Translate

લેબલ slums સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ slums સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 1 મે, 2016

ધારાવીની સફરે (ભાગ - ૧)

ક્લીયર ટ્રીપ મોબાઈલ એપ દ્વારા એક એક્ટીવીટી બુક કરી 'સ્લમ ટુર'.એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે પંકાયેલી મુંબઈમાં આવેલી ધારાવી નજીક કહી શકાય એટલા અંતરે આવી હોવા છતાં હજી સુધી ફિલ્મોમાંજ જોઈ હતી. આઠ ઓસ્કાર અવોર્ડ્સ મેળવનારી સ્લમડોગ મિલિયનાયર્સ ફિલ્મ ઝૂંપડપટ્ટી માં ઉતરેલી અને તેના દ્વારા સ્લમ વિસ્તારને વિશ્વભરમાં પ્રસિદ્ધી મળી. એટલે ક્લીઅર ટ્ર્રીપ એપ પર જેવો ધારાવી ટ્રીપ કરવાનો મોકો મળ્યો તે તરત ઝડપી લીધો! સાથે ટ્રીપના ઓર્ગેનાઈઝર એવી 'સ્લમ ગોડ' કંપની દ્વારા નિયુક્ત પવન નામનો યુવાન ગાઈડ તરીકે ફરજ બજાવી મને ધારાવીની સફર કરાવવાનો હતો.
ઉનાળાની બપોરે બે થી ત્રણ કલાકની અવધિની ટુર માહીમ સ્ટેશન - વેસ્ટ નજીકથી શરૂ થઈ.
જન્મથી મુંબઈમાં રહી ઘણી જગાઓએ ફર્યો હોવા છતા અત્યાર સુધી ક્યારેય માહિમ ઈસ્ટ બાજુ જવાનું થયું નહોતું.રેલવેના વેસ્ટ-ઈસ્ટને જોડતા બોરીવલી તરફના પુલ પરથી ઈસ્ટ બાજુ દ્રષ્યમાન ધારાવીની ઝલક બતાવી પવને તેની ઓળખ આપવાની શરૂઆત કરી.
વિકીપીડીયા પર મલતે માહિતી મુજબ આશરે ૨૧૭ હેક્ટર્સ (૫૩૫ એકર)માં ફેલાયેલ ધારાવી ..૧૮૮૨માં બ્રિટીશ કાળ દરમ્યાન સ્થપાયેલી અને તેને ઝૂંપડપટ્ટી તરીકેની અધિક્રુતતા એટલે કે સરકાર-માન્યતા પણ થોડા વર્ષો અગાઉ મળી હતી.અહિં સાત થી દસ લાખ લોકો નિવાસ કરતા હોવાનો અંદાજ છે.હિન્દુ-મુસ્લીમ-ખ્રિસ્તી-દક્ષિણ ભારતીય-ગુજરાતી વગેરે પચરંગી પ્રજા અહિં હળીમળીને રહે છે.




પવને જણાવ્યું કે અહિ સૌ પહેલા એક નદી વહેતી જેને સ્થાનિક કોળી આદિવાસીઓ રહેવાસીઓ ધારા કહેતા જેના પરથી ધારાવી એવું નામ પડયું.અંગ્રેજોએ પ્લેગ જેવી મહામારી ફેલાયા બાદ મુંબઈના ગરીબ પરીવારો અને પ્રદૂષણ ફેલાવી શકે તેવા કેટલાક ઉદ્યોગ એકમોને ધારાવીમાં મોકલી દીધા અને ત્યાર બાદ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર થવા માંડયો.
માહિમનાં પુલ પરથી દ્રષ્યમાન થતી ધારાવીની છબી રુચિકર નહોતી છતાં આશ્ચર્યકારક જરૂર હતી.આઠ-દસ ફૂત ઉંચા કોથળામાં અનેક પ્લાસ્ટીકની બોટલો અને અન્ય આવાજ કેટલાક કોથળામાં એલ્યુમિનિયમનો ભંગાર નજરે પડતા હતાં.પ્રથમ પવન મને પ્લાસ્ટીક  રી-સાયકલીંગના એક યુનિટ પર લઈ ગયો.
બે સોળેક વર્ષના લાગતા ઊત્તર ભારતીય યુવાનો ત્રણ-ચાર અલગ અલગ ટોપલીઓમાં પ્લાસ્ટીકનો કચરો હાથેથી તેના ટુકડા કરી તેમના પ્રકાર પ્રમાણે અલગ અલગ તારવતા હતાં.દિવસે લગભગ દોઢસો-બસો રૂપિયાની કમાણી કરતા આવા હજારો કારીગરો ધારાવીમાં આવા નાનકડી ફેક્ટરીના આવાસોમાં કામ કરે તેમજ રહેતા હોય છે.પરીવાર દૂરના ગામ કે શહેરમાં હોય.રહેવા-ખાવા-પીવાની સગવડ ફેક્ટરીમાં હોવાથી તેઓ પૈસ બચાવી અને પરીવારને મોકલી શકે.અહિં વિજળી-પાણી વગેરે અધિક્રુત રીતે મળી રહે છે.પ્લાસ્ટીકનો મુંબઈ ભરનો કચરો કચરા વીણવા વાળા અહિ ઠાલવે ત્યારબાદ તેને એમના પ્રકાર મુજબ અલગ કરાય,ત્યાર બાદ તેના હાથેથી થઈ શકે એટલા ટુકડા કર્યા બાદ મશીનમાં નાખી તેમાંથી નાના-નાના પ્લાસ્ટીકના કણ બને, જેમાં રંગ ભેળવાય અને પછી રી-સાયકલ્ડ પ્લાસ્ટીક માત્ર દેશભરમાં નહિ પણ વિદેશોમાં પણ આયાત કરી મોકલાય.
           મને તો પ્રથમ અનુભવ તદ્દન નોખો લાગ્યો!પ્લાસ્ટીક જે નાશકારક પદાર્થ હોવાથી પર્યાવરણ માટે નુકસાન-કારક સાબિત થાય છે તેનું આવું અદભૂત રી-સાયકલીંગ!વધુ નવાઈ ત્યારે લાગી જ્યારે પવને જણાવ્યું કે રી-સાયકલીંગ ચાર-થી-પાંચ વાર શક્ય છે!અર્થાત એક વાર પ્લાસ્ટીકમાંથી બનાવેલી વસ્તુ વપરાઈ ગયા બાદ નકામી બને જાય ત્યારબાદ તેને તોડી-ફોડી જે પેલેટ્સ બને તેમાંથી કંઈક નવું બને,તેને ફરી તોડી-ફોડી ફરી પેલેટ્સ અને ફરી કંઈક નવી પ્લાસ્ટીકની વસ્તુ!ઉપર જણાવ્યું કે પેલા યુવાનો પ્રકાર પ્રમાણે પ્લાસ્ટીક અલગ તારવતા હતાં તે પ્રકાર.એટલે કે તેમના અનુભવ પરથી તેઓ નક્કી કરે કે કયો પ્લાસ્ટીકનો કચરો કેટલો જૂનો છે અને તેનું કેટલામી વારનું રી-સાયકલીંગ થઈ રહ્યું છે!પ્રકાર પ્રમાણે પછી તેને ક્રશ કર્યા બાદ જુદી જુદી જગાએ મોકલાય.અહિં મને ફોટો પાડવાની પરવાનગી સહેલાઈથી મળી ગઈ પણ પવને પહેલા ચેતવણી આપી દીધી હતી કે કેટલાક ફેક્ટરી માલિકોએ તેમના યુનિટ્સના ફોટા પાડવાને મનાઈ ફરમાવી હોવાથી તેની રજા વગર ક્યાંય મોબાઈલ કેમેરો ક્લીક કરવા મંડી પડવું!
            પ્લાસ્ટીક ફેક્ટરીની મુલાકાત બાદ વારો આવ્યો એલ્યુમિનિયમના રી-સાયકલીંગ કારખાનાનો!અહિં પણ અલગ અલગ નાની નાની ઓરડીઓમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલી રહેલી જોવા મળી.એક ઓરડીમાં ઠંડા પીણા અને બિયર કેન્સના મોટા ઢગલા જોવા મળ્યાં.તેને ક્રશ કરી નાના નાના ટુકડાને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે અને તેમાંથી એલ્યુમિનિયમના પતરાની શીટ્સ કે ટુકડા તેમના પ્રકાર પ્રમાણે તૈયાર કરવામાં આવે. કામ થોડું જોખમી પણ હોવાથી અહિ કામ કરનાર મજૂર થોડા વધુ એટલે કે દિવસના પાંચસો-છસ્સો રૂપિયા કમાઈ લે. અહિ ફોટા પાડવાની મનાઈ હતી! એલ્યુમિનિયમ ભઠ્ઠીમાં ઓગાળે ત્યારે પેદા થતો ધૂમાડો અને પેદા થતા એલ્યુમિનિયમનાં કચરાના જોખમ સાથે કામ કરતા કારીગરોનો વિમો હશે એવા મારા પ્રશ્નનો ઉત્તર પવને હકારમાં આપ્યો. પછી પવન મને લઈ ગયો મિક્સર-ગ્રાઈન્ડરમાં વપરાતી બ્લેડ અને અન્ય કેટલાક ઓટો-મોબાઈલ્સ અને અન્ય મશીનોમાં વપરાતાં એલ્યુમિનિયમના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં.
           ત્યારબાદ વારો આવ્યો રંગરોગાન કર્યા બાદ જે ધાતુનાં ડબ્બા નકામા ગણી આપણે ભંગારમાં આપી દઈ છીએ તેના કારખાનાનો .અહિં ડબ્બાઓમાંથી તેના પર ચોંટેલા રંગના આવરણ દૂર કરી તેને ધોઈને સાફ કરાય અને તેના પર પડેલા ગોબા ઠીક કરી ડબ્બાને ફરી નવો બનાવી દેવાય અને ફરી રંગ બનાવતી ફેક્ટરીમાં મોકલી દેવાય.
             મને વિચાર આવતો હતો એક રીતે જોઇએ તો ધારાવી મુંબઈની મોટી સેવા કરી રહ્યું છે. બધાં કચરાનું આવું રી-સાયકલીંગ થતું હોય તો દેવનાર ડમ્પીંગ ગ્રાઉન્ડ જેવા દસ-બાર કચરો ફેંકવાના સ્થાન પણ ઓછા પડે અને હાલમાં મુંબઈના એક ડમ્પીંગ ગ્રાઉન્ડમાં બુજાવાનું નામ લઈ રહેલી આગે કેટલી મોટી સમસ્યા પેદા કરી દીધી છે આપણે સૌ જાણીએ છીએ.
       અને રી-સાયકલીંગની સાથે કેટલા લોકોને લઘુ કે મધ્યમ કદના ઉદ્યોગો આજીવીકા પૂરી પાડે છે! ધારાવીના બધાં ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર અમેરીકી એક અબજ ડોલર જેટલું અધધધ છે જાણી મારી આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ!
         ત્યાર બાદ પવન મને લઈ ગયો કપડાં બનાવવાની ફેક્ટરી પર.અહિં એક નાનકડા યુનિટમાં ઘણાં બધાં યુવાનો સિલાઈ મશીન પર કપડાં સીવી રહ્યાં હતાં.અહિથી તૈયાર થનારો માલ દેશ-વિદેશની બજારો માં પહોંચે છે. કારીગરોનું કામ દિવસનાં ચૌદ-થી-સોળ કલાક બેસી કપડા સીવવાનું - શારીરિક મહેનત ઓછી પણ આવી મજૂરી કરનારા હજારો કારીગરોનું પણ ધારાવી ઘર છે! કારીગરોની માસિક આવક આથી પ્લાસ્ટીક અને એલ્યુમિનિયમ કારખાના-ફેક્ટરીમાં કામ કરતાં કારીગરો કરતાં થોડી વધુ.
        મોટે ભાગે અહિ પુરુષો કામ કરતાં દેખાયા.એકાદ યુનિટમાં મહિલા દેખાઈ.પવને જણાવ્યું કે મહિલાઓ મોટે ભાગે ખિચિયા-પાપડ જેવા ખાદ્ય પદાર્થો બનાવવાના કે અન્ય લઘુ ઉદ્યોગો સાથે વધુ સંકળાયેલી જોવા મળે છે.
         હવે પછીના ટાર્ગેટ્સ હતાં ચર્મ-ઉદ્યોગ અને કુંભાર વાડાની મુલાકાત. જેની રસપ્રદ  માહિતી પવન અને તેની કંપની સ્લમ ગોડ વિશેની વાતો  સાથે  આવતા ભાગમાં!

(ક્રમશ:)