ગત
સપ્તાહે બેંગ્લોર ખાતે ટાન્ઝાનિયાની ભારતમાં ભણતી એક વિદ્યાર્થીની પર ટોળાએ હૂમલો કર્યાનાં
ખબર વાંચ્યા. આ બ્લોગલેખ લખાઈ રહ્યો છે ત્યારે જ હૈદરાબાદમાં એક નાઇજીરીયન યુવક પર
દસ-પંદર જણનાં ટોળાએ હૂમલો કર્યાંના અન્ય એક આવા જ ખબર સાંભળવા મળે છે.
આ એ જ ભારત ભૂમિ છે જ્યાં “અતિથી દેવો
ભવ”ની સંસ્કૃતિ પ્રચલિત છે (કે હતી?) થોડા વખત પહેલાં, ઓસ્ટ્રેલિયામાં
જ્યારે ભારતીયો પર હૂમલાનાં કેટલાક બનાવ બન્યાં હતાં કે શિલ્પા શેટ્ટીનું બિગ બ્રધર
શોમાં વંશીય ટીપ્પણી દ્વારા અપમાન કરાયું હતું એ સાંભળી આપણને કેટલું ખરાબ લાગ્યું
હતું. તો હવે આપણે પણ ક્યાંક એ જ દિશામાં તો આગળ નથી વધી રહ્યાં ને? આપણે ભૂલવું
ન જોઇએ કે ભારત અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવનાર મહાન ગાંધીબાપુનો દેશ છે.
ટાન્ઝાનિયન
યુવતિ પરનો હૂમલો કદાચ વંશીય ન પણ હોય તો શું અન્ય કોઇ કારણ પણ તેના પર ટોળા દ્વારા
આચરવામાં આવેલી બર્બરતા ભરી વર્તણૂંક યોગ્ય ઠેરવી શકાય? નિ:શસ્ત્ર શત્રુ પર પણ હૂમલો
ન કરવાનું ભારતીય શાસ્ત્રોમાં આલેખાયું છે. તો અહિં એક વિદ્યાર્થીની પર હિંસક હૂમલો
કરી તેના કપડા ફાડી નાંખવા એ તો તદ્દન અક્ષમ્ય , અમાનવીય અપરાધ છે.
થોડા
સમય અગાઉ એક આવો જ બર્બરતાભર્યો કિસ્સો વ્હોટ્સ એપ પર વિડીઓ દ્વારા જોયામાં આવ્યો હતો.જ્યાં
પરદેશની કોઇક ભૂમિ પર ચોરોની ટોળકીની મનાતી એક યુવતિ સામાન્ય પ્રજાજનોનાં હાથે ચડી
જતી દર્શાવાઈ હતી અને પછી પ્રજાજનોનાં ટોળાને ભાન અને કાબુ ન રહેતાં તેને જીવતી સળગાવી
દેવાઈ હતી.આ સમગ્ર દુર્ઘટનાનું કોઇએ મોબાઇલ
પર વિડીઓ રેકોર્ડીંગ કર્યું હતું પણ કોઈએ તેને
બચાવવાની દરકાર કરી નહોતી. એ વિડીઓ જોયો ત્યારે મને મનમાં થયું હતું કે મારા
ભારતમાં તો આટલી અમાનવીય ઘટના બની જ ન શકે.પણ જો સરકાર દ્વારા બેંગ્લોર દુર્ઘટનાના
અપરાધીઓને પકડીને દાખલો બેસે એવી સજા ફટકારવામાં નહિ આવે તો એવી ઘટના અહિ પણ ઘટતા
વાર નહિ લાગે.
કોઇક
ભારતીય નાગરીક મહિલાનો કોઇ વિદેશી નાગરીક દ્વારા અક્સ્માત થયો અને તે આ ટાન્ઝાનિયન
યુવતિ જે ગાડીમાં બેઠી હતી તેના દ્વારા થયો હશે એવા અનુમાનથી દોરાઇ ઝનૂની ટોળાએ યુવતિને
ગાડીમાંથી બહાર ખેંચી કાઢી ઢોર માર માર્યો અને તેના કપડાં પણ ફાડી નાખ્યાં.આ નાલેષી
ભરી ઘટના કોઈ દૂરનાં અંતરીયાળ વિસ્તારમાં નહિ પરંતુ બેંગ્લોર જેવા ભારતનાં સિલિકોન
વેલી ગણાતાં શહેરમાં સડકની વચ્ચોવચ બની એ પણ
વધુ આંચકાજનક છે.
કદાચ
એ યુવતિની ગાડી દ્વારા સાચે જ અક્સમાત થયો હોય તો પણ તેની સાથે કરવામાં આવેલું અમાનવીય
વર્તન વ્યાજબી ન ગણી શકાય. કાયદો હાથમાં લેવાની સત્તા સામાન્ય નાગરીકને નથી. સલમાનખાન
આવા જ અક્સ્માતના કેસમાંથી નિર્દોષ છૂટી ગયો ત્યારે એ દુર્ઘટનામાં ચાર-પાંચ નિર્દોષ
લોકોનો જીવ ગયો હોવાં છતાં ફટાકડાં ફોડી ઉત્સવ મનાવનાર પણ ભારતીય નાગરીકો જ હતાં એ
કમનસીબી છે. ટાન્ઝાનિયન યુવતિ પર હૂમલો કરનારા ઝનૂની અપરાધીઓને ફરજીયાત દેશની સરહદ
પર દુશ્મન દેશો સાથે લડવા મોકલી આપવા જોઇએ.આ તેમના માટે શ્રેષ્ઠ સજા હોઇ શકે અને
દેશનું પણ થોડું ભલું થાય!
ટાન્ઝાનિયન
યુવતિ પરના હૂમલા જેવી ઘટના બને ત્યારે મારા-તમારા જેવા નાગરીકો તેના મૂક સાક્ષી બની
રહેવાનું પસંદ કરે છે એટલે જ કદાચ એ મોટી દુર્ઘટનામાં ફેરવાઇ જતી હોય છે. કદાચ કોઇ વિરોધ નોંધાવે તો
એ દુર્ઘટના ઘટતી રોકાઈ શકે. આવે વખતે મોબાઇલ દ્વારા ફોટો કે વિડીઓ ખેંચવાનો મોહ જતો
કરી તેનો સદુપયોગ પોલીસને આવી ઘટનાની જાણ કરવા માટે કરવામાં આવે તો પણ કદાચ એ ઘટના
દુર્ઘટનામાં ફેરવાઇ જતી રોકી શકાય. માત્ર વિદેશીઓ પર જ નહિ પરંતુ રસ્તે ચાલતા કોઈ
પણ મહિલા કે નિર્બળ વ્યક્તિ પર હૂમલો કે હિંસા થતી જોઇ એ વિશે સત્ય જાણી પોતાનાથી ઘટતું
કરવું જોઇએ. એ ઘટના કદાચ આવતી કાલે આપણાં પરીવારની વ્યક્તિ સાથે પણ ઘટી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો