Translate

Saturday, December 10, 2016

મોબાઈલ વોલેટની દુનિયામાં ડોકિયું

૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાળા નાણાંના દૂષણને નાથવા ૫૦૦-૧૦૦૦ની નોટબંધીના શસ્ત્રનો ઉપયોગ કરવાનું ઐતિહાસિક પગલું લીધું અને વિશ્વભરમાં તેની ચર્ચા થઈ. પ્રજાને થોડી હેરાનગતિ થઈ પણ વડાપ્રધાનનો કોઈ અંગત સ્વાર્થ આમાં ન હોઈ દેશનું ભલું કરવાની તેમની દાનત પારખી રાજકારણ ખેલતા વિરોધ પક્ષો સિવાય કોઈએ આ પગલાનો વિરોધ ન કર્યો અને દેશના સૈનિકો જેમ ખડેપગે સરહદ  પર  દેશની સેવા કરવા દિવસ-રાત જોયા વગર ઉભા ઉભા તકલીફ સહન  કરે છે એમ દેશના કરોડો નાગરિકોએ પણ નોટબંધીના આ યજ્ઞમાં યથાશક્તિ ફાળો એ.ટી.એમ. અને બેન્કોની લાંબી લાંબી કતારોમાં ફરીયાદ કર્યા વગર ઉભા રહી આપ્યો. કેટલાક લોકો જ્યારે હજી સુધી આ નિર્ણય સાચો હતો-ખોટો હતો તેની ચર્ચા કરવામાં વ્યસ્ત છે ત્યારે એક હકીકત છે કે હવે આ નિર્ણય મને-કમને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. સરકારે કાળા નાણાંને ડામવા અન્ય એક મોટું અભિયાન આદર્યું છે કેશ-લેસ જવા હાકલ કરીને. લોકો નકદમાં નાણાં વ્યવહારો જ ઓછા કરી નાંખે તો કાળા નાણાંનો વ્યાપ અને પ્રસાર પણ આપોઆપ ઓછો થઈ જાય.
 સરકારે કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા ઘણાં ઉત્તેજનો જાહેર કર્યાં છે અને ઓનલાઈન ટ્રાન્સેકશન્સ કરવા  માટેનું એક અતિ ઉપયોગી અને હાલ ખાસ્સી ચર્ચામાં છે એવું સાધન છે મોબાઈલ વોલેટ જેના વિશે આ કટારમાં જ ૧૩મી માર્ચ ૨૦૧૬ના રવિવારે 'મોબાઈલ વોલેટની દુનિયામાં ડોકિયું' શિર્ષક સાથે એક બ્લોગ લખ્યો હતો અને વાચકો સાથે આ અતિ ઉપયોગી અને સરળ  સાધન કઈ રીતે વાપરી શકાય અને તેના ફાયદા શા છે તેની માહિતી શેર કરી હતી. અત્યારે આ માહિતી ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે એ હેતુથી આ બ્લોગ-લેખ આજે ફરી પ્રસ્તુત કર્યો છે.
આજનો યુગ ટેક્નોલોજી નો યુગ છે. ડેસ્ક્ટોપ પછી લેપટોપ્સ આવ્યા અને લેપટોપ્સ બાદ ટેબ્સ. ટેબ્સ અને મોબાઈલનું અત્યારે વર્ચસ્વ છે. મોબાઈલ પણ સ્માર્ટ બન્યા છે અને સ્માર્ટ મોબાઈલ માં અનેક વિધ એપ્સ ડાઉનલોડ થયા કરે છે. હવે મોટા ભાગના ઇન્ટરનેટ યુઝર્સ આર્થિક ,બેન્કીંગ કે વ્યવસાયિક વ્યવહારો મોબાઈલ પર કરે છે. ઘણું સગવડ ભર્યું પણ છે.તમે હાલતા ચાલતા કે પ્રવાસ કરતા ટ્રાન્ઝેકશન કરી શકો છો.હવે નાણાકિય વ્યવહારો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.એમાંની એક સુવિધા એટલે મોબાઈલ વોલેટ.
મોબાઈલ વોલેટ એટલે એક એવું વર્ચ્યુઅલ પાકીટ જેમાં તમે તમારા અન્ય ક્રેડીટ કાર્ડ્સ, ડેબીટ કાર્ડ્સ વગેરે ની માહિતી એક જગાએ સંગ્રહી રાખી શકો અને જરૂર પડ્યે તેમાંના એક વિકલ્પનો તમારી પસંદગી પ્રમાણે ઉપયોગ કરી શકો. લાંબા લાંબા ક્રેડીટ કે ડેબિટ કાર્ડ નંબર  યાદ રાખવાની, દરેક ટ્રાન્ઝેકશન વેળાએ ટાઈપ કરવાની માથાકૂટ નહિ અને ઉપરાંત મોબાઈલ વોલેટ સુવિધાના અન્ય લાભો તો ખરા જ.દાખલા તરીકે તમારી પાસે પાંચ જુદા જુદા ક્રેડીટ કાર્ડ હોય અને બે ડેબીટ કાર્ડ ,તો સાતે કાર્ડ્સની માહિતી એક વાર મોબાઈલ વોલેટમાં નાખી દો એટલે પછી કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતી વેળાએ તમારે સાત માંથી એક પસંદગી કરી ટ્રાન્ઝેકશન પૂરું કરવાનો એક વિકલ્પ જેમાં તમારી માત્ર જે તે કાર્ડનો સી.વી.વી. નંબર ટાઈપ કરવાનો રહેશે.અથવા સાત કાર્ડ માંથી એક દ્વારા તમારા વોલેટમાં તમે રોકડા પણ ઉમેરી ને રાખી શકો. તો તમારે સી.વી.વી. નંબર ટાઈપ કરવાની પણ જરૂર નહિ પડે અને કોઈક કોઈક મોબાઈલ વોલેટ તો તમને રોકડા રાખવા બદલ કેશબેક રૂપે સારી એવી રકમ મફતમાં તમારા વોલેટમાં તેમના તરફ થી ભેટ રૂપે ઉમેરી આપે! નફામાં! જેમકે મોબિક્વીક મોબાઈલ વોલેટ દ્વારા ઘણી વાર એવી ઓફર કરાય છે કે જો તમે તમારા વોલેટમાં એક હજાર રૂપિયા રોકડા ઉમેરી રાખશો તો તેઓ પચાસ કે સો રૂપિયા વધુ પોતાના તરફ થી ઉમેરશે અને તમને એક હજાર પચાસ કે અગિયારસો રૂપિયાનું બેલેન્સ વાપરવા મળશે! મોબિક્વીક વાળા જો તમે ક્રેડીટ કાર્ડ વગેરે નો ઉપયોગ કરતા હોવ તો તમારા ઘરેથી રોકડા રૂપિયા લઈ જવાની સુવિધા પણ આપે છે.
જે લાભની વાત ઉપર કરી તો નફામાં ખરા  . જેમકે ફલાણી સાઈટ પર ખરીદી કરી કોઈ ચોક્કસ મોબાઈલ વોલેટથી ઓનલાઈન પેમેન્ટ કરશો તો પાંચ કે દસ કે વીસ ટકા ની છૂટ અથવા એટલા રૂપિયાની રકમ તમારા મોબાઈલ વોલેટમાં કેશબેક રૂપે અમુક કલાકો બાદ જમા થઈ જાય જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો. ઓનલાઈન ખરીદી વિમાન કે ટ્રેનની ટિકીટ પણ હોઈ શકે કે હોટલમાં ઓનલાઈન ઓર્ડરનું પેમેન્ટ પણ હોઈ શકે કે જીમ ની મેમ્બરશીપ ફી પણ હોઈ શકે કે તમારૂં વિજળી કે ટેલિફોનનું બિલ પણ કે પછી ફિલ્મની ટિકીટ ની ખરીદી પણ હોઈ શકે કે કરીયાણા કે ઘર માટે સુશોભન કે ફર્નિચરની કોઈ વસ્તુ પણ હોઈ શકે.
ખિસ્સામાં રોકડા રાખીને ફરવાની જગાએ તેના જોખમો ટાળવા મોબાઈલ વોલેટનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે. જાણે તમારૂં પાકીટ તમારા મોબાઈલમાં હોય અને પાછા વાપરવાના અન્ય ઉપર જણાવેલા લાભો નફામાં!
PayTM , ItsCash , MobiKwik , PayUMoney, FreeCharge  વગેરે જેવા અનેક મોબાઈલ વોલેટ વચ્ચે આજે જાણે સ્પર્ધા જામી છે વધુ ગ્રાહકો અંકે કરી બિઝનેસ કરવાની જેમાં તેઓ એકમેક થી ચડિયાતી ઓફરો આપે છે અને સરવાળે લાભ તો ગ્રાહકોને થાય છે.
ટેક્નોલોજી થી ગભરાઈ ગયા વગર તેને શિખી લઈ તેનો ઉપયોગ કરશો તો ઘણાં લાભ માં રહેશો.આજે મોબાઈલ ફોનના જમાનામાં જો તમારી પાસે એકાદ મોબાઈલ વોલેટ અકાઉન્ટ નહિ હોય તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો એમ સમજજો. અંગે વધુ જાણકારી મેળવી હાથવગા સાધનનો ઉપયોગ કરશો તો આર્થિક લાભ સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થશે કંઈક નવું શિખ્યાનો , કંઈક નવું કર્યાનો એની ગેરન્ટી!

ટેક્નોલોજી સતત ઇવોલ્વ થતી રહે છે અને બ્લોગ માર્ચમાં લખાયો પછી તો મોબાઈલ વોલેટ ચલાવતી કંપનીઓએ હાલના સમયમાં ઉપયોગી એવા અનેક નવા ફીચર્સ પણ દાખલ કર્યા છે.જેમકે તમે તમારા મોબાઈલ વોલેટમાંથી સામે વાળા વ્યક્તિના મોબાઈલની એજ મોબાઈલ વોલેટ એપ્લિકેશન દ્વારા રોકડા રૂપિયાની આપલે વગર નાણાં ટ્રાન્સફર કરી શકો છો.દાખલા તરીકે પાણીપુરી ખાધી કે શાકભાજી ખરીદ્યા કે કોઈ દુકાનમાં જઈ વસ્તુ ખરીદી તો તેની કિંમત જેટલા રૂપિયા ભૈયાજી કે દુકાનદારના મોબાઈલ નંબર દ્વારા તમારા મોબાઈલ વડે એક ક્લીક કરી ચૂકવી શકો છો.તમારા કોઈ મિત્ર કે પરીવારજનને પૈસાની જરૂર પડી અને તે તમારાથી દૂર હોય તો ફીચર દ્વારા તેના વોલેટમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

No comments:

Post a Comment