Translate

રવિવાર, 4 ડિસેમ્બર, 2016

ગેસ્ટ બ્લોગ : ગંગા તટે યોગ શિબિર નો આનંદ

                                                            - ઈલા આર વૈદ્ય
                આનંદવન આશ્રમ કાંદિવલી તરફથી વખતે એક અઠવાડિયાની યોગ શિબિર હરિદ્વાર - ઋષિકેશમાં માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શિબિર અને આખો યાત્રા અનુભ અવિસ્મરણીય બની રહ્યાં.
અમે 'બાંદ્રા-હરિદ્વાર' ટ્રેન દ્વારા હરિદ્વાર ગયા. આખી બોગી અમારી હતી, ખૂબ આનંદ ઉલ્લાસ સાથે વાતો કરતા, ભજન ગાતા, ગપ્પા મારતા હરિદ્વાર ક્યારે આવી ગયું તેની ખબર ના પડી. હરિદ્વાર માં હર કી પૌડી, મનસા  દેવી, ચંડી દેવી વગેરે સ્થળો ની તો બધા ને ખબર છે પણ શહેર ની ધાંધલ ધમાલ થી દૂર કનખલ માં ગંગાજી ને કિનારે એક સુંદર આનંદવન આશ્રમ છે, ત્યાં અમે ગયા. આશ્રમમાં પ્રવેશતા શિવ મંદિર છે. સુંદર રંગીન ફૂલો ની મીઠી સુવાસ થી તરબતર થઇ જવાય છે. શિવ મંદિર માં રોજ ગંગા જળ થી શિવલિંગ નો અભિષેક થાય છે. તેથી તેનું સવિશેષ મહત્વ છે. આશ્રમ ના પ્રાંગણ માં કપૂર, તુલસી, આંબળા, ફણસ, લીંબુ, રુદ્રાક્ષ, ધતુરા, બીલીપત્ર, ગુલાબ તથા અન્ય વનસ્પતિઓ ની ભરમાર છે. એક નાનો પણ સુંદર અને સુઘડ આશ્રમ છે. આશ્રમ માં પગ મૂકતાં મન સ્વયં શાંત થવા લાગ્યું. મન ના વિકારો જવા લાગ્ય. વહેલી સવારે ગુરુજીએ અમને ઉગતા સૂર્ય સામે સૂર્ય નમસ્કાર અને આસનો કરાવ્યા.  ત્યાર બાદ અમે સૂર્યને અર્ઘ્ય આપી, રુદ્ર અભિષેક કરી ગાયત્રી હવન કર્યો. અમને સંસ્કૃત ભાષા શીખવાનો લાભ મળ્યો. અમને ખબર પડી કે આપણા સ્વર-વ્યંજન [   -   વગેરે] માં કેટલું ગૂઢ રહસ્ય છૂપાયેલું છે. મહેશ્વર સૂત્ર વિષે જાણકારી પ્રાપ્ત થઇ. સૂત્ર માં શબ્દો ની ઉત્પત્તિની કડી છે. આશ્રમના સંતો જયારે મહેશ્વર સૂત્રનું ઉચ્ચારણ કરે ત્યારે લાગે શિવજી નું ડમરુ વાગી રહ્યું છે. શાળામાં બાળકો ને સૂત્ર શીખવાડવા માં આવેતો નાનપણ થી વાણી સ્પષ્ટ થાય.
                બીજે દિવસે શરદ પૂર્ણિમા હતી. ગુરુજી રાતે અમને મૂન લાઈટ મેડિટેશન કરાવ્યું. આટલો સુંદર, ભવ્ય ચંદ્રમા ક્યારેય જોયો નહોતો. ચારે તરફ નીરવ શાંતિ, તેમાં ફક્ત ગંગામૈયા ના પાણી નો સંગીતમય ભાસતો ખળ ખળ અવાજ. જિંદગીનો એક અદભૂત અનુભવ હતો. શુભ્ર ચાંદની ને ધરાઈ ધરાઈ ને જોયા કરી. એક કલાક પછી ચાંદનીમાં મૂકેલી ખીર ખાધી. જાણે અમૃતનું પાન કરતા હોઇએ તેવું લાગ્યું.
                બે દિવસ હરિદ્વારમાં રોકાયા પછી ત્રીજે દિવસે ઋષિકેશ તરફ પ્રયાણ કર્યું. દોઢેક કલાક નો પ્રવાસ સ્તોત્રો, શ્લોકો, મંત્રો બોલતા, આજુબાજુ નું સૌંદર્ય માણતા માણતા કરી ઋષિકેશ પરમાર્થ નિકેતનમાં પહોંચ્યાં. અહીં પણ ગંગા નદીને કિનારે ઘણા આશ્રમો છે. પરમાર્થ નિકેતનની આરતી પણ ખૂબ પ્રખ્યાત છે. ગંગામૈયા નો કિનારો, સામે દેખાતા પર્વતો, મંદિરો ની ફરફરતી ધજાઓ અલૌકિક ભાસે છે. સાંજે ઢોલ નગારા શંખ ધ્વનિ સાથે આરતી કરી.અહિ પરદેશી સહેલાણીઓ મોટા પ્રમાણ માં જોવામાં આવે છે. અહીં ઘણા બધા સિદ્ધયોગીઓના દર્શન કરવા મળે છે. રાતે ગુરુજીએ ગંગા કિનારે યોગનિંદ્રા કરાવી. બીજે દિવસે સૂર્યોદય સમયે ઉગતા સૂર્ય સામે સૂર્ય નમસ્કાર કર્યા. શુદ્ધ હવામાં પ્રાણાયામ કરવાની મજા પડીઋષિકેશમાં અવનવી ઘણી જોવા જેવી જગ્યાઓ છે, જેના વિશે લોકોને ખબર નથી. પ્રથમ અમે નીરધોધ જોવા ગયા. કૂદરતે  અહીં ઠાંસોઠાસ  કુદરતી સૌંદર્ય ભર્યું છે. ધોધ ક્યાંથી નીકળે છે તે એક રહસ્ય છે. ઉપર થી પડતો શ્વેત પાણીનો ધોધ અદ્દભૂત ભાસે છે. અમે વયસ્ક નાગરિકો અહીં રોકાઈ ગયા. ધોધ ના પાણીમાં નહાવાનો આનંદ માણ્યો. યંગસ્ટર બધા આગળ આનાથી પણ વિશાળ મોટો ધોધ જોવા ગયા. ભવ્ય ધોધ પણ અનેરું સૌંદર્ય રચે છે. ધોધનું પાણી સીધુ ગંગાનદીને મળે છે. ઉપર સ્વચ્છ, નિર્મળ આકાશ, તેને આંબવાનો પ્રયત્ન કરતા શિખરો, ચારેબાજુ હરિયાળી, ધોધ નો પડવાનો અવાજ, તેનાથી ઉત્પન્ન થતા સફેદ પાણીના ફીણ મનભાવન સૃષ્ટિ રચે છે.
                ત્યાંથી અમે વશિષ્ઠગુફા જોવા નીકળ્યા. ઘણા બધા ઋષિમુનિઓએ  ત્યાં તપ કર્યા છે. તેથી ગુફાનું ઘણું આધ્યાત્મિક મહત્વ છે. વશિષ્ઠ મુનિએ પણ અહીં તપ કર્યું હતું. વશિષ્ઠ આશ્રમમાં એક સ્વામીજી વર્ષોથી રહે છે જે ફક્ત ફળાહાર કરે છે. ગુફાની અંદર એકદમ અંધારું હતું, આપણો  હાથ પણ આપણને દેખાય. તેમાં અમે ધીરે ધીરે ચાલતાં શિવલીંગ સુધી પહોંચ્યા. ત્યાં બધાએ શાંતિથી બેસીને ના મંત્રોચ્ચાર કર્યા. આપોઆપ ધ્યાન લાગી જાય એવું વાતાવરણ હતું. ત્યાંથી અમે ગંગાનદી કિનારે ગયા. વિશાળ પથરાળ પટ, સ્વચ્છ પારદર્શક નીલા રંગનું પાણી જોઈને બધા એકદમ ખુશ થઇ ગયા. પાણીમાં બધા ડૂબકી મારી ત્યાંથી બધા યંગસ્ટર 27 કી. મી.નું રાફ્ટિંગ કરવા ગયા. અમે વરિષ્ઠ નાગરિકોએ શિવપુરીથી 12 કી. મી.ના રાફ્ટિંગની મોજ માણી. અમારામાંના થોડાઓના તો જીવ અદ્ધર થઇ ગયા! બોટ એકદમ ઉછળે, ઠંડુ પાણી અંદર આવે.અમે બધા ભીના થઇ ગયા હતાં. સતત હર હર ગંગે, ગંગા મૈંયા  કી જય બોલતા રામ ઝૂલા પહોંચ્યા. તે રાતે શાસ્ત્રીયસંગીતનો કાર્યક્રમ માણ્યો. નિસર્ગ નું સૌંદર્ય માણતા માણતા નિસર્ગના રચયિતા પરમાત્મા વિશે જ્ઞાનની ઝલક યોગ દ્વારા માણી અમે મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
                                                                                                                                - ઈલા આર વૈદ્ય


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો