ગણપતિપુલેમાં ત્રણ દિવસ જ રહ્યાં છતાં આ જગા અને તેની આબોહવાએ અમારો બધો થાક-તાણ ઉતારી નાંખ્યા અને અમે પૂર્ણપણે રીલાયક્સ્ડ થઈ ગયાં.એમ.ટી.ડી.સી. રીસોર્ટના રૂમમાં મોટી બાલ્કનીમાંથી સમે ઘૂઘવતો સમુદ્ર.અહિં બેઠા બેઠા પણ સહેજે એવો વિચાર આવી જય કે આપણું ઘર પણ આવું હોવું જોઇએ!રાતે પણ દરીયાનાં મોજાનો ધ્વનિ સંગીત સમો ભાસે!રૂમની બહાર પણ સુંદર બગીચમાં ઠેર ઠેર બેસવાનાં બાંકડા કે હેમોક ઝૂલા ગોઠવેલા જેના પર લંબાવી તમે આકાશમાં દોડી રહેલા વાદળો સાથે ગોઠડી માંડી શકો!
રીસોર્ટ બહાર જ અન્ય ગેસ્ટહાઉસ અને હોટલો પણ કતારબદ્ધ.કોંકણ કિનારા પટ્ટી પર આવેલ હોવાથી એવો ડર હોય કે અહિં માછલી અને નોન-વેજ મોટા પ્રમાણમાં ખવાતા હોવાથી શાકાહારીઓને યોગ્ય ખાવા મળી રહે કે કેમ તો એ ખોટો સાબિત થાય.શુદ્ધ શાકાહારી ખાવાનું પીરસતી પણ ઢગલો હોટલો અહિં આસપાસ હતી.પણ અમે જ્યાં સૌથી વધુ વાર ભોજન લીધું એ ભોજનાલયની વાત મારે ચોક્કસ કરવી જોઇએ. આ શુદ્ધ શાકાહારી હોટલ કે ભોજનાલય એટલે ભાઉ જોશી'સ ભોજનાલય.અતિ ચોખ્ખું વાતાવરણ,સ્વાદિષ્ટ ખાવાનું અને રીસોર્ટથી સાવ નજીક.આ ભોજનાલયની દરેક બાબતમાં પોઝીટીવીટી અને ચીવટ છલકાય.ટીપીકલ મરાઠી વાનગીઓથી લઈ મુંબઈવાસી આપણને ફાવે એવી દરેક ડીશનું સીલેક્ટેડ મેનુકાર્ડ પણ વ્યવસ્થિત અને કોમ્પેક્ટ!ભોજનાલયની બહાર આવેલા હાથ ધોવાના વોશબેસીન પર પણ 'પાણી સાવકાશ વાપરા'એવી મતલબની નોંધ લખેલું પાટીયું વગેરે સૂચવે કે કેટલાક લોકો માત્ર બિઝનેસ નથી કરતાં પણ લોકોની સાચા અર્થમાં સેવા કરતે વેલ પોતાની એક અમીટ છાપ ઉભી કરે છે.કેશ કાઉન્ટર પર ક્યારેક ભાઉ કાકા તો એક-બે વાર બેઠેલા તેમના પુત્રવધૂને મેં તેમના ભોજનાલયમાં આરોગેલા રીંગણા-ભીંડા-સેવટામેટાના શાક,કોથીંબીર વડી,દાળભાત અને સાબુદાણાની ખિચડી વગેરે આહાર માટેતો કોમ્પ્લીમેન્ટ્સ આપ્યાં જ પણ તેમની દરેક ઝીણીઝીણી ચીવટ ભરી બાબતો માટે પણ ધન્યવાદ પાઠવ્યાં.
ગણપતિપુલે પાસે આવેલા અન્ય દર્શનીય સ્થળોએ જવા રીક્ષા કરવાનું નક્કી કર્યું.રીસોર્ટની બહાર થી જ કતારબદ્ધ રીક્ષાઓ ઉભેલી.બેત્રણ જગાઓએ જવા માટે ભાવતાલ પૂછ્યો તો એક રીક્ષાવાળાએ બારસો રૂપિયાની રકમ ભાડા પેટે કહી.મને આ ભાડું થોડું વધારે લાગ્યું પણ પછી અનુભવ થયો કે અહિં રીક્ષાવાળાઓ અન્ય કેટલીક જગાઓએ હોય છે એવા લાલચુ કે કપટી નહોતાં. નાના ગામના સરળ માણસો. પહેલા ગણપતિપુલે નજીક એકાદ કિલોમીટર જ દૂર આવેલ માલગુંડ નામનાં નાનકડા ગામમાં જન્મેલા કવિ શ્રી કેશવસૂતના જન્મસ્થળે પ્રાચીન ઢબના ઘર અને ત્યાં બનાવાયેલા સંગ્રહસ્થાનની મુલાકાત લીધી.
એક કવિના માનમાં સરકારે અને ગ્રામવાસીઓએ લીધેલા પગલાં જોઈ મનને ખુબ આનંદ થયો.ઘર લીંપણ કરેલું લાક્ષણિક ગામડાનું હોય તેવું હતું જેની જાળવણી કરાઈ છે અને તેમાં તથા આસપાસની જગાએ સમારકામ અને નવીનીકરણનું કામ ચાલું છે. સંગ્રહસ્થાનમાં કવિ વાપરતા હશે એ પ્રાચીન જમાનાની વસ્તુઓ તેમજ તેમણે લખેલી તથા અન્ય મરાઠી ભાષી કવિઓની રચનાઓ જોવા-વાંચવા મળ્યાં. અસપાસ એક બાગ પણ બનાવાઈ રહ્યો છે જ્યાં કવિ શ્રી કેશવસૂતની કેટલીક કવિતાઓ પત્થરની તક્તીઓ પર અંકિત કરી લગાડવાનું કામ ચાલુ હતું.આ જગાની મુલાકાત લઈ એક અજબ શાંતિનો અનુભવ થયો.ત્યાંથી રીક્ષાવાળો અમને જયગઢ કિલ્લા પાસે લઈ ગયો જ્યાંથી અમારી પાસે કિલ્લો જોવા જવાનો અથવા વેલણેશ્વર શિવધામ જવાનો વિકલ્પ હતો.સમયના અભાવે એકની જ પસંદગી અમારે કરવાની હતી.અમે ખાડીમાં બોટ ફેરીમાં બેસી બીજા કિનારે આવેલ વેલણેશ્વરના મંદિરે જવાનું પસંદ કર્યું.
પંદર-વીસ મિનિટની બોટ સવારી માણી બીજે કાંઠે ફરી રીક્ષા પકડી.ત્યાંથી વેલણેશ્વર મંદિર જવાનો પંદર-વીસ કિલોમીટર લાંબો પંથ શરૂઆતમાં થોડો ઉબડખાબડ હતો પણ આસપાસની લીલોતરીને કારણે મનભાવી બની રહ્યો.વચ્ચે વચ્ચે રીક્ષાવાળાએ અન્ય ગ્રામજનોને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યા.વિચાર આવ્યો કે આટલે દૂર આ ગ્રામ્ય સ્થળોએ રહેતા લોકોનું જીવન ખાસ્સુ અઘરૂં હશે કારણ અહિ જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે પણ દૂર આવવું પડતું હશે એમ જણાયું. સાંજે મોડું થઈ જય તો પાછા ગણપતિપુલે જવાનો માર્ગ જ ન બચે એવી સ્થિતી હતી.કારણ છેલ્લી ફેરી બોટ સાંજે આઠ વાગ્યાની હતી તે પહેલા અમારે વેલણેશ્વર દર્શન કરી પાછા ફરવાનું હતું.આ મંદીર પણ ઘણું સુંદર હતું જેનું નવીનીકરણ અને રંગરોગાન થોડાં વર્ષ અગાઉ થયું હોય એમ જણાતું હતું.પ્રાંગણમાં દક્ષિણભારતનાં મંદીરોમાં વિશેષ જોવા મળે એવાં દીપકસ્તંભો.આજુબાજુ ચોમેર હરીયાળી,નાનો કૂવો,અપાર શાંતિ વગેરે મનને એક અનેરી શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરાવતા હતા.અહિ શિવલિંગના દર્શન સાથે વિષ્ણુભગવાનનાં પણ દર્શન કર્યાં અને પાછા જવાનું મન જ નહોતું થતું. તેમ છતાં સમયના બંધનને અનુસરતા નાનકડી ટપરી પર ચા પી ત્યાંથી વિદાય લીધી. અહિં ટાટા નેઓન કારને કસ્ટમાઈઝ્ડ કરી નોખો આકાર આપી બનાવેલા દેડકા જેવા દેખાતાં ટમટમ રીક્ષા જેવા વાહનો જોઈ ખુબ નવાઈ લાગી. પાછા ફરતાં વધુ એક દશહસ્ત વિનાયક મંદીર દર્શનાર્થે રોકાયા.અહિ પણ ખુબ મજા આવી અને મનને ફરી એક વાર અજબ શાતા અને ધન્યતાનો અનુભવ થયો.રીક્ષા વાળાએ અમને સમયસર છેલ્લી ફેરીના સમય પહેલા પહોંચાડી દીધા અને મને તેમના અનેક કઠણાઈઓ ભર્યાં જીવન વિશે વિચાર કરતા તેના પ્રત્યે માનની લાગણી થઈ આવી. નિયત કરેલી રકમ કરતાં તેને પચાસ રૂપિયા વધુ આપી છેલ્લી ફેરી બોટમા બેસી ફરી સામા કિનારે આવ્યાં અને ત્યાંથી ફરી એક રીક્ષા લઈ ગણપતિપુલે પાછા ફર્યાં.
રાતે ફરી એક વાર દરીયા સાથે ગોઠડી માંડી.વરસાદ આવ-જાવ કર્યાં કરતો હતો.અહિનું મનમોહક વાતાવરણ ધરાઈને માણ્યું.
છેલ્લા દિવસે રીસોર્ટ નજીક આવેલા એક આયુર્વેદીક આરોગ્ય કેન્દ્રમાં ફુલ બોદે મસાજ લઈ શરીરને પણ ફરી તાજું કર્યું અને પછી ગણપતિપુલેથી વિદાય લીધી.સાંજે રત્નાગિરી સ્ટેશને મુંબઈ પરત ફરવા ટ્રેનની રાહ જોત હતા ત્યારે સ્ટેશન પર ટ્રેક પાસે એક થાંભલે બેસી જીવડાંનો શિકાર કરતા કિંગફીશર પક્ષીએ વિલંબીત ટ્રેનની પ્રતીક્ષા થોડી સહ્ય બનાવી અને છેવટે ટ્રેન આવી જેમાં બેસી દાદર પાછાં ફર્યાં ફરી એક વાર કોંકણ રેલવેની બોગદાં અને અપાર સુંદરતા ભર્યાં લીલાછમ પ્રવાસને માણતા માણતા.
(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો