Translate

ગુરુવાર, 27 એપ્રિલ, 2017

બાળકોની પ્રશ્નો પૂછવાની ટેવ

બાળકોને પ્રશ્નો પૂછ​વાની ટેવ હોય છે અને તેમની જીજ્ઞાસા વૃત્તિને આપણે આ પ્રશ્નોના આવડે એવા જ​વાબ આપી પોષ​વી જોઇએ.એક અભ્યાસ મુજબ બાળકો દિવસના ૩૦૦ થી ૪૦૦ પ્રશ્નો પૂછે છે અને ઉંમર વધતા આ પ્રમાણ ઘટતું જાય છે.
બાળકો ક્યારેય જજમેન્ટલ નથી હોતા તેથી તેઓ તમે પ્રશ્નનો કેવો ઉત્તર આપ્યો એનું વિશ્લેષણ કર​વા નહિ બેસે પણ જો તમે તેમણે પૂછેલા પ્રશ્નોને દાબી દેવા પ્રયત્ન કર્યો અને તેઓ પ્રશ્નો પૂછ​વાનું જ બંધ કરી દેશે તો તેમના વ્યક્તિત્વનો વિકાસ અટકી જશે.તેમને પ્રશ્નો પૂછ​વા ઉત્તેજન આપો,પ્રેરો. કદાચ તમને કોઈ પ્રશ્નનો જ​વાબ ન ખબર હોય કે કોઈ પ્રશ્ન અનુચિત હોય તો પ્રેમ થી તેને કહો કે તમે એ પ્રશ્ન નો ઉત્તર થોડા સમય બાદ આપશો અથ​વા શા માટે તમે એ પ્રશ્નનો ઉત્તર તરત આપી રહ્યા નથી. પછી એ પ્રશ્નના ઉત્તર અંગે સંશોધન કરો, વિચારો અને જ​વાબ મળી જાય ત્યારે સામેથી બાળકને બોલાવી એ અંગે ચર્ચા કરો,તેને માહિતગાર કરો.પણ બાળકોને પ્રશ્ન પૂછતા ક્યારેય રોકશો નહિ.પૂછતા નર જ પંડિત બની શકે એમ અમસ્તુ જ થોડું કહેવાયું હશે?
મારી સાડા છ વર્ષની પુત્રી નમ્યાએ થોડા દિવસ પહેલા પ્રશ્ન પૂછ્યો ,"પપ્પા,ભગ​વાનની મૂર્તિ કેમ હોય્?" થોડો વિચાર કરી મેં જ​વાબ આપ્યો કે ભગ​વાન હ​વા જેવા છે, તે દેખાતા નથી.પણ આપણે તેમની પ્રાર્થના કરીએ ત્યારે આપણને જીવ​વા માટે જરૂરી શક્તિ મળી રહે. હ​વે એમના કોઈ આકાર કે આકૃતિ વગર આપણે તેમની પ્રાર્થના ક​ઈ રીતે કરી શકીએ? આપણને ધ્યાન ધર​વા,કોન્સનટ્રેટ કરી શકીએ એટલે માણસે ભગ​વાનની મૂર્તિ બનાવી જેથી આપણે તેને સામી રાખી પ્રાર્થના કરી શકીએ. આનાથી વધુ સારો ઉત્તર મને સૂઝ્યો નહિ.
થોડા દિવસ રહી તેણે ફરી એક ન​વો પ્રશ્ન કર્યો,"પપ્પા, ભગ​વાન માણસ તરીકે કેમ નથી જન્મતા?" મેં ફરી થોડો વિચાર કરી એને જ​વાબ આપ્યો," બેટા રામ્, કૃષ્ણ બધા ભગ​વાન ઘણાં વર્ષો પહેલા માણસ તરીકે જ જન્મ્યા હતાં.એ તેમના સદગુણો અને સત્કર્મો ને લીધે ભગ​વાન બની ગયા અને આજે પણ આપણે તેમને પૂજીએ છીએ. રામ પણ માતાની આજ્ઞા શિરે ચડાવી ચૌદ વર્ષ વનમાં રહેવા ગયા હતા. તેમણે પણ સામાન્ય માણસ સહન કરે છે તેવા અનેક દુખો સહન કર્યા હતા. તેમનું તથા કૃષ્ણનું પણ માણસની જેમ મૃત્યુ થયું હતું."
ક્યારેક બાળકોના પ્રશ્નો ક્ષોભજનક અને મૂંઝ​વી નાખનારા પણ હોય! મારો ચાર મહિનાનો દીકરો હિતાર્થ જન્મ્યો ત્યારે નમ્યાએ પૂછ્યું ,"પપ્પા ભાઈ મમ્મી ના પેટમાં હતો ને? ત્યાંથી એ બહાર કેવી રીતે આવ્યો?" મેં પ્રેમથી સમજાવતા કહ્યું ,"બેટા ડોક્ટર અંકલ ઓપરેશન કરી ભ​ઈલુને મમ્મીના પેટમાં થી બહાર લ​ઈ આવ્યા. તું મોટી થ​ઈ જ​ઈશ એટલે તને વધારે માહિતી સમજાશે." સારું થયું એણે એવો પ્રશ્ન ન કર્યો કે ભ​ઈલુ મમ્મીના પેટમાં ગયો ક્યાંથી?!
ક્યારેક નાનકડી નમ્યા ભારેખમ પ્રશ્નો પણ પૂછી બેસે જેમકે લગ્ન શા માટે કર​વા પડે? લગ્ન પછી છોકરીએ શા માટે પોતાનું ઘર છોડીને પતિના ઘેર જ​વું પડે?

તો ક્યારેક તેના પ્રશ્નો સામાન્ય જ્ઞાનને લગતા પણ હોય્. આવા પ્રશ્નોના જ​વાબ ખબર હોય તો તરત આપી દ​ઉ. ન ખબર હોય તો ગૂગલ બાબા ઝિંદાબાદ! ક્યારેક કોઈક ખાસ ક્ષેત્ર​ને લગતો પ્રશ્ન હોય તો તે ક્ષેત્રના નિષ્ણાતની મદદ તરત ફોન દ્વારા લ​ઈ તેનો ઉકેલ શોધ​વા પ્રયત્ન કરું.ઘણી વાર તો એ સામે થી કહે ," મરાઠી શબ્દ નો અર્થ શોધ​વો છે તો પપ્પા હ​વે અજય કાકાને ફોન કરશે! (અજય મારો મહારાષ્ટ્રીયન મિત્ર છે) " એક સારી બાબત એ છે કે તે પણ પ્રશ્નોનો ઉકેલ શોધ​વા વિકલ્પો વાપર​વાનો પ્રયત્ન કરતા શિખશે અને પ્રશ્નને વણઉકેલ્યો છોડી નહિ દે.

રવિવાર, 16 એપ્રિલ, 2017

પાષાણી પથરીની પારાવાર પીડા (ભાગ - ર)

શુક્રવારની મહાશિવરાત્રિની રાતે ઉપડેલા પથરીના દુખાવાનું શનિવારે નિદાન થયા બાદ શનિવારની રાત પણ જેમતેમ પસાર કરી અને યુરોલોજિસ્ટ ડોક્ટર સાથે લાંબી ચર્ચા બાદ રવિવારે સવારે ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયો.હોસ્પિટલ ઘર પાસે હોવાનો એક મોટો ફાયદો કે તમે અને ઘરના અન્ય સભ્યો ચાલીને પણ આવ-જા કરી શકો. હોસ્પિટલમાં લાંબો સમય રહેવાનું નહોતું પણ મેડિકલ ઇન્સ્યોરન્સ હોવાને લીધે મેં એક ખાનગી રૂમ પસંદ કર્યો જ્યાં માનસિક શાંતિ અને સંતોષકારક આરામ મળી શકે તથા મારી સાથે રહેનાર બહેન (જે શાળામાં શિક્ષિકા છે) ને પણ પોતાનું કામ ખલેલ વગર સાથે સાથે કરવાની મોકળાશ -  સુવિધા રહે. જોકે મેડિકલ ઇન્સ્યોરન્સનો એક મોટો ગેરફાયદો પણ છે. હોસ્પિટલવાળાને જાણ થાય કે તમે ઇન્સ્યોર્ડ છો એટલે તમારું બિલ મસમોટું આવવાનું. પછી  નાની હોસ્પિટલ હોય કે મોટી.   
જરૂરી મેડિકલ ટેસ્ટ્સ કરાવ્યા બાદ મને ફાળવાયેલા કક્ષમાં મેં થોડી વાર આરામ ફરમાવ્યો. સલાઈન ચડાવવા માટે સોય હાથમાં ખોસાઈ ગઈ હતી અને સલાઈનનો એક બાટલો ચડાવાઈ પણ ગયો. અડધા - એક કલાક બાદ મને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો અને ત્યાં વાતવાતમાં યુવાન એનેસ્થેટીસ્ટ ડોક્ટરે ઇન્જેકશન આપી ક્યારે મારું કમર નીચેનું અડધું અંગ બહેરું કરી નાંખ્યું તેની જાણ સુદ્ધા થઈ! જો કે ઇન્જેકશનનો ઝટકો જોરદાર હતો.લાગતા જાણે એવી અનુભૂતિ થાય કે શરીરમાંથી વિજળી જેવી એક લહેર પસાર થઈ ગઈ! અને થોડી ક્ષણોમાં તો પાર્શ્યલ એનેસ્થેશિયાએ અડધું અંગ એટલી હદે જડ બનાવી મુક્યું કે ભાગ પર હથોડી મારો કે સોય ભોંકો, તેની અસર વર્તાય.
પછી તો ડોક્ટરે મૂત્રમાર્ગમાંથી સૂક્ષ્મ દૂરબીન દાખલ કર્યું અને પથરી સુધી પહોંચવા પ્રયાસ કર્યો જેથી એના પર લેસરનો મારો ચલાવી તેને તોડી પાડી શકાય,પણ અફસોસ પથરી નળી અને કિડનીના જોડાણ પાસે હતી અને દૂરબીન તેના સુધી જે નળી પર બેસાડી લઈ જવાયું હતું તેના સ્પર્શથી કે ધકકાથી એ કિડનીની અંદર ચાલી ગઈ. ખેર ડોક્ટરે શક્યતા મારી આગળ અગાઉ વ્યક્ત કરી હતી. તેમણે સ્ટેન્ટ (લાંબો પ્લાસ્ટીકનો આવરણ ધરાવતો વાયર) મૂત્રવાહિનીમાં બેસાડી દીધો જેથી સાંકડો માર્ગ પહોળો થઈ જાય.આનાથી હવે પછી જ્યારે લેસર દ્વારા શસ્ત્રક્રિયા કરવાની થાય ત્યારે કામ થોડું આસાન બની જાય અને મૂત્રવાહિનીનો માર્ગ પહોળો બની જતા મને જે દુખાવો થતો હતો,આંતરીક સોજો હતો,કિડનીને નુકસાન થવાની શક્યતા હતી તે બધામાંથી છૂટકારો મળી ગયો. ડોક્ટરે સ્ટેન્ટ શરીરમાંજ રહેવા દઈ એક અઠવાડિયા પછી ઓપરેશન માટે બોલાવ્યો. લોકલ એનેસ્થેશિયાની અસર થોડા કલાક રહ્યા બાદ મને ખોટું પડી ગયેલું અંગ ફરી સજીવન થયેલું લાગવા માંડ્યુ. ડોક્ટરે એક વાત કરી એથી મને થોડી ચિંતા થઈ.અચાનક તેમને યુરોલોજીસ્ટ્સના એક વૈશ્વિક સંમેલનમાં જવાનો પ્રસંગ ઉભો થયો અને તેમણે જાણ કરી કે લેસર દ્વારા પથરી દૂર કરવાની શસ્ત્રક્રિયા તો પોતે કરશે પણ મહિના બાદ સ્ટેન્ટ શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા તે પોતે હાથ ધરી શકશે નહિ.તેમણે અંગે જેન્યુઈન અફસોસ વ્યક્ત કર્યો પણ મેં પહેલા તો તેમને તક સાંપડવા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમણે તેમના અન્ય યુરોલોજીસ્ટ મિત્ર મારી સ્ટેન્ટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરશે અને પ્રક્રિયા સાવ સરળ અને સામાન્ય હોય છે એવી હૈયાધારણ આપી મારી ચિંતા થોડી હળવી કરી નાંખી. મૂત્રવાહિની સાથે એક નળી જોડેલી હતી અને તેની સાથે પેશાબની થેલી જેમાં થોડા કલાકો આપમેળે મૂત્ર જમા થતું જાય એવી વ્યવસ્થા કરેલી.થોડા કલાકમાં નર્સે આવીને નળી દૂર કરી.થોડો દુખાવો થયો પણ પછી મૂત્રનિકાલ પ્રક્રિયા અને રૂટીન નોર્મલ થઈ ગયાં. એક રાત હોસ્પિટલમાં રોકાઈ બીજે દિવસે હું ઘેર પાછો ફર્યો.
રવિવારના ઓપરેશન બાદ સોમવારે ઘેર આરામ ફરમાવી મંગળવારે ઓફિસ જોઇ કરી લીધી.સ્ટેન્ટ પેટમાં બેસી ગયેલું અને તેની હાજરીનો સતત અહેસાસ કરાવતું રહ્યું પણ અઠવાડિયા દરમ્યાન અનુભવાયેલ ડિસકમ્ફર્ટ અને પીડા પ્રમાણમાં ઠીક ઠીક અને સહ્ય રહ્યાં. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ બે-ત્રણ દિવસ લોકલ એનેસ્થેશિયાને કારણે માથું સતત દુખતુ રહ્યું. ડોક્ટર અને અન્યોને સલાહ અનુસરતા હવે પ્રવાહી વધુ પ્રમાણમાં ખાવાપીવામાં લેવાનું શરૂ કર્યું.એન્ટીબાયોટીક ગોળીઓ તેમની અસર (કે આડ અસર?!) બતાવતી રહી. પછીના શનિવારે મુખ્ય લેસર સર્જરી માટે ફરી હોસ્પિટલમાં દાખલ થયો.
બીજા ઓપરેશન વેળાએ ફુલ એનેસ્થેશિયા આપવામાં આવ્યું અને બે-ત્રણ પળમાં તો હું ઉંડી ઉંઘમાં સરી પડ્યો. ત્રણેક કલાક બાદ હોશમાં આવ્યો ત્યારે હોસ્પિટલના મારા અલાયદા રૂમમાં બેડ પર હતો. મૂત્રવાહિની સાથે બાહ્ય નળી જોડેલી હતી અને પેશાબ તેના દ્વારા થેલીમાં ભરાય એવી વ્યવસ્થા કરેલી હતી. ડોક્ટર થોડી વાર બાદ મને મળવા આવ્યાં અને તેમણે ઓપરેશન દ્વારા તોડીને બે ભાગમાં વિભાજીત કરી શરીર બહાર કાઢેલી પથરી મને બતાવી.પહેલો સ્ટેન્ટ બહાર કાઢી બીજો સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો હતો જે હજી બીજા ત્રણ-ચાર અઠવાડિયા મારા પેટમાં રહેશે એમ ડોક્ટરે સરસ રીતે સમજાવ્યું. તમે ડોક્ટર હોવ અને આ વાંચી રહ્યા હોવ તો એક ટીપ યાદ રાખજો.હસતા ચહેરે પ્રેમથી તમારા પેશન્ટ સાથે વાત કરજો.એનું અડધું દરદ આ રીતે જ ભાગી જશે! સોગિયા મોઢા સાથે ગંભીર રીતે વાત કરતા ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ કદાચ સાચી હશે તો ધીમે ધીમે અસર કરશે પણ જો પ્રેમાળ હસમુખા ચહેરે પેશન્ટલી (ધીરજપૂર્વક) પેશન્ટ સાથે વાત કરી હશે તો એ દર્દી જલ્દી તો સાજો થશે જ અને તમને બીજા પાંચ-દસ દર્દીઓ પણ નવા ક્લાયેન્ટ બનાવી મોકલી આપશે એ નક્કી! મારા યુરોલોજીસ્ટ ડોક્ટરે મને ઓપરેશનની થોડી વિગતો કહી.ઓપરેશન દરમ્યાન ઓક્સીજન લેવામાં તકલીફ ઉભી થતાં તેમજ સ્વરનળી સંકોચાઈ જતા મને વધુ ઓક્સીજન નળી વાટે આપવાની જરૂર ઉભી થઈ હતી અને સ્વરતંત્ર નોર્મલ થવામાં એકાદ દિવસ લાગી જવાની સંભાવના હતી એ તેમણે સમજાવ્યું અને અન્ય જરૂરી સૂચનાઓ આપી.
રાતે નળી તથા થેલીને કારણે ઉંઘવામાં તકલીફ પડી તેમજ ગળામાં પણ ખાસ્સી અગવડ અનુભવાઈ પણ જેમતેમ કરી રાત પસાર કરી નાંખી! સવારે જ્યારે નર્સે મૂત્રવાહિની સાથે જોડેલી નળી દૂર કરી ત્યારે હળવી ચીસ જ પડાઈ ગઈ! આ પ્રક્રિયા આ વેળાએ પહેલા ઓપરેશન બાદ જેટલી સરળ નહોતી. પણ એ પછી ધીમે ધીમે દર્દ ઓછું થતું ગયું અને યુરીન સામાન્ય થતું ગયું. માત્ર એક પરેશાની કાયમ રહી - સ્ટેન્ટ દ્વારા સર્જાઈ રહેલા ડિસ્કમ્ફર્ટ અને પેઇનની. એક મહિના જેવો આ સમય સ્ટેન્ટની સાથે જ ચાલવામાં,ઓફિસ જવામાં,ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં જે મુશ્કેલી પડી છે તે જીવનભર યાદ રહેશે. વધુ ચાલવામાં આવે કે હલનચલન વધી જાય તો બ્લીડીંગ થાય,લાંબુ ટ્રાવેલ કર્યા બાદ પેટની હાલત ખરાબ થાય,એન્ટીબાયોટીક્સને કારણે કે સ્ટેન્ટ જેવી ફોરેન બોડીની સતત હાજરીને કારણે દિવસમાં ત્રણ - ચાર વાર જાજરૂ જવું પડે અને પાણી - પ્રવાહી વધારે જ પીવા પડતા હોઈ કુદરતી રીતે પેશાબ પણ ઘણી બધી વાર જવું પડે અને દરેક વેળાએ પેલું સ્ટેન્ટ ખૂંચે!
આ બધી પીડા લગભગ એકાદ મહિનો ભોગવ્યા બાદ આખરે અન્ય યુરોલોજીસ્ટ ડોક્ટર દ્વારા સ્ટેન્ટ કાઢવાનું ત્રીજું ઓપરેશન (આ વખતે પણ ફુલ એનેસ્થેશિયા સાથે પણ માત્રા ઓછી હોવાને કારણે માત્ર કલાકેક જેટલાજ સમય ગાળા માટે બેહોશીના અનુભવ સાથે) હાથ ધરાયું અને મને સ્ટેન્ટ તેમજ તેના દ્વારા ઉભી થતી અગવડ-પીડામાંથી પણ છૂટકારો મળ્યો અને હાશ અનુભવાઈ!
આ લાંબા જટીલ ઓપરેશનો બાદ દૂર થઈ હતી ડાબી બાજુની ૯ મિમિ. કદ ધરાવતી પથરી પણ હજી જમણી બાજુએ ત્રણેક મિમિની સાઈઝની નાનકડી પથરીનું તો રહસ્ય અકબંધ જ છે! પ્રભુને પ્રાર્થના કે એ આપમેળે ડોક્ટરે મને જે પ્રમાણે કહ્યું હતું એમ મારી જાણ બહાર જ શરીરમાંથી બહાર નિકળી જાય અને ફરી ક્યારેય આ પાષાણી પથરીની પીડાની પરેશાની ન ભોગવવી પડે!
બ્લોગ વાંચી તમને સૌને એક જ સલાહ આપવાની કે આજથી જ પાણી પીવાની માત્રા વધારી દે જો અને દિવસમાં દર થોડે થોડે કલાકે પાણી પીતા રહેજો.પથરી એક વાર જેને થાય તેને વારંવાર થવાની શક્યતા રહેતી હોય છે આથી એક વાર થઈ હોય તો બીજ વાળા તેમજ પાલક વગેરે જેવા શાક,માંસાહાર અને ધૂમ્રપાન કે મદીરાપાન ત્યજી દેજો - તેમની માત્રા ઓછી કરી દેજો.


(સંપૂર્ણ)

રવિવાર, 9 એપ્રિલ, 2017

પાષાણી પથરીની પારાવાર પીડા (ભાગ - ૧)

૭મી એપ્રિલ 'વર્લ્ડ હેલ્થ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે આપણે આપણી તંદુરસ્તી અને આરોગ્ય વિષે સભાન પણે વિચારવું જોઇએ.આમ તો આપણે આખું વર્ષ આપણી તબિયત પ્રત્યે આંખ આડા કાન કરતા હોઇએ છીએ કે તેની કાળજી કરતા હોતા નથી. પણ આજના સમયમાં જ્યારે ઋતુઓ વધુ ને વધુ વિષમ થતી ચાલી છે, જ્યારે આપણે ભેળસેળ વાળું ખાવા પામતા હોઇએ છીએ અને પ્રદૂષણ યુક્ત હવા શ્વાસમાં લઈ રોજ ભાગમભાગ કરી તાણયુક્ત જીવન જીવતા હોઇએ છીએ ત્યારે મારે એક વાર યાદ અપાવવું છે કે વચ્ચે વચ્ચે થોભો. તમારી તબિયતનું ધ્યાન રાખો.વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આખા શરીરનું ચેક અપ કરાવી લો અને શરીર તથા તબિયતનું ખુબ સારી રીતે ધ્યાન રાખો. તાજેતરમાં જ થયેલ એક પીડાદાયી અનુભવમાંથી પસાર થવાને કારણે આજે હું આ વિચારો શેર કરી રહ્યો છું. મેં જે ભૂલ કરી હતે તે તમારામાંથી કોઈ આજની આ પોસ્ટ વાંચ્યા પછી ન કરે તો મારી આ મહેનત લેખે લાગશે.
            નોકરી શરૂ કર્યાને પંદરેક વર્ષ થઈ ગયા અને મારે એ.સી. ઓફિસમાં બેસીને જ કામ કરવાનું હોવાથી આમ તો હું તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગ કરું છું, ચાલવાની કસરત નિયમિત કરું છું, વર્ષમાં એકાદ-બે મેરેથોનમાં દસ-વીસ કિલોમીટર દોડવાનું રાખું છું.  પણ એ.સી.માં બેસવાને લીધે તરસ ઓછી લાગે એટલે નિયમિત પૂરતી માત્રામાં પાણી પીવાનું હું ચૂકી જતો. સવારે ઉઠતા વેત બે-ત્રણ ગ્લાસ પાણી એક સાથે પી જવાની આદત ખરી પણ આખા દિવસ દરમ્યાન શરીરને નિયમિત રીતે થોડે થોડે સમયને અંતરે પાણી મળતું રહેવું જોઇએ એ ખ્યાલ હું ન રાખી શક્યો અને મને જાણ ન થાય એમ શરીરમાં પાછલા બે-એક વર્ષમાં બંધાઈ ગઈ પાષાણી પથરી!
            બે વર્ષ પહેલા ફુલ-બોડી ચેક અપ કરાવ્યું ત્યારે અલ્ટ્રા-સોનોગ્રાફીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો, પથરીનું નામોનિશાન નહોતું.પણ માત્ર છેલ્લા એકાદ-બે વર્ષમાં મારી કિડનીમાં નવ મિલિમીટર કદની પથરીએ આકાર લીધો અને તેનો નાશ અને નિકાલ કરતી વેળા પૂરો એક મહિનો જે હેરાનગતિ ભોગવી તે અનુભવ આજની આ પોસ્ટ થકી તમારા સૌ સાથે શેર કરું છું જેથી તમે એમાંથી કંઈક શિખી શકો અને તમારે  આવા યાતનામય અનુભવમાંથી પસાર થવાનો વારો ન આવે.
મહાશિવરાત્રિની શુક્રવારની રાતે પોણા બારે અચાનક પેટમાં ડાબી બાજુએ દુખાવો ઉપડયો. દુખાવો પણ કેવો? કદાચ પહેલી વાર આટલો અસહ્ય દુખાવો હું અનુભવી રહ્યો હતો. મારાથી બેસી શકાતુ નહોતું અને સૂઈ જવાની કોશિષ કરી એનાથી પણ રાહત અનુભવાઈ. જાજરૂ જઈ આવ્યો પણ કંઈ રાહત નહિ, ઉલટી થઈ અને બધું ખાધેલું નિકળી ગયું અને આશા બંધાણી કે હવે કદાચ સારું થઈ જશે પણ આ ઉલટી કેટલીક વાર મને થતી હોય છે તેવી પિત્તની ઉલટી નહોતી અને તેથી મને ઉલટી કર્યા બાદ પણ રાહત ન થઈ. પીડા તો મારો કેડો નહોતી મૂકતી. દુખાવો ડાબી બાજુએ હોવાથી હાર્ટ એટેક તો નહિ હોય એવો છૂપો ભય પણ ઓલરેડી ધ્રુજી રહેલા શરીરમાં ભયની માત્રામાં વધારો કરી ગયો.આટલી મોડી રાતે ફેમિલી ડોક્ટર પણ ચાલ્યા ગયા હોય તો ક્યાં જવું? હજી વિચાર લાંબો ચાલે પહેલા તો દુખાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો અને હવે પસીનો પણ વળવા માંડ્યો. હું સીધો બહેનને સાથે લઈ ઘર  નજીક આવેલી હોસ્પિટલ જઈ પહોંચ્યો. ત્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી અને લક્ષણો પરથી એવું તારણ કાઢ્યું કે અસહ્ય પીડાનું મૂળ કારણ હતી પાષાણી પથરી!
રાતે તો ડોક્ટરે પેઇન કિલર ઇન્જેકશન અને દવાની ટિકડી આપી કહી દીધું કે હવે સવાર સુધી તો પરેશાની નહિ થાય અને બીજે દિવસે વિગતવાર રીપોર્ટ કઢાવી પછી આગળની પ્રોસેસ નક્કી કરીશું.પણ ઘેર આવ્યા બાદ બે-એક કલાક બાદ ફરી પીડાએ મને પરેશાન કરી મૂક્યો. ત્રણ-ચાર વાર જાજરૂમાં જઈ આવ્યા બાદ પણ ચેન પડ્યું. જેમતેમ કરી સવાર પાડી!
સવારે પેટની સોનોગ્રાફી કરાવી.પહેલા તો સોનોગ્રાફી કરનાર ડોક્ટર બહેન કહે પેટ ભરપૂર પાણી ભરેલું હોવું જોઇએ જેથી બ્લેડર ફુલ હોય અને રીપોર્ટ બરાબર આવે પણ મને ઉલટી - ઉબકા આવી રહ્યા હતા એની એમને ક્યાંથી ખબર? જેટલું પીવાય એટલું પાણી પીધા બાદ સોનોગ્રાફી કરાવી અને તેમાં સ્પષ્ટ દેખાયું કે મિલિમીટરની  પથરી મૂત્રાશયની નળીના પ્રવેશદ્વારની આસપાસ ક્યાંક બેઠેલી હતી! યુરોલોજીસ્ટ ડોક્ટરે કહ્યું સોનોગ્રાફીને આધારે ઓપરેશનનો નિર્ણય લેવાય કારણ ઓછા કદની પથરી હોય તો દવા વાટે પણ તેનો નિકાલ થઈ શકે અને સોનોગ્રાફી ચોકસાઈ પૂર્વક કદનું નિદાન કરવા માટે પૂરતી નથી. આથી ગયો એમ.આર.આઈ. કરાવવા. ત્યાં લાંબી લાઈન. પ્રોસેસ પણ પાછી લાંબી એટલે એક દર્દી રીપોર્ટ માટે જાય અડધા-પોણા કલાકે બહાર આવે. એમ.આર.આઈનું યંત્ર પણ કેવું ડરામણું! ઓછા માં પૂરતી ત્યાં હિમાલય પર પડતી હોય એવી ઠંડી. મારે પેટનો સ્કેન રીપોર્ટ કઢાવવાનો હતો એટલે અહિ પણ બ્લેડર ફુલ કરવા ભરપૂર પાણી પીવા સૂચન થયું. પાણી તો ત્રણચાર ગ્લાસ પી લીધું પણ હજી બે-ચાર દર્દી પછી મારો નંબર આવવાનો હતો એટલે મારી સ્થિતી જોવા જેવી હતી! એક સારી બાબત હતી કે હવે પથરીનો દુખાવો નહોતો થઈ રહ્યો. ક્રિયેટીન ઓછું હોવાથી અન્ય ખાસ પ્રકારની દવા ઇન્જેકશન દ્વારા આપ્યા બાદ એમ.આર.આઈ સ્કેન થયો. હું તો રીતસર ધ્રૂજી રહ્યો હતો એટલી ઠંડી હતી.એમાં મશીનનું ભૂંગળુ ઘડીક આગળ લઈ જાય તો ઘડીક પાછળ, ક્યારેક મને ઉંધા સૂવાનું કહે તો ક્યારેક ચત્તા, એમાંયે ઘડી ઘડી શ્વાસ રોકવાનો. જોરદાર બાથરૂમ જવાનું પ્રેશર આવ્યું હોય અને એમાં આવી બધી કવાયત. મારી બહેન સતત મારી સાથે હતી. જો કોઈ દર્દી એકલું હોય તો એને માટે તો બધી માથાકૂટ ભારે પડે. ખેર આટલી મથામણ પછી યે હજી ડોક્ટરને સંતોષ થયો એટલે એક પેરામીટર ફરી તપાસવા રાતે આઠ વાગે બોલાવ્યો. બપોરના સાડા ત્રણ-ચાર થયા હોવા છતા હજી સુધી મેં સવારે ચાનાસ્તામાં બે ભાખરી સિવાય કંઈજ ખાધું નહોતું.ખેર ઘેર જઈ થોડું જમ્યા બાદ જેમતેમ સમય પસાર કર્યો અને આઠ વાગે ફરી રીપોર્ટ કઢાવવા આવ્યો.પૂરો રીપોર્ટ લઈ યુરોલોજીસ્ટ ડોક્ટરને બતાવવા ગયો અને ત્યાં નિદાન થયું કે ડાબી કિડનીમાં બે-ત્રણ નાની મોટી પથરીઓ ચોંટીને તેમણે બનાવેલું મોટું નડતર  ડાબી બાજુની મૂત્રવાહિની પાસે ઉભું હતું. જમણી બાજુએ પણ નાની ત્રણેક મિલિમીટરની એક પથરી હતી. ડોક્ટરે ખુબ સરસ રીતે સમજાવ્યું કે પુરતું પાણી પીવાને કારણે અમુક ચોક્કસ પ્રકારનો (જેમ કે બી વાળા શાક) ખોરાક ખાવામાં સતત આવતો હોય તો સમસ્યા થઈ શકે. મારે તો હેરીડિટરી પણ સમસ્યા આવી હોઈ શકવાની સંભાવના હતી. પણ હવે તેનું કદ એટલું મોટું હતું કે ઓપરેશન દ્વારા તેને દૂર કરવી એવું સૂચન ડોક્ટરે કર્યું. સદનસીબે આટલી મોટી પથરી હોવા છતાં તેણે મારી કિડનીને નુકસાન પહોંચાડ્યું નહોતું.જો ઓપરેશન કરીએ અને દવા દ્વારા તેને બહાર લાવવાનો પ્રયત્ન પણ કરીએ તો મોટા કદ અને તેના કાંટાળા આવરણ વાળા શરીરને લીધી કિડની તથા સાવ પાતળી મૂત્રવાહિનીની દિવાલોને ચિરતી, તેમને નુકસાન પહોંચાડતી નીચે બહાર આવે એવી શક્યતા હતી આથી મેં બીજે દિવસે રવિવારે સવારે ઓપરેશન કરાવી નાંખવાનું મુનાસીબ માન્યું અને શનિવારની બીજી રાત પણ જેમતેમ પીડા સાથે વિતાવી.


(ક્રમશ:)