Translate

શનિવાર, 26 નવેમ્બર, 2016

બ્લોગ... : પરિચય

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો. વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
તમારો પોતાનો બ્લોગ બનાવવા માટે આજે અનેક 'વેબસાઇટ' ઉપલબ્ધ છે.તમે ગમે તે વિષય પર બ્લોગ બનાવી કે લખી શકો છો. તમે તમારા બ્લોગમાં ફોટા પણ મૂકી શકો છો.ફક્ત તસ્વીરોનાં પણ બ્લોગ કેટલાક કલાકારો બનાવે છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા કલાકારો પણ નિયમિત બ્લોગ લખે છે. રોજનાં લાખો નવા લોકો પોતાના બ્લોગ બનાવી બ્લોગ-વિશ્વમાં પ્રવેશે છે.
'બ્લોગને ઝરૂખેથી' દ્વારા હું પણ નિયમિત છેલ્લા સાત-આઠ વર્ષથી મારા વિચારો,અવનવી માહિતી અને ગેસ્ટબ્લોગ દ્વારા તમારા વાચકોના વિચારોને વાચા આપતો રહ્યો છું જેના પ્રોત્સાહક પ્રતિભાવ દેશ-વિદેશમાંથી મળતા રહે છે અને યાત્રા ચાલુ રાખવાનું પ્રેરક બળ પૂરું પાડતા રહે છે.
કટારમાં છપાતા દરેક બ્લોગ તમે http://blognezarookhethee.blogspot.com વેબસાઈટ પર જઈને પણ વાંચી શકો છો. તમે કંઈ પણ રસપ્રદ એવી બાબત કે વાત કટારના માધ્યમથી બીજાઓ સાથે વહેંચવા માગતા હોવ તો તમારા વિચારો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી જન્મભૂમિના સરનામે 'બ્લોગને ઝરૂખેથી' એવા મથાળા સાથે મોકલી શકો છો  અથવા ગુજરાતીમાં ટાઈપ કરી મારા ઇમેલ એડ્રેસ  vikas.nayak@gmail.com  પર પણ મને મોકલી શકો છો. જરૂરી સુધારાવધારા સાથે લેખ હું અહિં ગેસ્ટ્બ્લોગ તરીકે છાપવાનો પ્રયત્ન કરીશ, જે અહિં છપાયા બાદ બ્લોગ તરીકે ઉપર જણાવેલ વેબસાઈટ પર પણ પ્રકાશિત કરવામાં આવશે. તમને  કટાર વિશેના તમારા મંતવ્યો/અભિપ્રાય પણ જન્મભૂમિના સરનામે અથવા મારા ઇમેલ એડ્રેસ પર લખી મોકલાવવા આમંત્રણ છે.


- વિકાસ ઘનશ્યામ નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો