Translate

મંગળવાર, 23 માર્ચ, 2010

આજકાલના નેતાઓ Vs મહાત્મા ગાંધીજી

માયાવતીનું લાખો રૂપિયાની નોટોનો હાર પહેરી અભિવાદન ઝીલતી તસવીર છાપામાં નજરે પડી.આગળ વાંચ્યું ગયા અઠવાડિયે આ જ માયાવતીને કરોડ રૂપિયા જેટલી કિંમતની ચલણી નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હયો અને તેમની પાર્ટીના એક નેતાએ તો જાહેરાત પણ કરી દીધી કે હવે પછીના દરેક જાહેર સમારંભમાં માયાવતીદીદીને આ જ રીતે ચલણી નોટોના હારથી સત્કારવામાં આવશે. આ એ જ માયાવતી છે જે થોડા સમય અગાઉ તેમના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કરોડો રૂપિયાના પૂતળા ઉભા કરવા બદલ સમાચારોમાં ચમક્યા હતાં.(ક્યારે આપણાં આજકાલનાં નેતાઓ સાચા અને યોગ્ય કારણસર સમાચારોમાં આવતા થશે?)
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.

રવિવાર, 21 માર્ચ, 2010

મારું માછલીઘર (ભાગ - ૨)

બીજા દિવસે બે મૌલી માછલીઓ મરી ગઈ.મને લાચારી અને ઘોર નિરાશા તથા વેદનાનો અનુભવ થયો.ફરી તેમના શરીર મારા ઘરના છાપરે ફેંકવાની એ દુ:ખદ પ્રક્રિયા મેં અનુસરી.હવે મારા માછલીઘરમાં ફક્ત બે ટેન્જેરીન માછલીઓ રહી હતી.માછલીઘર મને ખાલી ખાલી લાગ્યું.મેં નવી બે હોકી માછલીઓ ખરીદી જે સુંદર અને ઝેબ્રા માછલીઓ જેવી જ ચપળ અને અસ્થિર હતી.ફરી માછલીઘર જીવંત અને ધબક્તુ લાગવા માંડ્યું.હોકી માછલીઓની ખાસિયત એ હતી કે તેમના શરીર પારદર્શક રાખોડી રંગના હતા અને શરીરના મધ્ય ભાગમાં કાળી માથા થી પૂંછડી સુધી લાંબી પટ્ટી તેમના શરીર પર હતી જેનો આકાર હોકી રમવાની લાકડી જેવો હતો તેથી જ કદાચ તેમનું નામ હોકી માછલી પડ્યું હશે. અને આ માછલીઓની બીજી વિશેષતા એ હતી કે તેમના શરીર પરના કાળા પટ્ટાનો રંગ બદલાતો હતો!ક્યારેક કાળો ચટ્ટક તો ક્યારેક ઝાંખો રાખોડી જેવો!

મારી ચારે માછલીઓ સુખેથી રહેવા લાગી. આ એકાદ મહિના સુધી ચાલ્યું.પછી એક દિવસ એક ગજબની રહ્સ્યમય ઘટના બની.ઓફિસેથી પાછા ફર્યા બાદ નિત્યક્રમ મુજબ હું માછલીઘર પાસે જઈ પહોંચ્યો અને મેં નોંધ્યું કે એમાં ફક્ત ત્રણ માછલીઓ હતી.બે હોકી અને એક ટેન્જેરીન.એક ટેન્જેરીન ગાયબ હતી.હવે એ ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન કદમાં કંઈ એટલી પણ નાની નહોતી જેથી જો એ કદાચ ઉછળીને માછલીઘરની ટાંકીમાંથી બહાર પડી ગઈ હોય તો મારી નજરે ન ચડે.મેં માછલીઘરની આજુબાજુ,ઉપર-નીચે બધે ધ્યાનથી ચકાસી જોયું.પણ એ મારી નજરે ન પડી.મને એક વિચાર આવ્યો.બાજુની ભીંત પરથી કદાચ ગરોળી આવી અને મારી પ્રિય ટેન્જેરીનને ગળી ગઈ હોય-ખાઈ ગઈ હોય એમ બની શકે?આ મુશ્કેલ લાગતું હતું પણ અશક્ય તો નહોતું જ.

મેં મારી પત્ની,મમ્મી અને બહેનોને ખોવાઈ ગયેલી ટેન્જેરીન વિષે પ્રુચ્છા કરી પણ તેમને આ વિષે કંઈ ખબર ન હતી.મેં ફરી એક વાર આખા માછલીઘરને અતિ ધ્યાનથી ચકાસી લીધું.શંખ ધ્યાનથી જોઈ લીધાં.એક શંખ એવો હતો જે મોટો પણ ખુલ્લો હતો અને તેમાં મારી માછલીઓને આરામ કરતા મેં ઘણી વાર જોયેલી,પણ તેમાં માછલી ભરાઈ જાય એ શક્ય જ નહોતું.બીજાં કેટલાક શંખોનું શરીર લાંબુ હતું પણ મોઢું અતિશય નાનુ એટલે તેમાં થઈને ટેન્જેરીન જેટલી મોટી માછલી અંદર જતી રહે અને ફસાઈ જાય એ પણ અતિ મુશ્કેલ જણાતું હતું.મેં આ બધા શંખ હાથમાં લઈ હલાવી જોયા જેથી માછલી તેમાં કદાચ ગઈ પણ હોય તો બહાર આવી જાય.હવે આ એક રહસ્યમય ઘટના બની ગઈ કે મારી ટેન્જેરીન માછલી ગઈ ક્યાં?
બીજા ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયાં.મેં મારી ગાયબ થઈ ગયેલી માછલીની વાત બધાં મિત્રો-સહકર્મચારીઓને કરી અને દરેક જણ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા પણ કોઈ મને કહી શક્યું નહિં કે મારી પ્યારી ટેન્જેરીન ક્યાં જતી રહી હોઈ શકે.
છેવટે એ દિવસ આવ્યો જ્યારે મેં માછલીઘરનું પાણી મારા નિયમ મુજબ બદલવાનું નક્કી કર્યું. આ વખતે મારી પત્ની પણ મને આ કામમાં મદદ કરી રહી હતી.માછલીઘરમાંથી મારી ત્રણ માછલીઓને બહાર કાઢતા પહેલાં મેં શંખો બહાર કાઢવાની શરૂઆત કરી.દરેક શંખ બહાર કાઢતા પહેલા મેં તેમને જોરથી માછલીઘરના પાણીમાં જ હલાવ્યા અને બહાર કાઢી બાજુ પર મુકવાની શરૂઆત કરી.મને પોતાને પણ ખબર નથી મેં આ પ્રમાણે શા માટે કર્યું.ત્રણેક શંખ આ રીતે હલાવી બહાર કાઢ્યા બાદ એક લાંબો અણિયાળા મોઢાવાળો શંખ મારા હાથમાં આવ્યો અને જેવો મેં તેને પાણીમાં હલાવવાની શરૂઆત કરી કે તરત તેમાંથી કોઈક કેસરી રંગના તીવ્ર દુર્ગંધ ધરાવતા પદાર્થના ફોદા બહાર નીકળયા.આ હતા મારી ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન માછલીના અવશેષો.મને હજી નથી સમજાતું કે એટલા નાના શંખના મોઢામાંથી તે કાણા કરતા ખાસ્સા મોટા કદની મારી પ્રિય ટેન્જેરીન એ શંખમાં પ્રવેશી શી રીતે?(અને શા માટે?)તેના શરીરનાં હવે તો નક્કર ઘન સ્વરૂપમાં પણ ન રહેલા એ અવશેષો જોઈ મને એક કમકમાટી ભરી લાગણી થઈ આવી. આ દ્ર્શ્ય જોઈને મારી પત્નીની તબિયત પણ ખરાબ થઈ ગઈ અને તેને આખો દિવસ ઉલટી થઈ અને તેનું માથું ભારે થઈ ગયું.હું બે-એક દિવસ સુધી ખૂબ ઉદાસ અને દુખી રહ્યો.
એ અરૂચિકર દ્રશ્ય હજી મારા મનમાં ક્યારેક ઘૂમરાય છે.પેલા દિવસે જ્યારે ટેન્જેરીન માછલી ગાયબ થયાની પ્રથમ વાર જાણ થઈ ત્યારે પણ મેં બધા શંખ જોરથી હલાવ્યા હતાં.તેમાં આ શંખ જેમાં મારી ટેન્જેરીન કેદ થઈ ગઈ હતી એ પણ મારા દ્વારા આ જ રીતે હલાવાયો હતો.પણ અફસોસ ત્યારે કદાચ જીવિત અવસ્થામાં એ માછલી પણ અંદર હલી હશે પણ તે બહાર આવી શકી નહિ.હું એની તે શંખમાં હાજરી કળી શક્યો નહિં અને તેને બચાવી શક્યો નહિ.

ત્રીજો પાઠ જે મેં શીખ્યો : એવું કંઈ પણ માછલીઘરમાં ના રાખશો જેને નાના કાણા જેવું પણ કોઈક મુખ હોય જેમાં કદાચ તમારી માછલી ઘૂસી જઈ શકે પણ તેમાંથી પાછી બહાર ન આવી શકે.મેં મારી પ્રિય એવી એક માછલી આવી સામાન્ય લાગતી ભૂલને કારણે ગુમાવી.મને ક્યારેય જરા સરખો પણ ખ્યાલ ન આવ્યો કે માછલી આટલા નાના કાણાંમાં થઈ શંખની અંદર ઘૂસી જશે.
( ગયા સપ્તાહે જે વાચક મિત્રો આ બ્લોગનો પ્રથમ ભાગ વાંચી શક્યા નથી તેમના માટે મે શીખેલા બે પાઠ આ મુજબ છે:
પહેલો પાઠ : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
બીજો પાઠ : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને એન્ટી-ફન્ગલ પ્રવાહીના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય.)

આ ઘટના પછી પણ મેં બે એક માછલી ગુમાવી અને તે તો કોઈ ચોક્કસ કારણસર પણ મ્રુત્યુ નહોતી પામી. હવે તો હું મારી માછલીઓની વિશેષ કાળજી પણ રાખું છું.છતાં એ વાત નક્કી કે આ શોખ દેખાય કે લાગે એટલો સરળ તો નથી જ. બીજી પણ એક માન્યતા એવી છે કે માછલીઘર પણ એક કેદ જ ગણાય. ચાર દિવાલોની વચ્ચે તમે તમારા શોખ માટે કેટલીક નિર્દોષ માછલીઓને ગોંધી રાખો એ બરાબર નથી. પણ આ મત સાથે હું સહમત નથી.એમ તો મચ્છીમારીના વ્યવસાય પર નભતા હજારો માછીમારો માછલી મારીને જ પોતાનું પેટ ભરે છે ને?અને કેટલાંયે માંસાહારી લોકો મજાથી માછલીઓ પેટમાં પણ પધરાવે છે.તો માછલીઘર જેવું કંઈક ઘરમાં રાખી તેમાં થોડી ઘણી માછલીઓને પ્રેમ અને જતનપૂર્વક ઉછેરવી મારા હિસાબે અયોગ્ય નથી જ.

પણ એક વાત ચોક્કસ કે આ શોખ અઘરો અને તમારો સારો એવો સમય અને ધ્યાન માગી લે તેવો છે.આથી જો એ કેળવવાની ઇચ્છા થાય તો તેને પૂર્ણ ન્યાય આપવાની તૈયારી હોવી જોઇએ.અને કોઇ પણ શોખને અમલમાં મૂકતા પહેલા તેને લગતો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો જરૂરી છે નહિતર જાણ્યે-અજાણ્યે તમે મારા દ્વારા થયેલી ભૂલની જેમ અજાણ્યા મૂંગા જીવને અન્યાય કરી બેસશો. અત્યારે મારા માછલીઘરમાં પાંચ સુંદર માછલીઓ છે અને હું આશા રાખું છું કે હું તેમને અકાળે ન ગુમાવી બેસું.

(સંપૂર્ણ)

રવિવાર, 14 માર્ચ, 2010

સિલ્વર જ્યુબિલી સ્પેશિયલ : મારું માછલીઘર (ભાગ - ૧)

વ્હાલા વાચકમિત્રો,

આજે 'બ્લોગ ને ઝરૂખેથી...' આ કટાર સિલ્વર જ્યુબિલી ઉજવી રહી છે! એટલે કે આજે આ કટારમાં આપ ૨૫ મો બ્લોગ-લેખ વાંચી રહ્યાં છો. મને ખુશી છે કે તમે આ કટાર પસંદ કરો છો. મારા માટે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે મારા બ્લોગ્સથી પ્રેરાઈ અમિતા અને ભૈરવી જેવા વાચકમિત્રોએ પોતાના નવા બ્લોગ્સ બનાવ્યા છે. તમે નિયમિત રીતે મને ફીડબેક પણ આપતા રહો છો અને ગેસ્ટ બ્લોગમાટે લેખ મોકલતા રહો છો એથી મારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થાય છે. બસ આમ જ આ કટાર વાંચતા રહેશો-વંચાવતા રહેશો અને તમાર પ્રતિભાવો-લેખો વગેરે મને vikas.nayak@gmail.com આ ઇમેલ આઈડી પર અથવા જન્મભૂમિના સરનામે પોસ્ટથી મોકલતા રહેશો.

થેન્કસ અ લોટ!

-વિકાસ ઘનશ્યામ નાયક

-------------------------------------------------------------------------------------


હું એક પ્રકૃતિપ્રેમી છું. મને પશુ-પક્ષી,ફૂલ-છોડ,જીવજંતુ વગેરે અતિ પ્રિય છે અને નાનપણથી જ મને મારા ઘરમાં મારું પોતાનું એક નાનકડું માછલીઘર હોય એવી પ્રબળ ઇચ્છા હતી.ઘણાં વર્ષો બાદ, થોડાં સમય પહેલા મારી આ ઇચ્છા પૂર્ણ થઈ. હવે હું મારા ઘરમાં એક નાનકડું માછલીઘર ધરાવું છું જેમાં નાની નાની રંગબેરંગી છએક માછ્લીઓ વસે છે.

ખરું જોતા માછલીઓની સંખ્યા ઘણી વધુ હોવી જોઇતી હતી પણ આ બ્લોગ દ્વારા મારે તમારી સાથે, મેં કરેલી થોડી ભૂલોના કારણે મારી પ્રિય એવી પાંચ-છ માછલીઓ ગુમાવ્યાનું દુ:ખ વહેંચવું છે.સાથે જ તમારી સાથે કેટલાક અનુભવ-પાઠ પણ વહેંચવા છે જેથી તમારામાંના કોઈને પણ માછલીઘર બનાવવાની ઇચ્છા થાય તો તમે મારી ભૂલો નું પુનરાવર્તન કરી કેટલીક નિર્દોષ માછલીઓના મ્રુત્યુનું કારણ ન બનો.

પ્રકૃતિપ્રેમી હોવાને લીધે મને શંખ-છીપલાં-પીંછા વગેરે સંગ્રહ કરવાનો પણ શોખ.કાચની પારદર્શક ચાર દિવાલ ધરાવતા મારા નાનકડા માછલીઘરમાં મેં પાણી ભર્યા બાદ વર્ષો સુધી સંઘરેલા શંખ અને છીપ બિછાવ્યા.હવા માટેનો નાનો પંપ ફીટ કર્યો અને બે-ત્રણ દિવસ બાદ મેં એમાં ચાર નાનકડી સુંદર માછલીઓ તરતી મૂકી.મારી પ્રથમ પ્રિય પેટ એવી એ માછલીઓ તેમના એ નવા ઘરમાં પ્રવેશતા જ ત્વરા અને ચંચળતાથી આમતેમ ઘૂમવા માંડી.

એક લાલાશ પડતા કેસરી રંગની અને સોય જેવો નાનકડો પૂંછ્ડીનો હિસ્સો બહાર ધરાવતી ટેન્જેરિન જાતિની જોડ અને બીજી રાખોડી રંગની નાનું પાતળું એવું શરીર ધરાવતી ઝેબ્રા જાતિની જોડ એમ કુલ ચાર માછલીઓ મારા ઘરનો-મારા માછલીઘરનો હિસ્સો બની ગઈ! વર્ષોની મારી પોતીકુ માછલીઘર ધરાવવાની ઇચ્છ પૂરી થતા મને અપાર સંતોષની લાગણીનો અનુભવ થયો.તેમના માટે ખાસ પ્રકારનો ખોરાક નાનીનાની ગોળીઓ સ્વરૂપે ખરીદ્યો હતો તે મેં માછલીઘરમાં ઉપરથી ભભરાવ્યો ત્યારે જે ઝડપ અને ઉત્સાહથી તેમણે એ ખાવા માટે દોડાદોડ કરી મૂકી એ જોવું એક લહાવો બની રહ્યું!

મેં ક્યાંક એવું વાંચેલું કે જો તમે રોજ થોડો સમય માછલીઘરમાંની માછલીઓને નિહાળવામાં પસાર કરો તો તમારું બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. મને વિચાર આવ્યો ઉંચું બ્લડપ્રેશર ધરાવતી મારી મમ્મીને હું રોજ થોડી વાર મારી માછલીઓ સામે બેસી તેમને જોયા કરવાની સલાહ આપીશ.

લાલ રંગી ટેન્જેરિન સ્વભાવે શાંત આથી ધીમેધીમે ગતિ કરતી અને ઝેબ્રા કરતા કદમાં થોડી મોટી હતી.સોય જેવી પૂંછડી જેની થોડી વધુ લાંબી તે માદા અને કદમાં થોડી માદા કરતા નાની તે નર એવું મને દુકાનદારે કહેલું.ઝેબ્રા કદમાં સાવ પાતળી અને થોડી લાંબી.તે એટલી બધી ચપળ અને ઉતાવળી કે એક મિનિટ શાંતિથી જંપે નહિં, સતત આમતેમ આમતેમ ઘૂમ્યા જ કરે!મને વિચાર આવતો આ માછલીઓને થાક નહિં લાગતો હોય?ઉંઘ નહિં આવતી હોય?તરસ કોને કહેવાય એનો જરા સરખો પણ ખ્યાલ હશે?

માછલીઓ લાવ્યા બાદ બીજા દિવસે સવારે ઉઠતાવેત સૌથી પહેલું કામ મેં મારા માછલીઘર પાસે જઈ મારી પ્રિય માછલીઓને નિહાળવાનું કર્યું પણ મારા દુ:ખનો પાર ન રહ્યો જ્યારે મેં એક ઝેબ્રા માછલીના નિશ્ચેષ્ટ શરીરને પાણીની સપાટી પર ઉંધુ તરતા જોયું.જ્યારે માછલી બિલકુલ હલનચલન કર્યા વગર ઉંધી તરતી હોય ત્યારે તે મૃત્યુ પામી હોય છે.મેં એ ઝેબ્રા માછલીના નાનકડા લીસ્સા મૃત શરીરને પાણી બહાર કાઢી મારી હથેળીમાં મૂક્યું અને તેનું નિરીક્ષણ કર્યું.તેના પેટ પાસે મને એક ચીરો દેખાયો અને તરત મને સમજાઈ ગયું કે શોભા વધારવા માટે મૂકેલ એક શંખ પર ઘણા બધાં કાંટા ઉપસેલા હતા.અતિ ચંચળ એવી મારી એ ઝેબ્રા માછલીનું શરીર આમતેમ આમતેમ ઘૂમતી વેળાએ ચોક્કસ એ શંખનાં કાંટા સાથે ઘસાયું હશે અને મારી પ્રિય એવી એ નાનકડી માછલી જીવ ગુમાવી બેઠી, મારી બીજી એક પ્રિય નિર્જીવ વસ્તુના કારણે. આ જ્ઞાન મોડુ લાધવા બદલ મને પારાવાર પસ્તાવો થયો.

આ મારો પહેલો પાઠ હતો : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.

મેં એ કાંટાળો શંખ તરત માછલીઘરમાંથી બહાર કાઢી નાંખ્યો.મારી મ્રુત ઝેબ્રા માછલીનું શરીર મેં ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી તે કોઇક પક્ષીનો ખોરાક બની શકે અને મ્રુત્યુ બાદ પણ તેનું શરીર કોઈક જીવને કામ લાગે. ટેન્જેરીનની જોડી તો સાબૂત હતી પણ એકલી પડી ગયેલી મારી ઝેબ્રા માછલીને જોઈ મને ખૂબ દુ:ખ થતું.

થોડા દિવસો બાદ હું કેસરી રંગની કાળા ટપકાં ધરાવતી મૌલી માછલીઓની એક જોડ લઈ આવ્યો.કાળી પૂંછડી અને નાનકડી કાયા ધરાવતી આ માછલી પણ અતિ નાજુક અને સુંદર હતી.મારી આ પાંચ માછલીઓ સંપથી તેમના નાનકડા ઘરમાં રહેવા લાગી હતી. મને લાંબા સમય સુધી તેમને જોતા બેસી રહેવાનું વ્યસન થઈ પડ્યું.

દસેક દિવસ બાદ મને માછલીઘરનું પાણી બદલવાની ફરજ પડી કારણ પાણી થોડુ ગંદુ અને ધૂંધળું થઈ ગયું હતું.પાણી બદલવાની આ ક્રિયા દર પંદર દિવસે-મહિને કરવી પડતી હોય છે.મેં આ ક્રિયા કરતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ લીધી નહિં એ મારી બીજી મોટી ભૂલ.મેં ચાલુ નળમાંથી સ્વચ્છ પાણી બાલદીમાં ભર્યુ અને માછલીઓને ધ્યાનથી હાથમાં પકડવાની જાળી વડે માછલીઘરમાંથી બહાર કાઢી બાલદીમાં મૂકી.પાંચે માછલીઓ થોડી ગભરાઈ ગયેલી જણાઈ અને રઘવાટમાં બાલદીનાં થોડાઘણાં પાણીમાં આમતેમ આમતેમ ઘૂમવા લાગી.મને ક્યાં ખબર હતી કે વીસેક મિનિટ બાદ હું તેઓમાંની ફક્ત ચારને જીવિત જોવા પામીશ?મેં માછલીઘરની કાચની ટાંકી ચીવટપૂર્વક ધોઈને સ્વચ્છ બનાવી દીધી.માછલીઘરમાં ગોઠવેલા શંખ-છીપ-પથરા વગેરે પણ સ્વચ્છ પાણીથી ધોઈ, ફરી માછલીઘરમાં નળનું તાજુ ચોખ્ખુ પાણી ભરી તેમાં ગોઠવી દીધાં.અને જેવુ મેં માછલીઓ મૂકેલી એ બાલદીમાં જોયું તો મારી બીજી ઝેબ્રા માછલી લાશ થઈ ઉંધી તરી રહી હતી.મેં આશ્ચર્યમિશ્રીત શોકની લાગણી અનુભવી.આ વખતે તો બાલદીમાં કાંટાળા શંખ કે બીજી કોઈ ધારદાર વસ્તુ પણ નહોતી.તો પછી ઝેબ્રા માછલી મને છોડી શા માટે દૂર ચાલી ગઈ?મને એ ખબર નહોતી કે માછલીના જીવનપર્યાયસમું પાણી મારી બીજી માછલીના મૃત્યુનું કારણ બન્યું હતું.
મેં બીજી ઝેબ્રા માછલીનું નાજુક મૃત શરીર પણ પહેલી ઝેબ્રાની જેમ મારા ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી એ એકાદ ભૂખ્યા પક્ષીના પેટમાં જાય.મને હજી સુધી મારી પ્રિય એવી બીજી માછલીના મોતનું કારણ સમજાયું નહોતું.મેં મારું સમગ્ર ધ્યાન બીજી ચાર માછલીઓ પર કેન્દ્રિત કર્યું જેમને મેં માછલીઘરમાં મૂકી દીધી હતી.મેં નોંધ્યું કે આ ચાર માછલીઓ પણ પહેલા જેવી સ્ફૂર્તિલી અને ચપળ જણાતી નહોતી.તેઓ ધીમી અને સૂસ્ત બની ગઈ હતી. તેમના ખાસ ખોરાકના દાણા પણ તેમની અશક્તિમાં કોઈ ફેરફાર લાવી શક્યા નહિં.પહેલા તો કેવી તેઓ આ દાણા માછલીઘરની ટાંકીમાં પડતા જ તે ખાવા દોડાદોડ કરી મુકતી અને આજે? એક ટેન્જેરીન પણ પોતાના શરીર પર નો કાબૂ જાણે ગૂમાવવા લાગી અને તેનું શરીર ઉંધુ થઈ જવા લાગ્યું.તે બરાબર તરી શકતી નહોતી પણ છતા તે જીવતી હતી એ ચોક્કસ.હું બેચેન બની ગયો.મારે એને કોઈ પણ ભોગે મરવા દેવી નહોતી.મેં વિચાર કર્યો શું કરું?ત્યાં યાદ આવ્યું કે નજીકના જ એક પાડોશી વર્ષો પહેલા મોટી પાણીની ટેંકમાં માછલીઓ રાખતા.હું નાનો હતો ત્યારે તેમના ઘરે જઈ ઘણી વાર સુધી નાનીમોટી રંગબેરંગી માછલીઓ રસપૂર્વક જોયા કરતો.તરત હું તેમના ઘેર દોડ્યો.તેમણે સલાહ આપી અને મેં બીજો એક પાઠ શીખ્યો : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.
પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.માછલીઓને પણ થોડા સમય માટે માછલીઘરમાંથી બહાર અલગ પાત્ર કે બાલદીમાં આવા વાસી પાણીમાં જ મૂકવી જોઇએ.આવા વાસી પાણીમાં ક્લોરિનનો નાશ થવા સાથે પૂરતો ઓક્સિજન પણ ભળી ચૂક્યો હોય છે.મારા પાડોશીએ મને બે ઉપયોગી વસ્તુ ખરીદવાની પણ સલાહ આપી. એક ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને બીજું એન્ટી-ફન્ગલ પ્રવાહી. આ બે લિક્વીડના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય . તેમણે મને આ પ્રવાહી થોડા પ્રમાણમાં કામચલાઉ ધોરણે આપ્યા અને મે તેમના થોડા થોડા ટીપાં માછલીઘરના પાણીમાં ભેળવી દીધાં. એનાથી જાણે માછલીઓની અવસ્થામાં થોડો સુધારો જણાયો. પણ હજી તેઓ પહેલા જેવી એકદમ સ્વસ્થ તો નહોતી જ થઈ.

(ક્રમશ:)

બળાત્કારનું દૂષણ

સૂરત શહેરના એક અતિ ચર્ચાસ્પદ ગેંગરેપ કેસનો ચુકાદો ફક્ત બે-અઢી મહિનામાં આવી ગયો એ સમાચાર વાંચી ખૂબ આનંદ થયો.ભારતમાં કાયદાકાનૂનની લડત વર્ષો સુધી ખૂબ લાંબી ચાલે છે અને ક્યારેક તો સાચા નિર્દોષ લોકોને જીવનભર ઝઝૂમવા છતાંય ન્યાય નથી મળતો.આવી પરિસ્થિતીમાં એક ગેંગરેપ કેસનો ચુકાદો ફક્ત અઢી મહિનામાં આવી જાય એ ખૂબ સારી વાત છે અને આને કાયદાકાનૂનની દુનિયામાં પરિવર્તન લાવવામાટે એક શ્રેષ્ઠ દાખલા તરીકે લઈ શકાય,ખાસ તો એટલા માટે પણ કારણકે અહિં ૧૨મા ધોરણમાં ભણતી એક માસૂમ વિદ્યાર્થિની પર તેના સહધ્યાયી યુવક મિત્ર સમક્ષ સમૂહ બળાત્કાર જેવું હિચકારુ દુષ્ક્રુત્ય આચરનાર આરોપી ત્રણ ગુનેગારો પૈકી એક તો સરકારી ખાતાના એક પોલિસ ઓફિસરનો દિકરો હતો.
તાજેતરમાં ફરી અખબારોમાં ચર્ચાએ ચડેલો રુચિકા કેસ હોય કે પછી મુંબઈનો બે વર્ષ પહેલાનો નિરજ ગ્રોવર હત્યા કેસ કે પછી સિને કલાકાર શાઈની આહૂજા દ્વારા તેની નોકરાણી પર થયેલા કથિત બળાત્કારનો કેસ હોય આ બધા કેસોની સૂનવણીઓની તારીખ પર તારીખ પડ્યા કરે છે.ઘણા આવા કેસો શરૂઆતમાં મિડીયામાં ઘણા ચગે છે અને ખાસ્સી એવી જાહેર ઉત્કંઠા જગાવે છે પણ સમયના ચક્કર સાથે મિડીયાનો પણ તેમનામાંથી રસ ઓછો થતો જાય છે અને અંતે તેઓ ટૂંકી એવી લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે.
આપણામાંના કેટલાને અભિષેક કાસ્લીવાલ કેસ કે પછી પાત્રાવાલા અપહરણ અને હત્યા કેસ યાદ છે?આવા ઘણા કેસો મજબૂત પૂરાવાઓના અભાવે કાં તો કાયદામાં રહેલા ગૂંચવાડા અને છટકબારીઓ કે પછી ક્યારેક આરોપી મોટા માથાના હોવાને લીધે કે તેના શક્તિશાળી સંપર્કોને કારણે લાંબા સમય બાદ અદાલતમાં સૂનાવણી માટે સમય પામતા જ નથી.
બળાત્કાર એક અતિ અધમ અને હીન એવો ગંભીર ગુનો છે જેનો ભોગ બનેલી વ્યક્તિએ તેના પરિણામ જીવનભર ભોગવવાનો વારો આવે છે.આપણો સમાજ હજી બળાત્કારનો ભોગ બનેલી તદ્દન નિર્દોષ વ્યક્તિને સાહજિક્તાથી સ્વીકારી શકે એટલો પુખ્ત બન્યો નથી જે એક દુ:ખની વાત છે.ઘણી બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિ આત્મહત્યાનો આશરો લે છે અથવા જો આરોપી વગ ધરાવનાર વ્યક્તિ હોય તો તે બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિનું જીવન નરકથીયે બદતર બનાવી દે છે.
કેટલાક દિવસ પહેલા એક રૂંવાડા ઉભા કરી દે એવો કિસ્સો વાંચ્યો જેમાં એક હોસ્પિટલમાં એક વોર્ડબોયે એક નર્સ પર આજથી છત્રીસ વર્ષ પહેલા બળાત્કાર કર્યો હતો તેની વાત હતી જેના કારણે તે નર્સ કોમામાં ચાલી ગયેલી અને આજે પણ તે નર્સ એ જ સ્થિતીમાં જીવીત છે.તે નરાધમ વોર્ડબોયે નર્સ પ્રતિકાર ન કરી શકે તેમજ ચીસ ન પાડી શકે એ માટે તેના ગળામાં ધાતુની સાંકળ બાંધી દીધી હતી અને પછી નિર્દયતાથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.એ સાંકળ તેમજ માનસિક ઘા ને કારણે નર્સ કોમામાં સરકી ગઈ હતી.વોર્ડબોય પકડાઈ ગયો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ છોડી મૂકવામાં આવ્યો પણ તેણે આચરેલા પાપની સજા નિર્દોષ એવી તે નર્સ આજે પણ એ ઘટનાના ૩૬ વર્ષ બાદ જીવન અને મ્રુત્યુ વચ્ચે ઝોલા ખાતી ભોગવી રહી છે.આ દુર્ઘટના વેળાએ નર્સની ઉંમર ૨૮-૨૯ વર્ષ હશે અને આજે તે ૬૦ વર્ષની વય પણ વટાવી ચૂકી છે,તેના પરિવારે પણ તેને તરછોડી મૂકી હોવાથી હોસ્પિટલનો એ ઓરડો જ તેનું ઘર બની રહ્યો છે જ્યાં એ હોસ્પિટલની બીજી નર્સો તેનું ધ્યાન રાખી તેને જીવાડી રહી છે.
આજકાલ રોજ તમે અખબારમાં બળાત્કારના ૨-૩ કિસ્સા વાંચતા હશો.અને ઘૃણાસ્પદ બાબત એ હોય છે કે આ અધમ કૃત્ય સગીર વયની યુવતિઓ કે ક્યારેક તો યુવક પર કે સાવ કુમળી વયના ફૂલ જેવા બાળક પર આચરવામાં આવે છે.સગી દિકરી પર વર્ષો સુધી બળાત્કાર કરનાર અને કરાવનાર નરપિશાચ બાપનો કિસ્સો પણ થોડા સમય અગાઉ જ પ્રકાશમાં આવ્યો હતો.ગયા અઠવાડિયે જ બીજો પણ એક વિચિત્ર કિસ્સો વાંચવામાં આવ્યો જેમાં નોકરી માંગવા ગયેલા એક યુવાને ઘરમાં ૧૫ વર્ષની બાળાને એકલી જોઈ એટલે પરાણે ઘરમાં ઘૂસી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો.પછી તો તે તરત પાડોશીઓ દ્વારા પકડાઈ પણ ગયો અને તેણે પારાવાર પસ્તાવો પણ વ્યક્ત કર્યો.તેના જણાવ્યા મુજબ તેમજ મોટા ભાગના બળાત્કારના કિસ્સાઓમાં બનતુ હોય છે તેમ આ એક ક્ષણિક તીવ્રતમ આવેગને લીધે બનવા પામતુ હોય છે.પણ તેના કારણે ગુનાનો ભોગ બનનાર અને ગુનો આચરનાર બંનેના સમગ્ર જીવન બદલાઈ જાય છે.
જરૂર છે યુવાનોએ પોતાની વૃત્તિઓ પર કાબૂ રાખવાની અને સારા શોખ કેળવવાની,સદાયે પ્રવૃત્ત રહેવાની જેથી મન સારી વસ્તુઓમાં પરોવાયેલુ રહે. અને યુવતિઓ માટે જરૂર છે બહાદુર તેમજ હોશિયાર બનવાની અને સાવધ રહેવાની.જો બળાત્કાર જેવી પરિસ્થિતીનો સામનો કરવાનો વારો પણ આવે તો ત્યારે ભયભીત બન્યા વગર હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર હોય છે.જો ડરી ગયા તો સામેવાળા નરાધમનું કામ આસાન થઈ જાય છે.એકાંત ધરાવતા સ્થળોએ કે પાર્ટીઝ વગેરેમાં પણ એકલા જવાનું ટાળવુ જોઇએ.બળાત્કાર જેવી પરિશ્તિતી ઉભી થતા બૂમાબૂમ કરવામાં કોઇ સંકોચ રાખવો જોઇએ નહિ તેમજ લાગ મળ્યે બળાત્કારીના નાક પર જોરથી મુક્કો કે તેના બે પગ વચ્ચે જોરથી લાત મારીને પણ દુર્ઘટના ટાળી શકાય. માતાપિતાઓએ જરૂર છે તેમના સંતાનો પ્રત્યે પૂરતું ધ્યાન આપવાની.બાળકને કદિ ક્યાંય એકલુ મોકલવું નહિં.આડોશપાડોશમાં પણ બાળક જ્યારે રમવા જાય ત્યારે તે કોની સાથે રમે છે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ સાથે પણ તે એકલું નથી ને એ વાતની કાળજી રાખવી જોઇએ.અને યુવાન બનેલા સંતાનોના પણ મિત્ર બની જઈ તેમને પૂરતો સમય આપવો જોઇએ અને તેમની કાળજી રાખવાની સાથે સાથે તેમની ગતિવિધિઓ પર ધ્યાન આપવું જોઇએ.
અંતે આ બ્લોગ પૂરો કરતી વેળાએ ઇશ્વરને એકજ પ્રાર્થના કે દરેક મનુષ્યને બીજાઓ સાથે સારી રીતે વર્તવાની સદબુદ્ધિ આપજે,ગુનાઓ થાય જ નહિ એવું જીવન સૌનું બનાવજે અને ભારતીય કાયદાકાનૂન પ્રક્રિયા ઝડપી બનાવજે જેથી સુરતના ગેંગરેપ કેસની જેમજ પાછલા બધા કેસો ઝડપી ઉકેલાય અને યોગ્ય વ્યક્તિઓને ન્યાય મળે...

બુધવાર, 10 માર્ચ, 2010

પ્રભુ જ પ્રેમરૂપી પ્રિયતમ

મનુષ્ય સામાજીક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી.તે સતત કોઈક ના સાન્નિધ્યને ઝંખે છે. તેની બધી જ સૂઝ્બૂઝ વ્યવહારુ માનવી બનવા પાછ્ળ ખર્ચાઈ જાય છે. આધુનિક અને વ્યસ્તતા ભરી જીવનશૈલીમાં તેને આંતર મનમાં ડોકિયુ કરી પોતાને જાણવાની કે સમજવાની ફુરસદ જ હોતી નથી. હંમેશા તે પોતાની મસ્તી માં જ રાચ્યા કરે છે. પરંતુ જેમનો સાથ અને સહ્કાર મેળવવા માટે પોતાની પરવા કર્યા વિના અહીં તહીં ભટ્કી રહયો છે તે ખરેખર પોતાના કહી શકાય એવા છે કે સંબંધો ભલે ને મિત્રતાના, સગાસ્નેહીના, ધંધાકીય કે પાડોશીના હોય, બધી જ જગ્યાએ વ્યકિત પોતાના સ્વાર્થનો જ વિચાર કરતી હોય છે. કોઈક એવી કસોટીની ક્ષણોમાં તે આત્મકેન્દ્રિત બનીને પોતાના અંતરાત્મામાં ડોકિયુ કરે છે ત્યારે તેને ખરી પરિસ્થિતિની જાણ થાય છે. જયારે તે સુખના સ્વર્ગમાં રાચતો હતો ત્યારે I can achieve anything, I can do whatever I want જેવા ઇગો ભર્યા slogan ઉચ્ચારતો હતો, પરંતુ દુ:ખના સમયે આક્રંદ કરતું હૈયુ તેને નરી વાસ્તવિક્તા બતાવે છે. તે એક્લો છે. એવા સમયે તે ખરા હદયથી ઝંખના કરતો હોય છે કે સ્વાર્થી જગતમાં પણ એવી વ્યકિત મને મળે જે નિસ્વાર્થ ભાવે મારી પડ્ખે સદાય ઉભી રહે. તેનો અંતરાત્મા પ્રભુને પ્રાર્થના કરતો પોકારી ઉઠે છે :

હું તો રાહ જોઉં એવા પ્રિયવરની
જે મારા જીવનમા આવે અને
મારા શ્વાસરૂપી સ્પંદનમાં એ સમાયે ...

મારા ચહેરારૂપી પુસ્તક પરથી આંખોના અક્ષરોને વાંચે
મારી ભાવનાઓ આઅને લાગણીઓને એ કીધા વગર જાણે
નિસ્વાર્થ ભાવે પ્રેમ કરી મને પ્રભુ પ્રતિતિ કરાવે

આવી પડે ઘોર વિપદા જ્યારે મોહ મને ભરમાવે
પ્રેમ તણા સાનિન્ધ્યમાં લઈ હૂંફ દઈ પંપાળે
એનો સથવારો મને આત્મિયતાનું ભાન કરાવે

ઓહ શ્રીક્રુષ્ણ હવેના રાહ જોવાતી ક્રુપા દ્રષ્ટી વરસાવો
એવા કોઈ પ્રિયતમને મારા જીવનમાં મોકલાવો
જેનો સહવાસ મને તમારા અસ્તિત્વની અનુભૂતિ કરાવે.


આ કરુણ હ્ર્દય ની પુકાર એ ફકત મારી કે તમારી જ નહી, પરંતુ પ્રત્યેક માનવમાત્રમાં રહેલા આંતરમનની છે.હર એક વ્યક્તિએ જીવનની એકાદ ક્ષણે તો જરુરથી વ્યાકુળ બનીને એવા સાથીની ઝંખના કરી હશે જ!સફળ કહેવાતો માનવી જે બહારથી બધીજ રીતે સુખી અને સંપન્ન લાગે, પરંતુ અંદરથી નિરાશા અને ભાવશૂન્યતાથી દાઝેલો હોય છે.તેથી આંતરિક વેદના પર મલમ લગાડ્નારી વ્યકિતની ખેવના તેને હોય છે, જે તેના જીવનની પ્રેમાળ દવા બનીને તેના મનના ઝખમને રુઝાવે અને પરમાનંદનીય અનુભુતિનો અહેસાસ કરાવી શકે. આવી કોમળ ભાવનાઓ હર એક વ્યકિતમાં સુષુપ્ત રુપે દબાયેલી હોય જ છે.જરુર છે માત્ર તેને મંથન દ્વારા બહાર કાઢવાની. આ મનોમંથન કરતી વખતે તે કેટ્કેટ્લીય વ્યકિતઓને, તેમની વચ્ચેના સંબધોને, વ્યવહારોને અને લાગણીઓને પોતાના સ્મરણપટ પર ફંફોળી જુએ છે. સહકાર અને નિસ્વાર્થ પ્રેમનુ ઝરણું બની જે શીતળતા અને શાંતતાનો અનુભવ કરાવે તેવી કોઈ જ વ્યકિત તેને દેખાતી નથી. તેનું ઉદાસ ચિત્ત અનાયાસે જ આત્મકેન્દ્રિત બની જાય છે, ત્યારે તેને અંતરના ઉંડાણમાંથી પ્રેરણા મળે છે કે હું તો તારી અંદર જ બેઠેલો છું ને તુ મને બહાર શોધ્યા કરે છે.

પ્રભુ સતત ને સતત આપણી સાથે જ હોય છે.આપણે નજરોના ઘોડાપૂર દોડાવીને સર્વત્ર નજર નાખી લઈએ છીએ, પરંતુ આપણા હદયસિંહાસન ઉપર બિરાજતાં શ્રીરાધા ના પ્રિયતમને જ ભૂલી જઈએ છીએ. તેથી જ મ્રુગજળ સમાન આપણે આભાસી અને નાશવંત વસ્તુઓ પાછ્ળ જીવનપર્યંત ભટ્કતા રહીએ છીએ. માટે જ જરૂર છે પ્રભુને જ પ્રિયતમ રૂપે પામીને તેમના બની જવાની, તેમના જ સથવારે નિષ્કામ કર્મો કરતા રહીને સંસારબાગમાં પ્રસરેલી પ્રેમની સુગંધને માણીને જીવનને મહેકાવવાની.

વિકટ પરિસ્થિતિ અને વિરોધાભાસી પરિબળો તો રહેવાનાં જ. પરંતુ પ્રભુ પ્રિયતમનો હાથ પકડીને આગળ વધાવાથી દુ:ખોનો બોજો હળવો ફૂલ લાગશે.પ્રિયતમ જે પરિસ્થિતિમાં રાખે તે પરિસ્થિતિનું સ્મિત વેરી સ્વાગત કરવાની આપણી ભાવના પ્રબળ બને તો સમજવું કે પ્રિયતમને મળવા માટે એક ડગલું માંડયું છે.

તો ચાલો પ્રિયતમા બની ડગ ભરતા જઈએ...

પ્રભુ પ્રિયતમ તો આપણી આતુરતાથી રાહ જોઈ ને જ ઉભા છે...