- અજય દેસાઈ
બધા જ દેશોમાં
સાપ વિશે અન્ધશ્રદ્ધાઓ, માન્યતાઓ–ગેરસમજો
પ્રવર્તે છે. એટલું જ
નહીં, આવી માન્યતાઓ, ગેરસમજોને
લઈને તેઓ સાપને મનુષ્યજાતિનો
મોટો દુશ્મન માને છે
અને તેને જોતાંવેંત મારી
નાંખવાનું ઝનુન રાખે છે.
સાપ વિશે લોકોને તમે
ગમે તેટલું સમજાવો, સચોટતાથી,
સંપૂર્ણ વૈજ્ઞાનિક તથ્યોસભર જાણકારી આપો, પ્રત્યક્ષ અનુભવો
કરાવો; છતાં તેઓ તમારી
અમુક બાબતો સ્વીકારતા નથી.
આ અંગે સાચી માહિતી
આપતાં પુસ્તકો, ફીલ્મ શૉ, વ્યાખ્યાનો,
ટીવી કાર્યક્રમો વગેરે મહત્વનો ભાગ
ભજવી શકે છે. હજારો
વર્ષો જુના આપણા ધર્મગ્રંથોથી
લઈ આજપર્યન્તના સાહિત્યમાં, અરે ! આપણી ફીલ્મો,
ટીવી સીરીયલો, ટીવી સમાચારો વગેરે
પણ આવી દન્તકથાઓને અને
ખોટી માહિતીઓ ફેલાવવાનાં પ્રબળ માધ્યમો છે.
અત્રે આપણે આપણા દેશ
અને વિદેશમાં સાપ વિશેની કેવી
માન્યતાઓ પ્રવર્તે છે તે જાણીશું
અને તેને ચોક્કસાઈભરી માહિતી
દ્વારા ખંડીત કરીશું.
1. સાપ
દુનિયામાં બધે જ જોવા
મળે છે :
આ
વાત સાચી નથી. સાપ
ઠંડા લોહીવાળા જીવ છે. તેથી
તેઓ સહ્ય વાતાવરણમાં જ
રહી શકે છે. બારેમાસ
બરફથી ઢંકાયેલી
રહેતી જમીન હોય તેવા
પ્રદેશોમાં સાપ નથી રહી
શકતા. જેમ કે ઉત્તર
અને દક્ષિણ ધ્રુવ, આયર્લેન્ડ
વગેરે ઉત્તર ધ્રુવના કેન્દ્રથી
200 કી.મી. સુધીના પ્રદેશોમાં
સાપ નથી જોવા મળતા.
બાકી દુનિયાના બધા વિસ્તારમાં ઓછાવત્તા
પ્રમાણમાં સાપ જોવા મળે
છે.
2. દુનિયામાં
સાપની સંખ્યા ખૂબ જ
છે – સાપ અસંખ્ય છે
:
આ
માન્યતા પાયાવિહીન છે. આપણે ઉપર
જોયું તેમ વિશ્વના અનેક
પ્રદેશોમાં તો સાપ છે
જ નહીં; ક્યાંક જૂજ
છે. દુનિયામાં અત્યાર સુધી અંદાજે
2900 જેટલી
જાતીના સાપ નોંધાયા છે.
તે જ બતાવે છે
કે સાપ અસંખ્ય નથી.
3. બધા
જ સાપ ઝેરી છે
:
વાસ્તવમાં
દુનિયાભરમાં જે 2900 જેટલી જાતિના સાપ
નોંધાયા છે તે પૈકી
લગભગ 400 જેટલા સાપ ઝેરી
છે. આ પૈકી પણ
ફક્ત 50 ટકા જેટલા સાપનું
ઝેર જ આપણા મનુષ્યો
માટે ઘાતક છે. ગુજરાતમાં
57 પૈકી ફક્ત 4 સાપનું ઝેર
જ આપણા મનુષ્યો માટે
ઘાતક છે.
4. સાપ
હવામાંથી આવતા અવાજને સાંભળી
નથી શકતા :
આપણે
જ્યારે મદારીની બીન ઉપર સાપને
આમથી તેમ ડોલતો જોઈએ
છીએ ત્યારે આપણને થાય
છે કે, સાપ બીનના
અવાજના તરંગોથી પ્રેરાઈને ડોલે છે; પરંતુ
હકીકતમાં સાપને બાહ્ય કાન છે
જ નહીં. અરે, કાનની
જગ્યાએ કાણું પણ નથી.
એટલે હવામાંથી આવતા સીધા અવાજો,
કાન મારફતે નથી સાંભળી
શકતો. આના વિકલ્પમાં કુદરતે
તેને વિશિષ્ટ શક્તિ આપી છે.
હવામાંથી આવતા અવાજના તરંગો,
તેની લપકારા મારતી જીભ
ઉપર સંગ્રહાય છે અને પછી
આ જીભ તેના મોંની
અંદર ઉપરના તાળવામાં આવેલા
જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે. આ ઓર્ગનની
વિશ્લેષક ગ્રંથીઓ અવાજનું વિશ્લેષણ કરે છે અને
સંદેશો મગજમાં પહોંચાડે છે.
એટલે સાપ હવામાંથી આવતા
અવાજો સાંભળતો નથી; પણ અનુભવે
છે, એમ કહેવું વધુ
યોગ્ય છે. જ્યારે જમીન
ઉપરથી આવતા અવાજને ખુબ
જ સંવેદનશીલ રીતે તે અનુભવી
શકે છે. જમીન ઉપરના
અવાજો, પેટાળની ચામડીનાં ભીંગડાંઓ ઉપરથી અનુભવી શકે
છે. વળી તેની નીચેના
જડબાં ઉપર પણ હવામાંથી
આવતા અવાજના તરંગો, ઝીલીને
અંદરના કાનના હાડકાં સુધી
પહોંચાડે છે અને સાંભળે
છે.
5. ધામણ
(Rat Snake) જો ભેંસના પગ વચ્ચેથી
પસાર થાય તો, ભેંસ
મરી જાય છે :
કોઈ
આકસ્મિક સંજોગોમાં ભેંસ સાપના ભયથી
ડરીને મરી ગઈ હોય
તો જ આવું બન્યું
હોઈ શકે. અમે આ
માન્યતાને ખંડીત કરવા ઘણી
બધી જગ્યાઓએ ભેંસના પગ વચ્ચેથી
ધામણ પસાર કરી છે,
કશું જ થયું નથી.
એક બાબત તો વિચારો
કે કોઈ પણ જાતના
સ્પર્શ, આક્રમણ કે દંશ
વગર કોઈ પણ જાનવર
કેવી રીતે નુકસાન પહોંચાડી
શકે ? વળી, ધામણ તો
બીનઝેરી સાપ છે !
6. ગાયનાં
આંચળમાંથી ધામણ તેનાં મોં
દ્વારા દુધ પીએ છે
:
ધામણ
તો શું કોઈપણ સાપના
દાંત, બન્ને જડબાં ઉપર
અન્દરની બાજુએ વળેલા, ને
ખુબ જ તીક્ષ્ણ હોય
છે. આથી સાપ ગાયના
આંચળમાંથી દુધ ખેંચવા આંચળ
મોમાં લે, તો ગાયનાં
આંચળને નુકસાન જ થાય.
વળી, સાપને સ્વાદેન્દ્રીય જ
નથી, તેથી સાપ દુધ
અને પાણીનો તફાવત પારખી
શકતા નથી. વળી, ધામણ
નાગની જેમ અધ્ધર રહી
શકતી નથી. આથી તેના
માટે ગાયના આંચળ સુધી
પહોંચવું શક્ય નથી. બધા
જ સાપ માંસાહારી છે,
તેને દુધના સ્વાદ સાથે
લેવાદેવા નથી, સાપ માટે
દુધ ખોરાક તરીકે સ્વીકાર્ય
જ નથી.
7. સાપ
ઉડી શકે છે :
ખરેખર
તો કોઈ સાપ ઉડી
નથી શકતા. આપણે જેને
ઉડતા સાપ કહીએ છીએ
તે તો હવામાં ફક્ત
સરકે (glide) છે. તે પણ
એક ઉંચી ડાળથી નીચેની
ડાળ ઉપર કે ઝાડ
ઉપરથી જમીન ઉપર અથવા
એક ઉંચા ઝાડ ઉપરથી
બીજા નીચા ઝાડ ઉપર
સરકે છે. જમીન ઉપરથી
તો કોઈ પણ સાપ
ઝાડ ઉપર નથી ઉડી
શકતા, એટલે કે કોઈ
પણ સાપ પક્ષીની જેમ
ઉડી શકતા નથી.
8. નાગ
મદારીની બીન સાંભળી ડોલે
છે :
નાગને
તો શું દુનિયાના કોઈ
પણ સાપને કાન નથી
હોતા. હકીકતમાં તમે નાગ સમક્ષ
બીન નહીં; પણ બીનને
બદલે લાકડી પણ આમથી
તેમ કરો તો નાગ,
લાકડી જે બાજુએ લઈ
જાઓ તે બાજુએ સ્વરક્ષણ
માટે ફર્યા કરે છે.
એટલે જે બાજુ લાકડી
જાય તે બાજુ નાગ
ફરે છે. આજ પછી
તમે જ્યારે પણ મદારીને
બીન વગાડતા જુઓ ત્યારે
એટલું જરુર નોંધજો કે
મદારી સ્થિર રહીને બીન
નહીં વગાડે, બીન વગાડતી
વખતે તે બીનને આમથી
તેમ ફેરવે છે.
9. કેટલાક
સાપ બે મોંવાળા હોય
છે :
ખરેખર
તો આવા બે મોંવાળા
કહેવાતા સાપ કુદરતની વિકૃતતા
જ છે. ઘણી વાર
મનુષ્યોમાં કે અન્ય જીવોમાં
પણ આ રીતે બે
મોંવાળા જીવ જન્મતા હોય
છે. તે ફાંટાબાજ કુદરતની
કમાલ જ હોય છે.
સાપમાં પણ ક્વચિત્ આવા
બે મોંવાળા સાપ જન્મતા હોય
છે; પરંતુ કુદરતી રીતે
તેમનો વિકાસ થતો નથી.
લાંબુ જીવતા નથી. અકાળે
મૃત્યુ પામતા હોય છે.
ઘણી વાર દમોઈને (Red Sand Boa) પણ બે
મોંવાળા સાપ તરીકે લોકો
ઓળખે છે; પરંતુ આપણે
જાણીએ છીએ કે તેને
પણ એક જ મોં
હોય છે. પૂંછડીનો ભાગ
મોં જેવો જણાતો હોય
છે.
10. નાગના
માથા પર મણી હોય
છે :
નાગના
માથા પર મણી હોય
તો દોસ્તો, મારા જેવા કૈંક
લોકો કે જેઓ સાપ–નાગ પકડતા હોય છે,
તેઓ અબજોપતી હોત અને ઈરુલા
જાતિના આદીવાસીઓ કે જેઓનો ધંધો
જ સાપ પકડવાનો છે,
તેઓ પણ અબજોપતી હોત.
ક્યાંક તો મણીવાળો નાગ
મળે જ ને ? હકીકતમાં
નાગને માથે કે અન્ય
ક્યાંય મણી નથી હોતો.
કુદરતે કોઈ પણ જીવને
વધારાની વસ્તુ આપી નથી.
નાગને મણીની ઉપયોગીતા શી
હોઈ શકે ? ઘણા તો
કહે છે, નાગ મણીના
પ્રકાશમાં રાત્રીના શિકાર કરે છે.
આવા સમયે માથા પરથી
મણી ઉતારે છે અને
શિકાર થયા બાદ પાછો
મણી માથા પર મુકી
દે છે ! જાણે નાગને
માથા ઉપરથી મણી ઉતારવા
અને પાછો મુકવા માટે
બે હાથ ન હોય
? વળી, મણી માથા ઉપર
ચોંટાડે શાનાથી ? ખરેખર તો નાગ
કે અન્ય કોઈ પણ
સાપને શિકાર કરવા માટે
પ્રકાશની જરુરીયાત જ નથી હોતી.
ગમે તેવા અંધકારમાં શિકારની
ગરમીથી જ શિકારને પકડી
શકે છે.
11. સાપ
100 ફુટથી વધુ લાંબા હોય
છે :
આ
પણ ખુબ જ ગેરસમજ
ભરી માન્યતા છે. પૃથ્વી ઉપર
સાપ જ્યારથી ઉદ્ભવ્યા છે ત્યારથી આજ
સુધી કોઈ પણ સાપ
આટલા લાંબા નથી નોંધાયા.
જે અશ્મિ–અવશેષો પણ મળ્યાં
છે તે બતાવે છે
કે 43 ફુટથી મોટો કોઈ
સાપ આ પૃથ્વી ઉપર
થયો નથી. બાકી હાલ
તો પૃથ્વી ઉપર જાળીદાર
અજગર (Reticulated
Python)નો 33 ફુટની લંબાઈનો રેકૉર્ડ
છે.
12. સાપ
દંશતો નથી; પણ કરડીને
ઝેર ઠાલવે છે :
ઘણાના
મનમાં એવું છે કે
સાપ દાંતથી નહીં પણ;
બચકાં સ્વરુપે કરડીને ઝેર ઠાલવે
છે. ખરેખર તો સાપના
મોંમા કે જીભમાં કે
જડબા ઉપર આવેલા અસંખ્ય
ઝીણા અંદરની તરફ વળેલા
દાંતોમાં, કયાંય ઝેર હોતું
નથી. સાપનું ઝેર તો
તેની આંખો પાછળ માથામાં
ઉપરથી આવેલ બે વિષગ્રંથીમાં
ઉત્પન્ન થાય છે. ઝેર
ક્યાંય ગળે–ઢળે નહીં તેમ
ઉપરના જડબામાં આગળથી આવેલા બે
વિષદંતમાં તે ઠલવાય છે
અને ત્યાંથી શિકારના શરીરમાં ઠલવાય છે. સાપ
આ બે વિષદંત દ્વારા
જ દંશે છે અને
ઝેર ઠાલવે છે. બીનઝેરી
સાપ બચકાં સ્વરુપમાં કરડે
છે જરુર; પરંતુ તે
ઝેર ઉત્પન્ન નથી
કરી શકતો, આથી ઝેર
ઠાલવવાનો સવાલ જ નથી
ઉદ્ ભવતો.
13. ઘણા
સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા
હોય છે અને આવા
સાપને મુંછો હોય છે
:
કોઈ
પણ સાપનું આયુષ્ય 12 થી
15 વર્ષની સરેરાશથી વધુ હોતું નથી.
તેથી 100 વર્ષની વાત કપોળકલ્પિત
છે. સાપ બંધન અવસ્થામાં
વધુ જીવ્યાની નોંધ જરુર છે;
પરંતુ તે પણ 40 વર્ષ
3 મહીના 14 દીવસ જીવ્યાનું નોંધાયું
છે. આ નોંધ ફીલાડેલ્ફીયાના
ઝુમાં રહેલ આ બોઆ
કન્સ્ટ્રીક્ટરની છે. કુદરતી અવસ્થામાં
તો તે ઓછું જ
જીવતા હોય છે. જ્યારે
સાપને મુંછો તો શું
કોઈ પણ જાતના વાળ
કે રુંવાટી નથી હોતી. એક
મદારી પાસે નાગ હતો.
તેને મુછો હતી. અમે
મદારીને પકડ્યો, ખુબ ધમકાવ્યો ત્યારે
તેણે કબુલ્યું કે આ નાગ
તેની પાસે 6 વર્ષથી છે.
100 વર્ષની વાત ખોટી છે
તથા તેની જે મુંછો
છે તે તો તાર
પરોવીને, તેની આંખો પાછળથી
આરપાર પસાર કરીને, તેમાં
ઘોડાની પૂંછડીના વાળ પરોવીને બનાવેલી
છે. કેવી ક્રૂરતા !!!
14. સાપનું
ઝેર, તેના લોહીમાં રહેલું
હોય છે :
સાચી
વાત તો એ છે
કે ઝેરી સાપનું ઝેર
તેની વિષગ્રંથીઓમાં જ ઉત્પન્ન થાય
છે અને ત્યાં જ
સંગ્રહાયેલું રહે છે. આ
વિષતંત્રની રચના એ રીતની
હોય છે કે ક્યાંયથી
ગળ્યા–ઢળ્યા વગર સીધું
જ તે ઝેર, દંશતા
દાંત દ્વારા શિકારના શરીરમાં
ઠલવાય છે. એટલે સાપના
લોહીમાં ઝેર ક્યાંયથી ભળતું
નથી–હોતું નથી. જો
તેના લોહીમાં ઝેર હોય તો
દુનિયામાં અસંખ્ય લોકો સાપને
ખોરાક તરીકે ભક્ષ્ય બનાવે
છે તેમનું શું થાય
?
15. સાપ
વશીકરણ કરે છે :
સાપની
બન્ને આંખો ઉપર, આપણાં
પોપચાંની જેમ ખુલ્લાં, બંધ
થઈ શકતાં પોપચાં હોતાં
નથી. તેના બદલે પારદર્શક
આવરણ હોય છે. આ
આવરણમાંથી આંખો સ્થીર અને
એકીટશે દેખતી હોય એવું
લાગે છે. વળી સાપ
આપણી જેમ તેમની આંખોનાં
નેત્રગોલક(ડોળા) ફેરવી નથી
શકતા. તેની આંખો પલકારા
પણ નથી મારી શકતી.
આથી તે સતત આપણી
સામે જોતા હોય તેવું
લાગે છે. આને લઈને
સાપ વશીકરણ કરતા હોય
તેવું લાગે છે !
16. ઝેરી
સાપ દંશ માર્યા બાદ,
જ્યાં સુધી મોં ઉંધું
નથી કરતો, ત્યાં સુધી
વિષ નથી ઠાલવી શકતો,
અને સાપ ગૂંચળું વળીને જ કરડે
છે :
આ
બન્ને બાબતો ખોટી છે,
પ્રથમ જોઈએ તો, ઝેરી
સાપના વિષદંશના દાંત ઉપરના જડબામાં
ઉપરના હોઠ નીચેના ભાગમાં
આવેલા છે. સાપ જ્યારે
કરડે છે ત્યારે આ
દાંતથી શિકારને દંશે છે અને
ખુબ જ તીવ્રતાથી તેના
આ દાંતની સાથે જ
જોડાયેલી વિષગ્રંથીમાંથી વિષ ઠાલવે છે.
આ સમયે, સાપ ઉંધો
થાય તો જ વિષ
નીકળે તેવું નથી. ઘણા
સંજોગોમાં દંશ વાગી જાય;
પરંતુ વિષ ઠાલવવાની અનુકુળતા
ન થઈ હોય તો
શિકારના શરીરમાં વિષ ઠલવાતું હોતું
નથી. સાપ ઉંધો–ચત્તો હોય, લટકતો
હોય કે ગમે તે
સ્થીતીમાં હોય, તે દંશી
શકે છે અને વિષ
ઠાલવી શકે છે. વળી,
આ માટે ગૂંચળું વળીને
દંશવું પણ ફરજીયાત નથી
હોતું, હા, ક્યારેક સાપ
ગૂંચળું વળીને ફુંફાડા જરુર
મારતા હોય છે. દા.ત. ખડચીતળ, ફુરસા
વગેરે. ક્વચીત ખડચીતળના દંશમાં
આવું બની શકે ખરું;
કારણ કે તેના વિષદંત
લાંબા અને વધુ વળાંકવાળા
હોય છે. શિકાર કે
મનુષ્યને તે દંશે ત્યારે
આ દાંત ખાસ્સા ઉંડા
જાય છે અને પાછા
નીકળવામાં ક્યારેક અટવાઈ પડે છે
અને આ માટે તેને
ક્યારેક દાંત ત્વરીતતાથી બહાર
ખેંચવા માટે મોં ઉંધું
કરવું પડતું હોય છે.
17. સાપની
સતત લપકારા મારતી જીભ
(કે જેને ઘણા ફેંગ
પણ કહે છે), દ્વારા
સાપ કરડે છે :
વાસ્તવમાં
સાપની આ સતત લપકારા
મારતી જીભનું કામ હવામાંના
તરંગો, ગંધને જીભ ઉપર
સંગ્રહીને તેને જેકબસન ઓર્ગન
સુધી પહોંચાડવાનું હોય છે, જ્યાં
તેનું વિશ્લેષણ થાય છે. એટલે
જીભનું કામ અવાજ અને
ગંધ પારખવામાં મદદરુપ થવાનું છે.
સાપની જીભ ખુબ જ
મુલાયમ અને આગળના ભાગેથી
બે ભાગમાં વહેંચાયેલી હોય
છે, તેથી તે દ્વારા
તે કરડી તો શું;
પણ લસરકો પણ ન
પાડી શકે. સાપના વિષ
દંશતા દાંત તો આગળ
જોયું તેમ ઉપરના જડબામાં
હોઠ નીચે આવેલા હોય
છે.
18. સાપને
મારી નાંખો તો, નરને
મારતા માદા અને માદાને
મારી નાંખતા નર, બદલો
લે છે :
આ
માન્યતા ઘણા દાખલા દલીલો
સાથે રજુ કરાય છે.
હકીકતમાં સાપમાં કૌટુંબિક ભાવના
જ નથી હોતી. હા,
આવું એક જ સંજોગોમાં
બની શકે છે. તે
પણ કુટુંબ ભાવનાથી પ્રેરાઈને
નહીં; પરંતુ અકસ્માતથી જ
બની શકે છે. જ્યારે
સાપ સંવનન ઋતુમાં હોય
છે, ત્યારે તેઓ એકબીજાને
આકર્ષવા માટે પોતાના અવસારણી
માર્ગમાંથી ખાસ પ્રકારની ગંધ-દુર્ગંધ
મારતા પ્રવાહીનો સ્રાવ કરે છે.
હવે આવા દીવસોમાં જો
તમે સાપને મારો તો,
મારતી વખતે આ પ્રવાહી
તમારાં કપડાં, બુટ કે
લાકડી ઉપર લાગે અને
તમે એ પ્રવાહી લાગેલી
વસ્તુ સાફ ન કરો
તો નજીકમાં ફરતો એ જાતીનો
બીજો સાપ એ ગંધથી
આકર્ષાઈને આવે એટલું જ
! વળી તે સાપ ઝેરી
અથવા બીનઝેરી પણ હોઈ શકે
છે; પરંતુ આવું પણ
થવાની સંભાવના ખુબ જ જૂજ
રહે છે.
19. સાપની
કાંચળી તીજોરીમાં રાખવાથી લક્ષ્મી (પૈસો) ઘરમાં આવે
છે :
સાપની
કાંચળી ઘરમાં સંગ્રહી રાખવાથી
ઉલટાનું આવી કાંચળી ઉપર
લાગેલા સ્રાવની ગન્ધથી આકર્ષાઈને બીજો
સાપ આવી ચઢે તો,
હસવામાંથી ખસવું થઈ જાય.
આ તો તદ્દન કપોળક
લ્પિત માન્યતા છે. માટે સાપની
કાંચળી ઘરમાં સંગ્રહી રાખવી
હિતાવહ નથી.
20. નોળીયો,
ભુંડ, મગર કે અન્ય
શિકારી પક્ષીઓને સાપના વિષની અસર
થતી નથી :
ખરેખર
તો કોઈપણ પ્રાણી, પક્ષી
તો શું ખુદ સાપ
પણ તેના પોતાના વિષની
અસરમાંથી બાકાત નથી રહી
શકતો. સાપનું વિષ કોઈના
પણ લોહીમાં ભળે તો તેની
અસરો થાય છે જ.
21. સાપ
ખજાનાની ચોકી કરે છે
:
સાપ
આવી અનેક મનઘડંત માન્યતાઓથી
ઘેરાયેલા છે. સાપ તેની
રહેવાની ખાસિયતો મુજબ ઉંડા દરો,
ઉધઈના રાફડાઓ, જુના અવાવરુ મંદિરો
તથા મકાનો વગેરેમાં રહે
છે. જોગાનુજોગ કોઈક વાર આવી
અવાવરુ જગ્યામાંથી કોઈને કાંઈક મળ્યું
હોય કે જ્યાં સાપ
રહેતો હોય. અગાઉના જમાનામાં
લોકો જમીનની અંદર કે
મકાનની નીચે ભોંયરાઓમાં, પોતાની
પાસેનું સોનું, ચાંદી, ઝવેરાત
સાચવવા દાટતા હતા કે
છુપાવતા હતા. ક્યારેક તેને
દાટનાર આકસ્મિક મરી જાય ત્યારે
તે વર્ષોવર્ષ દટાયેલું રહે છે. ઉપરોક્ત
વાત મુજબ આવી જગ્યાના
પોલાણમાં સાપે દર કર્યો
હોય ને સાચે જ
કોઈને તે ધન મળ્યું
હોય તો એ તો
‘કાગનું બેસવું ને તાડનું
પડવું’ જેવું બન્યું ગણાય.
આ માન્યતા બંધાવા પાછળ આવું
કારણ હોઈ શકે. ખરેખર
તો સાપને સોનું, ચાંદી
કે રુપીયા શું કે
પથ્થરો શું, બધું જ
સરખું તથા બીનઉપયોગી છે.
વળી તેનું મગજ પણ
વિકસીત હોતું નથી, તો
આ બધું સાચવવાની પ્રેરણા
તેને કોણ આપે ? તેને
સમજ કોણ આપે ? તે
સાચવે તો પણ કોના
માટે ? વળી, સાપ કેટલાં
વર્ષો માટે સાચવે ? મહત્તમ
20 વર્ષ સુધી જ ને
? ત્યાર પછી શું ?
22. કેટલાક
સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની
જાય છે અને સગર્ભા
સ્ત્રીનું વીકસી રહેલું બાળક
મૃત્યુ પામે છે :
ખરેખર
તો એક બાબત સીધી
દીવા જેવી છે કે
સાપનો પડછાયો આપણા ઉપર
ક્યારે પડે – કેવી રીતે
પડી શકે ? સાપ આપણાથી
ઉપરની બાજુએ હોય તો
જ ને ! અને તે
પણ આપણા શરીરના કેટલા
ભાગ પર પડે ? વળી
પડછાયો આપણા શરીર ઉપર
પડે તો એ પડછાયા
થકી આપણા શરીરમાં શી
પ્રક્રીયા થાય કે આપણને
શું નુકસાન થાય ? ખરેખર
આ તદ્દન ખોટું છે.
23. સાપ
વર્ષો સુધી ભુખ્યો કે
ખાધાપીધા વગર રહી શકે
છે :
કોઈ
પણ સાપ હોય, તેને
તેનું જીવન–અસ્તીત્વ ટકાવી રાખવા, વૃદ્ધીનો
ક્રમ જાળવી રાખવા ઓછા–વત્તા
ખોરાકની આવશ્યક્તા રહે છે જ.
સામાન્યત: અનુભવથી અને અભ્યાસ દ્વારા
એવું ફલીત થયું છે
કે સાપ ભૂગર્ભાવસ્થા દરમ્યાન
દીવસો સુધી તેની આવશ્યક્તાઓ
ન્યૂનતમ કરી સંગ્રહાયેલી ચરબી
ઉપર નિર્ભર રહી 3–4 મહીના
જીવી શકે છે. દુનિયાનો
મહત્તમ રેકૉર્ડ બે વર્ષ અને
નવ મહીનાનો પેરીસ ઝુમાં રહેલા
ભારતીય અજગર(Indian Python)નો છે. જ્યારે
મદ્રાસ સ્નેક પાર્કનો રેકૉર્ડ
બે વર્ષનો છે.
24. સાપ
આક્રમણખોર હોય છે અને
પાછળ દોડીને દંશે છે
:
સાપ
કારણ વગર ક્યારેય કોઈને
દંશતો નથી, તેનો આળસુ
સ્વભાવ તેને શાંત પડી
રહેવા પ્રેરે છે. તે
બીનજરુરી ઉશ્કેરાતો નથી. જો તેને
છંછેડવામાં ન આવે તો
તેની પાસેથી આપણે પસાર
થઈ જઈએ; તો પણ
તે દંશતો નથી. તો
પાછળ પડીને દોડીને, દંશવાની
વાત ક્યાંથી આવે ? સાપની દોડવાની
ઝડપ સરેરાશ 4 કી.મી. પ્રતી
કલાકથી વધુ નથી. જ્યારે
મનુષ્ય તો તેનાથી ઘણી
વધુ ઝડપે દોડી શકે
છે. ખડચીતળ જેવા સાપ
આક્રમક સ્વભાવના હોય છે જરુર;
પરંતુ તે આક્રમક ત્યારે
જ થાય છે કે
જ્યારે તમે તેને છંછેડો
કે તેની જીવનચર્યામાં બાધારુપ
થાવ.
- અજય દેસાઈ
[પ્રકૃતિ
અને પર્યાવરણના અભિન્ન અંગ એવા
સાપ માટે ફેલાયેલી ખોટી
માન્યતાઓ અને ગેરસમજોને કારણે
સાપની સમગ્ર પ્રજાતી પર
માનવી દ્વારા ખતરો તોળાઈ
રહ્યો છે. તેવા સમયમાં
સાપનું મૂલ્ય પર્યાવરણમાં
શું છે, સાપ આપણને
કેવી રીતે ઉપયોગી છે,
સાપને કેમ બચાવવા, જેવા
ઉમદા હેતુથી ગુજરાતના 57 પ્રકારના
સાપ વીશે 54 રેખાંકન/શ્વેત–શ્યામ અને 76 જેટલી
રંગીન તસવીરો સહીત વૈજ્ઞાનીક
તથ્યોસભર માહીતી ધરાવતા, લેખકના
બહુ જ લોકપ્રીય બનેલા
ગ્રંથ ‘સર્પસંદર્ભ (પ્રકાશક: પ્રકૃતીમીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’ અમૃતવાડી
સોસાયટી પાસે, રેલવે સ્ટેશન
રોડ, દાહોદ – 389 151; ઈ.મેઈલ: pmm_dhd@yahoo.com ; આવૃત્તી: પાંચમી
– ઓગસ્ટ, 2011, પુનર્મુદ્રણ– એપ્રીલ, 2012; પૃષ્ઠસંખ્યા: 260; મુલ્ય: રુપીયા 200/-) માંથી
લેખકશ્રીના અને પ્રકાશક મંડળના
સૌજન્યથી સાભાર]
'બ્લોગને ઝરૂખેથી...' નો હું નિયમિત વાચક છું.એમાં છપાતાં લેખ ખુબ સરસ હોય છે.સાપ વિષે ગત સપ્તાહે છપાયેલી કેટલીક માહિતી પહેલી વાર જાણવા મળી.
જવાબ આપોકાઢી નાખો- હિરેન ગોગરી
સાપ અંગેનો બ્લોગ સારા એવા સંશોધન પછી લખાયો છે.વાંચવાની મજા આવી.અભિનંદન.
જવાબ આપોકાઢી નાખો- જયસિંહ સંપટ
સાપ પરનો ગેસ્ટ બ્લોગ ઘણો સરસ હતો.ઘણી રસપ્રદ માહિતી જાણવા મળી.
જવાબ આપોકાઢી નાખો- મૈત્રયી મહેતા
'બ્લોગને ઝરૂખેથી...' માં ગેસ્ટ બ્લોગ સાપ અંગે ગેરમાન્યતાઓ ગમ્યો.અજાણ એવા મને સાપ વિશેની ઘણી માહિતી જાણવા મળી.આભાર.
જવાબ આપોકાઢી નાખો- કે.પી.બારોટ