Translate

Sunday, October 11, 2015

અનામતની રામાયણ


છેલ્લા  ઘણાં  દિવસોથી બાવીસેક વર્ષનાં એક છોકરડાએ આપણાં ગુજરાત રાજ્યને  ઘમરોળી નાખ્યું છે. હાલનાં આપણાં પ્રધાનમંત્રી શ્રી  નરેન્દ્ર મોદીએ દસેક વર્ષના તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન  જેની શકલ વિકાસ દ્વારા બદલી નાખી હતી એવું આપણું પોતીકું ગુજરાત ખોટાં કારણોસર  હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે જેની અસર માત્ર દેશ પૂરતી સિમીત રહેતા વિદેશ સુધી પહોંચવા પામી છે. મુદ્દો છે અનામતનો.

એક બાજુ પ્રધાનમંત્રી એક પછી એક નવા નવા દેશોની મુલાકાત લઈ રહ્યા છે જેથી આપણાં દેશના વિકાસની ગાડી આંતરરાષ્ટ્રીય ફલકના પાટે પૂર ઝડપે દોડતી થઈ શકે અને  બીજી તરફ એક લબરમૂછીયો જુવાન માત્ર ગુજરાતને નહિ પણ સમગ્ર દેશને અનામત આંદોલનને નામે પોતાના અંગત સ્વાર્થ નો રોટલો શેકી અધોગતિ તરફ દોરી રહ્યો છે.

અનામત શા માટે અને કયા ધોરણે હોવી જોઇએ? દાયકાઓ પહેલા જ્યારે લોકો જાતપાતમાં માનતા અને સમાજના નીચલા ગણાતા વર્ગનું શોષણ થતું ત્યારે તેમાંના પછાત પણ  લાયક લોકો પણ નોકરી કે શિક્ષણના લાભની તક ચૂકી જાય હેતુથી અનામતની પ્રથા લાગુ કરાઇ હતી પણ આપણે સદીઓ જૂની પ્રથાઓને સાચો તર્ક જાણ્યા વિના અનુસરવા ટેવાયેલી પ્રજા છીએ. બ્રિટીશ કાળના કેટલાયે કાયદાઓ આજે પણ હજી તેમાં આજના સમયને અનુસરતા સુધારાવધારા કર્યા વગર પાલનમાં છે એ આ વાતનો પુરાવો છે. પ્રથા અને કાયદાઓના આવા આંધળા અનુસરણનો લાભ લઈને હાર્દિક પટેલ જેવાઓ તેમને હથિયાર બનાવી પોતાના અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે અને એમ કરતાં લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે આશ્ચર્ય સાથે મોટા દુઃખની વાત છે.

આજે દુનિયા ક્યાંની ક્યાં આગળ વધી રહી છે.આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,અધર બેકવર્ડ ક્લાસ અને આવા કંઈ કેટલાય વર્ગોમાં લોકોને વહેંચવાની જરૂર ખરી? વિચરતી જાતિ, વણઝારા વગેરે વર્ગના લોકો હોય જેમનું રહેવાનું કાયમી કોઇ એક ઠેકાણું હોય કે પછી કોઇ અતિ ગરીબ વ્યક્તિ અનામત માગે તો કદાચ નવાઇ લાગે પણ જે જાતિના સૌથી વધુ ભારતીય લોકો કદાચ વિદેશની ભૂમિ પર વસવાટ કરે છે પટેલ જ્ઞાતિના લોકો અનામત માટે આખા દેશને માથે લે વાત માન્યા માં આવે એવી છે. પટેલ જ્ઞાતિ મહાપુરુષ સરદાર વલ્લભભાઈ જેવા ભડવીર લોકોની જાતિ છે.સ્વાશ્રયી અને મહેનતુ તેમજ ખેતી કે ધંધા માટે અન્યો પર આધાર રાખનાર ખમીરવંતી કોમને કઇ રીતે અચાનક અનામતની જરૂર જણાવા માંડી?આટલા બધાં લોકોને એક સાથે કોઇ કઈ રીતે ગુમરાહ કરી શકે? પણ આવા શરમજનક ઉદ્દેશ્ માટે સરદાર પટેલનાં નામનો પણ દુરુપયોગ કરીને!

આપણાં દેશનાં મોટા ભાગનાં લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે હકીકત ધ્યાનમાં લઇ શિક્ષણ ક્ષેત્રે,સરકારી નોકરીઓમાં કે જો તેમનાં માલિકોને મંજૂર હોય તો ખાનગી નોકરીઓમાં  અનામત રાખવી જ હોય તો એ માટેની એક માત્ર પાત્રતા હોવી જોઇએ વ્યક્તિની આર્થિક સ્થિતી અને નહિ કે તેની જાત-પાત-ધર્મ-વંશ કે વર્ગ. આજે હજારો લોકો અનામતનો દુરુપયોગ કરી લાયકાત વગર શિક્ષણ ક્ષેત્રે ટોચની શિક્ષણસંસ્થામાં કે જે તે  જગાએ સરકારી નોકરી મેળવે છે.પરીણામે અન્ય લાયક ઉમેદવાર અથાગ મહેનત કરી તેની લાયકાત છતાં એ સીટ કે પદથી વંચિત રહી જાય છે અને અનામતનો લાભ મેળવી એ સીટ કે પદ મેળવવામાં સફળ રહેલી વ્યક્તિ અભ્યાસ કે નોકરીમાં સફળતા મેળવી શકતી નથી અને કદાચ એ સફળતા મેળવી પણ લે તો તેની ગુણવત્તા નબળી પુરવાર  થાય છે.  આમાં નુકસાન સમગ્ર દેશનું છે. શિક્ષણ કે નોકરીમાં પસંદગી માત્ર અને માત્ર ગુણવત્તા અને લાયકાતને આધારે જ થવી જોઇએ.પછાત વર્ગનો વિદ્યાર્થી કે ઉમેદવાર પણ લાયક હોય અને ગરીબ હોય તો આર્થિક ધોરણને ધ્યાનમાં લઈને નિયત કરેલી અનામત તેને તકથી વંચિત રાખશે નહિ.   

જાતિ,  ધર્મ કે વર્ગને આધારે લાગુ કરાતી અનામતને દરેક ક્ષેત્રે સંપૂર્ણ રીતે નાબૂદ કરાવી જોઇએ તો આપણે ઝડપી,સાચો વિકાસ સાધી સફળ અને સબળ રાષ્ટ્ર બની શકીશું.

2 comments:

 1. 'બ્લોગને ઝરૂખેથી...' કટાર માં અનામત વિષેનો લેખ ખરેખર અસરકારક રહ્યો. સત્તાભૂખ્યા અને પૈસાભૂખ્યા નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા કઈ હદ સુધી જઈ શકે તેનો સચોટ દાખલો અનામત છે.
  ભારતીય બંધારણ દરેક નાગરિકને એકસમાન તકો અને અધિકારો આપે છે. અનામત દ્વારા બંધારણની આ જોગવાઈના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. અને લોકો આવા લેભાગુ નેતાઓની જાળમાં ફસાઈ જાય છે. દેશનો સામાન્ય નાગરિક આવવા છળને ક્યારે સમજશે?
  - જયસિંહ સંપટ

  ReplyDelete
 2. અનામત એટલે હરીફાઈ અને સંઘર્ષનો અભાવ. મનુષ્યના સત્વનું ઉજાગર કરનાર તત્વ. આ તત્વના અભાવે કોઈ કોમ વિકાસ ના સાધી શકે. 65 વર્ષ પછી પણ જો એ અનામત નીતિ પછાત વર્ગોનું પછાતપણું દુર ના કરી શકે અને ફક્ત રાજકારણીઓને ચરી ખાવાનું મેદાન બનતુ હોય તો એ નીતિ શીઘ્ર ફગાવી દેવા લાયક છે.
  - રમણ પરીખ.

  ReplyDelete