Translate

લેબલ technology સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ technology સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 14 માર્ચ, 2016

મોબાઈલ વોલેટની દુનિયામાં ડોકિયું

આજનો યુગ ટેક્નોલોજી નો યુગ છે. ડેસ્ક્ટોપ પછી લેપટોપ્સ આવ્યા અને લેપટોપ્સ બાદ ટેબ્સ. ટેબ્સ અને મોબાઈલનું અત્યારે વર્ચસ્વ છે. મોબાઈલ પણ સ્માર્ટ બન્યા છે અને સ્માર્ટ મોબાઈલ માં અનેક વિધ એપ્સ ડાઉનલોડ થયા કરે છે. હવે મોટા ભાગના ઇન્ટરનેટ યુઝર્સ આર્થિક ,બેન્કીંગ કે વ્યવસાયિક વ્યવહારો મોબાઈલ પર કરે છે. ઘણું સગવડ ભર્યું પણ છે.તમે હાલતા ચાલતા કે પ્રવાસ કરતા ટ્રાન્ઝેકશન કરી શકો છો.હવે નાણાકિય વ્યવહારો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.એમાંની એક સુવિધા એટલે મોબાઈલ વોલેટ.
મોબાઈલ વોલેટ એટલે એક એવું વર્ચ્યુઅલ પાકીટ જેમાં તમે તમારા અન્ય ક્રેડીટ કાર્ડ્સ, ડેબીટ કાર્ડ્સ વગેરે ની માહિતી એક જગાએ સંગ્રહી રાખી શકો અને જરૂર પડ્યે તેમાંના એક વિકલ્પનો તમારી પસંદગી પ્રમાણે ઉપયોગ કરી શકો. લાંબા લાંબા ક્રેડીટ કે ડેબિટ કાર્ડ નંબર  યાદ રાખવાની, દરેક ટ્રાન્ઝેકશન વેળાએ ટાઈપ કરવાની માથાકૂટ નહિ અને ઉપરાંત મોબાઈલ વોલેટ સુવિધાના અન્ય લાભો તો ખરા જ.દાખલા તરીકે તમારી પાસે પાંચ જુદા જુદા ક્રેડીટ કાર્ડ હોય અને બે ડેબીટ કાર્ડ ,તો સાતે કાર્ડ્સની માહિતી એક વાર મોબાઈલ વોલેટમાં નાખી દો એટલે પછી કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતી વેળાએ તમારે સાત માંથી એક પસંદગી કરી ટ્રાન્ઝેકશન પૂરું કરવાનો એક વિકલ્પ જેમાં તમારી માત્ર જે તે કાર્ડનો સી.વી.વી. નંબર ટાઈપ કરવાનો રહેશે.અથવા સાત કાર્ડ માંથી એક દ્વારા તમારા વોલેટમાં તમે રોકડા પણ ઉમેરી ને રાખી શકો. તો તમારે સી.વી.વી. નંબર ટાઈપ કરવાની પણ જરૂર નહિ પડે અને કોઈક કોઈક મોબાઈલ વોલેટ તો તમને રોકડા રાખવા બદલ કેશબેક રૂપે સારી એવી રકમ મફતમાં તમારા વોલેટમાં તેમના તરફ થી ભેટ રૂપે ઉમેરી આપે! નફામાં! જેમકે મોબિક્વીક મોબાઈલ વોલેટ દ્વારા ઘણી વાર એવી ઓફર કરાય છે કે જો તમે તમારા વોલેટમાં એક હજાર રૂપિયા રોકડા ઉમેરી રાખશો તો તેઓ પચાસ કે સો રૂપિયા વધુ પોતાના તરફ થી ઉમેરશે અને તમને એક હજાર પચાસ કે અગિયારસો રૂપિયાનું બેલેન્સ વાપરવા મળશે! મોબિક્વીક વાળા જો તમે ક્રેડીટ કાર્ડ વગેરે નો ઉપયોગ કરતા હોવ તો તમારા ઘરેથી રોકડા રૂપિયા લઈ જવાની સુવિધા પણ આપે છે.
જે લાભની વાત ઉપર કરી તો નફામાં ખરા  . જેમકે ફલાણી સાઈટ પર ખરીદી કરી કોઈ ચોક્કસ મોબાઈલ વોલેટથી ઓનલાઈન પેમેન્ટ કરશો તો પાંચ કે દસ કે વીસ ટકા ની છૂટ અથવા એટલા રૂપિયાની રકમ તમારા મોબાઈલ વોલેટમાં કેશબેક રૂપે અમુક કલાકો બાદ જમા થઈ જાય જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો. ઓનલાઈન ખરીદી વિમાન કે ટ્રેનની ટિકીટ પણ હોઈ શકે કે હોટલમાં ઓનલાઈન ઓર્ડરનું પેમેન્ટ પણ હોઈ શકે કે જીમ ની મેમ્બરશીપ ફી પણ હોઈ શકે કે તમારૂં વિજળી કે ટેલિફોનનું બિલ પણ કે પછી ફિલ્મની ટિકીટ ની ખરીદી પણ હોઈ શકે કે કરીયાણા કે ઘર માટે સુશોભન કે ફર્નિચરની કોઈ વસ્તુ પણ હોઈ શકે.
ખિસ્સામાં રોકડા રાખીને ફરવાની જગાએ તેના જોખમો ટાળવા મોબાઈલ વોલેટનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે. જાણે તમારૂં પાકીટ તમારા મોબાઈલમાં હોય અને પાછા વાપરવાના અન્ય ઉપર જણાવેલા લાભો નફામાં!
PayTM , ItsCash , MobiKwik , PayUMoney  વગેરે જેવા અનેક મોબાઈલ વોલેટ વચ્ચે આજે જાણે સ્પર્ધા જામી છે વધુ ગ્રાહકો અંકે કરી બિઝનેસ કરવાની જેમાં તેઓ એકમેક થી ચડિયાતી ઓફરો આપે છે અને સરવાળે લાભ તો ગ્રાહકોને થાય છે.

ટેક્નોલોજી થી ગભરાઈ ગયા વગર તેને શિખી લઈ તેનો ઉપયોગ કરશો તો ઘણાં લાભ માં રહેશો.આજે મોબાઈલ ફોનના જમાનામાં જો તમારી પાસે એકાદ મોબાઈલ વોલેટ અકાઉન્ટ નહિ હોય તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો એમ સમજજો. અંગે વધુ જાણકારી મેળવી હાથવગા સાધનનો ઉપયોગ કરશો તો આર્થિક લાભ સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થશે કંઈક નવું શિખ્યાનો , કંઈક નવું કર્યાનો એની ગેરન્ટી!

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

જીવનમાં ટેકનોલોજીનું મહત્વ


મારે  ઘેર  કૂકડો  નહિ  એટલે , સવારે  'વેક  અપ  ...વેક  અપ ... વેક  અપ ...' નાં  સૂરીલા  ગીતથી  મોબાઈલ  પરનું  એલાર્મ  ગૂંજી  ઉઠે  એટલે  હું  જાગીને  નવા  દિવસની  શરૂઆત  કરું. જો  એલાર્મ  ના  વાગે  તો  દિવસની  શરૂઆત    મોડી  થાય  અને   ભાગદોડ  કરવી  પડે!  આમ  દિવસની  શરૂઆત    મારી  જેમ  અબજો  લોકો  ટેકનોલોજી  પર  નિર્ભરતા  સાથે  કરતાં  હોય  છે. પછી  તો  દિવસમાં  અગણિત  વાર  ટેકનોલોજી આધારિત   સાધનો  અને  ઉપકરણોના  ઉપયોગ  દ્વારા  આપણું  જીવન  ચાલે  છે  કે  કહો  ને  દોડે  છે!  કલ્પના  કરો  કે  વીજળીથી  ચાલતી  લોકલ  ટ્રેન  કે  અન્ય  વાહનવ્યવહારનાં  સાધનો  ના  હોય  તો  તમે  સમયસર  ઓફીસ  પહોંચી  શકો  ખરાં? મારા  જેવા  આઈ.ટી. પ્રોફેશનલનેતો  ઓફીસમાં  પણ   આખો  દિવસ કમ્પ્યુટર  પર  કામ કરવું  પડતું  હોય છે. આજકાલ  રસ્તે ચાલતાં દરેક  જણનાં હાથમાં કે ખિસ્સામાં મોબાઈલ અચૂક હોય ! એકાદ દિવસ જો ઉતાવળમાં મોબાઈલ ઘેર ભૂલી ગયા તો દિવસે અનુભવાતી લાચારી અને  પાંગળાપણું  જેના  પર  એવી વીતી હોય જાણે! ખાવાનું  રાંધવા પણ  આજકાલ  તો ઇલેક્ટ્રિક સગડી ,ચૂલા કે ઓવન પ્રાપ્ય બન્યાં છે. ખાવાનું સાચવવા રેફ્રીજરેટર, વાતચીત કરવા મોબાઈલ અને ટેલીફોન, મનોરંજન માટે ટી.વી. કે રેડિયો કે મોબાઈલ,ગરમી થી બચવા એ.સી. તો ઠંડી થી બચવા કે પાણી ગરમ કરવા હીટર,ઘરને પ્રકાશિત રાખવા ટ્યુબલાઇટ કે ઇલેક્ટ્રિક બલ્બ ઘરની કે ઓફિસની કે હવે તો જાહેર સ્થળોની સુરક્ષા માટે કેમેરા વગેરે વગેરે. જો આ બધી ટેકનોલોજી આધારિત વસ્તુઓની યાદી બનાવવા બેસું તો આખો બ્લોગ એ યાદીથી જ ભરાઈ જાય! આ બધી સુવિધાઓએ આપણું જીવન એટલી હદે સરળ અને તેમના પર નિર્ભર બનાવી દીધું છે કે તેમના વગરનાં જીવનની કલ્પના કરીએ તો પણ એક ક્ષણ માટે ડરી જવાય!
રૂઢીચુસ્ત ગણાતા રોમન કેથોલિક સમાજના વડા પોપે તાજેતરમાં એવું વિધાન કર્યું કે ઈન્ટરનેટ ઈશ્વરની માનવજાતને અણમોલ ભેટ છે. એક આવકારદાયક ઘટના છે! ઈન્ટરનેટ દ્વારા ગજબની ક્રાંતિ આવી છે. પહેલા તમારે બીલ ભરવા કે બેન્કમાં પૈસા જમા કરવા કે બીજા કોઈ  પણ પ્રકારના વ્યવહાર માટે લાંબી કતારમાં ઉભા રહેવું પડતું.પણ હવે ઈન્ટરનેટ દ્વારા એક બટન ક્લિક કરતા બધું ઘેર બેઠા કે વિશ્વના કોઈ પણ ખૂણે થી પળ વારમાં  શક્ય બને છે.
ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સીંગ જેવી ટેકનોલોજી આધારિત સુવિધા થી કેન્સર કે હૃદય ની શસ્ત્ર ક્રિયા જેવી  સંકુલ શસ્ત્રક્રિયા નિષ્ણાત દ્વારા દેશ કે વિદેશના અન્ય કોઈ  પણ ખૂણે  બેઠા બેઠા પણ શક્ય બની છે જેનાથી મનુષ્યનું જીવન બચી શકવા પામ્યું છે. મેં ગયા બે સપ્તાહ દરમ્યાન મારા ઘૂંટણ પાસે .સી.એલ. રીકન્સ્ટ્રકશન સર્જરી ની વાત કરી હતી તે મેં પોતે ઓપરેશન થીયેટર માં મારી આંખે જોઈ હતી. માત્ર  કમર નીચે નો ભાગ બુઠ્ઠો બનાવી ઘૂંટણ પાસે ચાર નાના કાણાં પાડી તેમાં સૂક્ષ્મ દૂરબીન ઉતારી મેડીકલ ઓજારો થી આસપાસના કોષો ચૂંટી લઈ તેના દ્વારા તૂટેલો લીગામેન્ટ ફરી બનાવવો અદભૂત બાબત ટેકનોલોજી શક્ય બનાવી. હવે તો ડોક્ટર ની હાજરી વગર માત્ર ટેકનોલોજી દ્વારા અઘરા માં અઘરી શસ્ત્ર ક્રિયા પાર પડશે દિવસો પણ દૂર નથી.
ટેકનોલોજીનાં સદુપયોગ દ્વારા તમે તમારા જીવન નું કોઈ પણ કાર્ય સરળ બનાવી શકો છો. ટૂંકા કે લાંબા પ્રવાસે જવું છે તો સંપૂર્ણ આયોજન ઈન્ટરનેટ દ્વારા કરી શકાય. હોટલ બુકિંગ થી માંડી ફરવાના નવા સ્થળો ગોતવાનું કે તદ્દન અજાણ્યા પ્રદેશમાં ઘેર બેઠાં બસ કે કાર બુક કરવાનું ઈન્ટરનેટ દ્વારા શક્ય છે ગમે તે પ્રદેશનાં મોસમ ની જાણકારી કે ત્યાના લોકોની રહેણી કરણીથી માંડી ત્યાંની પ્રખ્યાત વસ્તુઓની માહિતી ગૂગલ દ્વારા આંગળીને ટેરવે મળી શકે છે! 
તમારા પરિવાર જન કે મિત્ર વિદેશ ગયા હોય તો વિડીયો ચેટ દ્વારા તેની સાથે તમે સામસામે બેઠાં હોવ એટલી સહજતા થી વાતચીત કરી શકો છો વોટ્સ એપ દ્વારા ગ્રુપ બનાવી વિશ્વના સાત અલગ અલગ ખંડમાં બેઠેલા મિત્રો એક સમયે એકમેક સાથે મફતમાં ચેટ કે ફોટા કે વિડીયો કે વોઈસ મેસેજ ની આપલે કરી શકે છે - છે ટેકનોલજી અને ઈન્ટરનેટ ની તાકાત! 
તમે કોઈ પણ ક્ષેત્રની વાત કરો ક્ષેત્ર માં આજે  ટેકનોલોજી પ્રવેશી હશે અને તેના કારણે અદભૂત ચમત્કાર સર્જાયા હશે અને અપૂર્વ ક્રાંતિ શક્ય બની હશે. સમગ્ર વિશ્વ આજે એક એકમ સમાન બની ગયું છે. ટેકનોલોજીએ   માણસને આકાશમાં ઉડાડ્યો પણ છે અને  ટેકનોલજી માણસને ચંદ્ર અને અન્ય ગ્રહો સુધી લઇ ગઈ છે.  
આપણે ટેકનોલોજી નો ડર રાખ્યા વગર તેને અપનાવતા શીખવું જોઈએ તો આપણે આજના સ્પર્ધાત્મક ઝડપી જગત સાથે કદમ થી કદમ મિલાવી શકીશું. સતત શીખતા રહી ટેકનોલોજી અપનાવીશું તો આપણું જીવન સરળ બની રહેશે કારણ ટેકનોલોજી તો દિવસે ને દિવસે પ્રગતિ સાધતી રહે છે,પરિવર્તન પામતી રહે છે. ટેલીફોન બાદ પેજર અને પેજર બાદ મોબાઈલ, સી.આર.ટી. વાળાં જાડા ભારે ટી.વી. બાદ એલ..ડી અને એલ.સી.ડી  કે એચ.ડી.. ટી.વી. , ફેક્સ બાદ ઈમેલ, ફ્લોપી બાદ સીડી અને સીડી બાદ ડીવીડી અને પેન ડ્રાઈવ્સ, ઓરકુટ બાદ ફેસબુક અને એસ.એમ.એસ બાદ વોટ્સ એપ! ચેન્જ ઈઝ નેમ ઓફ ગેમ ઇન ટેકનોલોજી! નવી પેઢી ને તો બધા ઉપકરણો અને સાધન સુવિધા સહજતા થી વાપરતા આવડે છે પણ જો જૂની પેઢીએ પણ નવી પેઢી સાથે તાલમેલ જાળવવો હશે તો તેમણે ટેકનોલોજી ને બંને હાથે અને ખુલ્લા મન સાથે અપનાવવી પડશે!
ટેકનોલોજીનાં ગુણગાન ગાયા બાદ એક બીજી મહત્વની વાત પણ મને લાગે છે મારે કરવી જોઈએ. છે ઉષ્માભર્યા માનવીય સંબંધોની હૂંફની.  ટેકનોલોજીનાં અતિરેક સાથે માનવ સંબંધો નું મૂલ્ય જરા પણ ઓછું આંકવા ની ભૂલ કરવી જોઈએ નહિ. સતત મોબાઈલ પર ચોટયા રહેવા કરતા મિત્રોને રૂબરૂ મળવાની મજા કંઈ ઓર છે! મારી સર્જરીની વાત કરું તો પત્યા બાદ જો મારા પરિવાર જનો અને ખાસ કરીને મારી પત્ની ખડે પગે મારી સેવા પ્રેમપૂર્વક કરી ના હોત તો માત્ર ટેકનોલોજીને સહારે માત્ર બાર દિવસમાં હું ફરી મારા પગ પર ચાલવા સક્ષમ ના બન્યો હોત. એકલતા ની ઊંડી ખીણ માં કે નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હોવ ત્યારે સાચા મિત્ર કે પરિવારજનો નો સાથ અને હૂંફ તમને નકારાત્મક લાગણીઓમાંથી બહાર લાવી શકે છે. પરિવારજનો બાજુમાં હોય ત્યારે તમે તેમના પ્રત્યે બિલકુલ ધ્યાન ના આપી સતત મોબાઈલ કે વોટ્સ એપ માં ડૂબેલા રહો યોગ્ય નથી આથી ટેકનોલોજી અપનાવવાની સાથે સાથે માનવ સંબંધોનું મૂલ્ય પણ જરીયે ઓછું ના આંકતા તેની પણ જાળવણી અને સંવર્ધન કરશો તો જીવન સાર્થક બનશે.