Translate

લેબલ greed સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ greed સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 27 નવેમ્બર, 2016

લાલચ બૂરી બલા

પ્રધાનમંત્રીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની ચલણી નોટો રદ્દ કરી નાંખી. નવી નોટો મેળવવા માટે દેશના નાગરિકોને લાંબી લાંબી કતારોમાં ઉભા રહેવું પડ્યું બધા હોબાળા વચ્ચે એક આશ્ચર્યજનક સમાચાર વાંચવામાં આવ્યાં.પાક્કા બિનભારતીય દેખાતા બે વિદેશી આતંકવાદીઓ ભારતીય વીર સૈનિકો સાથે મૂઠભેડમાં માર્યા ગયા અને તેમની લાશ પાસેથી બે-બે હજારની નવી નોટો મળી આવી.
સમાચાર દુખદ અને આંચકાજનક તો છે પણ સાથે એક વરવું સત્ય છતું કરે છે. ચાડી ખાય છે આપણામાં છૂપાયેલા આપણાં દેશદ્રોહી ભાઈબંધુઓની સાંઠગાંઠની અને તેમની લાલચભરી માનસિકતાની.
અગાઉ પણ બાબતના અનેક પુરાવાઓ મળ્યાં છે.ઉરીમાં થયેલા આતંકવાદી હૂમલામાં દેશની રક્ષા કરી રહેલા સૈનિકો સૂતા હતા ત્યારે તેમની પર આપણા ઘરઆંગણે આવી નાપાક ત્રાસવાદીઓ તેમની હત્યા કરી ગયા.શું તેમના આપણામાંના કોઈક લાલચુ દેશદ્રોહી નાગરિકને ફોડ્યા વિના શક્ય બન્યું હોત?
૨૬મી ન​વેમ્બર ૨૦૦૮માં ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતેથી, બોટમાં બેસીને આવેલા ગણ્યાંગાંઠ્યા આતંકવાદીઓ સેંકડો નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા કરી શક્યા. શું એક દેશમાં પ્રવેશવું એટલું સરળ છે?
બધા કિસ્સાઓમાં લાંબો વિચાર કરતા સ્પષ્ટ જણાય છે કે દરેક દુર્ઘટના વખતે કેટલાક સ્થાનિક લાલચુ દેશદ્રોહી લોકોને ફોડીને પરદેશી દુશ્મનો આપણાં દેશનું અહિત કરવામાં સફળ થયા છે.
એક તરફ દેશ માટે પોતાના પરીવારોથી દૂર રહી વીર સૈનિકો રાતદિવસ  સરહદે ખડેપગે દેશસેવા કરી પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતા નથી જ્યારે બીજી બાજુ આપણાં દેશમાં આવી પણ એક જમાત છે જે થોડા રૂપિયા કે પોતાના કોઈ અંગત સ્વાર્થની લાલચથી પ્રેરાઈ ફૂટી જવાનું પાપ આચરતા અચકાતા નથી. દરેક આતંકવાદી હૂમલા કે શ્રેણી બદ્ધ બોમ્બ વિસ્ફોટો વખતે સ્થાનિક ફૂટી ગયેલા લોકોની લાલચ અને મદદને કારણે જે તે દુર્ઘટનાને અંજામ મળ્યાનું સામે આવ્યું છે.
કાશ્મીરમાં છેલ્લા ઘણાં દિવસોથી અવિરત ચાલી રહેલી હિંસા ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ થતાં સંપૂર્ણ પણે અટકી જવા પામી છે. હકીકત પણ દર્શાવે છે કે પત્થરમારો અને અહિંસા પૈસાની લાલચ આપી અહિત ઇચ્છનારા તત્વો સ્થાનિક લોકો પાસે કરાવડાવતા હતાં જે હવે ગેરકાનૂની નાણાં પર રોક આવતા અટકી ગયું છે. દેશમાં ફરી રહેલું મોટા ભાગનું ચલણી નાણું ખોટું હોવાની - અસામાજીક વિદેશી તત્વો દ્વારા છપાવી દેશમાં ઘૂસાડાયું હોવાની અને તે દેશમાં આતંકવાદી અને અન્ય હિંસાત્મક દૂષણોને પ્રોત્સાહન આપવા વપરાતું હોવાની ચોંકાવનારી ખબરો પણ સામે આવી છે.
બીજા એક પાસાનો વિચાર કરી તો પ્રધાનમંત્રીએ દેશમાં છૂપાયેલા કાળા નાણાં પર સર્જીકલ સ્ટ્રાઈક કરવી પડી પાછળ પણ કેટલાક કાળા નાણું ધરાવતા લોકોની લાલચ  જવાબદાર છે. આવા લોકોએ પ્રમાણિકતાથી કર ભરી લાખો-કરોડો રૂપિયાનું નાણું પોતાને કે પોતાને પરીવાર માટે ગેરકાયદેસર રીતે સંગ્રહ્યું છે જેના કારણે દેશમાં નાણાંકીય અસમાનતા ઉભી થઈ છે અને જે દેશની પ્રગતિ માટે બાધારૂપ છે. લાલચથી પ્રેરાઈને લોકો સાચાખોટાનું વિવેકભાન ગુમાવી બેસે છે.લોભને નહિ થોભને ન્યાયે પછી તો વ્રુત્તિ અટકવાનું નામ નથી લેતી અને છેલ્લે વિનાશ નોતરે છે. આટલું થયા પછી પણ હજી કાળું નાણું ધરાવનાર શરમાતા નથી અને તેને ધોળું કરવાના નવા નવા રસ્તાઓ શોધી રહ્યાં છે.બેન્કના મેનેજરોને ફોડી,ગરીબોને શોધી તેમને બદલામાં થોડું કમિશન આપવાની લાલચ આપી તેઓ પોતાના કાળા નાણાં ને ધોળા કરતા હોવાના કિસ્સા સામે આવ્યાં છે.
જ્યારે દેશના પ્રધાનમંત્રીએ એક દૂષણ દૂર કરવા દેશની પ્રગતિ માટે એક સારું પગલું લીધું છે ત્યારે આપણે સૌ થોડી ઘણી અગવડ પણ વેઠવી પડે તો વેઠીને તેમને સહકાર આપીએ. લાલચને વશ થઈ જઈએ. કદાચ કોઈક આપણને પણ પોતાના કાળા નાણાં ધોળા કરવા માટે લલચામણી ઓફર આપે તો તેનો મક્કમતાથી અસ્વીકાર કરીએ. બદદાનત ધરાવતા બધાં વિપક્ષો એક થઈ પ્રધાનમંત્રીના બોલ્ડ પગલાનો વિરોધ કરી રહ્યાં છે અને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.તેઓ લાંચના દૂષણનો પણ પ્રયોગ કરશે તો આપણે તેમનો સાથ આપતાં પ્રધાનમંત્રીને પડખે ઉભા રહવાનું છે,પછી ભલે આપણે થોડા સમય માટે થોડી મુશ્કેલી વેઠવી પડે. આપણાં બાળકો આપણે જે કરીએ છીએ શીખે છે આથી તેમની સમક્ષ સાચા,બિનલાલચુ અને પ્રમાણિક નાગરિક બની રહીએ જેથી આવનારી આખી નવી પેઢી આવા સદગુણો વાળી પેદા થાય.
લેખ જ્યારે ગુજરાત જતી બસમાં બેસી લખી રહ્યો છું ત્યારે મારી આંખ સામે એક શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલા કેળું ખાઈ લીધા બાદ તેની છાલ બિન્ધાસ્ત બસની બારી બહાર રસ્તા પર ફેંકી રહી છે.મને પસ્તાવો થાય છે કે મેં તેને કંઈ કહ્યું નહિ. ઘટનાનો હું મૂક સાક્ષી બની રહ્યો.હવે જો શિક્ષકો આવું અસભ્ય વર્તન કરતા હોય તો તેઓ વિદ્યાર્થીઓને શું શિખવવાના?

આપણે સૌએ સારા અને સાચા વર્તન દ્વારા બીજાઓ આપણાં વર્તનમાંથી કંઈક શિખી શકે અને સારું કામ કરવાની પ્રેરણા મેળવી શકે એવું જીવન જીવવાનું છે. જીવનમાં ડગલે ને પગલે આવતી નાની નાની લાલચો પર કાબૂ મેળવી સાચું અને સારું વર્તન કરવાનું છે. સવારે મને ઓફિસ જવાનું મોડું થતું હોય ત્યારે અન્યોને ધક્કા મારી હું ટ્રેનમાં ચડી નહિ જાઉં, ટ્રેનમાં દરવાજે ઉભા રહેવાની લાલચે અને પોતાને આરામથી ઉભા રહેવા મળે તેથી અન્ય પ્રવાસીઓને ટ્રેનમાં ચડવા દેવાની કુટેવને તાબે નહિ થાઉં; અન્ય આવા સંકુચિત માનસિકતા ધરાવતા માથાભારે તત્વો સાથે જૂથ બનાવી દાદાગિરી નહિ ચલાવું, ડ્રાઈવ કરી જતો હોઉં તો ઉતાવળે પહોંચવાની લ્હાયમાં સિગ્નલ નહિ તોડું, ટ્રાફીકનો કોઈ નિયમ તોડ્યો તો ટ્રાફીક પોલીસને લાંચ આપી સસ્તામાં પટાવી વિષ ચક્ર આગળ નહિ ફેલાવું,કતાર તોડી નિયમોની ઐસી કી તૈસી નહિ કરું,લાંચ લઈશ પણ નહિ અને આપીશ પણ નહિ - આવા અનેક નાના નાના નિર્ણય અમલમાં મૂકીને પણ આપણે દેશના વિકાસમાં ઘણો મોટો અને અગત્યનો ફાળો આપી શકીએ એમ છીએ.