઘર વસાવવાની છું અને ત્યારે મને તારી આ બ્લોગમાં વાંચેલી ટીપ્સ ખૂબ કામ લાગશે. થેન્ક્સ! આમ જ ઘણાને ઉપયોગી થઈ પડે એવા બ્લોગ્સ લખતો રહેજે.
- અમિતા (મુંબઈ)