ગુંજા
ગામે ભુવનેશ્વરીમાનું મંદીર ખાસ્સું વગડા જેવા અંતરીયાળ વિસ્તારમાં હતું. ત્યાં અમે ગયા ત્યારે કોઈ દેખાતું નહોતું પણ પગથિયા ચડી
મુખ્ય મંદીર પાસે આવ્યા ત્યારે એક યુવાન માતાજીના
ગોખના બંધ દ્વાર સામે થોડે આઘે બેસીને એક જોગીની અદામાં
મોટે અવાજે ' ૐ હ્રીં
શ્રીં ભુવનેશ્વર્યૈ નમ:'
ના જાપ કરતો કરતો દેખાયો.આવી અંધારી રાતે તેને આ નિર્જન વિસ્તારમાં
સાવ એકલો બેસી મોટેથી મંત્રનો જાપ કરતો જોવું-સાંભળવું થોડું ગેબી અને ડરામણું લાગ્યું.અમારી સાથે આવેલા મારા પિત્રાઈ બહેને તો એ યુવાને
જ્યારે આંખો ખોલી ત્યારે કુતુહલ વશ પૂછ્યું પણ
ખરું કે શું તેને
આમ સાવ એકલો આવા વિસ્તારમાં આટલા અંધારામાં એકલા બેસી સાધના
કરતા ચોર-લૂંટારા કે જંગલી પ્રાણીઓનો ભય
નથી
લાગતો? ત્યારે તેણે જે જવાબ આપ્યો
એ ખુબ મજેદાર હતો. તેણે
પ્રથમ તો પોતાનો પરિચય
આપતા કહ્યું કે તે આણંદ
શહેરમાં એન્જિનીયરીંગનો પ્રોફેસર છે અને વચ્ચે
વચ્ચે સમય કાઢી ખાસ આ મંદીરમાં આવી
આ રીતે સાધના કરી પોઝીટીવ એનર્જી પોતાના જહનમાં ભરી લે છે અને
ફરી પાછો કામે ચડે ત્યારે એ ઉર્જા પોતાના વિદ્યાર્થીઓમાં
ફેલાવે છે. આ રીતે ભક્તિ
સાધનાથી ભેગી કરેલી ઉર્જા જ તેને પોતાની
અધ્યાપક તરીકેની ફરજ નિષ્ઠા અને સફળતાથી નિભાવવામાં મદદરૂપ થાય છે. આ બધું સાંભળી
સારું લાગ્યું. પછી
તો આ યુવાને જ
અમે માતાજીના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ એ હેતુથી પૂજારીનો
સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જાણ થઈ કે એ
વિસનગર ગયા હોઈ એમને પાછા ફરતા ખુબ વાર લાગશે અને અમારી પાસે સમય મર્યાદીત હોવાથી માતાજીના મનથી દર્શન કરી ત્યાંથી મહેસાણા જવા પ્રયાણ કર્યું.
ગુંજાથી
મહેસાણા વિસનગરના રસ્તે થઈ જતી વખતે
અંધારૂ થઈ ગયું હતું.
દિવાળીની સાંજ હતી એટલે ગાઢ અંધારિયા રસ્તા પર પણ બંને
બાજુએ ટમટમી રહેલા દિવા શોભી રહ્યાં હતાં. ધ્યાનથી જોતા માલૂમ પડ્યું કે એ દિવા
નહોતા પણ નાનાનાના છોડ
પર પ્રગટી રહેલી, મશાલો જેવી લાકડીને છેડે પ્રગટી રહેલી જ્યોતો હતી. પછી તો રસ્તે આ
મશાલો લઈ જઈ રહેલા
કેટલાક લોકો પણ નજરે ચડ્યા
અને મજાની વાત તો એ બની
કે સાસરે પહોંચ્યા બાદ સાસુમાએ મારા અને નમ્યાના હાથમાં પણ આવી એક
મશાલ પકડાવી. લાકડીને છેડે કોડીયું ખાસ રીતે ચોંટાડીને આ સાધન તૈયાર
કરાયું હતું જેનું નામ હતું આગડી-માગડી! આગડીમાગડી એટલે માતાજીની મશાલ. આ મશાલમાં તેલનો
દીવો પ્રગટાવવાનો. કોડીયાને આખું તેલથી ભરી નહિ દેવાનું. થોડું જ તેલ નાખી,
શેરીમાં મશાલ લઈ એમ ગાતા
ગાતા નિકળવાનું કે "આગડી-માગડી તેલ પુરાવો ...તેલના હોય તો ઘી પુરાવો
... " પાડોશીઓ આ
મશાલમાં તેલ કે ઘી પૂરતા
જાય અને પછી શેરીના ઝાંપે કોઈ છોડ પર કે ભીંતને
ટેકે એ મશાલ પ્રગટેલી
જ મૂકી આવવાની! શા માટે? એનું
પછી શું થાય? વગેરે અનેક પ્રશ્નો હતા મનમાં જેના મને ઉત્તર ન મળ્યા પણ
આ પ્રથા અનુસરવાની મજા પડી! સોસાયટીની શેરામાંથી હું ને નમ્યા અમારી
આગડી-માગડી લઈને પાડોશીઓ પાસેથી તેલ પુરાવતા પુરાવતા આગળ વધતા હતા ત્યારે અન્ય બાળકો એવી રમૂજ પણ કરતા હતા
કે .."તેલ-ઘી ના હોય
તો પેત્રોલ પુરાવો!" પણ ત્યાં દરેક
ઘેર ગાડી હોવા છતાં પેટ્રોલ તો મોંઘુ ન
પડે?! છેલ્લે અમે પણ અમારી આગડી-માગડી સોસાયટીના ઝાંપા બહાર સામેની એક દિવાલને ટેકે
અન્ય આવી પ્રજ્વલિત મશાલો ની બાજુમાં ગોઠવી
દીધી.અંધારામાં ટમટમી રહેલી કતારબદ્ધ ગોઠવેલી મશાલો સુંદર દ્રષ્ય સર્જી રહી.
મોડેથી
રાતે સોસાયટીમાં 'ઓન્લી જેન્ટ્સ' માટેની ઠોઠા-પાર્ટી હતી! ખાલી જેન્ટ્સ નહિ, બાળકો પણ સામેલ હતાં,પણ મહિલાઓને શા
માટે આ પાર્ટીમાંથી બાકાત
રાખવામાં આવી હતી એનો ગળે ઉતરે એવો ખુલાસો મારા સસરા કે સાળો આપી
શક્યા નહિ! ખેર
જે હોય એ પણ ઠોઠા-પાર્ટીમાં પણ જલસો પડી
ગયો. થોડી થોડી ઠંડી શરૂ થઈ ગયેલી એમાં
ગરમાગરમ તુવેરની મસાલા સાથે ખાસ રીતે રાંધી તૈયાર કરેલી વાનગી (ઠોઠા) બ્રેડ સાથે ખાવાની મજા પડી! સાથે જલેબીની જયાફત પણ ઉડાવી! પછી
સરસ મજાની પાચક છાસ નો ગ્લાસ! પુરુષોએ
જ સોસાયટીના ગાર્ડનમાં મોટા તપેલામાં તુવેરની શિંગોના દાણામાં ખાસ મસાલો નાંખી આ ઠોઠાની વાનગી
તૈયાર કરી હતી! અને જે ઉત્સાહથી એ
બધા સાથે મળી આ પાર્ટી માટે
મહેનત કરી રહ્યા હતા એ જોઈ ખુબ
સારું લાગ્યું. હું તો પાછો ત્યાંનો
જમાઈરાજ એટલે મને વિશેષ સન્માન સાથે સૌથી પહેલી પ્લેટ આપવામાં આવી! અને 'કુમાર...કુમાર'ના સંબોધન સાથે બધાએ પ્રેમથી આગ્રહ પૂર્વક મને ઠોઠા ખવડાવ્યા! ખુબ મજા પડી આ એક નોખો
અનુભવ માણવાની!
બાળકોને
ફટાકડા ફોડવાનો જબરો ઉત્સાહ હોય છે. તેમને મન તો દિવાળી
એટલે માત્ર ફટાકડા! આસપાસના પ્રાણીઓ-પંખીઓને નુકસાન કે ખલેલ ન
પહોંચાડે એવા ઘોંઘાટરહીતના તારામંડળ, જમીન ચકરડી,કોઠી,પેન્સીલ,વાયર વગેરે જેવા ફટાકડા નમ્યા અને મારી ભત્રીજી રિષ્વીને ફોડાવ્યાં અને આંગણામાં રંગોળી કરવાની મનથી ખુબ ઇચ્છા હોવા છતાં આખો દિવસ ખુબ બધું ફર્યા બાદ તનથી એટલો થાકી ગયો હતો કે રંગોળી કર્યા
વિના જ પથારીમાં લંબાવ્યું
અને પડતા વેત સૂઈ ગયો!
બીજા
દિવસે બેસતા વર્ષની સવારે વહેલા ઉઠવાની પરંપરા આ વખતે તૂટી
ગઈ. થાક અને મીઠી નિંદરને લીધે મોડા ઉઠાયું. પણ ઉઠતાવેત મારું
ધ્યાન જે રૂમમાં સૂતેલો
ત્યાં તિજોરી નીચે મૂકેલી કાંસાની વાડકી પર ગયું જેમાં
મીઠાના બે ગાંગડા મૂકેલા
હતાં.તેના વિષે પૃચ્છા કરતા સાસુમાએ એક રસપ્રદ પ્રથા
વર્ણવી જે તેમણે બેસતા
વર્ષની એ પ્રથમ વહેલી
સવારે અનુસરી હતી. કાંસાની વાડકીમાં આખા મીઠાના ગાંગડા લઈ, બીજા હાથમાં વેલણ પકડી એ વાડકી પર
અફળાવતા અફળાવતા વહેલી સવારે ઝાંપા સુધી જવાનું એમ બોલતા બોલતા
કે "આળસ જાય ને લક્ષ્મી આવે..."
હું વહેલો ઉઠી ગયો હોત તો ચોક્કસ સાસુમા
સાથે સોસાયટીના ઝાંપા સુધી જાત પણ આ વખતે
મારે આ વિશે માત્ર
સાંભળીને સંતોષ અને આનંદ અનુભવવા પડ્યા! ભગવાનને પ્રાર્થના કરી એ વાડકી મીઠાના
ગાંગડા સહીત પાછી ઘરે લઈ આવવાની અને
તેને ઘરની તિજોરી નીચે મૂકી દેવાની આખા વર્ષ માટે. ફરી બીજા નવા વર્ષે એ જૂની વાડકીમાંનું
મીઠું નાખી દેવાનું અને વાડકીમાં નવું મીઠું મૂકી એ આખું વર્ષ
તિજોરી નીચે મૂકી રાખવાની. આની પાછળનું કારણ
એ હોઈ શકે કે મીઠું ઘરમાંની
બધી નકારાત્મક ઉર્જા શોષી લે છે અને
હકારાત્મકતા અને સારી ઉર્જા જાળવી રાખે છે.આળસને ભાગવાનું
કહેવાનું કારણ તો સ્વભાવિક છે
અને આળસ જાય તો પુરુષાર્થ અને
પ્રસ્વેદ દ્વારા સારી લક્ષ્મી ઘરમાં પધારે જ!
આ
બધી ઘણી ખરી નવી પ્રથાઓ આ વખતે દિવાળી
ગુજરાતમાં મનાવી ત્યારે જોવા મળી. મોટા ભાગની પ્રથાઓ પાછળના મૂળ કારણની જાણ તો ન થઈ
પણ એ અનુસરવાની મજા
તો ચોક્કસ માણી!
દિવાળીની પરંપરાઓ બ્લોગમાં દર્શાવેલી રસપ્રદ પરંપરાઓ આજે પણ અનુસરવામાં આવે છે.વાંચવાની મજા આવી.
જવાબ આપોકાઢી નાખો