નવરાત્રિ પાછળ દિવાળી કતારમાં જ ઉભી છે! વચ્ચેના સમયગાળામાં લોકો ઘરો ચોખ્ખા ચણાક કરવામાં કે તેનું રંગરોગાન કરાવવામાં અને નવા વસ્ત્રો કે નવી નવી ચીજ વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત થઈ જશે.ઘણાં આળસુઓતો ઘરોની સાફસફાઈ વર્ષમાં એક જ વાર કરતાં હોય છે - દિવાળી પહેલા! આવનારા પ્રત્યેક વર્ષમાં ગરમીનું પ્રમાણ જેમ વધતું જાય છે તેમ મોંઘવારીના સતત ઉંચે ચડતા પારા સાથે લોકો વર્ષભર માટે નવી ચીજ વસ્તુઓની ખરીદી પણ દિવાળી પહેલાં જ કરતાં - કરી શકતાં હોય છે. આ બંને બાબતો માટે આજે હાથવગા બનેલા એક અતિ ઉપયોગી માધ્યમની વાત આજના બ્લોગ થકી કરવી છે. એ માધ્યમ છે જૂની કે વપરાયેલી ચીજવસ્તુઓની લેવેચ માટે પ્લેટફોર્મ પુરૂ પાડતી કંપનીઓ જેવી કે
OLX, Quikr, Gumtree, Craigslist વગેરે.
આપણો સ્વભાવ છે વસ્તુઓને સંગ્રહવાનો એટલે જ કદાચ પેલી કહેવત પણ બની હશે "સંઘર્યો સાપ પણ કામ આવે". છતાં એ યાદ રાખવું જરૂરી છે કે નવું આવે તો જૂનું જવું જ જોઇએ. નહિતર વસ્તુઓનો કાફલો જમા થઈ જશે જેના હેઠળ ગૂંગળાઈ જવાશે.ગાંધીજીએ જીવનને સારી અને સાચી રીતે જીવવા સરળતાનો અને સાદાઈનો માર્ગ અપનાવવાનું કહ્યું હતું.એ અનુસરતાં આપણે જેટલી જરૂરીયાત ઓછી કરીશું એટલું વધુ સંતોષી અને સુખી જીવન જીવી શકીશું. પણ જો એમ ન કરતા હોઇએ તો પણ નવી વસ્તુ લાવીએ ત્યારે જૂની વસ્તુનો મોહ ત્યજી તેનો યોગ્ય નિકાલ કરવો બેહદ જરૂરી છે અને જો એમ કરતાં એમાંથી પૈસા પણ કમાવા મળે તો તો તમે પણ જરૂર એમ કરવા લલચાશો ખરૂં ને? OLX
કે Quikr જેવા માધ્યમથી તમે એ ખુબ સરળતાથી અને અસરકારક રીતે કરી શકશો.
મેં પોતે આ માધ્યમનો ઉપયોગ કરી મારા ઘરમાં ધૂળ ખાતી પણ ચાલુ સ્થિતીમાં હોય એવી કેટલીક ચીજો વેચી આ બાબતનો જાત અનુભવ ત્રણ-ચાર વાર કર્યો છે. ઘણી વાર આપણને જરૂર ન હોય એવી વસ્તુ બીજા માટે ખાસ્સી ઉપયોગી હોઈ શકે છે અથવા આપણે કોઈ વસ્તુ વાપરી ધરાઈ ગયાં હોઇએ અને એ વપરાશમાં જ હોય પણ આપણને એનાથી મોંઘી અન્ય વસ્તુ ખરીદવી હોય ત્યારે એ વસ્તુ કોઈ ગરીબને સસ્તા ભાવે મળે તો એનું સપનું પૂરું થયા સાથે આપણને નવી વસ્તુ ખરીદવા માટેની થોડી નાણાકીય મદદ પણ મળી રહે છે. ઉદાહરણ આપું. મેં એક ટેબ (મિનિ-કમ્પ્યુટર) ખરીદ્યું હતું જે થોડો સમય વાપર્યાં બાદ અભરાઈએ ચડી ગયું. ખાસ્સો એકાદ વર્ષ જેવો સમય પડી રહ્યાં બાદ મેં OLX પર તેને વેચવાનો વિચાર કર્યો અને વેબસાઈટ પર જઈ તેના એક-બે ફોટા અને ટૂંકુ વર્ણન મૂક્યું.બીજાજ દિવસે કેટલા બધાં ફોન આવ્યાં.મારે ઘેર નકામી પડેલી એ ચીજની કેટલા બધાં લોકોને જરૂર હતી. મેં સ્પષ્ટપણે એ ટેબની મર્યાદાઓ પણ એડમાં લખી હતી.પણ સામા લોકોની જરૂરિયાત જ એ પ્રમાણેની હતી જ્યાં આ મર્યાદાઓ તેમને નડે એમ નહોતી.જેમકે આ ટેબની મેમરી ઓછી હોવાથી તેની સ્પીડ ખાસ વધુ નહોતી કે તેનું ટચ સ્ક્રીન પણ આજકાલના મોબાઈલમાં હોય છે એટલું પાવરફુલ નહોતું અને આ બાબતો લખી હોવા છતાં અંધેરીમાં જ મને એ ટેબ નો ખરીદદાર મળી ગયો જેને પોતાની નાનકડી દિકરી માત્ર ગેમ રમી શકે અને થોડું ઘણું ટેબ વાપરતા શીખી શકે એ માટે એની જરૂર હતી! એ પણ ખુશ થઈ ગયો અને મને પણ ઘરમાં ધૂળ ખાતી વસ્તુની સારી એવી કિંમત મળી એ સોદો પાર પડી જતાં!
એ સફળ અનુભવ પછી તો મેં મારો જૂનો કેમેરો, પ્રિન્ટર અને છેલ્લે મેં સેકન્ડ હેન્ડ ખરીદેલી મારી કાર પણ સારા ભાવે વેચ્યા છે અને તેથી જ થયું મારા વાચકો સાથે પણ આ બાબતનો અનુભવ શેર કરું.
ખાલી અહિ એક વાત યાદ રાખવાની કે પ્રમાણિકતા પૂર્વક તમારી પડી રહેલી વસ્તુની બધી જ મર્યાદાઓ તમારે એડમાં સ્પષ્ટ પણે દર્શાવી દેવી જોઇએ જેથી સામા પક્ષે ખોટી અપેક્ષાઓ ન બંધાય અને બંને પક્ષોનો સમય અને એનર્જી ન વેડફાય. ચિટીંગ કરી કોઈ વસ્તુ વેચી બે પૈસા વધુ કમાયા તો પણ લાંબે ગાળે ઉપરવાળાને તો બધી વાતોનો હિસાબ આપવાનો જ છે એ હંમેશા યાદ રાખવું!
તો બીજી પણ એક વાત યાદ રાખવી કે કોઈ વસ્તુ ખરીદવામાં રસ દાખવનાર પર આંધળો વિશ્વાસ ન મૂકવો નહિતર લાલચમાં ફસાઈ લાખનાં બાર હજાર કરી બેસશો! હમણાં જ એક ઠગ પકડાયો જે લોકોની કાર ખરીદવામાં રસ દાખવી ટેસ્ટ ડ્રાઈવનું બહાનું કરી અન્યોને તે પોતાની ગાડી છે એમ કહી બતાવવા લઈ જતો અને પછી તે ત્રીજી પાર્ટી પાસે થી ફન્ડ ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી રફૂચક્કર થઈ જતો. છેવટે પકડાઈ ગયો ત્યારે બહાર આવ્યું કે તેણે ઘણાં લોકોને છેતરી લાખોની રકમ બનાવી હતી. આવા કિસ્સાઓથી સાવધાન!
તમે જો
કોઈ વસ્તુ ખરીદી રહ્યાં હોવ ત્યારે પણ બારીકાઈથી ચકાસણી કર્યાં બાદ જ વસ્તુ લેવી.બધાં જ ખરાબ નથી હોતાં. તમને સારી વસ્તુ જેન્યુઈન વેચાણકાર પાસેથી સારા ભાવે મળી પણ જાય. છતાં ચેતતો નર સદા સુખી!
એક આડવાત તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે : જો તમે વિચારતા હોવ કે જૂની વસ્તુઓની લે-વેચ કરાવતી આ વેબસાઈટને શો ફાયદો
કારણ એ પોતે તો બંને માંથી કોઈ પક્ષ પાસેથી એક પણ પૈસો લેતી નથી? તેઓ કઈ રીતે પૈસા કમાતા હશે? તો જવાબ છે ગૂગલનાં એડ-સેન્સ જેવા પ્રોગ્રામ દ્વારા.એટલે કે ગૂગલની એડ્સ આ વેબસાઈટ પર પણ જોવા મળે છે એ જેટલા વધુ ગ્રાહકો ક્લિક કરે એટલો આ વેબસાઈટ્સને ફાયદો.બીજું તેઓ મફત એડ સાથે તમારી વસ્તુ જલ્દી વેચાય એ માટે પ્રિમિયમ ફી ચૂકવી વેચવાની સુવિધા પણ આપે છે તેના દ્વારા તેઓ થોડું ઘણું કમાઈ લે છે તેમજ નાનામોટા બિઝનેસ પણ આવી વેબસાઈટ્સ પર લિસ્ટીંગ દ્વારા લીડ મેળવી તેમને આવક કરાવે છે. જો કે આ બધી બાબતો સાથે વસ્તુઓની લે-વેચ કરનાર ખરીદદાર કે વેચાણકારને કોઈ ફરક પડતો નથી.
વસ્તુ જલ્દી અને સરળતાથી વેચવા કેટલીક ટીપ્સ યાદ રાખો: સારી અને જેન્યુઈન વસ્તુ જ વેચવા કાઢો. તેના બને એટલા વધુ ફોટા એડમાં મૂકો. વાસ્તવિક ભાવ દર્શાવો. વેચવાની વસ્તુનું બને એટલું સ્પષ્ટ વર્ણન કરો. રસ દાખવનાર ગ્રાહક સાથે સ્પષ્ટ વાત કરી તેને પારખો, રૂબરૂ મળો અને જુઓ મોડી વહેલી તમારી વસ્તુ ચોક્કસ વેચાઈ જશે! મેં અત્યાર સુધી આ પ્લેટફોર્મનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ સાધનો અને કાર વેચવાજ કર્યો છે જે ત્યાં સૌથી વધુ વેચાય છે છતાં અન્ય પ્રકારની ઉપયોગી પણ તમે ન વાપરતા હોવ તેવી વસ્તુઓ વેચવાનો પ્રયોગ તો તમે ચોક્કસ કરી જ શકો,એમાં કંઈ ગુમાવવાનું નથી.
ઘરમાં પડેલો વપરાશમાં ન હોય એવી વસ્તુઓને ઢગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નકારાત્મક ઉર્જા આકર્ષે છે એ તો ખરૂં જ પણ તેમાં મચ્છર જેવા જીવો પણ ખુબ સારી રીતે પાંગરી ડેન્ગ્યુ જેવી વ્યાધિઓ ફેલાવે છે. તો એથી બચવા આ દિવાળી પહેલા તમારા માટે બિનજરૂરી એવી આ વસ્તુઓ કાઢો,તેનાં બે-ચાર ફોટા પાડો અને તે
OLX જેવી વેબસાઈટ પર અપલોડ કરી તેને વેચી કાઢો અને પૈસા તો કમાઓ જ સાથે તમારા ઘરને પણ ચોખ્ખું-ચણાક કરી નાંખો!
છેલ્લે એક
ખાસ વાત.આ બ્લોગ વાંચી મને પર કઈ રીતે વસ્તુ વેચવી એવા પ્રશ્નો સાથે ફોન ન કરવા વિનંતી.આવી વેબસાઈટ્સ પર રજીસ્ટ્રેશન અતિ સરળ હોય છે તેની વિગતો ત્યાં જ ચકાસી લેવા વિનંતી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો