ફરવાનો
મને પહેલેથી શોખ અને ઓફીસમાં નવા શૈક્ષણિક વર્ષ સાથે નવા કર્મચારીઓની વરણી માટે દેશભર નાં જુદા જુદા ભાગમાં આવેલ અગ્રગણ્ય કોલેજીસ અને યુનિવર્સીટીઝ માં અલગ અલગ ટુકડીઓમાં ઇન્ટરવ્યુ લેવા જવાનું હતું એમાં મારે પણ જોડાવાનું થતાં
મેં પહેલાં ક્યારેય જ્યાં હું નહોતો ગયો એવા ઓડિશા રાજ્ય પર પસંદગી ઉતારી.
ત્યાં ની પ્રખ્યાત કે.
આઈ. આઈ. ટી.(KIIT) સંસ્થામાં ઇન્ટરવ્યુ લેવા અમારી પાંચ જણની ટુકડી રવાના થઈ.
ઓડિશામાં
અમારે બે જ દિવસ
રહેવાનું હતું પણ ત્રીજે દિવસે
રવિવાર આવતો હોવાથી મેં ત્યાં જ રહી ઓડિશાના
ખ્યાતનામ સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને મારા એક દિવસ વધુ
રહેવાની વ્યવસ્થા KIIT ના મેનેજમેન્ટે કરી
દીધી. વહેલી સવારે ફ્લાઈટમાં ઓડિશા પહોંચ્યા અને એરપોર્ટ પર જ એક
હકારાત્મક લાગણીનો અનુભવ થવા માંડ્યો. કેટલું સારું થાત જો એરપોર્ટ પર
હોય છે એવી સ્વચ્છતા
આખા દેશના બધાં જ ભાગોમાં દરેક
સ્થળે હોત! એરપોર્ટ પર ઓડિશાના ક્લાકારો
દ્વારા બનાવાયેલા વિશાળ ચિત્રો શોભતા હતાં. એક ચિત્ર તો
એટલું સુંદર રીતે દોરાયેલું હતું કે એ જોઈ
એમાનાં આદિવાસી ડોશી અને
પુરુષો ઝૂંપડી સહિત જાણે કેમેરા દ્વારા લેવાયેલ તસવીરના જીવંત પાત્રો સમા ભાસતા હતાં.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈકની ઓડિશામાં ઉદ્યોગ અને રમતગમત માટે આમંત્રતી તસ્વીર ધરાવતા મોટા હોર્ડિગ્ઝ પણ એરપોર્ટ પર
લગાડેલા હતાં. એરપોર્ટની બહાર આવ્યાં એટલે KIIT ની ગાડી અમને
લેવા આવી હતી તેમાં બેસી અમે KIIT ના ગેસ્ટહાઉસ પહોંચ્યા.
દરેક
જગાનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ
હોય છે.ઓડિશાની સડકો
પર જ્યારે અમારી ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ગાડીની બારીમાંથી અહિની રાજધાનીના શહેર ભુબનેશ્વરની ઝાંખી પામવાનો હું પ્રયાસ કરી રહ્યો.ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ પતવા આવ્યું હોવા છતાં દેશના અન્ય ભાગોની જેમ અહિં પણ વરસાદે હજી
વિદાય લીધી નહોતી અને ઝરમર ઝરમર વર્ષાના અમીછાંટણા વાતાવરણ સાથે મારા મનને પણ પલાળી રહ્યાં.
અહિના
રસ્તા મને ખાસ્સા પહોળા અને ચોખ્ખા લાગ્યાં. ડ્રાઈવર બંગાળીને ખાસ્સી મળતી આવતી ઓડિયા
ભાષા બોલતો હતો પણ હિન્દી સમજતો
હતો આથી તેની સાથે વાતચીત કરતા કરતા ઓડિશા વિષે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ઓડિશાનું મૂળ નામ ઓરિસ્સા હતું અને અહિની સ્થાનિક ભાષા ઓરિયા તરીકે ઓળખાતી હતી પણ અહિના સ્થાનિક
લોકોની માગણીને પગલે સાતેક વર્ષ પહેલા દેશના ઘણાં અન્ય શહેરોની જેમ આ બંને નામોમાં
'ર' નું સ્થાન 'ડ' એ લીધું
અને ઓરિસ્સા બને ગયું ઓડિશા.અહિના મુખ્યમંત્રી સુશાસન કરતા હોવા જોઇએ તેથી જ તેઓ છેલ્લા
પંદર વર્ષ કરતાં પણ વધુ સમયથી
પોતાના પદે સેવા આપી રહ્યા છે.તેમના પહેલા
તેમના પિતા બીજુ પટનાઈક પણ ઘણાં વર્ષો
સુધી ઓડિશાના મુખ્યમંત્રી પદે કાર્યરત હતાં.
રસ્તામાં
મુખ્ય શહેરની શરૂઆત થઈ એટલે ઠેરઠેર
સુશોભિત મંડપ જોવા મળ્યાં.ધ્યાનથી જોયું તો મંડપોમાં હાથીઓ
સહિત માતાજીની સુંદર મૂર્તિઓ દ્રષ્યમાન થઈ અને જાણવા
મળ્યું કે એ લક્ષ્મી
માતાની મૂર્તિઓ હતી. શરદપૂનમને અહિ લોકો કુમાર પૂર્ણિમા તરીકે ધામધૂમથી ઉજવે છે અને આપણે
ગણેશોત્સવમાં જેમ ગણપતિની અને નવરાત્રિ દરમ્યાન દુર્ગામાની મોટી મોટી મૂર્તિઓની સાર્વજનિક મંડપોમાં પધરામણી કરી છીએ તેમ શરદ પૂનમે ગજલક્ષ્મી સ્વરૂપની મૂર્તિઓ લાવી તેની પૂજા-અર્ચના કરે છે, સમૂહભોજન તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજી સાતેક દિવસ આ ઉત્સવની ઉત્સાહ
અને ભાવપૂર્વક,શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે અને બાદમાં
મૂર્તિનું દરીયા કે નદીમાં વિસર્જન
કરે છે.
અડધા
એક કલાકમાં અમે KIIT ના ગેસ્ટહાઉસમાં જઇ
પહોંચ્યા જ્યાં
અત્યાધુનિક હોટેલ જેવીજ સુવિધા ધરાવતી રૂમ્સ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ હતી. દરેકે અલાયદા રૂમમાં ચેક-ઇન કર્યા બાદ,
ફ્રેશ થઈ કેન્ટીનમાં જઈ
સ્વાદિષ્ટ ભોજન લીધું જ્યાં
રસગુલ્લાની મારી મનપસંદ મિઠાઈ વિશે જાણવા મળ્યું કે આજે પણ
પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે એ બાબત સિદ્ધ
કરવા ઝઘડો ચાલે છે કે રોશોગુલ્લા
મૂળ મિઠાઈ આ બે માંથી
કયા રાજ્યની શોધ છે!
પછી
અમે ત્યાંથી પોણા-એક કિલોમીટર જેટલા
અંતરે આવેલ KIIT ના વિશાળ કેમ્પસ
તરફ પ્રયાણ કર્યું જ્યાં ભવ્ય ઓડિટોરીયમમાં અમારા એચ.આર. મેનેજર
અને સી.ટી.ઓ.એ પ્રિ-પ્લેસમેન્ટ
પ્રેઝેન્ટેશન અને અમારા ઓર્ગેનાઈઝેશનનો પરિચય અમારી સાથે જોડાવા ઇચ્છુક એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપવાના હતાં. જેવા અમે ગાડીમાંથી ઉતર્યાં કે ત્યાંના પ્લેસમેન્ટ
ઓફિસર દેબરાજ મિત્ર અને અન્ય વરીષ્ઠ અધ્યાપક વગેરે એ પુષ્પગુચ્છ અર્પણ
કરી અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું અને એક મોટા કોન્ફરન્સ
હોલમાં બેસાડી તેમની સંસ્થાનો પરિચય આપ્યો.
જે
સાંભળ્યુ એ જાણી અમે
આ સંસ્થા અને તેના સ્થાપકથી ખાસ્સા પ્રભાવિત થયાં.જો કે હજી
ઘણાં આશ્ચર્યો અમારી રાહ જોઈ રહ્યાં હતાં.પ્રેઝેન્ટેશન અને સી.ટી.ઓ.
ના ટૂંકા માહિતીપૂર્ણ વક્તવ્ય બાદ જ્યારે એચ.આર.મેનેજર
એન્જિનિયર ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ લેવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે
દેબરાજ સરે તેમના એક કર્મચારીને અમારી
સાથે રાખીને અમને KIITના વિશાળ કેમ્પસની
સફરે મોકલ્યાં.
KIIT
એક ઓટોનોમસ યુનિવર્સીટી છે જ્યાં એન્જિનીયરીંગ,
મેડિકલ, ફાર્માસ્યુટિકલ,મેનેજમેન્ટ, બાયોટેક્નોલોજી,રુરલ મેનેજમેન્ટ અને કાયદા સહિત અનેક ક્ષેત્રોનું શિક્ષણ ઓડિશાના જ નહિ પરંતુ
દેશભરના વિદ્યાર્થીઓને મળે છે. દારૂણ ગરીબીમાં ઉછરેલા અને ચાર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી બેસેલા પ્રોફેસર અચ્યુત સામંતે સંઘર્ષપૂર્ણ જીવન વિતાવી વર્ષ ૧૯૯૨-૯૩માં ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પામી શકે એ હેતુથી કલિંગ
ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ
(KISS) અને કલિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી
(KIIT) ની સ્થાપના કરી. ખિસ્સામાં માત્ર પાંચેક હજાર જેટલી રકમ સાથે આ શૈક્ષણિક સંસ્થાઓની
સાવ સામાન્ય શરૂઆત બાદ તેની ઉચ્ચ ગુણવત્તાને લીધે આજે માત્ર અઢી દાયકાના ગાળામાં આ સંસ્થાઓ શિક્ષણના
વટવ્રુક્ષ સમી વિસ્તરી છે.KIIT આજે ભારતની સૌથી પ્રખ્યાત યુનિવર્સીટીઓ માંની એક છે જે
દેશ તેમજ વિદેશના કુલ મળી ૨૭૦૦૦ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ એડ્યુકેશન પુરું પાડે છે જ્યારે અમને
અભિભૂત કરી દેનારી KISS સંસ્થા દેશ ભરના ૨૫૦૦૦ કરતા વધુ આદિવાસી ગરીબ બાળકોને સાવ મફતમાં બાળમંદીરથી લઈ ઉચ્ચસ્નાતક સુધીનું
શિક્ષણ પુરું પાડે છે. એટલું જ નહિ આ
બધાં વિદ્યાર્થીઓ KISS ના વિશાળ કેમ્પસમાં
આવેલી જ હોસ્ટેલમાં રહે
છે અને તેમના ખાવા-પીવાથી માંડી ગણવેશ,શૈક્ષણિક સાધનો વગેરેનો સઘળો ખર્ચ સંસ્થા ઉપાડે છે.
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો