Translate

શુક્રવાર, 5 જૂન, 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામનાં પ્રવાસે (ભાગ - ૪)

 
 ડિસેમ્બર ૨૦૧૯ની ટૂંકી દ્વિતીય ગુજરાત યાત્રાનું સૌથી મોટું આકર્ષણ એટલે કે કેવડિયા માં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાઈ રહી. પણ આ યાત્રામાં બીજાં જે અવિસ્મરણીય અનુભવો થયાં એ બિલકુલ અણધાર્યા હતાં, બોનસ મળ્યાં સમાન હતાં.
   શુક્રવારે સ્ટેટયુ ઓફ યૂનિટીની મુલાકાત લઈ રહ્યાં બાદ શનિવાર - રવિવાર  શાંતિદાયક, આનંદદાયક, દર્શનીય તીર્થરાજ નીલકંઠધામ, પોઈચા ખાતે વિતાવ્યા. શનિવારની સવારે મંદિરના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારથી મન અનેરી ધન્યતા અનુભવી રહ્યું. આ મંદિર અત્યાર સુધી મેં જોયેલા સઘળાં મંદિરોમાં સૌથી સુંદર મંદિર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.
     નીલકંઠધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા રચિત, એક આખેઆખું વ્યવસાયિક દ્રષ્ટિએ વિકસાવાયેલું પ્રવાસન સ્થળ છે. તેના પ્રવેશ દ્વાર પર વિશાળકાય હાથીની પ્રતિમાઓ પર દેવતાઓ તમારું સ્વાગત કરતાં હોય એ રીતે ગોઠવાયા છે. 

આખા પરિસરમાં દેવદૂતોની વિવિધ વાજિંત્રો વગાડતી પ્રતિમાઓ, ફૂવારા, પ્રાણીઓ - પંખીઓની મૂર્તિઓ વગેરે સુશોભિત જોવા મળે.પરિઘમાં દુકાનો યે ખરી. સ્વામી નારાયણ ભગવાનના મુખ્ય મંદિરની સામે ચોગાનમાં ભગવાન શંકરની મોટી પ્રતિમા નટરાજ સ્વરૂપે શોભાયમાન છે. મંદિરની ફરતે વિષ્ણુના ચોવીસ અવતારોના દર્શન કરાવતા દહેરા જોવા મળે. મંદિરની ફરતે મોટું ચાલીસ લાખ લીટર પાણી ધરાવતું જળાશય બનાવાયું છે જેમાં મા નર્મદા નદીની અને અન્ય પ્રતિમાઓ અને ફુવારા શોભે છે. અહીં  અમુક ચોક્કસ સમયને અંતરે સ્વામી નારાયણ ભગવાનને આ જળાશયમાં નૌકા વિહાર કરાવવામાં આવે છે. મંદિરના ભોંયતળિયે મધ્ય કક્ષમાં વિષ્ણુ ભગવાનની શયનારૂઢ પ્રતિમાનું લક્ષ્મી દેવી સાથે દર્શન થાય. આ આખો કક્ષ કોઈ રાજમહેલ હોય એવું જ ભાસે. અહીંથી બહાર નીકળતા અત્તર અને પ્રસાદની ખરીદી તમે મંદિરના કક્ષની અંદર પણ કરી શકો છો. હવે અહીંથી બહાર આવો એટલે ડાબે કે જમણે ઉપર જવા માટેના દાદરા. અને મંદિરની ફરતે જે ચોવીસ અવતારના દહેરાની વાત કરી તેની સમાંતરે, નીચે ભોંય તળિયે થી પણ વધુ નીચે ઉતરી તમે આખા મંદિરની મુક્તિધારા પરિક્રમા એકસો આઠ ગૌ મુખ માંથી નીકળતા પવિત્ર જળને ઝીલતાં ઝીલતાં સ્નાન કરતાં કરી શકો છો.ભારતની દક્ષિણે આવેલ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં જેમ એકસો આઠ કૂવાના પાણીથી સ્નાન કરતાં કરતાં તમે આખા મંદિરની પ્રદક્ષિણા કરો છો એવું જ કંઈક. અહીં મને એક નોખો અનુભવ થયો. આમ તો આખું આ ગૌમુખ કક્ષ બંધ જેવું જ હોવાનું, પણ ક્યાંક થી અહીં એક કાચિંડો આવી ચડયો હશે અને એ બહાર કઈ રીતે જવું તેની વિમાસણમાં મૂંઝાયેલો આમતેમ એક જ જગાએ કૂદકા મારી રહ્યો હતો. હું પરિવાર સહ પ્રદક્ષિણા કરતો હતો અને મારું ધ્યાન તેના પર ગયું. મને શું સૂઝ્યું તે મેં ઝાઝો વિચાર કર્યા વગર સીધો તેને હાથમાં પકડી લીધો અને નજીકમાં બહાર જવાનો માર્ગ હતો ત્યાં સુધી તેને હાથમાં પકડી બહાર વિદાય આપી આવ્યો. જો એ ત્યાં જ અટવાયા કર્યો હોત તો કોઈના પગ તળે ચગદાઈ જાત કાં તો પાણીમાં ભીનો થતાં થતાં ઠંડીમાં મોતને ભેટત. પણ મારા હાથે તેનું બચવું લખ્યું હશે! મારા પરિવારજનોએતો બૂમાબૂમ કરી મૂકી - એમ કંઈ જીવ જંતુઓ હાથમાં લેવાતા હશે! વગેરે. પણ બધું ખૂબ ઝડપથી બની ગયું.
  ખેર, અંડરગ્રાઉંડ એવા આ ગૌમુખ કક્ષમાં સ્નાન વિધિ અને પ્રદક્ષિણા પતાવી પછી તમે ઉપર તરફ દાદરા ચડી, ડાબે હનુમાન અને જમણે ગજાનનની મૂર્તિના દર્શન કરી શકો અને હજી એક સ્તરે ઉપર ચડી મુખ્ય મંદિરમાં પ્રવેશી શકો, જ્યાં સ્વામી નારાયણ ભગવાન અને ઈશ્વરની અન્ય પ્રતિમાઓના દર્શન કરી શકો. આરસની ફર્શ અને ઉપર સુંદર નકશીકામ જેવી કલા કારીગરી. સ્થંભો. મંદિરની ફરતે ચોવીસ અવતારોના દહેરાંની આસપાસ વાજિંત્રો વગાડતાં દેવદૂતો. આ આખું દ્રશ્ય હું ગમે તેટલાં પ્રયત્નો છતાં, તેની વાસ્તવિક સુંદરતા સહિત શબ્દોમાં ચિત્રિત નહીં જ કરી શકું. આ મંદિર દિવસે આખું નોખાં સ્વરૂપે દેખાય અને મોડી સાંજે કઈંક અન્ય દેદીપ્યમાન સ્વરૂપ ધારણ કરે, આખા મંદિરને દિવાળી જેવી રોશનીથી શણગારાય. બંને સ્વરૂપ મનને અલગ અલગ પ્રકારની પવિત્રતા અને ધન્યતાનો અનુભવ કરાવે.


સવારે સાડા પાંચથી રાતના આઠ વાગ્યા સુધી સતત કોઈક ને કોઈક પ્રવૃત્તિ અહીં મંદિરમાં ચાલ્યા કરે. આરતી, અભિષેક, અન્નકૂટ - રાજભોગ, ઢોલ - શરણાઈ સાથે રથમાં આંગી દર્શન, આંગીધારી વરણીન્દ્ર ભગવાનની આરતી, નૌકા વિહાર, જળયાત્રા - કાવડ યાત્રા, રથયાત્રા વગેરે અનેક વિધિ - પ્રવૃત્તિઓથી મંદિર સતત ધમધમતું રહે.
  રોજ સાંજે સ્વામી નારાયણ ભગવાનની રથયાત્રા નીકળે જેમાં સાચા હાથી - ઘોડા,તોપ,બેંડબાજા,પાલખી અને ભક્તોનો મહેરામણ જોડાય.જળ, મોતી, જરી સહિત અબીલ - ગુલાલ સાથે ઉત્સાહ, ભક્તિ અને પવિત્રતાની છોળો ઉડે. સુંદર, કર્ણપ્રિય સ્વરમાં ઈશ્વરની સ્તુતિ ગવાતી હોય. નૃત્ય,રાસ અને સંકીર્તનથી સમગ્ર વાતાવરણ સ્વર્ગીય સમું બની રહે. રોજ સંધ્યા ટાણે આ યાત્રા નીકળે અને એનાં હકારાત્મક પ્રભાવથી તમે ભાગ્યે જ અલિપ્ત રહી શકો.
   શનિવારની સવારે મંદિરમાં દર્શન કર્યા બાદ અમે અહીં નજીક આવેલ અન્ય એક મંદિર કુબેરભંડારી મહાદેવના દર્શનાર્થે ગયાં. મંદિરની વિશાળ કેન્ટીનમાં સવારનો ચા - નાસ્તો પતાવી, ત્યાં બાજુમાંથી જ નીચે એક રસ્તો ઉતરી જતો હતો, ત્યાં ગયા. આમતો એ નર્મદા નદીનો વિશાળ પટ હતો પણ હાલ એમાં પાણી નહોતું એટલે પોણા ભાગ જેટલું અંતર નદીના પટ માં જ ગોળ, લીસ્સા કાંકરા પર ચાલીને જવાનું હતું અને પછીનું થોડું અંતર હોડીમાં બેસી, કાપી સામે કાંઠે જવાનું હતું. હું, અમી, નમ્યા અને હિતાર્થ મા નર્મદા ના પટમાં ગેલ કરતાં, કાંકરા સાથે રમતા, ઘડીક બેસતા તો ઘડીક દોડતા સુંદર સમય સાથે પસાર કરતા પાણી સુધી પહોંચ્યા અને પછી હોડીમાં બેસી સામે કાંઠે આવેલ ફુબેર ભંડારી મહાદેવના મંદિર સુધી પહોંચી ગયાં.


સો - એક પગથિયાં ચડવાના હતાં. સારો અનુભવ રહ્યો. હિતાર્થ અને અન્ય એક સાધુ મહાત્માએ ડમરું લેવાની માગણી કરી જે મેં પૂરી કરી.ત્યાં ભંડારામાં ભેટ લખાવી થોડો સમય પસાર કર્યા બાદ હોડીમાં ફરી પાછા નર્મદા તટે આવ્યાં અને ફરી હસતાં, રમતાં કલ્લોલ કરતાં ગોળ - લીસ્સા કાંકરાં પર ચાલતાં નીલકંઠ ધામ પરત ફર્યાં. આ થોડાં ઘણાં લીસ્સા ગોળ કાંકરાં ભેગા પણ કરી સાથે લઈ લીધાં, ઘેર યાદગીરી રૂપે લઈ આવવા. બપોરે આરામ કર્યો અને પછી આ મંદિરના પરિસરનું અન્ય એક આકર્ષણ માણ્યું. અહીં મંદિરના જ પરિસરમાં થોડે દૂર મોટા પાર્કમાં રોજ બપોરથી સાંજ સુધી એક પ્રદર્શન યોજાય છે - સહજાનંદ યુનિવર્સ પ્રદર્શન. ટિકિટ લઈ આ પ્રદર્શન માણવા અંદર બાગમાં પ્રવેશ્યા અને પછી ત્રણ - ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. આ પ્રદર્શન ના મુખ્ય આકર્ષણો હતાં - વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ, રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગો દર્શાવતા નમૂના, વિજ્ઞાન પાર્ક, લેઝર શો, વિષ્ણુની સૂતેલી મુદ્રામાં વિશાળકાય મૂર્તિ, નૌકા વિહાર, દ્રશ્ય - શ્રાવ્ય શો, ભૂત ઘર, પુલ, મિરર હાઉસ, માછલી ઘર,પક્ષી ઘર, બાળકોનાં રમવાનાં સાધનો વગેરે વગેરે.
   પાછા ફર્યા બાદ, સાંજે મંદિરની રથયાત્રા માણી. મન પ્રસન્નતા અનુભવી રહ્યું. અમારી ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં જ બાજુમાં હાથીનો આવાસ હતો. બાળકો સાથે હાથીની દિનચર્યા નિહાળી.
   બીજાં દિવસ માટે, મને ખાસ મંદિરમાંથી અત્તરની દુકાનવાળા ભાઈએ એક ભલામણ કરી હતી કે મારે સવારે વહેલા પાંચ વાગે ઉઠી સ્વામી નારાયણ ભગવાનનો અભિષેક થાય છે એ નિહાળવો અને એમાં ભાગ લેવો. આ એક અતિ સુંદર રોજ ચાલતી પૂજા અર્ચનાનો ભાગ છે જે રોજ વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિરમાં કરાય છે. હું વહેલો ઊઠી અને પહોંચી ગયો અને આ પૂજા-અભિષેકમાં ભાગ લેવો પણ મારા માટે ચિર સ્મરણીય એવો એક અનુભવ બની રહ્યો. ઠંડી સારી એવી હતી અને વહેલી સવારે શાસ્ત્રોક્ત રીતે પંચામૃત (દૂધ,દહીં, ઘી, મધ અને સાકર), ચંદન, ૧૦૮ લિટર દૂધ, ૧૦૮ ઔષધિ જળકુંભ, સપ્ત મૃત્તિકા, ૯ પ્રકારના ફળોના રસ અને પવિત્ર કેસર જળ વગેરેથી નીલકંઠ વરણીન્દ્ર ભગવાનની મૂર્તિ પર એક પછી એક સંત આવતાં જાય અને કર્ણ મધુર શ્લોક-મંત્રોચ્ચાર સાથે ઝારી દ્વારા અભિષેક કરતાં જાય. આ આખું દ્રશ્ય જોવા - માણવાની ખૂબ મજા પડી. છેલ્લે ભક્તોને પણ અભિષેક માટે કતારબદ્ધ આમંત્રવામાં આવે. આરતી થઈ. સવારના આ પવિત્ર અનુભવને માણ્યા બાદ હું રૂમ પર પાછો ફર્યો.
      આજે અમને દરબાર સાહેબ તેમની ગાડીમાં આસપાસ થોડે ફેરવવા લઈ જવાના હતાં અને સાંજે ફરી અમને વડોદરા છોડી દેવાના હતાં, મુંબઈ પાછા આવવા. સવારે  દસેક વાગે તે અમને ટીપેશ્વર મહાદેવ નામનાં એક નાનકડાં ખાનગી મંદિર લઈ ગયાં. આ જગા એટલી બધી શાંત અને સુંદર હતી કે તેણે અમારાં મનને અનેરી પ્રસન્નતા અને શાંતિ થી ભરી દીધાં. રસ્તામાં નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા એક - બે ભક્તો મળ્યાં જેમની સાથે દરબારે પ્રેમથી વાત કરી. આ ટીપેશ્વર મહાદેવનું દેરું એક શિવલિંગ ધરાવે છે જેના પર ચમત્કારિક રીતે સતત ટીપું ટીપું નર્મદાનું પાણી પડયાં કરે છે એવી માહિતી દરબારે આપી. સાથે શ્રદ્ધા પૂર્વક તેમણે અમને નર્મદાનું એ પવિત્ર જળ એક બોટલમાં ભરી આપ્યું. મંદિરની દેખરેખ રાખતા પરિવારનું ઝૂંપડાં જેવું લીંપેલું સાદું સરસ ઘર પાસે જ હતું જ્યાં ઝાડની છાયામાં અમે ખાટલો ઢાળી બેઠાં. નિરાંતની એ ક્ષણો અતિ સુખદ હતી. દરબારે તેમના પરિવાર વિશે, ખેતી વિશે, ડ્રાઇવિંગના કામકાજ વિશે, તેમના એક માત્ર પુત્ર જે વિદેશ ભણવા અને કામ કરવા ગયો છે તેના વિશે વગેરે ઘણી વાતો કરી. થોડી વાર ત્યાં પોરો ખાધા બાદ દરબાર અમને લઈ ગયા પાસેના એક અન્ય સુંદર પવિત્ર સ્થળે, જેનું નામ હતું બદ્રીકાશ્રમ. અહીં પણ નર્મદાનો એક કાંઠો હતો જેના પર થોડી ઉંચાઈએ આ આશ્રમ બાંધેલો હતો. નર્મદા પરિક્રમા કરતાં ભક્તો અહીં ઉતારો લે છે. અતિ શાંત અને સુંદર જગા હતી, ભીડભાડ વગેરેથી દૂર. નદી તરફ મુખ હોય એવી અહીં બે અતિ ઊંચી(પચ્ચીસ ત્રીસ ફૂટ) પ્રતિમાઓ ઉભી કરેલી હતી. એક હનુમાન દાદાની અને બીજી શંકરના અર્ધ નારીશ્વર સ્વરૂપની (અડધું અંગ શિવનું અને અડધું પાર્વતીનું). આશ્રમના મંદિરમાં દર્શન કર્યાં, અહીંની શાંતિ અને પવિત્રતા મનમાં ભર્યાં અને પછી અમે પાછા ફર્યાં નીલકંઠધામ. જમી થોડો આરામ કરી અને પછી અમે રવાના થયાં વડોદરા પાછા ફરવા. અને માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં અનેક સુમધુર સ્મૃતિઓ મનના કાચકડામાં કાયમ માટે કેદ કરી અમે આ સુંદર પ્રવાસ  અહીં પૂરો કર્યો.

(સંપૂર્ણ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો