Translate

Sunday, February 9, 2014

ગેસ્ટ બ્લોગ : સાક્ષરતાથી શિક્ષણ સુધી: દુર્ગમ પ્રવાસ, સઘન પ્રયાસ


                                                                                - ખેવના દેસાઈ

સામાન્યપણે આપણાં  ઘરોમાં બાળકને કોઈ એકાદી ભાષામાં  પોતાનું આખું નામ કઈ ઉમરે લખતા આવડે? ચાલો ધારી લઈએ કે એ અંગ્રેજી માધ્યમ ની શાળામાં જતું હોય તો મોડામાં મોડું પહેલા કે બીજા  ધોરણ માં તો એને પોતાના નામ ને અટકનાં સ્પેલિંગ આવડી ગયાં હોય ને? પણ મુંબઈના એકાદ જાણીતા પરામાં ગરીબ વિસ્તારની  એક  કિશોરી અંગ્રેજી માધ્યમનાં સાતમાં ધોરણમાં ભણતી હોવા છતાં પોતાનું આખું નામ ના લખી શકે એવું બને ખરું?...જરાય અતિશયોક્તિ વગર કેહવું હોય તો હા એ અને એના જેવી અનેક શાળાની અનેક કિશોરીઓ સાક્ષર હોવા છતાં  આવા સાવ પાયાના જ્ઞાન થી પણ વંચિત છે. અને એ આજની શાળાકીય પદ્ધતિની વરવી વાસ્તાવિક્તા છે. આવી જ વરવી વાસ્તવિકતાનું ભાન થોડાક સમય પૂર્વેના  સ્વાનુભવમાંથી થયું. 
સાંતાક્રુઝ સ્થિત બિન સરકારી સંસ્થા-'વાચા' વર્ષોથી મુંબઈનાં પછાત વિસ્તારોમાં કિશોરીઓની ઉન્નતી અને સશક્તિકરણ માટે કાર્યરત છે. સતત સકારાત્મક પરિવર્તનનાં  સઘન પ્રયાસ આ સંસ્થાનું ધ્યેય રહ્યું છે. હાલમાં મુંબઈની આશરે સોળ એવી 'બસ્તીઓ'માં કાર્યરત આ સંસ્થા જોડે જોડાવાનો મોકો મને ઘણીવાર મળ્યો છે. ગયા નવેમ્બરમાં  જ જ્યારે મુંબઈ હજુ દિવાળીનાં દીવડાની જાહોજલાલી માણી રહ્યું હતું ત્યારે  ઝાકમઝોળથી દૂર જોગેશ્વરીની  એક બસ્તી માં જુદો જ પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.
આપણાંમાના મોટા ભાગના જે વિસ્તારથી અજાણ હોઈશું એવો જોગેશ્વરીનો બાંદ્રા પ્લોટ વિસ્તાર 1993ના કોમી રમખાણ પછી બાંન્દ્રાથી ભાગી છુટેલ લઘુમતી કોમની વસ્તી ધરાવતો ગીચ વિસ્તાર છે. રમખાણોના વીસ વરસ પછી પણ અહીની વસ્તી મોટા ભાગની મૂળભૂત જરૂરીયાતોથી વંચિત છે. વાચા અહીની કિશોરીઓ સાથે અનેકવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી રહી છે. જે તેમને એક આત્મવિશ્વાસથી ભરપુર, સ્વાવલંબી કિશોરીમાં પરિવર્તિત કરી શકે. આ જ પ્રવૃત્તિ અંતર્ગત નવેમ્બર નાં પહેલા  અઠવાડીયામાં  અહી અંગ્રેજી શીખવવાનો વર્કશોપ  કરવાનો મોકો મને મળ્યો. ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી માધ્યમો માં ભણતી નવ થી પંદરવર્ષ ની 20-22 છોકરીઓને અંગ્રેજીનું મૂળભૂત જ્ઞાન આપવાનો ઉપક્રમ હતો. શિક્ષણ ક્ષેત્રે થોડાક અનુભવ સાથે ખુબ સહેલું લાગતું આ કામ એક દુર્ગમ પ્રવાસ ખેડવા જેવું હતું. સામાજિક બંધનોને કારણે કે કૌટુંબિક દબાણ હેઠળ શાળામાંથી ઉઠી ગયેલ કિશોરીઓ જ નહિ પણ અંગ્રેજી માધ્યમના 7-8 ધોરણમાં ભણતી (!!!) એક પણ છોકરી પોતાના વિષે 5 વાક્યો અંગ્રેજીમાં બોલી શકવા કે પોતાનું આખું નામ માતાના નામ સાથે સાચી જોડણીમાં લખી શકવા અસમર્થ હતી.પાંચ દિવસના ટૂંકા ગાળામાં કશું પણ શીખવવું પડકાર હતો. એમાંય "અબ્બુ આને નહિ દેંગે" જેવા નાના મોટા અનેક અવરોધો તો રોજના.
એમાંની એક એક કિશોરીને શીખવું હતું. બે ચાર વર્ષે કોલેજમાં જઈ ગળાકાપ  સ્પર્ધામાં ઉતરવુંતું. ડેન્ટીસ્ટથી લઇ પાઈલોટ બનવાની ઝંખના હતી એમની આંખોમાં. બસ એક જ મુશ્કેલી હતી,  શાળામાં અંગ્રેજી વિષય નહોતો અથવા ભણાવવામાં આવતો નહોતો ને બીજા વિષય તો બોર્ડ પરથી કોપી કરીને શીખ્યાનો સંતોષ લેવાતો. ખેર, પડકાર સુપેરે ઝીલાયો દુર્ગમ પ્રવાસ, સઘન પ્રયાસ સાથે સફળ થયો. પાંચ દિવસ ના અંતે અંગ્રેજી વ્યાકરણ ના મૂળભૂત પાસાઓ સમજી અને સાચા વ્યાકરણ સાથે પોતા વિષે 5 વાક્યો એ કિશોરીઓને મોઢે સાંભળવાનો  લ્હાવો મળ્યો પણ એ આનંદ તો ક્ષણભંગુર જ.
પાંચ દિવસના અનુભવે આશરે 85% સાક્ષરતાના પ્રમાણ વિષે કંઈ કેટલાય સવાલ ઉભા કરી દીધા. શું શાળામાં દાખલ થવું અને પોતાનું નામ જે તે ભાષામાં લખતા આવડવું એ જ સાક્ષરતા? પાલિકા દ્વારા સંચાલિત શાળાનાં વિદ્યાર્થીઓ હોય એટલે ગુણવત્તા સભર શિક્ષણ એમનો હક નહિ? અન્ય શાળાઓમાં પણ કોઈ સાવ નિરર્થક કારણોને વશ થઈ, અમુક ધોરણ સુધી પરીક્ષા જ ના લેવી કે કોઈ ને નાપાસ ના કરવા એ શિક્ષણપદ્ધતિ નો સાચો માપદંડ? વાચા જેવી સંસ્થાનું કાર્ય ચોક્કસપણે પ્રશંસનીય છે જ પણ શું બે-પાંચ સંસ્થા મુંબઈનાં કે દેશના  તમામ  અસમર્થ બાળકો સુધી પહોંચી શકશે? સમાજ નો કોઈ એકાદો વર્ગ તેમના ધર્મ, જાતી કે આર્થિક ધોરણ ને આધારે ફક્ત સાક્ષરતાના આંકડા બની જઈ  ગુણવત્તા સભર શિક્ષણથી વંચિત રહે એ કેમ ચાલે?
                પ્રવાસ દુર્ગમ છે - સાક્ષરતા કે અક્ષરજ્ઞાનથી શિક્ષણ સુધીનો ...સઘન પ્રયાસો ની તાતી જરૂર છે, જરૂર છે  સ્વામી વિવેકાનંદના આ વિચાર ને શિક્ષણ પદ્ધતિ નું ધ્યેય બનાવવાની "Education is the manifestation of the perfection already in man”.

                ખેવના દેસાઈ (મુંબઈ)

No comments:

Post a Comment