Translate

રવિવાર, 19 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ર)

          બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થયા ત્યાર બાદ કવયિત્રીઓની બેઠકના શ્રોતા-પ્રેક્ષકો પણ વિદાય થઈ ગયાં હોવાથી ગુરૂકુલના મંચની આસપાસનો વિસ્તાર હવે શાંત અને નિર્જન થઈ ગયો હતો. મેં ત્યાં થોડા આંટા માર્યા અને ત્યાંના સુંદર વાતાવરણને શ્વાસમાં ભર્યું. પપ્પાના થોડાંઘણાં ચાહકોએ ખાસ રોકાઈ તેમની સાથે ફોટા પડાવ્યાં અને ચા-નાસ્તો કર્યા બાદ અમે તલગાજરડામાં આવેલા સ્વામી નારાયણ મંદિર દર્શનાર્થે ગયાં. સ્વામી નારાયણ મંદિરો એક ખાસ વિશિષ્ટ શૈલીનાં,ભવ્ય અને સુંદર હોય છે. અહિં દર્શન કર્યા બાદ પણ મનને એક અજબની શાંતિ મળી. એ મંદિરનાં વહીવટકર્તા સંત મહંતજીને મળી ફરી ગુરૂકુલ પાછા ફર્યાં. ત્યાં અમારી મુલાકાત ચેન્નાઈનાં સંગીતકાર પંડીત એમ. બાલમુરલીક્રુષ્ણ સાથે થઈ. વર્ષો પેહેલા દૂરદર્શન પરથી રજૂ થતાં પ્રખ્યાત 'મિલે સૂર મેરા તુમ્હારા...'માં દરિયા કિનારે સૂરોની રમઝટ રેલાવતા લૂંગીધારી, કપાળે નાનો ચાંલ્લો કરેલા આ ધૂરંધર સંગીતકારની એ લાક્ષણિક છબી આપણને સૌને આજે પણ યાદ છે. અહિં પણ તેઓ તેમના આ ખાસ પોશાકમાં એ જ સ્વરૂપે જોવા મળ્યાં. ગઈ રાતે દક્ષિણના આ મહાન સંગીતકારે ઉત્તરનાં બીજા એક મહાન સંગીતકાર પંડિત અજય ચક્રવર્તી સાથે શાસ્ત્રીય સંગીતની અદભૂત જુગલબંધી કરી હતી જે મેં અને પપ્પાએ ઘેર બેઠાં આસ્થા ચેનલ પર માણી હતી.અને આજે અમે કર્ણાટકી સંગીતનાં પંડિત એવા આ સરસ્વતી ઉપાસક સાથે મહુઆમાં ગોઠડી માંડી રહ્યાં હતાં! તેમની સાથે થોડી ઘણી વાતચીત કર્યાં બાદ રાતનું ભોજન લઈ રહ્યાં હતાં ત્યાં જ હેલનજી અને આશા પારેખજી તૈયાર થઈ તેમનાં રૂમમાંથી બહાર નીકળ્યાં. પપ્પાએ વર્ષો પહેલાં આશાબેન સાથે અનેક નૃત્યનાટિકાનાં કાર્યક્રમ કર્યાં હોવાથી તેઓ એકબીજાને રુબરુ સારી રીતે ઓળખે. મને જાણ થઈ કે આશા બેન પણ મૂળ મહુઆનાં જ વતની અને તેમને આ વતનનાં ગામ માટે ખુબ લગાવ. તેઓ અવારનવાર અહિંની મુલાકત લે અને અહિં તેમણે એક સાર્વજનિક બગીચો પણ બંધાવ્યો છે. આશાબેન અને હેલનજી સાથે ઔપચારીક અભિવાદન બાદ, ભોજન પતાવી લીધા પછી અમે પણ અમજદ અલી ખાન સાહેબનો સંગીત કાર્યક્રમ જીવંત માણવા તલગાજરડાના હનુમાન મંદિર - ચિત્રકૂટધામ ગયાં. પ્રેક્ષકોની ખાસ્સી ભીડ હોવાથી અમને સૌને પાછલાં બારણેથી બાપુનાં ભાવુક અને નિષ્ઠાવાન કાર્યકરો મંદિર-મંચ પાસે લઈ ગયાં.
          અમજદ અલી ખાન સાહેબ સરોદ પરથી કર્ણપ્રિય સૂરોની સૂરાવલિ વહાવી રહ્યા હતા. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સૂરોની એ નદીમાં વહી રહ્યાં હતાં.બાપુ પોતે પણ એકીરસે આ જાદુઈ સંગીત માણી રહ્યા હતા.અમે પણ એ સંગીતની મજા ધરાઈ ધરાઈને માણી.અમજદ અલી સાહેબે જ્યારે સરોદ પરથી 'મુખડાની માયા લાગી રે...' અને 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' ભજનોની મધુર ધૂન છેડી ત્યારે તો ત્યાં હાજર સૌ એક અજબનું કંપન - સ્પંદન અનુભવી રહ્યાં. એક મુસ્લીમ કલાકાર હનુમાનજીના મંદિરમાં તેમનાં ચરણોમાં બેસી કલાની ઉપાસના કરી રહ્યો હતો - કદાચ બધાં હિન્દુઓને પણ જે ભજન નહિ આવડતા હોય એ તે સરોદ દ્વારા બજાવી લોકોને સંગીતની એક અલગ જ દુનિયામાં વિહાર કરાવી રહ્યો હતો! સાચા કલાકારનો, આપણે જેને નામ આપ્યાં છે એવો કોઈ ધર્મ નથી હોતો,એનો ધર્મ તો એક જ હોય છે - કલા! અમજદ અલી ખાન સાહેબના પત્ની હિન્દુ છે અને તેઓ ખુબ સારા ભરત નાટ્યમના નૃત્યાંગના છે. તેમની બાજુમાં બેસી આ કાર્યક્રમ માણવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
          કાર્યક્રમમાંથી પાછા ફરતાં જેવા મંદિરના પાછલા બારણેથી અમારી ગાડી સુધી પહોંચવા બહાર નીકળ્યા કે સેંકડો તકગાજરડા વાસી ગ્રામ્યજનો 'નટુકાકા .. નટુકાકા..'ની હર્ષભરી ચિચિયારીઓ સાથે અમને ઘેરી વળ્યાં. લોકોનો આટલો પ્રેમ (કે ક્રેઝ?!) જોઈ હું એક અજબની લાગણી અનુભવી રહ્યો! બાપુના ભક્ત અનુયાયી એવા એક કાર્યકર્તા ભાઈ સતત અમારી સાથે રહી અમારૂં ધ્યાન રાખતાં હતાં. તેમણે ત્યાં ફરજ પર હાજર પોલીસ જુવાનોની સહાયથી અમને ચાહકોની મેદની વચ્ચેથી ગાડી સુધી સલામત પહોંચાડ્યા. તે ભાઈ છેક ગુરુકુલ સુધી અમને ગાડીમાં મુકવા આવ્યાં અને ફરી તલગાજરડા ત્યાંની વ્યવસ્થા સંભાળવા પાછા પહોંચી ગયા. અમે આ સૌ બાપુ ભક્તિ અનુયાયીઓની સેવા-નિષ્ઠાથી અભિભૂત થઈ ગયાં હતાં.કોઈક ભાવનગરથી તો કોઈક અમદાવાદથી,કોઈક વડોદરાથી તો કોઈક રાજકોટથી માત્ર સેવા માટે, આ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા એકાદ અઠવાડિયાથી અહિં હાજર હતું અને ખડે પગે આ સમગ્ર આયોજનનો ભાર સરખો વહેંચી રહ્યું હતું. ગુરુકુલ પાછા ફરી રાતે સરસ નિદ્રા માણી.
          બીજા દિવસે હનુમાન જયંતિની સવારે વહેલા ઉઠી ચિત્રકૂટ ધામ પહોંચી ગયા. હનુમાન જયંતિની એ સુંદર સવારે અસ્મિતા પર્વનું સમાપન થવાનું હતું તેના અંતિમ ચરણ સમાન પારિતોષિક વિતરણ કાર્યક્રમ સાથે.મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સામે પડદો હતો. સામે પ્રાંગણમાં હકડેઠઠ ભીડ હતી.પ્રાંગણમાં પ્રથમ પંક્તિમાં કેટલાક ભક્તો હાર્મોનિયમ,તબલા અને મંજીરાના તાલે હનુમાનધૂન નું સૂરમય ગાન માઈક પર કરી રહ્યાં હતાં.સમગ્ર વાતાવરણ ભક્તિ અને પવિત્રતાની અનેરી સુગંધથી તરબતર હતું.મારું મન પણ એ ભક્તિગાનમાં ક્યારે જોડાઈ ગયું તેનો ખ્યાલ જ ન આવ્યો. એ કીર્તન પૂરું થયું અને હનુમાનજીની મૂર્તિ આગળનો પડદો ખોલવામાં આવ્યો. ઘણાં મંદિરોમાં આ રીતે આરતી કે ભગવાનની પૂજાની કોઈક વિધી પડદા પાછળ ચાલુ હોય અને પછી પડદો ખુલતાં ભગવાનની સુંદર મૂર્તિ દ્રષ્યમાન થાય ત્યારે સામે ઉભેલાં સૌ કોઈ ભક્તિભાવ-વિભોર થઈ જતાં હોય છે અને એક અજબની ખુશી અનુભવાય છે. એવી જ આનંદની લાગણી મેં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી મૂર્તિ દ્રષ્યમાન થતા અનુભવી. પપ્પાએ અન્ય પુરસ્કાર વિજેતાઓ સાથે હનુમાનજીની મૂર્તિના ચરણોમાં મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. હું મંદિરની બહાર ડાબી બાજુએ સોફા પર બેસી સમગ્ર કાર્યક્રમ નિહાળી રહ્યો હતો.
           હનુમાનજીની આરતી સમાજનાં નીચલા ગણાતા કુળની ત્રણ કન્યાઓને મંચ પર આમંત્રી તેમના દ્વારા કરાવડાવવામાં આવી.આ મને ખુબ ગમ્યું.આપણે ત્યાં મોટે ભાગે સ્ત્રીઓને હનુમાનજીની મૂર્તિને હાથ જોડી પગે લાગવાની પણ મનાઈ કરવામાં આવે છે અને અન્ય કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં પણ સ્ત્રીઓને જોવા કે અડવાનો પણ વિરોધ દર્શાવવામાં આવે છે. જ્યારે અહિ મંચ પર ત્રણ બાળકીઓએ હનુમાનજીની આરતી ઉતારી અને એ પણ વણકર સમાજની અને અન્ય નીચા ગણાતાં કુળની, એ મારા મનને ખુબ રૂચ્યું.
          પુરસ્કાર વિતરણ પહેલાં અમેરિકાથી આવેલા એક ગુજરાતી બહેને સુંદર સિતર-વાદન કર્યું. અનોખી અને અતિ નવલ એવી વાત એ હતી કે તેમના સિતારને હનુમાનજીની ગદામાં રાખવામાં આવ્યું હતું અને જ્યારે ગદા ઉંચકી તેને મંચ પર લઈ જઈ તેમાંથી સિતાર બહાર કાઢવામાં આવ્યું ત્યારે મારા સહીત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સાનંદાશ્ચર્યથી આ વ્યવસ્થાનાં મનોમન વખાણ કરી રહ્યું. આ સાંકેતિક ચેષ્ટા દ્વારા સૂચવાયું કે હનુમાનજી પણ સંગીતનાં શોખીન ભગવાન છે અને અન્યાય નાબૂદ કરવા વપરાતી ગદાના શસ્ત્ર જેટલું જ મહત્વ સંગીતના વાદ્ય સિતારનું પણ છે.
          ત્યારબાદ સૌ પ્રથમ કૈલાસ લલિતકલા પુરસ્કાર અપાયો છબિકલા ક્ષેત્રે આજીવન સેવાનાં ઉપલક્ષ્યમાં શ્રી ઝવેરીલાલ મહેતાને જેઓ ૮૭ વર્ષનાં યુવાન છે! તેમની ફોટોસ્ટોરીઝ હું પણ નાનપણથી માણતો આવ્યો છું. મસ્તમજાની હેટ સાથે તેમની આગવી સ્ટાઈલ અને પોષાકમાં પધારેલાં ઝવેરીસાહેબનાં જોશ અને કાર્યનિષ્ઠા એક યુવાનને પણ શરમાવે એવા હતાં! ત્યારબાદ મારા પિતા શ્રી ઘનશ્યામ નાયક 'રંગલો' ને ગુજરાતી લોકનાટ્ય ભવાઈ ક્ષેત્રે તેમના આજીવન યોગદાન માટે નટરાજ પુરસ્કાર અપાયો જે તેમણે તેમની ખાસ ભવાઈ શૈલીમાં સામે બેઠેલી સંગીત મંડળીએ આપેલ હાર્મોનિયમ અને તબલાનાં તાલે સ્ટેજ પર થોડું નાચીને સ્વીકાર્યો! ત્યારબાદ હિન્દી ફિલ્મોનાં જાણીતા હીરો શ્રી જીતેન્દ્રને ભારતીય ફિલ્મોમાં તેમના આજીવન યોગદાન માટે નટરાજ અવોર્ડ અપાયો જેમાંની ધનરાશિ તેમણે બાપુને નમ્રતા સાથે પરત આપી દીધી એમ કહી કે તે સત્કાર્યોમાં વાપરવામાં આવે. પછી સુશ્રી હેલન અને સુશ્રી આશા પારેખને નૃત્ય અને ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયાં.સંગીત ક્ષેત્રે તેમની નોંધનીય સેવા બદલ હનુમંત અવોર્ડ ઉસ્તાદ અમજદ અલી ખન અને પં.એમ.બાલમુરલીક્રુષ્ણને અપાયાં.અસ્મિતા પર્વનાં પ્રથમ દિવસે તલગાજરડાના રામવાડી ખાતે લાઈવ તાલવાદ્ય-પરકશનનો કાર્યક્રમ આપનાર શ્રી શિવમણિને પણ સંગીત ક્ષેત્રે યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયો જે લેવા તેઓ હાજર રહી શક્યા નહોતા.ટી.વી.ક્ષેત્રનો નટરાજ અવોર્ડ શ્રી અંજન શ્રીવાસ્તવને અર્પણ કરાયો અને છેલ્લો નટરાજ અવોર્ડ અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં સ્વ.શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને અપાયો જે તેમના પત્નીએ સ્વીકાર્યો. આખા આ અવોર્ડ વિતરણ કાર્યક્રમનું સંચાલન શ્રી હરીશ્ચંદ્ર જોશીએ કર્યું અને અવોર્ડ જુદા જુદા ક્ષેત્રની જય વસાવડા,અર્ચન ત્રિવેદી,તુષાર શુક્લા,માધવ રામાનુજ વગેરે જાણીતી હસ્તીઓ દ્વારા અર્પણ કરાયાં. પુરસ્કાર વિતરણને અંતે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુએ પ્રાસંગિક અભિવ્યક્તિ દરમ્યાન પોતાના એક જુદાજ સ્વભાવ અને સ્વરૂપનું દર્શન કરાવ્યું! બાપુ ખૂબ સારા મૂડમાં હતાં અને તેમણે દરેક અવોર્ડ વિજેતા મહાનુભાવોનો આછેરો પરિચય આપી તેમનાં વિશે રસ પડે તેવી વાતો કરી. બાપુએ તેમની જુવાનીમાં તલગાજરડામાં તેમણે જોયેલી આશા પારેખ અને હેલન અભિનીત ફિલ્મોની વાત કરી અને લોકોને રમૂજી ટૂચકા કહી ખૂબ હસાવ્યાં પણ ખરાં! મારા પપ્પા એ ફરી નાનક્ડો ભવાઈનો અંશ રજૂ કર્યો અને તે જોયા-સાંભળ્યા બાદ બાપુએ પણ પ્રખ્યાત બનેલાં ગુજરાતી ગીત 'ભાઈ...ભાઈ...ભલા મોરે રામા...' ગાઈ ફરી લોકોને હળવા મૂડમાં લાવી દીધાં! ઓસ્માણ મીરે પણ પોતાના બુલંદ કંઠમાં સરસ ગીતની થોડી પંક્તિઓ ગણગણાવી.
                            

                            


                             

                             



                                 

          આ બધી હળવી મસ્તી મજાક બાદ બાપુએ દેશનાં યુવાનોને હનુમાનજીની જેમ ત્રણ સાંકેતિક કૂદકા મારી જીવન સફળ અને સાર્થક કરવાની શીખ આપી. તેમણે હનુમાનજીને પણ કલા-સંગીતનાં શોખીન ગણાવ્યાં-ઓળખાવ્યાં જેની આપણને બહુધા જાણ નથી. હનુમાનજીને આપણે માત્ર રામજીના પરમ ભક્ત તરીકે જ ઓળખીએ છીએ પણ તેમના આ નવા પાસાની બાપુએ સૌને ઓળખ કરાવી. સમગ્ર કાર્યક્રમ ખુબ માણવાલાયક રહ્યો.

                               

          અસ્મિતા પર્વનાં અવિસ્મરણીય અનુભવની વાત અહિ પૂરી થઈ. પણ હું અને પપ્પા આ કાર્યક્રમ બાદ દોઢ દિવસ સુધી મહુવામાં રોકાયા હતાં એ વિશેની વાત આવતા સપ્તાહનાં બ્લોગમાં કરીશ.
(સંપૂર્ણ)

3 ટિપ્પણીઓ:

  1. આપના બ્લોગને ઝરૂખેથી કોલમમાં મહુઆ ખાતે યોજાએલ અસ્મિતા પર્વનો વિસ્તારપૂર્વકનો અહેવાલ બે હપ્તામાં આપે પ્રગટ કર્યો તે વાંચીને અત્યંત આનંદ થયો. પરોક્ષ હોવા છતાં જાણે પ્રત્યક્ષ હોવાની અનુભુતિ થઈ જે માટે આપની વર્ણન શક્તિને દાદ આપવી ઘટે. સૂક્ષ્મ બાબતોનું અદભુત આલેખન માટે આપને કોટિ કોટિ અભિનંદન. " નટુકાકા" ઉર્ફે શ્રી ઘનશ્યામ ભાઈને જે માન મળ્યું છે તે બદલ પ્રત્યેક ગુજરાતી, ખાસ કરીને રંગભુમિના ચાહકો માટે અત્યંત ગૌરવ લેવા જેવી ઘટના છે. હું એમના નાટકોથી પરિચિત છું.જ્યારે ટી વીનું અતિક્રમણ ન હતું ત્યારે આકાશવાણી પરથી દર મહિને શ્રી જયંતિ પટેલ સાથે ભવાઈ શૈલીના નાટકો પ્રસારિત થતાં તેમાં પણ ઘનશ્યામભાઈના સંવાદો કર્ણ પ્રિય અને આનંદ્દાયી રહેતા. આજે" તારક મેહ્તાકા ઉલટા ચશ્મા"માં તેમનો અભિનય જોઈ અતીતની સ્મ્રુતિઓ ઉજાગર થાય છે. આપને તથા આપના પિતાશ્રીને અભિનંદન.
    - નિતીન મહેતા

    જવાબ આપોકાઢી નાખો
  2. પૂજ્ય મોરારિ બાપુને વંદન!ઘનશ્યામભાઈ તથા અંજનજીને વંદન અને અભિનંદન!અને વિકાસભાઈ આપે બ્લોગ પરથી જે અસ્મિતા પર્વની રજૂઆત કરી તેનાથી ત્યાં રૂબરૂ ન હોઈ શકવાનું દરદ ઘણાં અંશે ઓછું થઈ ગયું!આભાર!
    - ભાવેશ મહેતા

    જવાબ આપોકાઢી નાખો
  3. બ્લોગ દ્વારા અસ્મિતા પર્વની સફર ખુબ મજેદાર રહી.કદાચ ત્યાં રૂબરૂ હાજર હોત તો પણ આટલી સારી રીતે આ કાર્યક્રમ માણી ન શક્યા હોત એવી પ્રતિતી થઈ!ઘનશ્યામભાઈ તથા આપ બંનેને હાર્દિક શુભેચ્છાઓ!
    - નરોત્તમ મહેતા,રસીલા બોસમીયા,ભારતી સેતા,ચંદ્રેશ મહેતા,મૈત્રયી મહેતા,જયંત નાયક

    જવાબ આપોકાઢી નાખો