તહેવારોની મોસમ ચાલુ છે. રક્ષાબંધન
અને સ્વતંત્રતા દિવસ પછી જ્યાં ગણેશોત્સવનો આનંદ હજી ઓસરે એ પહેલાં આવી નવલા નોરતાની
રુમઝૂમતી રાતો અને હવે દિવાળી બેન પધારવાની કાગડોળે રાહ જોઈ ને કતારમાં ઉભા છે! ઉત્સાહ
અને ઉમંગ ભર્યા આ મોટાભાગના ઉત્સવોનો એક મહત્વનો આશય હોય છે જીવનને આનંદથી ભરી દેવાનો
અને સામાજીક સુમેળ અને સૌહાર્દ સાધવાનો. પણ કેટલાક અવિચારી તત્વો જ્યારે જૂની સડી ગયેલી
રૂઢિવાદી છૂતાછૂતી પરંપરા ને આજ ના સાંપ્રત અર્વાચીન સમયમાં તહેવારોની સાર્વજનિક ઉજવણી
સમયે અનુસરે અને કોઈક ચોક્કસ જાતિ કે સમુદાય ને એમાં સામેલ થવું તો દૂર રહ્યું પણ એ
ઉજવણી જોવા દેવાથી પણ વંચિત રાખે,એ પણ મારા વતન ગુજરાતમાં, એવો એક અહેવાલ વાંચીને માથું
શરમથી ઝૂકી ગયું.
થોડા સમય અગાઉ પૂરાં થયેલા નવરાત્રિ
મહોત્સવ દરમ્યાન ગુજરાતમાં એક જગ્યાએ ઉજવાઈ રહેલા ગરબા નાં સાર્વજનિક મંડપમાં એક દલિત
વર્ગનો યુવાન દૂરથી એ ઉજવણી જોવા ગયો એટલે પાછળથી એને કહેવાતા ઉજળા વર્ગના સમાજના કેટલાક
ઠેકેદારો એ ઢોર માર મારી અધમૂઓ કરી નાખ્યો. આ અહેવાલ વાંચી સમસમી જવાયું. પછી તો આ
પ્રકારના અન્ય પણ ચોંકાવી દે એવા સમાચાર વાંચવામાં આવ્યાં. જેમકે ગુજરાતમાં જ એક ચોક્કસ
ગામના દલિત યુવાનોને મૂછો ઉગાડવા ની છૂટ નથી. વાંકડી મૂછ ઉગાડવા નું તો આ દલિત વર્ગના
યુવાન સ્વપ્નમાં પણ વિચારી ન શકે!
ભારતના અન્ય રાજ્યોના કેટલાક
ભાગોમાં પણ દલિતોની દશા કંઈ વધુ સારી નથી. જેમકે એક ગામમાં દલિતોની હજામત કોઈ કરતું
નથી. અન્ય એક ગામમાં તેમને સાર્વજનિક કૂવામાંથી પાણી ભરવાની છૂટ નથી. એક ગામમાં તો
દલિતોએ ભદ્ર સમાજના તેમના માટે બનાવાયેલા એકાદ નિયમનું ઉલ્લંઘન કર્યું ત્યારે એક ભદ્ર
વ્યક્તિએ દલિતોના કૂવામાં ઝેર નાંખી દીધાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી અને એ કૂવાનું
પાણી પી અનેક દલિત વ્યક્તિઓનાં મોત થયાં હતાં. એક જગાએ દલિતના લગ્ન હોય તો તેમાં બેન્ડબાજા
વગાડવાની છૂટ નથી. અરે એક ગામમાં તો દલિતોને ભગવાનનાં મંદીરમાં પ્રવેશવાની પણ મનાઈ
છે!
આજના સમયમાં પ્રગતિશીલ માનવ
સમાજનાં જ સભ્યો સાથે તેમને નીચા ગણી આવો દુર્વ્યવહાર વ્યાજબી છે?ગ્લોબલાઈઝેશન અને
લિબરલાઇઝેશનના યુગમાં આવી છૂતાછૂતની વાતો આપણને શોભે એવી નથી.જ્યાં સુધી દલિત વર્ગ
પર આવો અમાનવીય અત્યાચાર ચાલુ રહેશે ત્યાં સુધી ભારત ડેવ્લપ્ડ રાષ્ટ્ર બની શકશે નહિ.
એક સરસ મેસેજ વોટ્સએપ પર વાંચવામાં
આવ્યો હતો.છોકરો તેની માતાને સફાઈ કરતાં એક યુવાનને બતાવતા પૂછે છે કે મમ્મી આ કોણ
છે?માતા કહે છે એ કચરાવાળો છે.છોકરો વેધક જવાબ આપતા કહે છે મમ્મી કચરો તો આપણે નાંખીએ
છે,એ તો કચરો સાફ કરે છે તો એ કઈ રીતે કચરાવાળો થયો?આપણે કચરાવાળા કહેવાવા જોઇએ અને
તેને સફાઈવાળો કહેવું જોઇએ!
આ હકીકત છે.ગંદકી, મેલ આપણે ફેલાવીએ
છીએ અને જે આપણાં પર એ બધું સાફ કરી ઉપકાર કરે છે તેની આપણે ઉપેક્ષા કરીએ છીએ,તેને
હલકો ગણીએ છીએ.ગાંધીજીએ તો દલિતોને હરિ-જન એટલે કે ઇશ્વરના માણસ તરીકે નું સન્માન બક્ષી
તેમને ગળે વળગાડ્યા હતાં જ્યારે આજે જ્યારે માનવી અવકાશ સુધી પહોંચી ગયો છે ત્યારે
એ જ ગાંધીજીના ગુજરાત અને પ્રગતિને પંથે આગળ વધી રહેલા આપણાં ભારત દેશમાં દલિતોની આવી
ઉપેક્ષા ઉચિત નથી.
ગુજરાતનાં મુખ્યમંત્રી અને પોલીસે
આવો ભેદભાવ કરવાવાળી વ્યક્તિઓને ભારે સજા આપી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ.નેતાઓએ
દલિતોના નામે રાજકારણ રમવાનું બંધ કરી તેમના ખરા ઉત્થાન માટે કાર્ય કરવું જોઇએ.સમગ્ર
સમાજે હરિના જન પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલી સર્વે પ્રત્યે સમદ્રષ્ટીની ભાવના કેળવવી
જોઇએ,બાળકોને નાનપણથી જ આ અંગે સાચા અને સારા સંસ્કાર આપી તેમને મનુષ્યમાત્ર પ્રત્યે
વિવેક અને વિનયથી વર્તતા શિખવવું જોઇએ. સમગ્ર દેશમાં આવો દુર્વ્યવહાર કરનારાઓ પ્રત્યે
કડક કામ ચલાવી તેમને સજા આપવાની જોગવાઈ કરાવી જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો