Translate

રવિવાર, 13 ડિસેમ્બર, 2015

ગો - ગો ટુ – ગોવા ! (ભાગ - 3)

બાગા બીચ પછી ગિરીશ અમને અન્જુના બીચ પર લઈ ગયો. જગાનું સૌંદર્ય કંઈક અલગ પ્રકારનું હતું.પહેલાં તો ત્યાં પહોંચતા વેત અમે એક એવી જગા ગોતતા હતા જ્યાં મમ્મી નેબ્યુલાઇઝર લઈ શકે. તેને શ્વાસની થોડી તકલીફ છે એટલે દિવસમાં ચાર-પાંચ વાર નેબ્યુલાઈઝર લેવું પડે.તેના માટે ઈલેક્ટ્રીસીટી ધરાવતો પ્લગ પોઇન્ટ જોઇએ. સવારથી માત્ર એક વાર નેબ્યુલાઈઝર લીધું હતું અને સાંજ પડવા આવી હતી એટલે મમ્મી થોડી અકળાયેલી.તેને નેબ્યુલાઈઝર લેવાની તાલાવેલી લાગી હતી.અમે ગાડીમાંથી ઉતર્યા ત્યાં સામે એક સરસ હોટલ હતી જ્યાં આરામદાયી ખુરશીઓ એવી રીતે ગોઠવેલી હતી કે તેના પર બેઠાં બેઠાં સામે નીચાણ પર આવેલા બીચનું નયનરમ્ય દ્રષ્ય તમે ખાવાપીવા સાથે મન ભરી માણી શકો. અમે અહિજ અડ્ડો જમાવ્યો. મમ્મીને નેબ્યુલાઈઝર માટે પ્લગ પોઇન્ટ મળી ગયો.
નમ્યા હોટલમાં ખુરશી સામેની પાળી પર થાંભલા ફરતે રમત કરવા લાગી. હું,અમી અને બહેનો પણ આરામદાયી ખુરશીઓમાં લંબાવી નાસ્તા-ચા અને સાંજની મજા માણી રહ્યાં.સામે દરીયા કાંઠે રેતી નહોતી,પણ મોટા ચોરસ પત્થરો નો બનાવેલો વિશાળ કિનારો નયનરમ્ય દ્રશ્ય સર્જી રહ્યો હતો.સૂર્યાસ્ત થવાને થોડી જ વાર હતી.ચા-નાસ્તો પતાવી થોડું-ઘણું શોપીંગ કરી અમે ઢોળાવ ઉતરી નીચે દરીયાકાંઠે પાણીમાં પગ પલાળવા ગયાં. દરીયાનાં ભરતી-ઓટને કારણે આગળ-પાછળ થતાં મોજાના ફીણવાળા પાણીમાં સમી સાંજે પગ બોળીને ઉભા ઉભા સૂર્યાસ્ત માણવાની મજા જ કંઈક નોખી હોય છે.ઇશ્વર આવે સમયે ચિત્રકાર બની પશ્ચિમના આકાશમાં રંગોની અદભૂત રંગોળી સર્જતો હોય છે જેની મજા અમે ગોવાના એ અન્જુના બીચ પર માણી.
પાછા પેલી હોટલ પર આવ્યાં ત્યાં સુધીમાં મમ્મીએ બે વાર નેબ્યુલાઈઝર લઈ લીધું હતું.એ હોટલમાં સાંજના સમય અને મૂડને અનુરૂપ હિન્દી ફિલ્મોના ખુબ સુંદર ગીત પણ મનને એક અનેરી પ્રસન્નતાથી ભરી દેતા હતા. મેં એ હોટલવાળાનો ખાસ આભાર માન્યો અને ત્યાંથી વિદાય લીધી. ગોવામાં અમારો બીજો દિવસ ભરપૂર મજા માણી અમે પૂરો કર્યો નોર્થ ગોવાના કેટલાક બીચ અને અન્ય સ્થળોની મુલાકાત લઈને.
ત્રીજા દિવસ માટે મારી ઇચ્છા હતી પરીવારને લઈને દૂધસાગર જળધોધ જોવા જવાની. પણ જી.ટી.ડી.સી.વાળા સચીને મને જણાવ્યું કે ત્યાં વહેલી સવારે પહોંચી ગયા બાદ અમુક ચોક્કસ સંખ્યામાં જ લોકોને ધોધ સુધી જવાની પરવાનગી અપાય છે અને એ માટે પણ ત્યાંથી બીજી જીપ કરીને જ આગળ જવું પડે. આથી એ કાર્યક્રમ પડતો મૂકી મેં દક્ષિણ ગોવાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પરીવાર સાથે ગયા હોઈએ અને ફરવા સાથે થોડો આરામ પણ જોઈતો હોય એટલે આવા થોડા છેલ્લીઘડીના બદલાવ માટે તૈયાર રહેવું પડે. અને આવે વખતે તમે ખાનગી ગાડી ભાડે રાખી હોય તે ખુબ કામ લાગે અને સગવડ ભર્યું બની રહે.પેકેજ ટૂરમાં સમયના ચુસ્ત ચોસલામાં બંધાઈને ફરવું પડે એમાંથી પણ આઝાદી!
ત્રીજા દિવસે સવારે ફર્નાન્ડીસ બંગલામાંથી ચેક આઉટ કરી દક્ષિણ ગોવાની ટુર માટે નીકળ્યાં.ગિરીશ આજે આ ટુર કરાવ્યા બાદ અગોન્ડા નામના બીચ પર આવેલી ડક-એન્ડ-ચીલ હોટલ પર ઉતારવાનો હતો. મોટી ગાડી હતી એટલે સામાન સાથે લઈ ફરવાની ચિંતા નહોતી. ઝુવારી નદી પરનો પુલ પસાર કરી અમે ઓલ્ડ ગોવા તરફ જઈ રહ્યાં હતાં. રસ્તાની એક બાજુએ નદી ઘણાં લાંબા સમય સુધી અમને કંપની આપતી રહી.
ઓલ્ડ ગોવાનાં દક્ષિણ પ્રદેશમાં મોટે ભાગે શાંત પોર્ટુગીઝ શૈલીનાં ઘરો જોવા મળે.અહિં મોટે ભાગે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જે ઉત્તર ગોવાના ધમધમતાં બીચ વિસ્તારો કરતાં જુદો તરી આવે.દક્ષિણમાં મોટાં પ્રખ્યાત ચર્ચ અને મંદીરો પણ આવેલાં છે. સૌ પ્રથમ અમે ગયાબેસીલીકા ઓફ બોમ જીસસ’ ચર્ચમાં.અતિ ભવ્ય અને વિશળ એવું ચર્ચ નેશનલ હેરીટેજ મોન્યુમેન્ટનો દરજ્જો પામ્યું છે.કોઈ પણ ચર્ચમાં તમને પરમ શાંતિ નો અનુભવ થાય.અહિ ઠેર ઠેર વ્યક્તિગત ફોટા પાડવા નહિ એવી સૂચનાઓ છતાં પોતાના સેલ્ફીસ લેતાં અથવા વ્યક્તિગત ફોટા બીજાઓ પાસે પડાવતા લોકો નજરે પડ્યાં.તમે ઇમારતનો બહાર થી ફોટો લો ઠીક કે ચર્ચની અંદર પણ શ્રદ્ધાથી જીસસ કે મેરીની પ્રતિમા નો ફોટો પાડો ઠીક પણ ચેનચાળા કરતાં વ્યક્તિગત ફોટો પડાવતા બાલિશ લોકોને આવી પવિત્ર જગાની આમન્યા જાળવવાનું કેમ નહિ સૂઝતું હોય? ગોવામાં અનેક વિદેશી સહેલાણીઓ જોવા મળે. તેઓ જ્યારે આવા અપરીપક્વ વર્તન કરતાં લોકોને જોતાં હશે ત્યારે તેઓ ભારતની કેવી છાપ લઈ પાછા જતાં હશે?
ચર્ચની બરાબર સામે બીજું 'સે કેથેડ્રલ' નામનું ચર્ચ આવ્યું હતું જે પુરાણા કિલ્લા જેવું બાંધકામ ધરાવતું હતું. અહિં વિખ્યાત સેઈન્ટ ફ્રાન્સીસનું વર્ષો જુનું ચમત્કારીક શબ જાળવી રાખવામાં આવ્યું છે જે ખાસ પ્રસંગોએ લોકોના દર્શન માટે પણ ખુલ્લું રાખવામાં આવે છે.અહિં પણ અજબની શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયો. સેઈન્ટ ફ્રાન્સીસના મૂળ કોફીન અને તેમના દેહની તસવીરોના દર્શન કર્યાં.સેંકડો વર્ષો પહેલાં સંતનું શબ દાટી દેવાયા બાદ મહિનાઓ પછી પાછું બહાર કાઢવામાં આવ્યું ત્યારે ચમત્કારીક રીતે તે બિલકુલ કોહવાયું નહોતું અને દૈવી તેજ ધરાવતું જોવા મળ્યું.ત્યારથી તેને ચર્ચમાં ખાસ શબપેટીમાં જાળવી રાખવામાં આવ્યું છે. હજી સુધી એવું ને એવું છે.એમ મનાય છે.
  ચર્ચ બાદ ગિરીશ અમને લઈ ગયો તિરુપતી બાલાજી મંદીરમાં. ત્યાં દર્શન કર્યા બાદ અમે ગયાં પ્રિ ઓલ ખાતેના મંગુ એશ મંદીરમાં. મંદીર પણ વર્ષો જુનું ગોવાના ચોક્કસ પરીવર દ્વારા સચવાતું મંદીર છે જેમાં ભાવ પૂર્વક મહાદેવના દર્શન કર્યાં.કોઈકે મને એમ પણ કહ્યું કે મંદીર લતા મંગેશકરના પરીવારની માલિકીનું છે.ત્યાં કેન્ટીનમાં લંચ લઈ થોડી ઘણી ખરીદી કરી અમે આગળ વધ્યાં અન્ય એક શિવાલયમાં ગયાં.અહિં દરેક મંદીરમાં બે વિશિષ્ટ વાતો જોવા મળતી.એક તેમાં મંદીરના મધ્ય ભાગમાં છત ઉપર કાચના સુંદર ગોળા ધરાવતા ઝૂમ્મર લટકાવેલા હોય (જેમાં કદાચ દીપક પ્રગટાવાતા હશે) અને બીજું દરેક મંદીરની બહાર મોટો સ્થંભ હોય જેના પર અનેક દેવી-દેવતાઓ ગોળ ફરતે ચિતરેલા કે કોતરેલા હોય.તુલસીનું પણ અહિનાં મંદીરો અને ઘરોમાં ખાસ મહત્વ જોવા મળ્યું.ખાસ પ્રકારના ચોરસાકાર તુલસી ક્યારામાં દરેક ઘર કે મંદીરમાં તુલસી અચૂક જોવા મળ્યાં.

અમે જે બીજા શિવાલયમાં ગયાં તેની બહાર એક મોટો પાણીથી ભરેલો કુંડ જોવા મળ્યો. પણ અહિના મંદીરોની વિશિષ્ટતા સમું હતું.અમે ત્યાર બાદ જે શાંતાદુર્ગા, મહાલક્ષ્મી વગેરે મંદીરોમાં ગયાં તે દરેકમાં આવા વિશાળ કુંડ પ્રાંગણમાં જોવા મળ્યાં અને દરેક મંદીર ચોક્કસ પરીવારો દ્વારા સચવાતા હોય એમ લાગ્યું.ત્રીજો દિવસતો મોટે ભાગે ચર્ચ અને મંદીરોની યાત્રામાં વીત્યો.
         દક્ષિણ ગોવાની ત્રીજા દિવસની યાત્રાનું છેલ્લું સ્થળ એટલે લાઉટોલિમ ખાતે આવેલું પર્યટન સ્થળ 'બિગ ફૂટ'.અહિં ટિકીટ ખર્ચીને અંદર ગોવાના લોકજીવનની ઝાંખી કરાવતા થીમ પાર્કની મજેદાર સફર કરવા મળી.ખાસ આકર્ષણ એટલે અહિના એક ખડક પર જોવા મળતું મોટું પગલું 

જે અહિ કોઈ એક મહાદાર નામનાં પરોપકારી જમીનદારનું મનાય છે જેણે એક પગે સ્થળે ઉભા રહી ભગવાનને પ્રસન્ન કરી સ્વર્ગ પ્રાપ્ત કર્યું હોવાની લોકવાયકા છે અને અહિનું બીજું આકર્ષણ છે એક વિદેશી કલાકારે એક ખડકમાંથી કંડારેલી મીરાબાઈની મોટી પ્રતિમા.
છેવટે દક્ષિણ ગોવામાં ફર્યા બાદ દોઢેક કલાકની લાંબી મજલ કાપી અમે જઈ પહોંચ્યા પાંત્રીસેક કિલોમીટર દૂર આવેલ અગોંડા બીચ પર! બીચ પર આવેલી સરપ્રાઈઝ પેક સમાન ડક-એન્ડ-ચીલ હોટલ અમારી ગોવા યાત્રાનું કદાચ સૌથી વધુ અવિસ્મરણીય અને અનોખું સ્થળ હતું.

 (ક્રમશ:)

રવિવાર, 6 ડિસેમ્બર, 2015

ગો - ગો ટુ – ગોવા ! (ભાગ - ૨)

રાતે મનીશાજી ગોઆની રાજધાનીના શહેર પણજીના પુલ પરથી કાર હંકારી જમણી બાજુએ ઝુવારી નદી પર તરતા જુગારખાના અને અન્ય તરતી હોટલ-બોટ્સની રોશની બતાવતા બતાવતા અને અલકમલકની વાતો કરતા ઉત્તર ગોવાના પોર્વોરીમ વિસ્તારમાં લઈ આવ્યા. ગોવામાં પ્રથમ બે દિવસના રોકાણ માટે મેં ઓનલાઈન ફર્નાન્ડીસ બંગલામાં બે રૂમ બુક કર્યા હતાં. ફર્નાન્ડીસ ગેસ્ટ હાઉસ લંડનમાં રહેતા એક દંપતિનો બંગલો છે જે ગોવાની મુલાકાત લેતા પ્રવાસીઓને ભાડે રહેવા અપાય છે. ગોવાનો એક સ્થાનિક પરીવાર જ આ બંગલાનું ધ્યાન રાખે છે અને ગેસ્ટ હાઉસમાં રહેવા આવતા લોકોની સારસંભાળ રાખે છે. બંગલામાં કુલ ચાર-પાંચ રૂમ માંથી મેં બે રૂમ બુક કર્યા હતા. એક પહેલા માળે જેમાં હું અને મારી પત્ની અમી તેમજ દિકરી નમ્યા અને મમ્મીની પગની તકલીફ ને લીધે તે વધુ દાદરા ન ચડી શકે એથી ગ્રાઉન્ડ ફ્લોર પર બીજો રૂમ બુક કર્યો હતો. બંગલાના જુદા જુદા રૂમઓમાં જુદી જુદી થીમ્સ! મમ્મી અને બહેનો જે રૂમમાં રોકાયા હતા તે રૂમમાં ગુલાબની થીમ એટલે રૂમનો રંગ લાલ અને એમાં ગુલાબના ફૂલની તસવીરો તેમજ પલંગ પર ચાદરથી માંડી તકીયાના કવર પણ આછા ગુલાબી! અમારી રૂમની થીમ હતી ઝેબ્રા - એટલે રૂમમાં બધું જ ચટ્ટાપટા વાળું બ્લેક એન્ડ વ્હાઈટ! અહિ પલંગ ફિલ્મોમાં બતાવે છે તેવી ચારે બાજુ આવરી લે તેવી મોટી મચ્છરદાનીના પડદાથી ઢંકાયેલો.એમાં સૂવાની મજા પડી. રોઝ થીમ વાળી રૂમમાં થોડું અંધારીયું વાતાવરણ અને એ.સી.માંથી પાણી લીકેજ થતું હતું પણ આવી નાની નાની ખામીઓ પર ધ્યાન આપીએ તો પ્રવાસની સાચી મજા માણવાનું ચૂકી જઈએ. એકંદરે અમને આ મોટા બંગલામાં બે દિવસ રહેવાની મજા આવી.








બંગલાની ફરતે બહાર વરંડો અને એમાં કેટલાક ઝાડ-છોડ ઉગાડેલા.બંગલાની ભીંતો પર જીસસ અને મધર મેરીની તેમજ અન્ય પોર્ટુગલ યુગના પેઈનટીંગ્સની તસવીરો તેમજ જાપાનના મોટા હાથ-પંખા,કાચની ક્રોકરી વગેરે જેવી અન્ય સુંદર સુશોભનની ચીજવસ્તુઓ ટીંગાડેલી. મોટા ભવ્ય ઝૂમ્મર પણ બંગલાની શોભા વધારતા હતાં.બ્રેકફાસ્ટમાં અમને બ્રેડટોસ્ટ અને ચા મોટા ડાયનીંગ ટેબલ પર પીરસવામાં આવતા જેના પર અમે બંને દિવસ લંચ અને ડીનર પણ કર્યાં.
બંગલો શાંત એવા રહેણાંક વિસ્તારમાં હતો.ગોવાના શિક્ષણ ખાતાની મોટી ઇમારતો તેમજ એક કોલેજની પાછળ બંગલો આવેલો હતો.ડાબી બાજુએ કતાર બદ્ધ બંગલાઓ - ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારમાં જેમ લોકોના સ્વતંત્ર કતારબદ્ધ ઘરોની સોસાયટી હોય એવું કંઈક. જોઈ મને અગાઉ મેં કેરળ,બેંગ્લોર વગેરે જગાઓએ જોયેલા આવાજ બંગલા અને ઘરોની યાદ આવી ગઈ. રાતે જમ્યા બાદ, હું પત્ની અને બહેન સાથે વિસ્તારમાં ચાલવા નિકળતો. શાંત અને મનને ગમે એવા વાતાવરણમાં ધીમે ધીમે ચાલતા ચાલતા અલકમલકની વાતો કરતાં નાઈટ વોક લેવાની ખુબ મજા પડતી.આવો અનુભવ મુંબઈમાં થઈ શકે ખરો?
બંગલાની બીજી બાજુએ થોડેજ દૂર એક મોટું સુંદર હનુમાન મંદીર આવેલું હતું. નાઈટ વોક દરમ્યાન અમારી નજરે ચડયું જ્યારે તુલસી વિવાહની રાત હતી. અહિ  એની નાનકડી ઉજવણી થઈ હશે એમ માલૂમ પડતું હતું.બીજે દિવસે સવારે મેં શાંતિથી હનુમાન મંદીરે દર્શન કર્યાં અને તેના વિશાળ ખુલ્લા પ્રાંગણમાં બાંકડે બેસી અનોખી પવિત્રતા અને શાતાનો અનુભવ કર્યો.
પ્રવાસ દરમ્યાન બધા જ અનુભવ સારા જ થાય એવું જરૂરી નથી. બંગલામાં અમારો નિવાસ તો સારો રહ્યો પણ બે મહિના અગાઉ જ જોડાયેલા નવા કેર ટેકર્સ સારા માણસો નહોતા.પણ આપણે સચેત હોઇએ તો કોઈ મુશ્કેલી ન પડે. કુનેહપૂર્વક તેમની સાથે પણ બે દિવસ પાર પાડી ગોવાના એ બંગલામાં રહેવાનો એકંદર અનુભવ સારો રહ્યો.
પહોંચ્યાના બીજે દિવસે સવારે જી.ટી.ડી.સી.દ્વારા બુક કરેલી ઇનોવા ગાડી અમને ઉત્તર ગોવાના સ્થળોની મુલાકાતે લઈ જવા આવી પહોંચી. અમેં પાંચ વયસ્ક અને મારી નાનકડી દિકરી એમ કુલ જણે આખો દિવસ ગાડીમાં પ્રવાસ કરવાનો હોઈ મનીષાજીની કંપની ખુબ સારી હોવા છતાં તેમની ગાડી ચાર જણ આરામથી બેસી શકે એવડી હોઈ અમે મોટી ગાડી બુક કરવા નિર્ણય લીધો હતો અને એની વ્યવસ્થા પણ મનીષાજીએ સચીન નામના તેમના અન્ય યુવાન કલીગને સોંપી દીધી હતી અને તેણે ગિરીષ નામના યુવાનને ડ્રાઈવર સાથે અમને ઇનોવા બુક કરી આપી હવે પછીના બે દિવસ માટે.
ગિરીષ સૌ પ્રથમ અમને ઉત્તર ગોવાના કોકો બીચ પર લઈ ગયો જ્યાં અમે ડોલ્ફીન દર્શન માટેની બોટ રાઈડ માણી. પોણા-એક કલાક સુધી દરીયામાં નૌકા વિહાર દરમ્યાન દૂર દૂર પાણીમાં લાક્ષણિક અદામાં ભૂસકો મારતી ડોલ્ફીન નજરે પડી પણ અતિ અલ્પ સમય માટે અને ખાસ્સી દૂર. હોડી નાની હતી જેમાં બારેક સહેલાણીઓ બેઠાં હતાં. આસપાસ અમારી નૌકા જેવીજ વીસેક અન્ય નૌકાઓ પણ ડોલ્ફીન શોધી રહી હતી! હોડી વાળાએ ડોલ્ફીન સિવાય દરીયાની એક બાજુએ આવેલ પવન ચક્કી,અગુઆડા કિલ્લો , એક ચર્ચ,ગોવાની જેલ અને એક હીરાના વેપારીએ બંધાવેલો વિશાળ, સુંદર બંગલો બતાવ્યાં જેમાં ઘણી ફિલ્મોનાં શૂટીંગ પણ થયાં છે. ડોલ્ફીન અને અન્ય જે જોયું બધું તો ઠીક છતાં મુખ્ય વાત હતી પરીવાર સાથે પોણો કલાક નૌકા વિહાર કરવાની જે અમે સૌએ ખુબ માણી.ત્યાર બાદ ગિરીષ અમને અગુઆડા ફોર્ટ અને પેલું દરીયામાંથી જોયેલું ચર્ચની મુલાકાતે લઈ ગયો.કિલ્લો મોટો અને વિશાળ હતો જેના પરથી કોકો બીચના જે દરીયામાં અમે ડોલ્ફીન સફર માણી હતી એનું સુંદર દર્શન થતું હતું.
ત્યારબાદ રસ્તામાં આવતી એક નાની રાજસ્થાની પુરુષો દ્વારા ચલાવાતી હોટલમાં જમ્યાં,બાજુમાં આવેલા શાંત મહાદેવ મંદીરમાં મહાદેવ અને નવગ્રહ દેવતાનાં દર્શન કર્યાં અને અમે આગળ વધ્યાં બાઘા બીચ તરફ. બાઘા બીચ ગોવાનો ટીપીકલ ગિર્દીથી ધમધમતો સુંદર દરીયા કિનારો હતો જ્યાં અનેક એડવેન્ચર સ્પોર્ટ્સની પ્રવ્રુત્તિ ચાલતી હતી. મમ્મી ગાડીમાં બેસી રહ્યાં જ્યારે બહેનોએ બીચ પર છત્રી સાથે ગોઠવેલ લાકડાની આરામદાયક લાંબી બેન્ચો પર લંબાવી દરીયા અને માનવ મહેરામણનું દર્શન કરવાનું પસંદ કર્યું જ્યારે મેં અને મારી પત્નીએ જેટ-સ્કી ઈંગ કર્યું. જેટ-સ્કી ઈંગ  એટલે સ્કૂટર જેવી મોટર બોટને અતિ ઝડપે હંકારી બોટચાલક આપણને દરીયામાં દૂર દૂર લઈ જાય અને પળવારમાં તો પાછો બહાર પણ લઈ આવે.પણ ક્ષણિક થ્રીલનો આનંદી અનુભવ પણ કરવા જેવો ખરો ! ત્યાર બાદ હું અમી અને નમ્યા પાણીમાં છબછબીયા કરતાં,અન્ય સહેલાણીઓને બીચ પર મજા માણતા જોતાં અને પ્રવાસની એક અલગ જુદી સુખ-શાંતિ ભરી લાગણી અનુભવી રહ્યાં. મને હાથમાં એક જીવતી સ્ટાર ફીશ મળી આવતા તેના સ્પર્શનો અજબનો રોમાંચ પણ અનુભવવા મળ્યો અને મેં તેને દૂર ફરી દરીયામાં ફગાવી દીધી.


અહિં બહાર આવતી વેળાએ એક ગરીબ ડોશી અમને ભટકાઈ પડી જે હાથમાં પહેરવાના સુંદર બ્રેસ્લેટ્સ વેચતી હતી.જતી વખતે પણ તેણે મને એકાદ બ્રેસ્લેટ ખરીદી બોણી કરાવવાની દયામણી અરજી કરી હતી પણ ત્યારે મારી પાસે વોલેટ નહોતું એટ્લે મેં તેને પાછા ફરતી વખતે હું તેની પાસેથી કંઈક લઈશ એવી આશા આપી હતી.પાછા ફરતી વેળાએ મેં અને પત્નીએ તેની પાસેથી બે બ્રેસ્લેટ્સ ખરીદ્યા અને સામે અમને પુત્ર જન્મે એવા આશીર્વાદ પણ મેળવી લીધાં.થોડી વાતચીતમાં જાણી લીધું કે તેના ચાર દીકરા હોવા છતાં તેને એકલી મૂકી ગુજરાત જામનગર સ્થાયી થઈ ગયાં છે અને નથી તેઓ કોઈ ગોવા અવતા કે નથી તેને પોતાની પાસે બોલાવતાં.મેં ટકોર કરી કે હકીકત હોવા છતાં તે અમને પુત્ર જન્મે એવા આશીર્વાદ આપી રહી હતી! તેના અને અમારા બંનેના આંખોના ખૂણા ભીના હતાં! પણ અમે સૌ કદાચ એક સારી લાગણી અનુભવી રહ્યાં હતાં - તે પોતાની વાત કહીને અને અમે તેની વાત સાંભળી તેમજ બે બ્રેસ્લેટ ખરીદી તેને જે થોડી ઘણી મદદ કરી શક્યા તેના સંતોષ સાથે.


 (ક્રમશ:)