Translate

Saturday, December 17, 2016

ફિલ્મોની વાત અને ડિઅર ઝિંદગી ફિલ્મની શીખ

ફિલ્મો ક્યારેક મનોરંજક હોય છે તો ક્યારેક મનોમંથન કરવા પ્રેરે એવી. કેટલીક ફિલ્મો મગજ બાજુએ મૂકી જોવા જેવી હોય છે તો કેટલીક દિલ દઈને જોવા જેવી. બહુ ઓછી ફિલ્મો એવી હોય છે જે મને ન ગમે. કદાચ એની પાછળ એક કારણ હોઈ શકે. પ્રખ્યાત ગુજરાતી લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે તાજેતરમાં એક કાર્યક્રમમાં એક સુંદર વાત કહી. તેમણે કહ્યું એ પ્રમાણે એક ફિલ્મ બનતા મહિનાઓ કે ક્યારેક વર્ષો નિકળી જાય છે. ત્રણસો-ચારસો જણ અથાક મહેનત કરી અઢી-ત્રણ કલાકની એક ફિલ્મ બનાવે અને એને જોઈ આપણે સહજતાથી ઝાઝો વિચાર કર્યા વગર કહી નાંખીએ "સાવ બકવાસ હતી!"
કોઈ પણ બાબતમાં હકારાત્મક પાસુ શોધવાની આદતને લીધે કદાચ મને મોટા ભાગની ફિલ્મો નાપસંદ પડતી હોતી નથી. દરેક ફિલ્મમાં તેની પાછળ સંકળાયેલા સેંકડો લોકોની મહેનતને કારણે કોઈક અંશ તો ગમવા લાયક હોય જ છે. કેટલીક ફિલ્મો ગંભીર હોય છે, એ દ્વારા સર્જકને પોતાની કોઈક વાત સહ્રદયીઓ સાથે વહેંચવી હોય છે. આવી ગંભીરવિષય વસ્તુ ધરાવતી ફિલ્મો સામાન્ય પ્રેક્ષકો તેમની સાથે કનેક્ટ ન થઈ શકવાને કારણે માણી અને વખાણી શકતા નથી. પણ મને આવી ફિલ્મો પણ ગમે છે. હમણાં આવી ત્રણ-ચાર ફિલ્મો જોવામાં આવી જે મને ગમી. થોડા સમય અગાઉ જોયેલી તમાશા, કપૂર એન્ડ સન્સ પણ મને ગમેલી તો તાજેતરમાં જોયેલી પાર્ચ્ડ, એ દિલ હૈ મુશ્કિલ, ડીઅર ઝિંદગી વગેરે પણ મેં બહુ એન્જોય કરી. આ દરેક ફિલ્મમાં સર્જકે પોતાને સ્પર્શતા કોઈક મુદ્દાની વાત જુદી જુદી રીતે કહેવા પ્રયાસ કર્યો છે અને કદાચ બોક્સઓફિસ પર તેઓ સારો વકરો કરી શકી હોય કે ન હોય પણ મને એ સ્પર્શી છે.
પાર્ચ્ડમાં ત્રણ ગામડામાં વસતી સ્ત્રીઓની વાત છે. કઈ રીતે તેઓ પુરુષપ્રધાન સમાજમાં તેમની જુદી જુદી સમસ્યાઓનો સામનો પોતાની રીતે અને ક્યાંક એકમેકનો માનસિક સહારો મેળવી કરે છે તેની વાત છે. એ દિલ હૈ મુશ્કિલમાં પ્રેમ, દોસ્તી અને સંબંધોના અટપટા પાસાઓ સર્જકે પોતાની રીતે પેશ કર્યા છે તો ડીઅર ઝિંદગીમાં બાળપણથી એકલી પડી ગયેલી સુંદર, મહત્વકાંક્ષી અને ઝિંદગી વિષે મૂંઝવણ અનુભવતી યુવતિ અને તેને એક મનોચિકિત્સક કઈ રીતે તેની આ સમસ્યામાંથી મુક્તિ અપાવે છે તેની રસપ્રદ ગૂંથણી ગોવાની સુંદર પૃષ્ઠભૂમિ પર જોવા મળે છે.
ફિલ્મોની આ એક લાક્ષણિકતા છે. તેઓ ક્યારેક કોઈ ગંભીર વાતને હળવી શૈલીમાં તો ક્યારેક તમને મનોમંથન કરવા પ્રેરે એ રીતે રજૂ કરતી હોય છે. ફિલ્મમાં રજૂ થયેલ કોઈક વાત કે પ્રસંગ તમારા જીવનમાં પણ બન્યો હોય કે તમારી વિચારધારા એ ફિલ્મના વિષયવસ્તુ સાથે મેળ ખાતી હોય ત્યારે એ ફિલ્મ સાથે તમે તાદાત્મ્ય અનુભવો છો અને તેને હ્રદયથી માણો છો. ફિલ્મ સાથે તમે હસો છો અને ફિલ્મના પાત્રો સાથે તમે રડો પણ છો.
ક્યારેક કોઈક ફિલ્મ તમને જીવન સાચી અને સારી રીતે જીવવાનો સંદેશ પણ આપી જતી હોય છે. ડિઅર ઝિંદગી ફિલ્મમાં મનોચિકિત્સક બનતા શાહરુખ ખાનનું પાત્ર આલિઆ ભટ્ટના પાત્રને બે-ચાર સાવ સરળ પણ વિચારપ્રેરક અને જીવનમાં ઉતારવા લાયક વાતો કહે છે જે મને ખુબ ગમી અને એ હું તમારા સૌ સાથે શેર કરવા ઇચ્છુ છું.
એક વાત જીવનમાં આપણે જે માર્ગ અપનાવતા હોઈએ છીએ કે વિકલ્પો હોય ત્યારે જે વિકલ્પની પસંદગી કરતા હોઇએ છીએ તે અંગે ની છે. મોટે ભાગે આપણે માનતા હોઇએ છીએ કે મુશ્કેલ માર્ગ અપનાવવો જોઇએ તો જ આપણને સુખ અને સફળતા પ્રાપ્ત થશે. પણ ઘણી વાર જીવનમાં સરળ માર્ગ કે વિકલ્પ પસંદ કરવાની જરૂર હોય છે જેથી આપણે સફળ અને સુખી થઈ શકીએ. ખાસ કરીને અતિ મહત્વકાંક્ષી વ્યક્તિ માટે આ વાત વધુ લાગુ પડતી હોય છે. સીધીસાદી વાતને આપણે અઘરી બનાવી દેતા હોઇએ છીએ.
આલિઆનું પાત્ર મહત્વકાંક્ષી દર્શાવાયું છે. તેને સ્વતંત્ર સિનેમેટોગ્રાફર બની પોતાની સંપૂર્ણ ફિચર-ફિલ્મ બનાવવાની ખેવના છે.ગોવામાં માતા-પિતા મોટા બંગલામાં રહેતા હોવા છતાં,પોતાની મહત્વકાંક્ષા સિદ્ધ કરવા તે એકલી મુંબઈ જેવા મહાનગરમાં રહી સંઘર્ષ કરે છે. નિર્માતા બોયફ્રેન્ડ તેને વિદેશમાં એક સ્વતંત્ર ફિલ્મ બનાવવાની ઓફર આપે છે, પણ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પણ તેમની સાથે કામ કરશે એવી શરતે. આ મુદ્દાને લઈને આલિયા ઘણી વ્યથિત રહે છે અને તેની રાતોની ઉંઘ હરામ થઈ જાય છે. મુંબઈ જેવા અદ્યતન શહેરમાં પણ એકલી કુંવારી યુવતિ ભાડાના ઘરમાંથી જાકારો પામી છેવટે ગોવા પોતાના માબાપ પાસે કમને પાછી ફરે છે અને અહિ તેનો ભેટો અનાયાસે અલગારી મનોચિકિત્સક એવા શાહરુખ ખાનના પાત્ર સાથે થાય છે. મનોચિકિત્સક શાહરૂખ તેની આ સમસ્યા સાંભળ્યા - સમજ્યા બાદ તેને એક નાનકડી બોધકથા સંભળાવી જણાવે છે કે સરળ વિકલ્પ જીવનમાં પસંદ કરવો ઘણી વાર શ્રેષ્ઠ સાબિત થતું હોય છે.તે આલિઆને વિદેશ વાળો પ્રોજેક્ટ છોડી હળવા થઈ જવાનો શ્રેષ્ઠ અને સરળ ઉકેલ-ઉપાય સૂચવે છે.
આલિઆનું અંગત જીવન પણ અસ્થિર છે, ત્રણ બોયફ્રેન્ડ સાથે તેના સંબંધ નિષ્ફળ રહ્યાં છે અને એ બાબતને લઈ તે પોતાને દોષિત માની મનોમન મૂંઝાતી રહે છે-દુખી થતી રહે છે ત્યારે શાહરૂખ તેને એક અતિ સરળ અને સચોટ ઉદાહરણ આપે છે. આપણે બજારમાં ખુરશી ખરીદવા જઈએ ત્યારે પહેલી જ ખુરશી ખરીદી લેતા નથી, પણ ત્રણ-ચાર કે ક્યારેક વધુ વિકલ્પો જોઇએ છીએ,ખુરશી પર બેસી તેને વાપરી પણ જોઇએ છીએ કે તે આરામદાયી છે કે નહિ તો પછી જીવનસાથી જેની સાથે આખું આયખું પસાર કરવાનું છે તેની પસંદગી કરતી વેળાએ ઉતાવળ કે એકાદ-બે સાથીની હંગામી સંબંધ દ્વારા ચકાસણી કરવા બદલ પસ્તાવાની લાગણી શા માટે?
ત્રીજો એક મુદ્દો જીવનસાથી પ્રત્યેની વધુ પડતી અપેક્ષા રાખવા અંગેનો ચર્ચાય છે આલિયા અને શાહરુખ વચ્ચે. આપણે જીવનસાથી બધી જ ભુમિકાઓ એકલે હાથે ભજવે એવી અપેક્ષાઓના ભાર હેઠળ આપણા સંબંધના કુમળા છોડને કચડી નાંખીએ છીએ. ઘણી વાર આપણાં અને આપણાં સાથીના શોખ કે અમુક બાબતો પ્રત્યેના દ્રષ્ટીકોણ ભિન્ન હોઈ શકે છે. આપણે ક્રિકેટ પસંદ કરતા હોઇએ તો સામેનું પાત્ર ક્રિકેટ પસંદ ન કરતું હોય છતાં તે આપણી સાથે બેસી મેચ એન્જોય કરે એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. આવે વખતે આપણે આપણા એવા મિત્ર સાથે ક્રિકેટ એન્જોય કરવી જોઇએ જે પોતે પણ ક્રિકેટ એન્જોય કરતો હોય.એ સમયે જીવનસાથી પોતાનો કોઈક શોખ પૂરો કરે એમાં કંઈ ખોટું નથી.એકબીજાને થોડી સ્પેસ આપવી - એનાથી સંબંધ વધુ ગાઢ અને સારો બને છે. કામ કે વ્યવસાયના મિત્ર,સામાન્ય શોખ ધરાવતા મિત્ર,ચોક્કસ દુખ કે ખામી જેની સાથે શેર કરી શકાય એવા મિત્ર આ બધી ભુમિકાઓ જીવનસાથી જ નિભાવે એ જરૂરી નથી અને આ દરેક અલગ અલગ બાબત માટે આપણાં જુદા જુદા મિત્રો હોય એ અજુગતુ ન ગણાવું જોઇએ.
છેલ્લે એક અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો દર્શાવાયો છે.પોતાની અંગત કારકિર્દી બનાવવા આલિયાના માતા-પિતા નાનપણમાં તેને નાના-નાની પાસે મૂકી પોતે વિદેશ જતા રહે છે અને છ-સાત વર્ષની કુમળી વયે આલિયા તેની માતાની પોતાને સાથે ન લઈ જવાની મજબૂરી અને વ્યવહારીક મુશ્કેલી વિશેનો નાના સાથેનો સંવાદ સાંભળી જતાં સાવ એકલી પડી ગયાનો અનુભવ કરે છે અને આ એકલતા-હતાશાનું પલિત તે સમજણી યુવતિ થાય ત્યાં સુધી તેનો પીછો કરે છે. આ કારણે તે માતાપિતાને સમજણી થયા પછી પણ માફ કરી શકતી નથી અને તેમને પ્રેમ કરી શકતી નથી. શાહરુખ ફરી એક વાર તેને માતાપિતાને મનથી માફ કરી દઈ બોજમુક્ત થઈ જવાની અસરકારક સલાહ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં ક્ષમાને જ વીરોનું આભૂષણ નથી ગણાવાયું? માફી આપીને આપણે સામા પાત્રનું જ ભલું નથી કરતા પણ પોતાના પર પણ એક ખુબ મોટો ઉપકાર કરીએ છીએ, ભારમુક્ત થઈ જઈએ છીએ, જીવન સુખપૂર્વક જીવી શકીએ છીએ.

આ બધી સુંદર શીખ ડીઅર ઝિંદગી નામની ફિલ્મ ભારેખમ થયા વગર સહજતાથી આપી જાય છે માટે જ મને આ ફિલ્મ ખુબ ગમી. સાથે જ દરેક પાત્રના સુંદર અભિનય અને પાત્રાલેખન, સુંદર ઘરો, વસ્ત્રો, સંગીત, ડાયલોગ્સ વગેરે માટે થઈને પણ આ ફિલ્મ જોશો તો તમે પણ એને ચોક્કસ એન્જોય કરી શકશો.

No comments:

Post a Comment