આપણે
ઘણી એવી પરંપરાઓને અનુસરતા હોઇએ છીએ જેના મૂળ કારણની આપણને ખબર હોતી નથી.આવી ઘણી પરંપરાઓ હિતકારી અને આનંદદાયી હોય તો વાંધો નહિ
પણ જો એ કોઈ
એકાદ જણનું પણ અહિત કરનારી
હોય તો તેને અનુસરવી
જોઇએ નહિ.હું દરેક પ્રસંગે આવી પ્રથા કે પરંપરાનું મૂળ
કારણ જાણવાની કોશિષ કરતો હોઉં છું,ઘણી વાર એ જાણવા મળે
છે અને ઘણી વાર નહિ. આ દિવાળી વર્ષો
બાદ ગુજરાતમાં પરીવાર સાથે મનાવી ત્યારે આવી બે-ત્રણ પરંપરાઓ
અનુસરી અને તેમાં આનંદ પણ આવ્યો,પણ
તેના મૂળ કારણની જાણ ગૂગલ કરવા છતા હજી સુધી થઈ નથી.કોઈ
વાચકમિત્રને એની જાણ હોય તો લખી જણાવવા
વિનંતી!
પહેલી
પરંપરા એટલે કાળી ચૌદસના ગરબા.ગુજરાતના મણીનગરમાં રહેતા મારા પિત્રાઈ ભાઈ વિમલના દીકરા મેઘના ગરબાનો પ્રસંગ કાળીચૌદસની રાતે રાખવામાં આવ્યો હતો.ઘણા વખત બાદ અમારા આખા પરીવારે સાથે આ પ્રસંગે હાજરી
આપવાનું નક્કી કર્યું હતું.ગત માસે નવરાત્રિ
દરમ્યાન પત્ની અને પપ્પા બંનેની તબિયત વાઈરલ ફીવરને કારણે ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.આથી થોડી ચિંતા હતી કે બધાથી સાથે
ગુજરાત જઈ શકાશે કે
નહિ. પણ જવા માટેના
બે સબળ કારણ હતા. એક - અમારા કાકા-ફોઈના બધાં પરીવારોના અનેક સભ્યો આ પ્રસંગે હાજર
રહેવાના હતા એ બધાને દિવાળી
ટાણે મળી શકાશે એવી આનંદની વાત હતી અને બીજું કદાચ પપ્પા અને પત્ની બંનેને હવાફેર થતા તેમની તબિયત વધુ સારી થઈ જાય અને
બધાને એક ચેન્જ મળે
એવા આશય સાથે જવા માટે મન મક્કમ કર્યું.
આખા પરીવાર અને એમાં પણ શારીરિક પીડાઓ
અનુભવતા પરીવારના સભ્યો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા
માટે બનાવાયેલા એસ્કેલેટર્સ થી ડરતા પરીવારના
સભ્યો, લાંબી મુસાફરીથી ટેવાયેલા ન હોય કે
એની જેને સૂગ હોય એવા પરીવારના સભ્યો સાથે અધમણનો સામાન! આ બધા સાથે
મુસાફારી અઘરી છે!
આશ્વાસન
હતું કે પપ્પાએ સેકન્ડ
એ.સી. ની ટિકિટો બુક
કરી હતી. મારી ટિકિટ તત્કાલ દ્વારા બુક કરી જે વેઈટીંગ હતી
પણ છેલ્લી ઘડીએ કન્ફર્મ થઈ ગઈ એનો
આનંદ હતો. ઉબર કેબ દ્વારા બોરિવલી સ્ટેશન પહોંચી ગયા.ત્યાં જઈ સામાન વધુ
હોવાથી કુલી ભાડે કર્યો અને હું તેની સાથે આગળ વધ્યો.રસ્તામાં વચ્ચે નોંધ્યું કે તેના એક
હાથે ખોડ હતી-તેને એ હાથે આંગળા
જ નહોતા.મારું મન વિચારોના ચગડોળે
ચડ્યું.કેવી મજબૂરી હશે ત્યારે આવી બીજાનો ભાર પોતાને માથે ઉંચકવાની મજૂરી પેટીયું રળવા કરવી પડતી હશે, તેનો ય પરીવાર હશે
એ લોકો કઈ રીતે દિવાળી
ઉજવવાના હશે? આ વિચારો કરતામાં
તો પ્લેટફોર્મ ચાર આવી ગયું જ્યાંથી અમારે ગાડી પકડવાની હતી.કુલીને નક્કી કર્યા કરતા થોડા વધુ રૂપિયા આપ્યાં એમાંતો એ ખુબ ખુશ
થઈ ગયો હોય એમ જણાયું. એણે વધારાની
ટીપ આપી કે એ.સી.
નો અમારો ડબ્બો ઇન્ડીકેટર જ્યાં બતાવતું હતું તે જગાએથી ખાસ્સો
આઘો બે-ત્રણ ડબ્બા
દૂર આવશે!અમે એ પ્રમાણે જ
ઉભા રહ્યા અને બધાને સામાન સહીત ગાડીમાં ચડી જવામાં ખાસ કોઈ તકલીફ પડી નહિ. યાત્રા આરામદાયી રહી.
બીજા
દિવસે આખો દિવસ આરામ કર્યા બાદ કાળી ચૌદસની રાતે ગરબાની રમઝટ બોલાવી.આપણા ગુજરાતીઓને ગરબે ઘૂમવા બહાનું જોઇએ અને આપણે ઉત્સવપ્રિય પ્રજા પણ એટલી કે
દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવવાની હોંશ!વિમલ-પિંકલે તેમના એકમાત્ર પુત્ર મેઘના ગરબાનું ભવ્ય આયોજન કર્યું હતું. ઓરકેસ્ટ્રા બોલાવી હતી, તેના તાલે અડધી રાત સુધી ગરબા રમ્યા. બે ગરબાની જોડ
હતી જેમાં દીવા કર્યા હતા અને નાનકડી ધજાઓ ગોઠવી હતી.પરીવારની મહિલાઓ અને યુવતિઓએ વારાફરતી આ ગરબા માથે
લઈ ઘૂમવાનો આનંદ માણ્યો. જો કે આ
થોડું રિસ્કી હતું - જવાબદારી ભર્યું કામ હતું. માથે પ્રગટેલા દીવાઓ ધરાવતા એકના ઉપર એક એમ બે
ગરબા લઈ ઘૂમવું જરાયે
સરળ નથી! ગામડાની સ્ત્રીઓને તો આ રીતે
ગરબો માથે લઈ ઘૂમવાની કદાચ
નવાઈ નહિ હોય પણ મારી શહેરી
વાતાવરણમાં જ ઉછરેલી બહેન
તેજલને પણ આ ગરબા
માથે લઈ ઘૂમતી જોઈ
સાનંદ આશ્ચર્ય અનુભવ્યું! મને વિચાર આવ્યો પુરુષો પણ આ રીતે
ગરબા માથે ન લઈ શકે?
પણ પછી તરત એ વિચાર પડતો મૂકી ગરબા અને આ સમગ્ર પ્રસંગ
માણવામાં વ્યસ્ત થઈ ગયો!
પેરીસથી
મારી કઝીન નેહા પણ હાલ ભારતમાં
હોવાથી આ પ્રસંગે સૌને
મળવા આવી હતી. તેની સાથે મારા પેરીસ-સ્વીત્ઝર્લેન્ડના ગત પ્રવાસની યાદો
ફરી વાગોળી અને અમે સાથે ગરબા રમ્યા. કાકા-કાકી-ફોઈ તેમના સંતાનો વગેરે અનેક પરીવારજનોને સાથે મળવાની, તેમની સાથે વાતો કરવાની અને ગરબે ઘૂમવાની મજા પડી! છેલ્લે લગભગ પોણા વાગે રાતે સારૂં ચોઘડીયું જોઈ પાંચ પુરુષોએ આ ગરબા અને
શ્રીફળ-સુખડી વગેરે હાથમાં લઈ તે કાળકા
માના મંદીરે વળાવવા જવાની વિધિ સંપન્ન કરી જેમાં હું પણ સામેલ હતો.કાળી-ચૌદસની રાતે કાળકામાના મંદીરમાં મધ રાતે હાજર
હોવાનું સૌભાગ્ય પહેલી વાર પ્રાપ્ત થયું હતું તેની વિશેષ ખુશી હતી. વચ્ચે થોડો સમય મળતા કઝીન જતીન સાથે મોટેથી ગાઈને હનુમાનચાલીસાના પાઠ કર્યા. ગરબો
વળાવી આવ્યા બાદ ફરી ગરબાનો બીજો રાઉન્ડ ઘૂમ્યાં અને એ રાતે લગભગ
સાડા-ત્રણ ચારે સૂવા પામ્યાં!
રાતે
મને વિચારો આવ્યા શા માટે આ
ગરબાની પ્રથા પડી હશે? એ પણ માત્ર
નર સંતાન માટે જ શા માટે?દિકરીઓના ગરબા થતા નથી. સમાજનો બેટા-બેટી વચ્ચે ભેદભાવ રાખવાની વૃત્તિ આ પાછળ જવાબદાર
હશે? આ ગરબા કાળીચૌદસની
રાતે જ શા માટે?આ બધા પ્રશ્નો
સાથે જ ઉંઘી ગયો.
બીજે
દિવસે દિવાળી પ્રસંગે પપ્પાએ ગાડી બુક કરી હતી જેમાં અમારે આખો દિવસ ફરી અમારા કુળદેવી ભુવનેશ્વરીમાના મંદીરે ગુંજા ગામે, પપ્પાને જેમના પર અપાર શ્રદ્ધા
છે એવા રેપડીમાંના સોભાસણ ગામ સ્થિત મંદીરે,અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવના અમારા મૂળ વતન ઊંઢાઈ ગામ સ્થિત મંદીરે અને ત્યાંથી નજીક આવેલા ઝૂંડવાળા તરીખે ઓળખાતા અંબામાના મંદીરે દર્શન કરવા જવાનું હતું.
રેપડીમાના
મંદીરે પહોંચ્યા તો ત્યાં આખું
ગામ પપ્પા-તારક મહેતાના તેમના લોકપ્રિય
પાત્ર નટ્ટુકાકાને જોવા
વિસ્મયપૂર્વક એ નાનકડા મંદીરમાં
ભેળું થઈ ગયું! ત્યાંથી
દર્શન કરી પ્રશંસકોની ભીડમાંથી માર્ગ કરતા કરતા ઊંઢાઈ ગામ જવા રવાના થયાં.ત્યાં જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે
એવા અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવનું નવું મંદીર બંધાઈ રહ્યું હોવા છતા, સેંકડો દીવાઓથી પ્રજ્વલિત કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં દર્શન કર્યા બાદ નજીકમાં જ આવેલા ઝૂંડવાળા
અંબામાતાના દર્શન કરવા એ મંદીરે જઈ
પહોંચ્યા. સાંજ પડી ચૂકી હતી.મમ્મીને ત્યાં શ્વાસની તકલીફ માટેના નેબ્યુલાઈઝરની વ્યવસ્થા કર્યા બાદ વિશાળ પ્રાંગણમાં ખુરશી પર બેઠા બેઠા
જે અપાર શાંતિ અને સુખની લાગણીનો અનુભવ થયો એ કદાચ શબ્દમાં
વ્યક્ત નહિ થઈ શકે. એ
થોડી સમાધિ સમાન ક્ષણોમાં સમય જાણે થંભી ગયો હોય એમ ભાસતું હતું.
નમ્યાને આસપાસ ચીકુ ફળોથી લદાયેલા ઝાડ,દૂધીના વેલા,ભાસ્કર પક્ષી,તળાવ,બગલા,ગોગમહારાજનું મંદીર વગેરે બતાવ્યાં.પૂજારીજીએ અમને ભાવથી સરસ મજાની ચા પીવડાવી.ત્યાંથી
પછી અમારા નિયત કરેલા છેલ્લા મંદીર ગુંજા જવા રવાના થયા.સાત-સાડા સાતમાં તો કાળું ડીબાંગ
અંધારૂં થઈ ગયું હતું.
બધે
દર્શન સુખરૂપ પતી ગયા.પણ છેલ્લે ગુંજામાં
ભુવનેશ્વરી માતાનું મંદીર બંધ! અહિં પણ વગડા જેવા
પ્રદેશની વચ્ચે આવેલ આ મંદીરના પ્રાંગણમાં
અપાર શાંતિ હતી. ત્યાં હાજર એક-બે ભક્તજનોએ
પૂજારી બાપાને ફોન કર્યો તો કહે એ
થોડે દૂર વિસનગર કોઈ પ્રસંગે ગયા છે અને બે-ત્રણ કલાક પછી પાછા ફરશે. અમારી પાસે એટલો બધો સમય નહોતો એટલે ત્યાંથી મનમાં જ ભુવઈમાના દર્શન
કરી ત્યાંથી મારા સાસરે મહેસાણા જવારવાના થયા.
(ક્રમશ:)
દિવાળીની પરંપરાઓ વિશેના બ્લોગમાં રજૂ કરેલી સરસ જાણકારી માટે આભાર.
જવાબ આપોકાઢી નાખો