Translate

રવિવાર, 9 માર્ચ, 2014

ગેસ્ટ બ્લોગ : આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીરત્નોની ઝાંખી....


-     મનોરમા  ઠાર

                ૧૯૭૫માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરી ત્યારથી વિશ્વનું ધ્યાન નારી-મુક્તિના પ્રશ્ન પર કેન્દ્રિત થયું છે. પ્રાચીન સભ્યતાની પ્રણાલી અનુસાર ખોરાકમાં ,ઓફિસમાં , જાતીય સંબધમાં સ્ત્રીઓનું શોષણ પુરુષપ્રધાન સમાજમાં પુરુષ કરતોજ રહ્યો છે.તે બિન સાંસ્કૃતિક લક્ષણ છે.આઝાદીના દાયકાઓ વીતી ગયા પછી પણ ભારતીય નારીનો વિશાળ સમુદાય પીડિત અને શોષિત નજરે પડે છે.

પુરાણ કાળથી  સ્ત્રીઓનું માતૃ સ્વરૂપ આપણાં શાસ્ત્રોમાં પૂજનીય લેખાયું છે. પરબ્રહ્મને બાંધ્યો હોય તો તે એક માત્ર જશોદાજીએ જ! માતા જશોદા પાસે થરથર ધ્રુજતો અખિલ બ્રહ્માંડનો નાથ!
               
મહાભારત કાળમાં કુંતીએ ભગવાન પાસે વરદાનમાં વિપત્તી માગી છે, સંતાનોમાં સંસ્કાર સિંચી પરિવારને સ્નેહથી બાંધી રાખી સુખી અને સંસ્કારી સમાજનું નિર્માણ કર્યુ છે. આવી ભારતીય સન્નારીએ પોતાના સમગ્ર અસ્તિત્વને ફના કરી પોતાના આત્મજનોના જીવનને ઉજાળ્યા છે.કાળક્ર્મે પરિસ્થિતી બદલાતી રહી છે.     આપણાં દેશની આઝાદીની લડતમાં અને તેપછીના દેશના રાજકારણમાં નહેરુ કુટુંબે  અગત્યનો ફાળો આપ્યો છે. જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતે ભારતીય સમાજ સેવિકા તરીકે રશિયા તેમજ અમેરિકામાં ભારતીય એલચી તરીકેની સેવા બજાવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના તેઓ પ્રથમ મહિલા પ્રમુખ નિમાયા હતા. તે જમાનામાં રંગભેદની  નીતિનો ઉગ્ર પ્રહાર કરી કાળી પ્રજામાં તેમણે લોકપ્રિયતા મેળવી હતી.

 રાજકારણ ક્ષેત્રે માર્ગારેટ થેચરે બ્રિટનની અર્થવ્યવથાને આમૂલ બદલી નાખેલી. તેઓ દર અઠવાડિયે  બ્રિટનની મહારાણી એલિઝાબેથને મળવા બકિંગહામ પેલેસ જઈ દેશ-વિદેશના પ્રશ્નનોની ચર્ચા વિચારણા કરતા. ઇસ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી લોખંડી મહિલાએ વડાપ્રધાન પદે રહેવાનો  વિક્ર્મ સર્જ્યો હતો.

ફિલ્મક્ષેત્રે નરગિસ, હેમામાલીની, શબાના આઝમી, શર્મિલા ટાગોર જેવી અભિનેત્રીઓએ  ફિલ્મ દ્રારા સમાજને ગમ્મત સાથે જ્ઞાન આપ્યું છે

યુવા લેખિકા તસલીમા નસરીને લખેલી નવલકથા 'લજ્જા' ઇસ્લામ વિરોધી ઠરાવી તેને મોતની સજા ફરમાવી, તે છતાંય તે  સ્ત્રીઓને સ્વતંત્ર અને સ્વાવલંબી જોવા ઈચ્છે છે. તેનું લખાણ ચાલુ છે. સ્ત્રીઓને સક્ષમ બનવા સંઘર્ષ કરવાનું સ્ત્રીઓને આહવાન આપે છે.

રશિયાના પ્રમુખ ગોર્બાચેવના પત્ની રેઈસા ગોર્બાચેવ ફેશનની દુનિયામાં સદાયે અગ્રેસર સ્થાન ધરાવતા. તે ઘણીબધી ભાષાના જાણકાર. સંગીતશોખીન તથા ધર્મસહિષ્ણુ મહિલા હતા. તે જે દેશની મુલાકાત જતા તે દેશની સંસ્કૃતિ, કલા અને સાહિત્યની ઊંડી જાણકારી મેળવતા. રશિયાની ફર્સ્ટલેડીનું  બિરૂદ તેમણે મેળવ્યુ હતું. 

૧૯૮૮માં  ક્રિક્રેટમાં અમ્પાયર તરીકે અંજલી રામગોપાલે બધાને ચકિત કરી દીધેલા.

પ્રથમ મહિલા આઈ. પી એસ ઓફિસર તરીકેનું ગૌરવ કિરણ બેદીના નામે છે.

ચંદા નામની યુવતીએ એરફોર્સમાં, તો મંજુલા પદ્મનાભન નામે વ્યંગ ચિત્રકાર, કાર્ટુનિસ્ટ તરીકેનું ગૌરવ ધરાવે છે.

સમાજના અનેક ક્ષેત્રોમાં નારીશક્તિનું પ્રદર્શન જોવા મળે છે. દરેક ક્ષેત્રે નારીઓએ સિધ્ધિ હાંસલ કરી છે.  હવે  સ્ત્રીઓ અને પુરુષો ભેગાં મળી એક શોષણ વિહિન વિશ્વસમાજ કઈ  રીતે બાંધી શકે  તે વિચારવું જરૂરી છે.

-     મનોરમા  ઠાર

રવિવાર, 2 માર્ચ, 2014

ચૂંટણી આવી રહી છે!


છેલ્લાં થોડાં સમયથી ઓફિસેથી પાછો ઘેર મોટે ભાગે મારા એક કલીગ મિત્ર સાથે તેની ગાડીમાં આવું છું. તેની બહેન એરપોર્ટમાં નોકરી કરે છે અને તેને એનું કંઈક કામ હોવાથી હું પણ એક સાંજે મિત્ર સાથે નવા રસ્તે થઈ એરપોર્ટ ગયો જેનું  હમણાં થોડા સમય પહેલાં આપણાં પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું . ખૂબ સુંદર છે રસ્તો. અતિ ઝડપે તેનું કામ પતી ગયું અને ઉદઘાટન પણ થઈ ગયું. ખાસ્સો લાંબો અને સરસ ચોખ્ખો હતો માર્ગ. હું આશા રાખું ચુમ કે આખી મુંબઈ નગરી આવી ચોખ્ખી થઈ જાય! લાંબા સર્પિલાકારે વળાંક લેતાં રસ્તાઓ ગોળાકારે ઉપર તરફ જાય અને પ્રવાસીઓને સીધા એરપોર્ટના ઉપરના માળે  લઈ જાય. તમને રસ્તાઓ અને ફ્લાયઓવર્સ પરથી પસાર થતાં એવી લાગણી થાય જાણે તમે વિદેશ આવી ગયા હોવ! ટર્મિનલ- ખૂબ સારી રીતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જાળવીને આકર્ષક તૈયાર કરાયો છે. મોટાં મોટાં સ્તંભો પર મત્સ્યકન્યાના શરીર પરનાં માછલી જેવા ભાગ પર હોય એવાં કે સાપનાં લીસ્સા ચમકતાં શરીર  પર હોય એવાં ભીંગડાં જેવી ડીઝાઈન્સ! તમને ભવ્યાતિભવ્ય લાગણી થાય ત્યાંથી પસાર પણ થતાં હોવ ત્યારે.
Add caption

હવે આવી જગાએ પહોંચતાં પહેલા હાઈવે પરથી જ્યાંથી નવો રસ્તો જોડાય છે ભાગ નજીકનો થોડો વિસ્તાર જોતાં મુંબઈ નગરીની અજોડ વિષમતાના ફરી દર્શન થાય! વિદેશોમાં જોવા મળે એવા ભવ્ય એરપોર્ટ ટર્મિનલ પર જતી વેળાએ રસ્તાની બંને બાજુએ અતિ નજીક સાવ અડીને લાંબી ઝૂંપડપટ્ટી ડોકિયા કરતી દેખાય છે. ક્યાં એરપોર્ટનું અત્યાધુનિક ટર્મિનલ,તેના તરફ લઈ જતાં સુંદર લાંબા રસ્તા અને ક્યાં ઝૂંપડપટ્ટી! પણ છે મુંબઈ નગરીયાની ખાસિયત!
હવે મૂળ મુદ્દા પર આવું તો બંને વિષમ વસ્તુઓ વચ્ચે કોઈ સામ્ય ખરૂં? જવાબ છે : હા!  બંને બંધાવા પાછળ સરકાર અને સ્થાનિક નેતાઓનો મોટો હાથ છે. ટર્મિનલ અને તેને જોડતા રસ્તા ઝડપી બની જવાનું અને તેમનું ઉદઘાટન પણ ઝડપી થઈ જવાનું કારણ ટૂંક સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ છે!
તમે જો જો, હજી તો ચૂંટણી આવતા સુધીમાં કેટલાયે લાંબા સમયથી અટવાયેલાં પ્રોજેક્ટ્સ પૂરાં થઈ જશે! દેશની પ્રથમ મોનોરેલ તો મુંબઈમાં ચાલુ થઈ ગઈ હવે મુંબઈ-મેટ્રો પણ સાવ નજીકનાં ભવિષ્યમાં શરૂ થઈ જાય તો નવાઈ પામશો!
ઝૂંપડપટ્ટી બની અને ટકી રહેવા પાછળ પણ વોટબેન્ક પોલિટીક્સ કામ કરે છે. વાંદરા સ્ટેશનના પૂર્વ તરફ લઈ જતાં પુલની બંને બાજુએ પુલને ચપોચપ અડીને બહુમાળી ઇમારતો (વાંચો ઝૂંપડપટ્ટી) તૈયાર થઈ ગઈ છે.અહિ થોડા સમય અગાઉ ભીષણ આગ લાગી હતી (જેમાં ચમત્કારીક રીતે કોઈ જાનહાનિ થવા પામી નહોતી) ત્યારે ઇમારતોમાં બે માળ હશે જે અત્યારે ચાર-ચાર માળની ઇમારતો બની ચૂકી છે! હમણાં અખબારોમાં વાંચ્યું કે કોઈક વિસ્તારમાં આવેલાં દસ વર્ષ કે તેથી વધુ જૂનાં ઝૂંપડાઓને અધિકૃતતા કે સરકારી માન્યતા મળી જશે.
ટ્રેન્ડ ખૂબ ખતરનાક છે.આટલી હદે સ્વાર્થી થઈ લાંબા ગાળાના નુકસાનનો વિચાર કર્યા વગર રાજકારણની રમત રમતાં નેતાઓને કારણે ભારત આજે ધારી પ્રગતિ સાધી શક્યું નથી.
પણ હવે આપણે નાગરિકોએ સાવધ થઈ જવાની જરૂર છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચેતી જવાની જરૂર છે.જે નેતાઓને આપણે ચૂંટીશું તેઓ આપણાં પર ભવિષ્યમાં રાજ કરશે (ખરી રીતે તેમણે આપણી સેવા કરવાની હોય પણ તેઓ આપણાં પર રાજ કરશે!)
ખોટાં ખોટાં ટૂંકા ગાળાના લાભો કે વચનો આપનારથી ભરમાઈ જતાં સાચી રીતે શિક્ષીત અને સારૂં ચરિત્ર ધરાવતાં નેતાઓને વોટ આપી આગળ ધપાવવાનાં છે.અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતાં કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં નેતાઓને જાકારો આપીને આપણે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકીશું.અને વોટ કરવાની નિષ્ક્રિયતા તો નરી બેવકૂફી છે,એમાં નુકસાન આપણું છે.વોટ કરવો અને યોગ્ય ચકાસણી કરી સારા અને સાચા ઉમેદવારને.