હમણાં જ ‘વેલેન્ટાઈન ડે’ ગયો એ વિશેના અનેક સંદેશાઓ વોટ્સએપ પર મળ્યાં. તેમાંના એક-બે મને ખૂબ ગમી ગયાં તેમનાં ભાષાંતર અહિં પ્રસ્તુત છે :
તમારી માતા તમને ચૂમે છે અને કહે છે "તું લાખોમાં એક છે..." એ પ્રેમ છે.
તમે જ્યારે કામેથી મોડા પાછા ફરો અને તમારા પિતા કહે "બેટા આજે બહુ મોડું થઈ ગયું" એ પ્રેમ છે.
તમારી ભાભી કહે છે "એ હીરો, તારા માટે એક સરસ છોકરી જોઈ છે...કોઈ બીજું પહેલેથી જ પસંદ હોય તો કહી દે જે..." એ પ્રેમ છે.
તમારો ભાઈ કહે "ભાઈ તું ટેન્શન નહિ લે, હું તારી સાથે છું ને.." એ પ્રેમ છે.
જ્યારે તમારો મૂડ ખરાબ હોય અને તમારી બહેન કહે "ચાલ ભાઈ, ક્યાંક ફરી આવીએ..." એ પ્રેમ છે.
જ્યારે તમારો શ્રેષ્ઠ મિત્ર તમને આલિંગન આપે અને કહે "તારા વગર મજા નથી આવતી યાર..." એ પ્રેમ છે.
આ બધી સાચા પ્રેમની ક્ષણો છે...જીવનમાં તેમને માણવાનું ચૂકતા નહિ...એક છોકરા અને એક છોકરી વચ્ચે જ પ્રેમ હોય - થાય એવું જરૂરી નથી.
* * * * * * * * * *
જ્યારે તમારી નાનકડી દિકરી જોર લગાડી તમારા માથે મસાજ કરી આપે એમાં પ્રેમ છે
જ્યારે તમારી પત્ની તમારા માટે ચા બનાવી તમને આપતા પહેલા એ સહેજ ચાખી લે એમાં પ્રેમ છે
જ્યારે માતા મીઠાઈ કે કોઈ પણ અન્ય ખાવાના પદાર્થમાંથી શ્રેષ્ઠ ભાગ તેના સંતાનને આપી દે એમાં પ્રેમ છે
જ્યારે લપસણા રસ્તા પર ચાલતી વખતે મિત્ર તમારો હાથ પકડી લે ત્યારે એમાં પ્રેમ છે
જ્યારે તમારો ભાઈ કે બહેન એસ.એમ.એસ. કરી કે વોટ્સએપ પર તમને પૂછી લે કે તમે ઘરે પહોંચી ગયા કે નહિ ત્યારે એમાં પ્રેમ છે
એક છોકરો કે છોકરી એકમેકનો હાથ પકડી શહેરમાં ફરે એ જ પ્રેમ નથી...તમે તમારા મિત્રોના મોં પર સ્મિત લાવી દેવા તેને કોઈ સંદેશ મોકલી આપો એ પણ પ્રેમ જ છે.પ્રેમ એટલે ખરા અર્થમાં કાળજી. વેલેન્ટાઈન ડે તમારા પરિવારજનો સાથે પણ ઉજવો!
મારા સૌ વાચકમિત્રોને મારા તરફ થી 'હેપ્પી વેલેન્ટાઈન ડે!!!'
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
પ્રતિભાવો :
ટેકનોલોજીના આપણા જીવનમાં મહત્વ વિશે બ્લોગ લખ્યો એ જ દિવસે મારા કવયિત્રી મિત્ર મૈત્રેયી યાજ્ઞિકે એક સ્વરચિત કાવ્ય મારી સાથે શેર કર્યું જે એ બ્લોગના વિચારોની પુષ્ટી કરતું કાવ્ય છે.એ આજે અહિ રજૂ કર્યું છે :
આવું શાને થાય છે????
બે-ચાર નવા ઈ-મેઈલ એડ્રેસ રોજેરોજ મેઈલ-અકાઉન્ટની એડ્રેસ-બુકમાં ઉમેરાય છે,
ને 'એક એવું ઘર મળે જ્યાં કોઈ પણ કારણ વિના હું જઈ શકું' - એક સપનું બની રહી જાય છે.
બટન ક્લિક કરી ફેઈસ-બુક પર અઢળક ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલાય છે ને સ્વીકારાય છે,
ને 'ગોઠડી તોડાય નહિ તોડી એવી કૃષ્ણ-સુદામાની જોડી'ની ક્વેસ્ટ અધુરી જ રહી જાય છે.
લિંક્ડ-ઇન પર પ્રોફેશનલ કનેકશનની લિંક સતત લંબાતી જાય છે.
ને 'હ્રુદિયાના રાજા સાથે મનના મેળ' મેળવતી લિંક ક્યાંક તૂટતી
તો ક્યાંક સાવ જ ખૂટતી જણાય છે
સ્માર્ટ ફોનની અનલિમિટેડ ફોન-બુકમાં કોન્ટેક્ટ - સંપર્ક તો જળવાઈ જાય છે,
વિચાર્યું છે ખરું, સંબંધનું શું થાય છે?
સંબંધ જાળવવાના મિથ્યા પ્રયાસે વોટ્સ-એપ પર નવા નવા ગ્રુપ રચાય છે,
ને પછી...આખેઆખી ચેટ-હિસ્ટ્રી વાંચ્યા વિના જ ક્લિઅર કરી દેવાય છે,
વોટ્સ-એપ પર આમ જ ચેટિંગને બદલે ચીટિંગ કરાય છે.
દુનિયા નાની થતી જાય છે ને અંતર ઘટતાં જાય છે
છતાંય....'પાસપાસે તોય કેટલાં જોજન દૂર'ની અનુભૂતિ થાય છે
એકમેકના અંતર વચ્ચેનાં અંતર નિરંતર વધતાં જ જાય છે
રસોડામાંથી ડ્રોઈંગરૂમમાં ને ડ્રોઈંગરૂમમાંથી રસોડામાં જવાય તેમ -
અત્યંત સહજતાથી,
લગ્નમંડપમાંથી શોકસભામાં ને શોક્સભામાંથી લગ્નમંડપમાં જવાય છે,
લાગણીના મહોરાં ઝડપભેર બદલાય છે, સંવેદનાનું સમૂળું વિસર્જન થાય છે,
ટેકનોલોજીની વાહ વાહ થાય છે, માનવ થઇ જીવવું ભૂલતાં જવાય છે
ત્યારે –
'પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું’
કહેતા ઉમાશંકર આજે ય એટલા જ પ્રસ્તુત જણાય છે.
આ ટેકનોલોજી વિશેના બ્લોગ પર અન્ય પણ કેટલાક પ્રતિભાવો પ્રાપ્ત થયાં જે આ મુજબ છે:
ટેકનોલોજીનું મહત્વ બ્લોગમાં આધુનિક ટેકનિકલ સાધનોની ઉપયોગિતા વિશે વિગતવાર જાણકારી મળી.
- રમેશ સૂતરીયા, મલાડ-મુંબઈ ( ઇમેલ દ્વારા)
બહુ સરસ અને સંતુલિત લેખ હતો. વાંચીને બહુ આનંદ થયો.
- પ્રદીપ પટેલ (ફેસબુક દ્વારા)
સર, તમારા ટેક્નોલોજી વાળા બ્લોગનો માનવ સંબંધોનું મૂલ્ય પણ જરાયે ઓછું ન આંકવા સૂચવતો છેલ્લો ફકરો મને ખૂબ ગમ્યો.
- જિગર આભાણી (ફેસબુક દ્વારા)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
પ્રશાન્ત યાજ્ઞિક, દિપક કાપડિયા, જશવંત સુરુ વગેરે વાચક મિત્રોએ પોતાની કે પોતાના પરિવારજનોની મને થયેલી તેવી જ ઘૂંટણની તકલીફ વર્ણવી મારી પાસે ડોક્ટરની સંપર્ક વિગતો માગી જેમણે મારૂં ઓપરેશન કરેલું. મેં તેમને એ મોકલી આપી અને મારી શુભેચ્છા આ સૌ વાચકમિત્રો અને તેમના પરિવારજનો માટે. ઈશ્વરને પ્રાર્થના કે સૌને સારૂં સ્વાસ્થ્ય અને નિરોગી જીવન બક્ષે.
યોગેશ વોરા, ડો.ભરત પાલણ , રમેશ સુતરીયા તથા ઇલાક્ષી મર્ચંટ જેવા અન્ય વાચકમિત્રોએ હું ઝડપથી સાજો-સારો થઈ જાઉં એવી શુભેચ્છ પાઠવી એ બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો