રાતે
મનીશાજી ગોઆની રાજધાનીના શહેર પણજીના પુલ પરથી કાર હંકારી જમણી બાજુએ ઝુવારી નદી પર
તરતા જુગારખાના અને અન્ય તરતી હોટલ-બોટ્સની રોશની બતાવતા બતાવતા અને અલકમલકની વાતો
કરતા ઉત્તર ગોવાના પોર્વોરીમ વિસ્તારમાં લઈ આવ્યા. ગોવામાં પ્રથમ બે દિવસના રોકાણ માટે
મેં ઓનલાઈન ફર્નાન્ડીસ બંગલામાં બે રૂમ બુક કર્યા હતાં. ફર્નાન્ડીસ ગેસ્ટ હાઉસ લંડનમાં
રહેતા એક દંપતિનો બંગલો છે જે ગોવાની મુલાકાત લેતા પ્રવાસીઓને ભાડે રહેવા અપાય છે.
ગોવાનો એક સ્થાનિક પરીવાર જ આ બંગલાનું ધ્યાન રાખે છે અને ગેસ્ટ હાઉસમાં રહેવા આવતા
લોકોની સારસંભાળ રાખે છે. બંગલામાં કુલ ચાર-પાંચ રૂમ માંથી મેં બે રૂમ બુક કર્યા હતા.
એક પહેલા માળે જેમાં હું અને મારી પત્ની અમી તેમજ દિકરી નમ્યા અને મમ્મીની પગની તકલીફ
ને લીધે તે વધુ દાદરા ન ચડી શકે એથી ગ્રાઉન્ડ ફ્લોર પર બીજો રૂમ બુક કર્યો હતો. બંગલાના
જુદા જુદા રૂમઓમાં જુદી જુદી થીમ્સ! મમ્મી અને બહેનો જે રૂમમાં રોકાયા હતા તે રૂમમાં
ગુલાબની થીમ એટલે રૂમનો રંગ લાલ અને એમાં ગુલાબના ફૂલની તસવીરો તેમજ પલંગ પર ચાદરથી
માંડી તકીયાના કવર પણ આછા ગુલાબી! અમારી રૂમની થીમ હતી ઝેબ્રા - એટલે રૂમમાં બધું જ
ચટ્ટાપટા વાળું બ્લેક એન્ડ વ્હાઈટ! અહિ પલંગ ફિલ્મોમાં બતાવે છે તેવી ચારે બાજુ આવરી
લે તેવી મોટી મચ્છરદાનીના પડદાથી ઢંકાયેલો.એમાં સૂવાની મજા પડી. રોઝ થીમ વાળી રૂમમાં
થોડું અંધારીયું વાતાવરણ અને એ.સી.માંથી પાણી લીકેજ થતું હતું પણ આવી નાની નાની ખામીઓ
પર ધ્યાન આપીએ તો પ્રવાસની સાચી મજા માણવાનું ચૂકી જઈએ. એકંદરે અમને આ મોટા બંગલામાં
બે દિવસ રહેવાની મજા આવી.
બંગલાની
ફરતે બહાર વરંડો અને એમાં કેટલાક ઝાડ-છોડ ઉગાડેલા.બંગલાની ભીંતો પર જીસસ અને
મધર મેરીની તેમજ અન્ય પોર્ટુગલ યુગના પેઈનટીંગ્સની તસવીરો તેમજ જાપાનના મોટા હાથ-પંખા,કાચની ક્રોકરી વગેરે જેવી અન્ય સુંદર સુશોભનની ચીજવસ્તુઓ ટીંગાડેલી. મોટા ભવ્ય ઝૂમ્મર પણ બંગલાની શોભા
વધારતા હતાં.બ્રેકફાસ્ટમાં અમને બ્રેડટોસ્ટ અને ચા મોટા ડાયનીંગ
ટેબલ પર પીરસવામાં આવતા
જેના પર અમે બંને
દિવસ લંચ અને ડીનર પણ કર્યાં.
બંગલો
શાંત એવા રહેણાંક વિસ્તારમાં હતો.ગોવાના શિક્ષણ ખાતાની મોટી ઇમારતો તેમજ એક કોલેજની પાછળ
આ બંગલો આવેલો હતો.ડાબી બાજુએ કતાર બદ્ધ બંગલાઓ - ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારમાં જેમ લોકોના સ્વતંત્ર કતારબદ્ધ ઘરોની સોસાયટી હોય એવું જ કંઈક. આ
જોઈ મને અગાઉ મેં કેરળ,બેંગ્લોર વગેરે જગાઓએ જોયેલા આવાજ બંગલા અને ઘરોની યાદ આવી ગઈ. રાતે જમ્યા બાદ, હું પત્ની અને બહેન સાથે આ વિસ્તારમાં ચાલવા
નિકળતો. શાંત અને મનને ગમે એવા વાતાવરણમાં ધીમે ધીમે ચાલતા ચાલતા અલકમલકની વાતો કરતાં એ નાઈટ વોક
લેવાની ખુબ મજા પડતી.આવો અનુભવ મુંબઈમાં થઈ શકે ખરો?
બંગલાની
બીજી બાજુએ થોડેજ દૂર એક મોટું સુંદર
હનુમાન મંદીર આવેલું હતું. નાઈટ વોક દરમ્યાન જ એ અમારી
નજરે ચડયું જ્યારે તુલસી વિવાહની રાત હતી. અહિ એની
નાનકડી ઉજવણી થઈ હશે એમ
માલૂમ પડતું હતું.બીજે દિવસે સવારે મેં શાંતિથી આ હનુમાન મંદીરે
દર્શન કર્યાં અને તેના વિશાળ ખુલ્લા પ્રાંગણમાં બાંકડે બેસી અનોખી પવિત્રતા અને શાતાનો અનુભવ કર્યો.
પ્રવાસ
દરમ્યાન બધા જ અનુભવ સારા જ થાય એવું જરૂરી નથી. બંગલામાં અમારો નિવાસ તો સારો રહ્યો
પણ બે મહિના અગાઉ જ જોડાયેલા નવા કેર ટેકર્સ સારા માણસો નહોતા.પણ આપણે સચેત હોઇએ તો
કોઈ મુશ્કેલી ન પડે. કુનેહપૂર્વક તેમની સાથે પણ બે દિવસ પાર પાડી ગોવાના એ બંગલામાં
રહેવાનો એકંદર અનુભવ સારો રહ્યો.
પહોંચ્યાના
બીજે દિવસે સવારે જી.ટી.ડી.સી.દ્વારા બુક
કરેલી ઇનોવા ગાડી અમને ઉત્તર ગોવાના સ્થળોની મુલાકાતે લઈ જવા આવી
પહોંચી. અમેં પાંચ વયસ્ક અને મારી નાનકડી દિકરી એમ કુલ છ
જણે આખો દિવસ ગાડીમાં પ્રવાસ કરવાનો હોઈ મનીષાજીની કંપની ખુબ સારી હોવા છતાં તેમની ગાડી ચાર જણ જ આરામથી
બેસી શકે એવડી હોઈ અમે મોટી ગાડી બુક કરવા નિર્ણય લીધો હતો અને એની વ્યવસ્થા પણ મનીષાજીએ જ
સચીન નામના તેમના અન્ય યુવાન કલીગને સોંપી દીધી હતી અને તેણે ગિરીષ નામના યુવાનને ડ્રાઈવર સાથે અમને ઇનોવા બુક કરી આપી હવે પછીના બે દિવસ માટે.
ગિરીષ
સૌ પ્રથમ અમને ઉત્તર ગોવાના કોકો બીચ પર લઈ ગયો
જ્યાં અમે ડોલ્ફીન દર્શન માટેની બોટ રાઈડ માણી. પોણા-એક કલાક સુધી
દરીયામાં નૌકા વિહાર દરમ્યાન દૂર દૂર પાણીમાં લાક્ષણિક અદામાં ભૂસકો મારતી ડોલ્ફીન નજરે પડી પણ અતિ અલ્પ
સમય માટે અને ખાસ્સી દૂર. હોડી નાની જ હતી જેમાં
બારેક સહેલાણીઓ બેઠાં હતાં. આસપાસ અમારી નૌકા જેવીજ વીસેક અન્ય નૌકાઓ પણ ડોલ્ફીન શોધી રહી
હતી! હોડી વાળાએ ડોલ્ફીન સિવાય એ દરીયાની એક
બાજુએ આવેલ પવન ચક્કી,અગુઆડા કિલ્લો , એક ચર્ચ,ગોવાની
જેલ અને એક હીરાના વેપારીએ
બંધાવેલો વિશાળ, સુંદર બંગલો બતાવ્યાં જેમાં ઘણી ફિલ્મોનાં શૂટીંગ પણ થયાં છે.
ડોલ્ફીન અને આ અન્ય જે
જોયું એ બધું તો
ઠીક છતાં મુખ્ય વાત હતી પરીવાર સાથે પોણો કલાક નૌકા વિહાર કરવાની જે અમે સૌએ
ખુબ માણી.ત્યાર બાદ ગિરીષ અમને અગુઆડા ફોર્ટ અને પેલું દરીયામાંથી જોયેલું એ ચર્ચની મુલાકાતે
લઈ ગયો.કિલ્લો મોટો અને વિશાળ હતો જેના પરથી કોકો બીચના જે દરીયામાં અમે
ડોલ્ફીન સફર માણી હતી એનું સુંદર દર્શન થતું હતું.
ત્યારબાદ
રસ્તામાં આવતી એક નાની રાજસ્થાની
પુરુષો દ્વારા ચલાવાતી હોટલમાં જમ્યાં,બાજુમાં આવેલા શાંત મહાદેવ મંદીરમાં મહાદેવ અને નવગ્રહ દેવતાનાં દર્શન કર્યાં અને અમે આગળ વધ્યાં બાઘા બીચ તરફ. બાઘા બીચ ગોવાનો ટીપીકલ ગિર્દીથી ધમધમતો સુંદર દરીયા કિનારો હતો જ્યાં અનેક એડવેન્ચર સ્પોર્ટ્સની પ્રવ્રુત્તિ ચાલતી હતી. મમ્મી ગાડીમાં જ બેસી રહ્યાં
જ્યારે બહેનોએ બીચ પર છત્રી સાથે
ગોઠવેલ લાકડાની આરામદાયક લાંબી બેન્ચો પર લંબાવી દરીયા
અને માનવ મહેરામણનું દર્શન કરવાનું પસંદ કર્યું જ્યારે મેં અને મારી પત્નીએ જેટ-સ્કી ઈંગ કર્યું. જેટ-સ્કી ઈંગ એટલે
સ્કૂટર જેવી મોટર બોટને અતિ ઝડપે હંકારી બોટચાલક આપણને દરીયામાં દૂર દૂર લઈ જાય અને
પળવારમાં તો પાછો બહાર
પણ લઈ આવે.પણ
એ ક્ષણિક થ્રીલનો આનંદી અનુભવ પણ કરવા જેવો
ખરો ! ત્યાર બાદ હું અમી અને નમ્યા પાણીમાં છબછબીયા કરતાં,અન્ય સહેલાણીઓને બીચ પર મજા માણતા
જોતાં અને પ્રવાસની એક અલગ જ
જુદી સુખ-શાંતિ ભરી લાગણી અનુભવી રહ્યાં. મને હાથમાં એક જીવતી સ્ટાર
ફીશ મળી આવતા તેના સ્પર્શનો અજબનો રોમાંચ પણ અનુભવવા મળ્યો
અને મેં તેને દૂર ફરી દરીયામાં ફગાવી દીધી.
અહિં
બહાર આવતી વેળાએ એક ગરીબ ડોશી
અમને ભટકાઈ પડી જે હાથમાં પહેરવાના
સુંદર બ્રેસ્લેટ્સ વેચતી હતી.જતી વખતે પણ તેણે મને
એકાદ બ્રેસ્લેટ ખરીદી બોણી કરાવવાની દયામણી અરજી કરી હતી પણ ત્યારે મારી
પાસે વોલેટ નહોતું એટ્લે મેં તેને પાછા ફરતી વખતે હું તેની પાસેથી કંઈક લઈશ એવી આશા આપી હતી.પાછા ફરતી વેળાએ મેં અને પત્નીએ તેની પાસેથી બે બ્રેસ્લેટ્સ ખરીદ્યા
અને સામે અમને પુત્ર જન્મે એવા આશીર્વાદ પણ મેળવી લીધાં.થોડી વાતચીતમાં જાણી લીધું કે તેના ચાર
દીકરા હોવા છતાં એ તેને એકલી
મૂકી ગુજરાત જામનગર સ્થાયી થઈ ગયાં છે
અને નથી તેઓ કોઈ ગોવા અવતા કે નથી તેને
પોતાની પાસે બોલાવતાં.મેં ટકોર કરી કે આ હકીકત
હોવા છતાં તે અમને પુત્ર
જન્મે એવા આશીર્વાદ આપી રહી હતી! તેના અને અમારા બંનેના આંખોના ખૂણા ભીના હતાં! પણ અમે સૌ
કદાચ એક સારી લાગણી
અનુભવી રહ્યાં હતાં - તે પોતાની વાત
કહીને અને અમે તેની વાત સાંભળી તેમજ બે બ્રેસ્લેટ ખરીદી
તેને જે થોડી ઘણી
મદદ કરી શક્યા તેના સંતોષ સાથે.
(ક્રમશ:)
ગોવા પ્રવાસનો તમારો અનુભવ વર્ણવતો બ્લોગ રસપ્રદ છે. વાંચતી વેળાએ પોતે ગોવામાં ફરી રહ્યા હોઇએ એવી લાગણી થાય છે!
જવાબ આપોકાઢી નાખો