Translate

શનિવાર, 22 ફેબ્રુઆરી, 2014

મંદિરોના નીતિનિયમો


કેરળ ના મંદિરોમાં એક વિચિત્ર નિયમ જોવા મળ્યો. મોટા ભાગનાં ત્યાંના મંદિરોમાં પુરુષો શર્ટ, ઝભ્ભો કે કોઇ પણ ઉપરનું વસ્ત્ર પહેરી પ્રવેશ કરી શકે નહિ એવો નિયમ છે. ત્યાં ફરવા ગયાં ત્યારે એક ગાડી ભાડે કરી લીધી હતી. ડ્રાઈવર ત્યાંનો સ્થાનિક રહેવાસી એટલે   અમને ફેરવતી વખતે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડતો. તેણે જણાવ્યું કેટલાક મંદિરોમાં તો પુરુષોને લૂંગી પહેરી હોય તો પ્રવેશ મળે! વે આમાં વાઇ પામવા જેવું લાગે કારણ મુંબઇ કે અન્ય મહાનગરમાં લોકો આધુનિક વસ્ત્ર પરિધાન કરતાં જોવા મળે પણ કેરળમાં તો મોટે ભાગે પુરુષો લૂંગીમાં જોવા મળે! પણ પાછી આખી નહિ, ઘૂંટણ સુધી ઉંચે ચડાવેલી લૂંગી! ત્યાંના પ્રખ્યાત યાત્રાધામ શબરીમાલા જતાં પુરુષોતો કાળા વસ્ત્રોમાં જોવા મળે. કાળું શર્ટ અને કાળી લૂંગી. ડ્રાઈવરે મને જણાવ્યું કે લૂંગીમાં પણ પાછું કલર-કોડીંગ અનુસરવામાં આવે. હું ચોક્કસ વિગત તો ભૂલી ગયો છું પણ એવો કોઇક પ્રોટોકોલ જોવા મળે કે ઘરનો સૌથી નાનો સભ્ય લીલા રંગની લૂંગી પહેરે અને સૌથી મોટો સભ્ય અન્ય કોઇ ખાસ રંગની. કોઈક ખાસ વર્ગ આછા કેસરી રંગની લૂંગીમાં જોવા મળે. સફેદ લૂંગીતો સૌથી વધુ સામાન્ય​!
ખેર પાછો મૂળ વાત પર આવું તો ત્યાંના મંદિરોના કેટલાક નિયમો મને વિચિત્ર લાગ્યાં.એકાદ મંદિરમાં તો મેં પૂજારીને પૂછી જોયું કે શર્ટ પહેર્યા વગર ભગવાનના દર્શન કરવા વાના નિયમ પાછળ શું તર્ક કે કારણ હોઇ શકે? (એનજિનિયર હોવાને કારણે દરેક વસ્તુ પાછળ તર્ક કે કારણ જાણવાની મને સદાયે ઉત્કંઠા હોય) પૂજારીને પણ ખરા કારણની જાણ નહોતી. મને થોડું વિચિત્ર લાગ્યું પણ દેશ તેવો વેશનાં નાતે મેં પણ ઉઘાડી છાતીએ મોટા ભાગનાં ત્યાંના મંદિરોમાં દર્શન કર્યાં. પણ કેટલાક નિયમો  તો મને વિચિત્ર કરતાં પણ થોડાં અન્યાયકર્તા  વધુ લાગ્યાં. કેટલાક મંદિરોમાં સ્ત્રીઓને પ્રવેશની મનાઈ ફરમાવતું પાટિયું જોવા મળ્યું તો કેટલાક મંદિરોમાં વિદેશીઓ અને બ્રાહ્મણ સિવાયના વર્ગને મનાઇ ફરમાવતી સૂચના પણ જોવા મળી. થોડું વધું પડતું લાગ્યું. ઇશ્વર પાસે વા કોઈ પ્રકારના આવરણ કે નીતિનિયમની મારા મતે જરૂર નથી.આજનાં ૨૧મી સદીના અત્યાધુનિક યુગમાં પણ આવા નિયમો મને અતિ ચુસ્ત અને જડતાભર્યા લાગે છે.
હા,શોખ માટે ક્યારેક લુંગી પહેરીને મંદિરમાં વાનું હોય તો મને ગમે! પણ ઘૂંટણ સુધી ઉંચી ચડાવેલી! જો કે પહેરી હું મારા ઘર નજીક આવેલાં એક મંદિરમાં નહિ જઇ શકું કારણ અહિં એવું પાટીયું મારેલું છે કે "ભાઈઓએ લૂંગી,બર્મુડા કે અન્ય અંગપ્રદર્શન થાય તેવાં કે અભદ્ર વસ્ત્રો પહેરી મંદીરમાં પ્રવેશવું નહિ."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો