Translate

રવિવાર, 21 જૂન, 2020

મદદ માટે હાકલ

   થોડાં દિવસો અગાઉ કોરોનાના સતત ગાજતા સમાચારો વચ્ચે એક અન્ય સમાચારે  આપણું સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એ હતાં નિસર્ગ વાવાઝોડા અંગેના સમાચાર. આ વાવાઝોડું આવ્યું અને પાછલાં ઘણાં પ્રસંગોની જેમ આ વખતે પણ મુંબઈને માત્ર જરા સરખું સ્પર્શી  આગળ વધી ગયું. જો કે તેની અસર બધે જ મુંબઈ જેટલી ઓછી નહોતી. આપણાં જ રાજ્ય મહારાષ્ટ્રનાં કોંકણ પટ્ટામાં આવેલા રાયગઢ જિલ્લામાં અને  અન્ય કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડાએ ઘણું નુકસાન પહોંચાડયું.
    એક વોટ્સએપ ગ્રુપ પર વાવાઝોડાથી અસર ગ્રસ્ત થયેલા ગામો અંગેના કેટલાક મેસેજ વાંચ્યા, વિડિયો જોયા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક નાનકડાં ગામ માનગાવમાં વસતાં આદિવાસીઓનું જીવન આ વાવાઝોડાએ કેટલું તહસનહસ કરી નાખ્યું છે એ જોઈ મારું હૈયું દ્રવી ઉઠયું.

     માનગાવ તાલુકાના કાતેવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણા પિન્ટયા હિલમ નામની આધેડ વયની સ્ત્રી પહેલા વિડિયોમાં દેખાય છે અને તેની આપવીતી વર્ણવે છે. એ તેના વૃદ્ધ પતિ સાથે એકલી આ ગામમાં વર્ષો થી રહે છે. આ દંપતિ નિઃસંતાન છે. વાવાઝોડું આવ્યું ત્યારે તેમના ઘરનું છાપરું ઉડીને આ દંપતિ પર પડ્યું. કૃષ્ણાને ખાસ ઈજા ન થઈ, પરંતુ તેના વૃદ્ધ પતિને ખૂબ વાગ્યું અને તે હાલમાં ચાલી શકે એવી સ્થિતીમાં નથી. છાપરું ઉડી જવાને કારણે આખું ઘર ઉઘાડું થઈ ગયું અને વરસાદે તેમના ચૂલા, અનાજ, કપડાં, ઘરવખરી સઘળા પર પાણી ફેરવી દીધું. સતત વરસતા વરસાદે આ દંપતિનું જીવન બરબાદ કરી નાખ્યું. તેઓ મદદ ઝંખી રહ્યાં છે.
 
  આવી જ સ્થિતી અહીંના મોટા ભાગના ઘરોની થઈ છે. કેટલાક લોકોના ઘરના છાપરાં ઉડી જવાની સાથે તેમના ઘરની દિવાલો પણ તૂટી પડી છે. કોરોનાને કારણે જેમના સંતાનો છે એવા ખેડૂતો અને નાનું - મોટું કામ કરી ઘર ચલાવતા પરિવારો પણ છેલ્લાં થોડા સમયથી રોજીરોટી ગુમાવી ચૂક્યા છે તેવામાં આ વાવાઝોડાના સંકટે 'પડતાં ને પાટું' જેવો ઘાટ સર્જી તેમના જીવનમાં ઘોર નિરાશા ફેલાવી દીધી છે. માથે છતનો આશરો હતો તે પણ ક્રૂર વિધાતાએ છીનવી લીધો છે. તેઓ નિઃસહાય થઈ ગયાં છે.

   ગાંગવલી નામની બીજી પણ એક આદિવાસી વાડી પાડોશમાં જ છે જેની આવી જ સ્થિતી છે. કોંકણ પટ્ટામાં આવેલા આ વિસ્તારમાં સામાન્ય રીતે પણ વરસાદ વધુ પડતો હોય છે તેવામાં આ વખતે તો ચોમાસું હજી બેઠું જ છે ત્યાં આ મહારાષ્ટ્રવાસીઓની કમર તેણે બેવડ વાળી નાંખી છે. આમ જોવા જઈએ તો આપણે તેમના પાડોશી જ કહેવાઈએ અને એ નાતે તેમની મદદ કરવી આપણી ફરજ છે. મદદ કઈ રીતે કરી શકાય? તેના બે - ત્રણ રસ્તા છે. સૌ પ્રથમ તો તમારાં કોઈ ઓળખીતા કે જાણીતાં મિત્રો, સગા સંબંધી વગેરે રાયગઢ - રત્નાગિરિ વિસ્તારમાં રહેતાં હોય તો તેમને આ વિસ્તારની મુલાકાત લઈ કે તેમના સુધી મદદ પહોંચાડવાની વિનંતી કરો. તેમને આ લોકોની બિસ્માર હાલત અંગે જાણ કરો. તેમને પ્લાસ્ટિક, છાપરાં, ઈંટો વગેરે ની તાતી જરૂર છે. તે ત્યાં રહેતા નજીકના લોકો વધુ જલ્દી અને આસાનીથી પૂરી કરી શકે.
બીજો માર્ગ - એક બિન સરકારી સંસ્થા એન. જી. ઓ. અમરદીપ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લાં પચ્ચીસ વર્ષથી આ આદિવાસીઓના કલ્યાણ માટે ત્યાં જ રહી, કાર્યરત છે. તેમને તમે પૈસા મોકલી આ સેવાયજ્ઞમાં તમારો ફાળો નોંધાવી શકો છો. બેંક ઓફ ઈન્ડિયાની માનગાવ શાખાનો તેમનો એકાઉન્ટ નંબર 124710210000068 (IFSC કોડ - BKID0001247) છે જ્યાં તમે રકમ સીધી તેમના ખાતામાં જમા કરાવી શકો છો.

  ત્રીજો માર્ગ છે - કપડાં, ખાવાની ચીજ વસ્તુઓ - સીધું સામગ્રી, અન્ય ઘરવખરી ની ચીજ વસ્તુઓ તેમને દાનમાં આપીને. દાન કઈ રીતે મોકલાવી શકાય? કિરણ ચેરીઅન નામના એક નિવૃત્ત બેંક કર્મચારી અમરદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલા છે. જો તેમની પાસે દાનમાં આપવાની પૂરતી સામગ્રી એકઠી થાય તો તે યોગ્ય વાહન ભાડે કરી એ રાયગઢ મોકલવાની વ્યવસ્થા કરવાના છે. કિરણભાઈ બિન ગુજરાતી હોવા છતાં ત્રણેક વર્ષ ગુજરાતમાં રહ્યાં અને ભણ્યા હોઈ ગુજરાતી સારું બોલી - વાંચી શકે છે. તેમનો સંપર્ક ૯૮33૬૮૬૪૧૫ નંબર પર કરી શકો છો અને તમારે દાનમાં આપવાની વસ્તુ કઈ અને કેટલી છે તેની જાણ કરવા તેમને આ નંબર પર ફોન કરી શકો છો.
   મારી દીકરી નમ્યાનો દસમો જન્મદિવસ ૨૫ મી જૂનને ગુરુવારે છે. કોરોનાના કહેરને કારણે બીજી કોઈ રીતે તો આ વખતે તે ઉજવી નહીં શકાય પણ હું રાયગઢના આદિવાસીઓની યથાશક્તિ મદદ કરી નમ્યાની વર્ષગાંઠ ખાસ બનાવવાનો છું.
  તમે પણ આ ગ્રામવાસીઓની મદદ કરશો ને?

ગુરુવાર, 18 જૂન, 2020

કોરોનાને માત (ભાગ - ૧ અને ૨)

ભાગ - ૧
------------
   ૭મી મે સુધી મને એમ કે હું કોરોનાથી બિલ્કુલ સુરક્ષિત છું અને મને તો એ લાગી જ ના શકે કે પછી એમ કહો કે મેં સ્વપ્નેય એવો વિચાર નહોતો કર્યો કે મને કોરોના વિષાણુ અસરગ્રસ્ત કરશે. કદાચ કારણ એ હશે કે આટલી મોટી સંખ્યામાં મુંબઈમાં એ ફેલાવા છતાં હજી સુધી હું કોઈને પ્રત્યક્ષ જાણતો હોઉં એવી કોઈ વ્યક્તિને કે મારા વિસ્તારમાં, જ્યાં હું રહું છું ત્યાં આસપાસ કે પછી ઓફિસમાં જ્યાં હું ૭ મી મે સુધી મારા એક કલીગ સાથે તેની ગાડીમાં એક છોડીને એક દિવસે સતત જતો જ હતો, ત્યાં કોઈને હજી સુધી કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. પણ મારો આ ભ્રમ ભાંગવા માટે હતો.
  ૮મી મે એ મમ્મી-પપ્પાની મેરેજ એનિવર્સરી હતી, જે બહારથી ખાવાનું મંગાવી ઉજવી. બધાએ ખાધું અને અતિ ઠંડી બરફવાળી કોકાકોલા પીધી. મને આમ પણ અતિ ઠંડુ કે ગળું ખાવા - પીવામાં આવે તો તે સદતું નથી અને તબિયત તેના કારણે ક્યારેક બગડતી પણ હોય છે. પણ એ રાતે ખ્યાલ જ નહી રહ્યો અને મેં ઠંડુ કોકાકોલા બિન્ધાસ્ત ગટગટાવ્યું.
૯મી મે ના શનિવારે નાકમાંથી પાણી પડવાનું શરૂ થયું અને તાવ ચડ્યો. બે થી ત્રણ ડિગ્રી તાવ અને શરદી રૂટીનમાં થાય છે એવા જ હતાં અને અમારા ફેમિલી ડૉક્ટર સોમ થી શુક્ર જ ક્લિનિક માં આવતા હોવાથી તેમનો મોબાઇલ પર સંપર્ક સાધ્યો અને એન્ટીબાયોટિક દવા શરૂ કરી. શરદી બંધ થઈ ગઈ પણ પછી ચાર-પાંચ દિવસ સખત માથું દુખ્યા કર્યું, અને નબળાઈ વર્તાયા કરી. સોમવારે, બુધવારે, શુક્રવારે ડૉક્ટરના ક્લિનિકની રૂબરૂ મુલાકાત લીધી અને તેમની ગોળીઓ લીધી. પણ આ આખા અઠવાડિયા દરમિયાન તાવનું પ્રમાણ વધુ ન હોવા છતાં અને તે ચડ - ઉતર કરતો હોવા છતાં, નબળાઈ ચાલુ રહી અને બીજી બે સમસ્યા શરૂ થઈ - ખાવાનું બિલ્કુલ ભાવવાનું બંધ થઈ ગયું, પહેલો જ કોળિયો મોં માં જાય અને ઉલ્ટી કરવાનું મન થાય એવી સ્થિતી ઉભી થઈ અને ઝાડા શરૂ થઈ ગયા. આ અઠવાડિયાના અંત ભાગ દરમિયાન એક નવી સમસ્યા અનુભવવાની શરૂઆત થઈ અને એ હતી શ્વાસમાં તકલીફ. અડધી રાતે ઉભા થઈ જવું પડે અને હાંફ ચડે, એ હાંફ પણ પહેલાં ક્યારેય ના અનુભવેલો હોય એવો. બુધ - ગુરુ સુધીતો મને કલ્પના પણ નહોતી કે કોરોના હોઈ શકે, પણ શ્વાસની સમસ્યાએ મારું મનોબળ ડગાવવા માંડ્યું અને છેવટે પરિવારજનોના આગ્રહથી ગુરુવારે કોરોના ટેસ્ટ માટેના ચક્રો ગતિમાન કર્યાં. ખ્યાલ આવ્યો કે આ ટેસ્ટ કરાવવો હું સમજતો હતો એટલો સહેલો નહોતો. થાયરોકેર લેબમાં ઓનલાઇન ફોર્મ ભર્યું અને તેમનો ફોન આવ્યો એ મુજબ ફેમિલી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લખાવ્યું. એ સાથે બી. એમ. સી.ના એક ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ તેમાં ડૉક્ટર ની વિગતો ભરી તેમના સહી - સિક્કા લીધા અને પ્રાથમિક લક્ષણોની માહિતી ભરી. આ ફોર્મ સ્કેન કરી અપલોડ કર્યું અને ગુરુવારે રાતે તેમનું કન્ફર્મેશન આવ્યું કે તેઓ શુક્રવારે ટેસ્ટ માટે આવશે. પણ શુક્રવારે સવારે તેમનો ફોન આવ્યો કે તેમની પોલિસીમાં પરિવર્તન આવ્યું છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના જ ટેસ્ટ કરી શકે તેમ છે. બીજી અહીંની એક નજીકની લેબમાં પૃચ્છા કરી તો તેઓ પણ કોવિડ ટેસ્ટ માટે મના ફરમાવી દીધી. ત્રીજી એક લેબ મેટ્રોપોલીસનો સંપર્ક સાધ્યો અને તેઓ ઘેર આવી ટેસ્ટ માટે તૈયાર થયા. શનિવારે બપોરે ત્યાંથી એક યુવાન મારે ઘેર આવ્યો અને તેણે અવકાશયાત્રી જેવો સ્યૂટ પહેરી નાકમાં અને ગળામાં સ્વેબ (કાન ખોતરવા આપણે જે બડ વાપરીએ છીએ તેવા બે બડ) નાંખી નમૂના લઈ લીધા. બે દિવસ પછી પરિણામ આવશે એવી જાણ કરી તેણે વિદાય લીધી. આ છેલ્લાં બે - ચાર દિવસમાં શ્વાસની - હાંફ ની તકલીફ વધવા માંડી. સોમવારે સવારે ટેસ્ટ નું પરિણામ આવ્યું - કોવિડ નેગેટિવ. એટલે કે કોવિડ નથી. પણ રવિવારે મારી હાલત ખરાબ હતી આથી મને જ એવી ઈચ્છા થવા માંડી કે મારે હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ જેથી હવે ખોરાક શરીરમાં જાય અને શ્વાસ - હાંફની તકલીફમાંથી છૂટકારો મળે. સોમવારે સવારે ફેમિલી ડૉક્ટર ની સલાહ મુજબ લોહી અને એક્સરે રિપોર્ટ કઢાવવા હું નજીકની અલગ અલગ બે લેબ્સ માં ગયો. પણ ત્યાં યે મારી જે હાલત થઈ છે તે દયનીય હતી. મને ભયંકર શ્વાસ ચડી રહ્યો હતો. એક્સરે વાળો ભાઈ કહે ઊંડો શ્વાસ લો, હવે મારાથી શ્વાસ જ માંડ લેવાતો હતો ત્યાં ઊંડો શ્વાસ ક્યાંથી લઈ શકાય. તેણે ત્રણ - ચાર પ્રયત્નો પછી માંડ જેમ તેમ કરી એક્સરે કાઢ્યો અને ઘેર આવી હું બેઠો ત્યારે જરા શાંતિ થઈ પણ શ્વાસ - હાંફ માં બિલકુલ રાહત નહોતી. સાંજે ડોક્ટરને ઘરે બોલાવ્યાં અને તેમણે ચેક કર્યો, ઓક્સિજન નું સ્તર ચેક કર્યું અને કહ્યું ભલે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પણ આ લક્ષણ કોરોનાના જ જણાય છે અને તેમનું ભલું થજો, કે તેમણે મને હૉસ્પિટલમાં એડમિટ થવાની ચિઠ્ઠી લખી આપી. તાત્કાલિક હું એ અને સવારે કઢાવેલા રિપોર્ટસ લઈ તુંગા હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરે મને તપાસ્યો અને દાખલ કરી દીધો. સાંભળવામાં અને વાંચવામાં આવ્યું હતું કે લોકોને કોરોના હોય કે બીજી કોઈ સમસ્યા પણ હાલમાં હોસ્પિટલમાં પ્રવેશ મેળવવામાં ખૂબ તકલીફો પડે છે, પણ ભગવાનની કૃપા કે મને બિલકુલ તકલીફ વગર આસાનીથી તુંગા હોસ્પિટલમાં પ્રવેશ મળી ગયો અને મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. મને અહીં ખૂબ પોસિટીવ ફીલ થઈ રહ્યું હતું, સમગ્ર હોસ્પિટલ નવી, ચોખ્ખી અને અદ્યતન લાગી રહી હતી અને મારું મેડીકલ ઇન્સ્યોરન્સ હોવાથી મેં અલાયદા રૂમમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. અહીં આ રૂમમાં હું ચાર - પાંચ દિવસ રહ્યો. એક ખૂબ સારું કામ કર્યું હતું. મારી તબિયત લથડી એ જ દિવસથી એટલે કે ૯મી મે થી બંને સંતાનો - દસ વર્ષની નમ્યા અને ત્રણ વર્ષના હિતાર્થ ને અમારા બીજા ઘેર મમ્મી-પપ્પા અને મારી બહેનો પાસે મોકલી દીધા હતાં. તેમનાથી દૂર રહેવું અઘરૂ હતું પણ એ બુદ્ધિ ભર્યું પગલું સાબિત થયું. હૉસ્પિટલમાં મારી પત્ની અમી મારી સાથે હતી અને બહેન તેજલ આવજાવ કરતી હતી. કારણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એટલે આ શક્ય બન્યું. એડમિટ થતાં જ હોસ્પિટલમાં મારી જરૂરી અને યોગ્ય એવી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. સતત ઓક્સિજન પહેરી રાખવો પડતો. પણ ખાવાનું હવે ભાવવા માંડ્યું અને શ્વાસની તકલીફ પણ થોડી થોડી ઘટવા માંડી હતી. રોજ લોહી લઈ જતાં રિપોર્ટ માટે અને બે વાર એક્સરે પણ કાઢી ગયાં. પાંચ દિવસ બાદ ફરી મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્રેવીસમી તારીખે રિપોર્ટ આવ્યો જેમાં કોરોના મારા શરીરમાં હોવાનું સિદ્ધ થયું. આ સમગ્ર સમય ગાળા દરમિયાન હજી મને ઉંડે ઉંડે મનમાં હતું કે કોરોના નથી જ, પણ એ આવ્યા નું સિદ્ધ થયું અને અનેક નવી મથામણો શરૂ થઈ. હોસ્પિટલમાં તરત અમીને ત્યાંથી વિદાય લેવાનું કહી દેવામાં આવ્યું અને તેણે પણ હવે ચૌદ દિવસ આઈસોલેશન માં રહેવાનું ફરમાન થયું. આજ સુધી તે ક્યારેય એકલી રહી નહોતી અને હવે અમારા ઘરમાં તેણે એકલીએ રહેવું પડશે, રાત્રે એકલીએ સૂવું પડશે એ વિચાર એને તો ઠીક મનેય ધ્રુજાવી ગયો. તેને પણ કોરોના લાગ્યો હશે તો? એવી છૂપી આશંકા પણ ખરી. અત્યાર સુધી મને પણ કોરોના હોઈ જ ન શકે એમ માનતું મન હવે ડરવા માંડ્યું કે અમી અને તેજલને પણ મારી સાથે રહેવાથી ચેપ નહીં લાગ્યો હોય ને! ખૂબ રડતા રડતા અમીએ ત્યાંથી વિદાય લીધી. તેણે હવે બી. એમ. સી., પોલીસ વગેરે ને પણ હેન્ડલ કરવાના હતાં. ત્રેવીસમી નો એ આખો દિવસ ભારે ઉચાટમાં ગયો. સાંજે મારા ફેમિલી ડોક્ટર સાથે વાત કરી થોડી હળવાશ અનુભવી. મને બીજી પણ એક ચિંતા કોરી ખાતી હતી કે હવે મને કોરોના વોર્ડ માં શિફ્ટ કરશે અને તે કેવો હશે. અત્યાર સુધી દિવસમાં સતત સાત - આઠ વાર આંટા મારતી નર્સ અને જુનિયર ડૉક્ટર પણ ત્રેવીસમી એ ભાગ્યે જ મારા રૂમમાં આવ્યા હશે. મને ગમે તે ઘડીએ શિફ્ટ કરે એમ હતું. પણ રાત સુધી એવો કોઈ સંદેશ ન આવ્યો. જમી લીધા બાદ રાત્રે સૂવાની તૈયારી કરતો હતો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મને શિફ્ટ કરી રહ્યા છે. મને એક પ્રકારનો અજ્ઞાત ભય સતાવી રહ્યો કે ક્યાં લઈ જશે અને ત્યાં સ્થિતિ - ચિત્ર કેવા હશે. સાતમા માળે થી શરૂ થયેલી લિફ્ટ છઠ્ઠા માળે જ અટકી અને મને એક મોટા રૂમમાં લાવવામાં આવ્યો જ્યાં બે જણના રહેવાની સગવડ હતી પણ બીજો બેડ ખાલી હતો. આ આખા ફ્લોર પર ભાગ્યે જ કોઈ દેખાતું હતું. અહીં ડૉક્ટર અને નર્સ થી માંડી સફાઈ કામદારો વગેરે પણ પી. પી. ઈ. સ્યૂટમાં જ હતાં. ખેર, આ રૂમમાં આવ્યા પછી મારો પેલો અજ્ઞાત ભય દૂર થઈ ગયો. ઓક્સિજન ની નળી તો પહેરી જ રાખવાની હતી. અમી સાથે વાત કર્યા બાદ સૂઈ જવાની તૈયારી કરી. ડોક્ટર આવી અને ગોળીઓ આપી ગયા. એક ભારે ઇંજેક્શન પેટ પર માર્યું. હું સૂઈ ગયો.

(ભાગ - ૨)
------------
ચોવીસ તારીખની સવારે એ રૂમ બરાબર જોયો. મારો બેડ બારી પાસે હતો અને બહારનું દ્રશ્ય સુંદર હતું. વળી આંખ સામે રૂમમાં પણ એક સુંદર પેઇન્ટિંગ લગાડેલું હતું. મને શાંતિ અનુભવાતી હતી કે અન્ય કોઈ દર્દીઓ સાથે ના હોઈ, હું અહીં એકલો હતો. એકલતા પણ ક્યારેક દુષ્કર લાગે, પણ મને અહીં એ ગમવા લાગી હતી. જો કે ઝાઝો સમય એ રૂમ અલાયદો મારો જ ન રહ્યો. મોડી સવારે એક મધ્યમ વયની મુસ્લિમ સ્ત્રીને બાજુના બેડ પર લાવવામાં આવી. તેની સાથે કોઈ પ્રકારની વાતચીત ના થઈ, પણ પચ્ચીસમી તારીખે ઈદ હતી અને આ દિવસે સવારે તેણે મોટેથી પોક મૂકી ને તે રડ્યા કરી. મેં તરત બેલ વગાડી ડોક્ટરને જાણ કરી અને તેને શાંત કરવા વિનંતી કરી. ડૉક્ટરે તેને પ્રેમ અને ઠપકો બંને આપી શાંત કરી. તે ફોનમાં કોઈક સાથે ન સમજાય તેવી શૈલીમાં વાતો કરતી. મને જાણ થઈ કે તેને ભારે ઉધરસ - ખાંસી આવતા અને તેમાં લોહી પડતું.
મને તેની સાથે બે દિવસ દરમિયાન નકારાત્મકતાનો અને ડરનો અનુભવ થયો, બાથરૂમમાં પણ તેના આવ્યા બાદ સ્વચ્છતા જળવાતી નહોતી પણ સમય બધી સમસ્યાઓ નો હલ લાવતો હોય છે એમ મનને મનાવ્યાં કરી મેં મારી વાંચનની અને ફોન પર સમય પસાર કરવાની પ્રવૃતિઓ ચાલુ રાખી. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામનાં પ્રવાસે' બ્લોગ શ્રેણીના છેલ્લા બે ભાગ હૉસ્પિટલ વાસ દરમિયાન જ લખાયેલા! હું સતત પોઝીટીવીટી જાળવી રાખવા પ્રયત્નો કરતો. ફોન પર સ્નેહીજનો સાથે વાતચીત થતી, મારી પ્રિય 'પોકીમોન ગો' ની રમત અને અન્ય શબ્દરમતો મોબાઇલ પર રમવામાં, એક બે પુસ્તકો સાથે રાખ્યા હતાં એ વાંચવામાં અને મન થાય ત્યારે થોડું લખવામાં દિવસ પસાર થઈ જતો. સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા સાથે બે 'મારી' બિસ્કિટ અને રાતનું જમવાનું આવે તેની હું આતુરતા પૂર્વક રાહ જોતો, ક્યારેક મોડું થઈ જાય તો બેલ મારી નર્સ કે ડૉક્ટરને એ યાદ કરાવતો અને ખૂબ મર્યાદિત માત્રામાં અને સામાન્ય હોવા છતાં હું આ બધું ખાતી પીતી વખતે એ એન્જોય કરતો. હોસ્પિટલમાં જ અગાઉ એક સાંજે અમીએ ટી.વી. ચાલુ કરી હનુમાનજી ની સીરિયલ ચાલુ કરી હતી, જેમાં બાળ હનુમાન ઘણું બધું ખાવાનું આરોગી જાય છે એવો સીન જોયેલો અને એમાં એ ખાતી વખતે તે જે રીતે સંતોષ અને આનંદથી મોઢું હલાવતા એ મારા મનમાં ઉતરી ગયેલું અને હું એ દરેક વેળાએ ખાતી વખતે એ રીતે મલકાતો અને મોઢું હલાવતો, ભલે ને સામે કોઈ જોવાવાળું નહોતું! દિવસમાં એક સિનિયર ડોક્ટર અને એક જુનિયર ડોક્ટર મારી તબિયત પૂછવા પી. પી.ઈ. સ્યૂટ માં સજ્જ થઈ આવતા અને મને સારું લાગતું પણ તેમના જાયંટ રોબોટ જેવા કે અવકાશ યાત્રી જેવા વાઘામાં તેમનું મોં જોવા ન મળતું. મોઢા પર પણ હેલ્મેટ જેવું કવચ અને આંખો પર પણ વિચિત્ર ગોગલ પહેરેલા હોઈ તે કેવા દેખાતા હશે તેની કલ્પના જ કરવી રહી! એક વાર મારી પાસે પડેલું સુંદર મુખપૃષ્ઠ વાળું તાણાવાણા પુસ્તક જોઈ તેમણે મને પૂછ્યું કે શું હું કલાકાર છું. મેં જવાબ આપ્યો હું આઈટી પ્રોફેશનલ છું પણ વાંચન - લેખનમાં ખૂબ રસ ધરાવું છું અને જન્મભૂમિની મારી કટારો વિશે મેં એમને જણાવ્યું. જ્યારે પપ્પા કલાકાર છે અને તારક મહેતા ના નટુ કાકા તરીકે ની તેમની ઓળખાણ છતી કરી ત્યારે તો એ થોડા કડક લાગતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા એ જુનિયર ડોક્ટર ભાવ વિભોર થઈ મને હાથ મિલાવવા આગળ આવ્યા, પણ મેં નમસ્તે કરી તેમનું અભિવાદન કર્યું!
   તમે જે પણ પરિસ્થિતિમાં હોવ એમાં થોડી ખુશી, થોડો આનંદ ગોતી લેતા શીખવું જોઈએ. મને દિવસની દસ - બાર દવાની ગોળીઓ, એકાદ ઇંજેક્શન, એકાદ - બે સલાઇન, બે સિરપ ના ડોઝ આપવામાં આવતાં. તેમાં એક કેરી જેવા સ્વાદ વાળો સિરપ અને બે ગોળીઓ મને ખૂબ ગમતાં - એક નાનકડી પણ દિલ આકારની (નમ્લો નામની) અને બીજી પારદર્શક કેપસ્યુલ જેમાં લાલ અને તાપખીરિયા ઝીણાં ઝીણાં રંગબેરંગી દાણા વાળી (રેબેન્સીઆ નામની)! આ સિરપ અને ગોળીઓના કારણે મને દવા લેવી ગમતી!!
  આઈસોલેશન વોર્ડના એ રૂમમાં બે દિવસ મારી સાથે રહ્યાં બાદ ત્રીજી સવારે પેલી મુસ્લિમ બાઇને રજા આપવામાં આવી. બપોરે તો મને પણ શિફ્ટ કરવાનું જણાવવામાં આવ્યું. મેં થોડી અનિચ્છા વ્યક્ત કરી ત્યારે એક મહિલા ડોક્ટરે આવીને સમજાવ્યું કે નીચે સામાન્ય વોર્ડમાં પંદર-વીસ કોરોના દર્દીઓ ને એક સાથે રાખવામાં આવે છે પણ મને ત્યાં ન મોકલતા બાજુના જ એક રૂમમાં શિફ્ટ કરી રહ્યા છે અને ત્યાં જે મહિલા છે તેમનો પણ ડિસ્ચાર્જ એ જ દિવસે થવાનો હોવાથી તેમના ગયા બાદ મને બારીની બાજુમાં બેડ મળી શકશે. મેં શિફ્ટ કર્યું. મારો બેડ ભીંત પાસે હતો અને બારી તરફ જે મહિલાનો બેડ હતો તે ૬૬ વર્ષના એક વૈષ્ણવ માજી હતાં. બારેક દિવસ હોસ્પિટલમાં રહી, કોરોનાને હરાવી તેઓ ફરી ઘેર જઈ રહ્યા હતા. અતિ ઉત્સાહી અને પોઝીટીવ એવો તેમનો અભિગમ મને સ્પર્શી ગયો. ખૂબ બોલકણા! આખો દિવસ તેમની વાતો ફોન પર ચાલુ જ રહી, નાના બાળક સાથે તે પણ બાળક બની જઈ કાલી ઘેલી ભાષામાં વાત કરવા માંડતા એ સાંભળી મને હસવું આવી જતું. ફોન પર વાત ન કરતાં હોય ત્યારે એ ટેકનોસેવી ડોશી યુટ્યૂબ પર વૈષ્ણવ સંપ્રદાયના વિડિયો જોતાં, હવેલી સંગીત સાંભળતા. મને એ સંગીત ગમતું. તેમની ઇન્સ્યોરન્સ પોલીસી હોઈ, પેમેન્ટ માં કંઈક અડચણ ઉભી થતા આખો દિવસ પસાર થઈ જવા છતાં અને ડોક્ટર નો ડિસ્ચાર્જ માટે નો ગો અહેડ મળી જવા છતાં તેઓ છવ્વીસમી તારીખે ઘેર ના જઈ શક્યા. હરખ ઘેલા થઈ બપોરે જ તેમણે હોસ્પિટલના કપડાં પણ બદલી નાંખ્યા હતાં, પણ સાંજે ફરી તેમણે હોસ્પિટલના વાઘા પહેરી લીધા. આ ઘટના એમણે બહુ ગંભીરતાથી ના લીધી અને મને આ વાત ગમી. તેમની સાથે મેં ઘણી વાતો કરી. સત્યાવીસમીએ બપોરે તેઓ ઘેર જવા પામ્યાં. તેમના ગયા બાદ રૂમ ખાલી થઈ ગયો પણ મેં બારી પાસે શિફ્ટ ના કર્યું. અઠ્ઠાવીસમી એ સવારે એક તંદુરસ્ત લાગતા, ઇંગ્લીશ બોલતા વૃદ્ધ બારી પાસેના બેડ પર આવ્યાં. તેઓ અંતર્મુખી હશે એટલે એમણે બિલકુલ વાતચીત ન કરી.
  આ તરફ મારી પત્ની અમી ઘણી હિંમત કેળવી ચૂકી હતી અને તેણે એકલા રહેવા સાથે પોતાની દવા વગેરે લેવા માંડી હતી જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે. બી. એમ. સી. અને પોલીસના કોલ્સ પણ તેણે હેન્ડલ કર્યા અને પાડોશીઓના, સગાવ્હાલાઓના પ્રશ્નો - ફોન વગેરે પણ. તેના મમ્મી-પપ્પા, ડૉક્ટર મામા, મારી હોમિયોપેથ ડૉક્ટર કઝિન જીગ્ના અને મારો પરિવાર તેનું પીઠબળ બની રહ્યાં. બીજી તરફ મારા બાળકો, માતા પિતા અને બહેનો પણ મારી તબિયતને લઈને સતત ચિંતિત હતાં, પણ હું દિવસમાં એકાદ વાર ફોન કરી તેમને મારી સુધરતી સ્થિતીની માહિતી આપતો રહેતો. છેલ્લાં ત્રણ ચાર દિવસ એક બીજી પ્રણાલિ અમે શરૂ કરી. પરવાનગી લીધા બાદ મેં સૂચના આપી કે મને ફળો, ઘેર બનાવેલો કાઢો વગેરે ઘેરથી હોસ્પિટલમાં મોકલાવે અને મારા સુધી પહોંચતા કરે. બહેન નીચે સિક્યુરીટી સ્ટાફને 'વિકાસ નાયક - છઠ્ઠો માળ' નામ લખેલી થેલી આપી દે એ છઠ્ઠા માળે મારા રૂમમાં મને ડૉક્ટર કે નર્સ આપી જાય. આ વ્યવસ્થા કામ કરી ગઈ. મને તાજા ફળ ખાવા મળતા અને 'કાઢો' નિયમિત પીવાથી મને ગમતું. ખજૂર - બદામ વગેરે મોકલાવેલા, તે ખાઈ પણ એક ખૂબ સારો ચેંજ મળ્યાનું અનુભવ્યું.
  દિવસમાં ત્રણ ચાર વાર ડૉક્ટર કે નર્સ સાથે વાતચીત થતી, એ ગોળી આપવા કે દવાનો બાટલો ચડાવવા આવે કે રાતે ઇંજેક્શન આપવા આવે ત્યારે. સારું લાગતું એ વેળાએ. આ ડૉક્ટર અને નર્સ ખરેખર પૃથ્વી પર જીવતા ભગવાનના અવતાર છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. એ આવા કપરા સમયે દર્દીઓને જોવાનું, તેમની સેવા કરવાનું છોડી દે તો કોણ બચાવી શકે આ દર્દીઓને?
  છેવટે ૨૮મી તારીખ સુધી મારી તબિયતમાં ખાસ્સો સુધારો થઈ ચૂક્યો હતો અને આમ અગિયાર દિવસના હોસ્પિટલ વાસ બાદ મને એ દિવસે ઘેર જવાની રજા મળી.
 હું બહેન સાથે ઘેર આવ્યો. અમી કાગડોળે મારી રાહ જોઈ રહી હતી અને ગૃહ પ્રવેશની એ ક્ષણે તેની આંખોમાં જે રાહતની લાગણી અનુભવી તે શબ્દોમાં બયાન નહીં થઈ શકે. થાળી વગાડી કે તાળીઓ પાડી મારું કોઈએ સ્વાગત તો ના કર્યું, પણ જે રીતે બહેન અને પત્નીએ કંકુ અને અક્ષતથી વધાવી મારું ભાવભીનું સ્વાગત કર્યું, એ માણી મારું હ્રદય ભરાઈ આવ્યું.
 હજી અમારે એક અઠવાડિયું આઈસોલેશનમાં રહેવાનું હતું, જે પ્રથમ ફોલો અપ બાદ ડોક્ટરે હજી એક અઠવાડિયું લંબાવ્યું અને ૧૦મી જૂને રિપોર્ટસ જોઈ તેમણે મને નોર્મલ લાઇફ ફરી શરૂ કરવાની, વર્ક ફ્રોમ હોમ કરવાની પરવાનગી આપી દીધી. એકાદ મહિના દૂર રહ્યાં બાદ હવે મારા બાળકો પણ મારી પાસે, મારી સાથે રહેવા આવી ગયા છે.     
      ભગવાનની દયા અને પરિવારજનો અને સ્નેહી મિત્રો-સગાઓ ની દુઆઓ થી હું આ આફત માંથી ઉગરી શક્યો છું. પપ્પાએ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોને મારી માંદગીની જાણ કરી હતી અને તરત તેમણે મારા માટે ખાસ પૂજા કરી, પ્રાર્થના કરી હતી અને મહંતસ્વામીના આશિર્વાદનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અનેક મિત્રો પણ નિયમિત ફોન કરી મારા માટે પ્રાર્થના - દુઆ કરતા અને મને આ બધી દુઆઓએ પણ જલ્દી સાજો કરવામાં સિંહ ફાળો આપ્યો છે.
  હવે છેલ્લે થોડી ટિપ્સ શેર કરું સૌ સાથે, જેથી તમે વાચકો પણ આ ટિપ્સ ફોલો કરી તબિયતનું ધ્યાન રાખી શકો. અત્યારે આ મોસમ અને વાતાવરણમાં મહેરબાની કરી માંદા પડતાં નહીં. કારણ સામાન્ય માંદગી પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે અને કોરોના વિષાણુને તમારા શરીરમાં પ્રવેશવાનો મોકો મળી જાય છે. આથી વરસાદમાં પલળી કે અન્ય કોઈ પણ રીતે માંદા પડતાં નહીં કે તમારા પરિવારજનને માંદા પડવા દેતા નહી. માંદા પડ્યા કે અન્ય કોઈ કારણ ઉભું કરી ડોક્ટરને ત્યાં જવાનું ટાળજો. કારણ ત્યાં આવેલા અન્ય દર્દીઓનો ચેપ લાગી શકે છે. અનિવાર્ય હોય તો જ ડોક્ટર પાસે તેમના ક્લિનિકમાં જવાનું કરજો. બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું, ખાસ કરીને ભીડભાડ વાળી જગાએ, મોલ, બજાર, પાર્ક જેવી જાહેર જગાઓએ જવાનું ટાળજો. બહાર ક્યાંય પણ જાવ તો ઘેર પાછા આવી અચૂક સાબુથી હાથ ધો જો, ગરમ પાણીથી નાહી લે જો. માસ્ક પહેર્યાં વગર બહાર નીકળવાનું વિચારતા પણ નહી. શક્ય હોય તો હાથ મોજા પહેરજો. સેનીટાઈઝરનો યથાયોગ્ય ઉપયોગ કરજો. બહારથી કોઈ વસ્તુ મંગાવી હોય તો તેને ઘરમાં લઈ આવ્યા બાદ સેનીટાઈઝ કરી દેજો, આઠ દસ કલાક પડી રહેવા દે જો પછી તેનું પેકેજીંગ ખોલજો. બહારથી ખાવાનું મંગાવવાનું ટાળજો. તમને એલર્જી હોય અથવા જાણ હોય કે કોઈક વસ્તુ કે ખાદ્ય પદાર્થ તમારા શરીરને માફક નથી આવતો તો તેનું સેવન ટાળજો. ગરમ પાણી જ પીવાનું રાખજો. હાલમાં મોસમ બદલાઈ રહી હોવાથી એ રીતે પણ તેનો ફાયદો મળશે. ગરમ પાણીમાં મીઠું કે બીટાડાઇન નાંખી બે વાર કોગળા કરજો. સૂંઠ- અજમા-હળદરનું સેવન વધારજો. અજમાનો નાસ (સ્ટીમ) પણ લઈ શકો. યોગા - પ્રાણાયામ કરજો. ફેફસાં મજબૂત બને - રહે એનું ધ્યાન રાખજો. રાતે હળદર નાખેલું ગરમ દૂધ પીજો. કોરોના ટેસ્ટ પાછળ ગાંડા થવાની જરૂર નથી. તેના લક્ષણો દેખાય તો ગભરાઈ જવાની પણ બિલકુલ જરૂર નથી. અન્ય શારીરિક રોગ કે તકલીફ ના હોય તો ઘેર રહીને પણ કોરોનાનો સંપૂર્ણ ઈલાજ યોગ્ય ડોક્ટરની સલાહ લઈ - અનુસરી શક્ય છે. હોમિયોપેથી દવા પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, તેનું યોગ્ય ડૉક્ટરનો અભિપ્રાય લઈ સેવન કરજો. હકારાત્મકતા જીવન મંત્ર બનાવી લે જો. શક્ય એટલું બહાર જવાનું ટાળજો. સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવજો. તમને થાય એટલે પરિવારજનોને પણ તેનો ચેપ લાગે જ એવું નથી, એટલે ડર રાખતા નહી અને પરિવારજનોના મનમાં પણ એવો ડર પેસાડતા નહીં. સંપર્ક વધારજો, હાથવગા રાખજો જેથી એવી પરિસ્થિતિ ઉભી થાય તો તેનો યોગ્ય ઉપયોગ કરી હોસ્પિટલમાં દાખલ થઈ શકાય, જો અનિવાર્ય હોય તો. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખજો.
 પ્રાર્થનામાં ખૂબ તાકાત છે. આવો, આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે ઇશ્વર, હવે પૃથ્વી પરથી કોરોનાને જલ્દીમાં જલ્દી નાબૂદ કરી દે, સંપૂર્ણ રીતે ગાયબ કરી દે... ફરી જીવનને આનંદ પૂર્વક, ડર વગર જીવી શકીએ એવું બનાવી દે...

(સંપૂર્ણ)

શુક્રવાર, 5 જૂન, 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામનાં પ્રવાસે (ભાગ - ૪)

 
 ડિસેમ્બર ૨૦૧૯ની ટૂંકી દ્વિતીય ગુજરાત યાત્રાનું સૌથી મોટું આકર્ષણ એટલે કે કેવડિયા માં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાઈ રહી. પણ આ યાત્રામાં બીજાં જે અવિસ્મરણીય અનુભવો થયાં એ બિલકુલ અણધાર્યા હતાં, બોનસ મળ્યાં સમાન હતાં.
   શુક્રવારે સ્ટેટયુ ઓફ યૂનિટીની મુલાકાત લઈ રહ્યાં બાદ શનિવાર - રવિવાર  શાંતિદાયક, આનંદદાયક, દર્શનીય તીર્થરાજ નીલકંઠધામ, પોઈચા ખાતે વિતાવ્યા. શનિવારની સવારે મંદિરના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારથી મન અનેરી ધન્યતા અનુભવી રહ્યું. આ મંદિર અત્યાર સુધી મેં જોયેલા સઘળાં મંદિરોમાં સૌથી સુંદર મંદિર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.
     નીલકંઠધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા રચિત, એક આખેઆખું વ્યવસાયિક દ્રષ્ટિએ વિકસાવાયેલું પ્રવાસન સ્થળ છે. તેના પ્રવેશ દ્વાર પર વિશાળકાય હાથીની પ્રતિમાઓ પર દેવતાઓ તમારું સ્વાગત કરતાં હોય એ રીતે ગોઠવાયા છે. 

આખા પરિસરમાં દેવદૂતોની વિવિધ વાજિંત્રો વગાડતી પ્રતિમાઓ, ફૂવારા, પ્રાણીઓ - પંખીઓની મૂર્તિઓ વગેરે સુશોભિત જોવા મળે.પરિઘમાં દુકાનો યે ખરી. સ્વામી નારાયણ ભગવાનના મુખ્ય મંદિરની સામે ચોગાનમાં ભગવાન શંકરની મોટી પ્રતિમા નટરાજ સ્વરૂપે શોભાયમાન છે. મંદિરની ફરતે વિષ્ણુના ચોવીસ અવતારોના દર્શન કરાવતા દહેરા જોવા મળે. મંદિરની ફરતે મોટું ચાલીસ લાખ લીટર પાણી ધરાવતું જળાશય બનાવાયું છે જેમાં મા નર્મદા નદીની અને અન્ય પ્રતિમાઓ અને ફુવારા શોભે છે. અહીં  અમુક ચોક્કસ સમયને અંતરે સ્વામી નારાયણ ભગવાનને આ જળાશયમાં નૌકા વિહાર કરાવવામાં આવે છે. મંદિરના ભોંયતળિયે મધ્ય કક્ષમાં વિષ્ણુ ભગવાનની શયનારૂઢ પ્રતિમાનું લક્ષ્મી દેવી સાથે દર્શન થાય. આ આખો કક્ષ કોઈ રાજમહેલ હોય એવું જ ભાસે. અહીંથી બહાર નીકળતા અત્તર અને પ્રસાદની ખરીદી તમે મંદિરના કક્ષની અંદર પણ કરી શકો છો. હવે અહીંથી બહાર આવો એટલે ડાબે કે જમણે ઉપર જવા માટેના દાદરા. અને મંદિરની ફરતે જે ચોવીસ અવતારના દહેરાની વાત કરી તેની સમાંતરે, નીચે ભોંય તળિયે થી પણ વધુ નીચે ઉતરી તમે આખા મંદિરની મુક્તિધારા પરિક્રમા એકસો આઠ ગૌ મુખ માંથી નીકળતા પવિત્ર જળને ઝીલતાં ઝીલતાં સ્નાન કરતાં કરી શકો છો.ભારતની દક્ષિણે આવેલ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં જેમ એકસો આઠ કૂવાના પાણીથી સ્નાન કરતાં કરતાં તમે આખા મંદિરની પ્રદક્ષિણા કરો છો એવું જ કંઈક. અહીં મને એક નોખો અનુભવ થયો. આમ તો આખું આ ગૌમુખ કક્ષ બંધ જેવું જ હોવાનું, પણ ક્યાંક થી અહીં એક કાચિંડો આવી ચડયો હશે અને એ બહાર કઈ રીતે જવું તેની વિમાસણમાં મૂંઝાયેલો આમતેમ એક જ જગાએ કૂદકા મારી રહ્યો હતો. હું પરિવાર સહ પ્રદક્ષિણા કરતો હતો અને મારું ધ્યાન તેના પર ગયું. મને શું સૂઝ્યું તે મેં ઝાઝો વિચાર કર્યા વગર સીધો તેને હાથમાં પકડી લીધો અને નજીકમાં બહાર જવાનો માર્ગ હતો ત્યાં સુધી તેને હાથમાં પકડી બહાર વિદાય આપી આવ્યો. જો એ ત્યાં જ અટવાયા કર્યો હોત તો કોઈના પગ તળે ચગદાઈ જાત કાં તો પાણીમાં ભીનો થતાં થતાં ઠંડીમાં મોતને ભેટત. પણ મારા હાથે તેનું બચવું લખ્યું હશે! મારા પરિવારજનોએતો બૂમાબૂમ કરી મૂકી - એમ કંઈ જીવ જંતુઓ હાથમાં લેવાતા હશે! વગેરે. પણ બધું ખૂબ ઝડપથી બની ગયું.
  ખેર, અંડરગ્રાઉંડ એવા આ ગૌમુખ કક્ષમાં સ્નાન વિધિ અને પ્રદક્ષિણા પતાવી પછી તમે ઉપર તરફ દાદરા ચડી, ડાબે હનુમાન અને જમણે ગજાનનની મૂર્તિના દર્શન કરી શકો અને હજી એક સ્તરે ઉપર ચડી મુખ્ય મંદિરમાં પ્રવેશી શકો, જ્યાં સ્વામી નારાયણ ભગવાન અને ઈશ્વરની અન્ય પ્રતિમાઓના દર્શન કરી શકો. આરસની ફર્શ અને ઉપર સુંદર નકશીકામ જેવી કલા કારીગરી. સ્થંભો. મંદિરની ફરતે ચોવીસ અવતારોના દહેરાંની આસપાસ વાજિંત્રો વગાડતાં દેવદૂતો. આ આખું દ્રશ્ય હું ગમે તેટલાં પ્રયત્નો છતાં, તેની વાસ્તવિક સુંદરતા સહિત શબ્દોમાં ચિત્રિત નહીં જ કરી શકું. આ મંદિર દિવસે આખું નોખાં સ્વરૂપે દેખાય અને મોડી સાંજે કઈંક અન્ય દેદીપ્યમાન સ્વરૂપ ધારણ કરે, આખા મંદિરને દિવાળી જેવી રોશનીથી શણગારાય. બંને સ્વરૂપ મનને અલગ અલગ પ્રકારની પવિત્રતા અને ધન્યતાનો અનુભવ કરાવે.






સવારે સાડા પાંચથી રાતના આઠ વાગ્યા સુધી સતત કોઈક ને કોઈક પ્રવૃત્તિ અહીં મંદિરમાં ચાલ્યા કરે. આરતી, અભિષેક, અન્નકૂટ - રાજભોગ, ઢોલ - શરણાઈ સાથે રથમાં આંગી દર્શન, આંગીધારી વરણીન્દ્ર ભગવાનની આરતી, નૌકા વિહાર, જળયાત્રા - કાવડ યાત્રા, રથયાત્રા વગેરે અનેક વિધિ - પ્રવૃત્તિઓથી મંદિર સતત ધમધમતું રહે.
  રોજ સાંજે સ્વામી નારાયણ ભગવાનની રથયાત્રા નીકળે જેમાં સાચા હાથી - ઘોડા,તોપ,બેંડબાજા,પાલખી અને ભક્તોનો મહેરામણ જોડાય.જળ, મોતી, જરી સહિત અબીલ - ગુલાલ સાથે ઉત્સાહ, ભક્તિ અને પવિત્રતાની છોળો ઉડે. સુંદર, કર્ણપ્રિય સ્વરમાં ઈશ્વરની સ્તુતિ ગવાતી હોય. નૃત્ય,રાસ અને સંકીર્તનથી સમગ્ર વાતાવરણ સ્વર્ગીય સમું બની રહે. રોજ સંધ્યા ટાણે આ યાત્રા નીકળે અને એનાં હકારાત્મક પ્રભાવથી તમે ભાગ્યે જ અલિપ્ત રહી શકો.
   શનિવારની સવારે મંદિરમાં દર્શન કર્યા બાદ અમે અહીં નજીક આવેલ અન્ય એક મંદિર કુબેરભંડારી મહાદેવના દર્શનાર્થે ગયાં. મંદિરની વિશાળ કેન્ટીનમાં સવારનો ચા - નાસ્તો પતાવી, ત્યાં બાજુમાંથી જ નીચે એક રસ્તો ઉતરી જતો હતો, ત્યાં ગયા. આમતો એ નર્મદા નદીનો વિશાળ પટ હતો પણ હાલ એમાં પાણી નહોતું એટલે પોણા ભાગ જેટલું અંતર નદીના પટ માં જ ગોળ, લીસ્સા કાંકરા પર ચાલીને જવાનું હતું અને પછીનું થોડું અંતર હોડીમાં બેસી, કાપી સામે કાંઠે જવાનું હતું. હું, અમી, નમ્યા અને હિતાર્થ મા નર્મદા ના પટમાં ગેલ કરતાં, કાંકરા સાથે રમતા, ઘડીક બેસતા તો ઘડીક દોડતા સુંદર સમય સાથે પસાર કરતા પાણી સુધી પહોંચ્યા અને પછી હોડીમાં બેસી સામે કાંઠે આવેલ ફુબેર ભંડારી મહાદેવના મંદિર સુધી પહોંચી ગયાં.










સો - એક પગથિયાં ચડવાના હતાં. સારો અનુભવ રહ્યો. હિતાર્થ અને અન્ય એક સાધુ મહાત્માએ ડમરું લેવાની માગણી કરી જે મેં પૂરી કરી.ત્યાં ભંડારામાં ભેટ લખાવી થોડો સમય પસાર કર્યા બાદ હોડીમાં ફરી પાછા નર્મદા તટે આવ્યાં અને ફરી હસતાં, રમતાં કલ્લોલ કરતાં ગોળ - લીસ્સા કાંકરાં પર ચાલતાં નીલકંઠ ધામ પરત ફર્યાં. આ થોડાં ઘણાં લીસ્સા ગોળ કાંકરાં ભેગા પણ કરી સાથે લઈ લીધાં, ઘેર યાદગીરી રૂપે લઈ આવવા. બપોરે આરામ કર્યો અને પછી આ મંદિરના પરિસરનું અન્ય એક આકર્ષણ માણ્યું. અહીં મંદિરના જ પરિસરમાં થોડે દૂર મોટા પાર્કમાં રોજ બપોરથી સાંજ સુધી એક પ્રદર્શન યોજાય છે - સહજાનંદ યુનિવર્સ પ્રદર્શન. ટિકિટ લઈ આ પ્રદર્શન માણવા અંદર બાગમાં પ્રવેશ્યા અને પછી ત્રણ - ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. આ પ્રદર્શન ના મુખ્ય આકર્ષણો હતાં - વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ, રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગો દર્શાવતા નમૂના, વિજ્ઞાન પાર્ક, લેઝર શો, 











વિષ્ણુની સૂતેલી મુદ્રામાં વિશાળકાય મૂર્તિ, નૌકા વિહાર, દ્રશ્ય - શ્રાવ્ય શો, ભૂત ઘર, પુલ, મિરર હાઉસ, માછલી ઘર,પક્ષી ઘર, બાળકોનાં રમવાનાં સાધનો વગેરે વગેરે.
   પાછા ફર્યા બાદ, સાંજે મંદિરની રથયાત્રા માણી. મન પ્રસન્નતા અનુભવી રહ્યું. અમારી ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં જ બાજુમાં હાથીનો આવાસ હતો. બાળકો સાથે હાથીની દિનચર્યા નિહાળી.
   બીજાં દિવસ માટે, મને ખાસ મંદિરમાંથી અત્તરની દુકાનવાળા ભાઈએ એક ભલામણ કરી હતી કે મારે સવારે વહેલા પાંચ વાગે ઉઠી સ્વામી નારાયણ ભગવાનનો અભિષેક થાય છે એ નિહાળવો અને એમાં ભાગ લેવો. આ એક અતિ સુંદર રોજ ચાલતી પૂજા અર્ચનાનો ભાગ છે જે રોજ વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિરમાં કરાય છે. હું વહેલો ઊઠી અને પહોંચી ગયો અને આ પૂજા-અભિષેકમાં ભાગ લેવો પણ મારા માટે ચિર સ્મરણીય એવો એક અનુભવ બની રહ્યો. ઠંડી સારી એવી હતી અને વહેલી સવારે શાસ્ત્રોક્ત રીતે પંચામૃત (દૂધ,દહીં, ઘી, મધ અને સાકર), ચંદન, ૧૦૮ લિટર દૂધ, ૧૦૮ ઔષધિ જળકુંભ, સપ્ત મૃત્તિકા, ૯ પ્રકારના ફળોના રસ અને પવિત્ર કેસર જળ વગેરેથી નીલકંઠ વરણીન્દ્ર ભગવાનની મૂર્તિ પર એક પછી એક સંત આવતાં જાય અને કર્ણ મધુર શ્લોક-મંત્રોચ્ચાર સાથે ઝારી દ્વારા અભિષેક કરતાં જાય. આ આખું દ્રશ્ય જોવા - માણવાની ખૂબ મજા પડી. છેલ્લે ભક્તોને પણ અભિષેક માટે કતારબદ્ધ આમંત્રવામાં આવે. આરતી થઈ. સવારના આ પવિત્ર અનુભવને માણ્યા બાદ હું રૂમ પર પાછો ફર્યો.
      આજે અમને દરબાર સાહેબ તેમની ગાડીમાં આસપાસ થોડે ફેરવવા લઈ જવાના હતાં અને સાંજે ફરી અમને વડોદરા છોડી દેવાના હતાં, મુંબઈ પાછા આવવા. સવારે  દસેક વાગે તે અમને ટીપેશ્વર મહાદેવ નામનાં એક નાનકડાં ખાનગી મંદિર લઈ ગયાં. આ જગા એટલી બધી શાંત અને સુંદર હતી કે તેણે અમારાં મનને અનેરી પ્રસન્નતા અને શાંતિ થી ભરી દીધાં. રસ્તામાં નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા એક - બે ભક્તો મળ્યાં જેમની સાથે દરબારે પ્રેમથી વાત કરી. આ ટીપેશ્વર મહાદેવનું દેરું એક શિવલિંગ ધરાવે છે જેના પર ચમત્કારિક રીતે સતત ટીપું ટીપું નર્મદાનું પાણી પડયાં કરે છે એવી માહિતી દરબારે આપી. સાથે શ્રદ્ધા પૂર્વક તેમણે અમને નર્મદાનું એ પવિત્ર જળ એક બોટલમાં ભરી આપ્યું. મંદિરની દેખરેખ રાખતા પરિવારનું ઝૂંપડાં જેવું લીંપેલું સાદું સરસ ઘર પાસે જ હતું જ્યાં ઝાડની છાયામાં અમે ખાટલો ઢાળી બેઠાં. નિરાંતની એ ક્ષણો અતિ સુખદ હતી. દરબારે તેમના પરિવાર વિશે, ખેતી વિશે, ડ્રાઇવિંગના કામકાજ વિશે, તેમના એક માત્ર પુત્ર જે વિદેશ ભણવા અને કામ કરવા ગયો છે તેના વિશે વગેરે ઘણી વાતો કરી. થોડી વાર ત્યાં પોરો ખાધા બાદ દરબાર અમને લઈ ગયા પાસેના એક અન્ય સુંદર પવિત્ર સ્થળે, જેનું નામ હતું બદ્રીકાશ્રમ. અહીં પણ નર્મદાનો એક કાંઠો હતો જેના પર થોડી ઉંચાઈએ આ આશ્રમ બાંધેલો હતો. નર્મદા પરિક્રમા કરતાં ભક્તો અહીં ઉતારો લે છે. અતિ શાંત અને સુંદર જગા હતી, ભીડભાડ વગેરેથી દૂર. નદી તરફ મુખ હોય એવી અહીં બે અતિ ઊંચી(પચ્ચીસ ત્રીસ ફૂટ) પ્રતિમાઓ ઉભી કરેલી હતી. એક હનુમાન દાદાની અને બીજી શંકરના અર્ધ નારીશ્વર સ્વરૂપની (અડધું અંગ શિવનું અને અડધું પાર્વતીનું). આશ્રમના મંદિરમાં દર્શન કર્યાં, અહીંની શાંતિ અને પવિત્રતા મનમાં ભર્યાં અને પછી અમે પાછા ફર્યાં નીલકંઠધામ. જમી થોડો આરામ કરી અને પછી અમે રવાના થયાં વડોદરા પાછા ફરવા. અને માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં અનેક સુમધુર સ્મૃતિઓ મનના કાચકડામાં કાયમ માટે કેદ કરી અમે આ સુંદર પ્રવાસ  અહીં પૂરો કર્યો.

(સંપૂર્ણ)