Translate

રવિવાર, 29 ડિસેમ્બર, 2013

સમર્થ કો નહિ દોષ ગોસાઈ


છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય અમેરિકી રાજદૂત એવા દેવયાની ખોબ્રાગડેની વાતો મીડિયામાં ખાસ્સી ચગી છે.મારા મતે સંદર્ભે  ભારતની પ્રતિક્રિયા વધુ પડતી અને સાવ બાલિશ છે.
        આપણામાં એક કહેવત છેદેશ તેવો વેશ’. જે ભૂમિમાં આપણે રહેતા હોઇએ તે ભૂમિના નીતિનિયમો, કાયદા વગેરેનું પાલન આપણે કરવું જોઇએ. પછી ભલે આપણે ઉચ્ચ પદવી ધરાવતા કોઈ ઓફિસર કેમ હોઇએ. ઉલટું એમ હોય ત્યારે તો આપણે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોઇએ છીએ તેથી આપણી ફરજ અનેક ગણી વધી જાય છે અને આપણે દરેક પગલું અતિ ધ્યાન પૂર્વક ભરવું પડે છે.

        દેવયાની ખોબ્રાગડેએ ભારતીય રાજદૂત હોવા છતાં પોતાની ભારતીય મૂળની નોકરાણીને જાહેરમાં ૪૫૦૦ ડોલર મળે છે એમ જણાવ્યાનું કહી માત્ર ૫૦૦ ડોલર જેટલી રકમ પગારમાં આપી. હવે અમેરિકી ભૂમિ પર ગંભીર ગુનો ગણાય. ત્યાંના કાયદા મુજબ દેવયાનીએ આમ કરી પોતાની નોકરાણી સંગીતાનું ગંભીર શોષણ કર્યું ગણાય.અમેરિકી શા માટે માનવતાની દ્રષ્ટીએ પણ ખોટું ગણાય. બીજું તેના વિઝાને લગતી બાબતોમાં પણ કંઈક ગડબડ હોવાનું જણાતાં અમેરિકાએ દેવયાનીની ધરપકડ કરી. હવે તે અપરાધી છે તેથી ત્યાંના નિતીનિયમો મુજબ અન્ય અપરાધીઓ સાથે જે રીતે વર્તન અને તપાસ થાય છે તે મુજબ તેની સાથે પણ થયું અને થવું પણ જોઇએ. ભારત ગાંડો દેશ છે જ્યાંસમર્થ કો નહિ દોષ ગોસાઈ’ ની રીત અપનાવાય છે અને મોટા(પણ ખોટા) માણસો માટે નિતીનિયમો ખાસ અને સગવડિયા હોય છે. સંજય દત્ત જેલની સજા જાહેર થયા બાદ પણ હાલમાં ત્રણ મહિનામાં બીજી વાર એક મહિનાના પેરોલ પર જેલની બહાર પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યો છે.
        અપરાધી આખરે અપરાધી હોય છે અને તેની પદવી તેના ગુનાને નાનો કે ઓછો બનાવી દેતી નથી.અમેરિકા અને અન્ય વિકસીત દેશો બાબતે ચુસ્ત છે અને અપરાધીઓ માટે એક સરખા કડક કાયદા, નીતિનિયમો અને સજા ધરાવે છે. એ રીતે તેમણે દેવયાની સાથે કંઈ ખોટું કર્યું નથી.પણ તેની ધરપકડ અને તેની સાથેના અપરાધીઓ સાથે કરાય તેવા સખત વર્તાવ,તપાસ ને લીધે ભારતને તો જાણે ઝટકો લાગ્યો.અને તેણે હોબાળો મચાવી દીધો. બાળકની જેમ, અહિં રહેલા અમેરિકી દૂતોના કોઈ પણ વાંકગુના વગર તેમની સુરક્ષા ઓછી કરી નાંખી, તેમના અધિકારો અને સુવિધાઓ ઘટાડી નાંખ્યા. બધાં ગોટાળામાં એમનો શું વાંક?શું પ્રકારનું વર્તન તદ્દન બાલિશ અને નાસમજી અને બિનજવાબદારીભર્યું નથી? શોભાસ્પદ બાબત છે? આમ કરી આપણે વિશ્વભરમાં હાંસીપાત્ર બન્યા છીએ.

                અગાઉ પણ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ અને બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન સાથે અમેરિકા દ્વારા કડક તપાસણી હાથ ધરાયેલી ત્યારે બે મહાનુભાવોએ પોતે કદાચ એટલો ઉગ્ર વિરોધ નહોતો નોંધાવ્યો જેટલો આપણ પ્રસાર માધ્યમોએ અને અન્યોએ.ઉલટું દેશ પાસેથી સુરક્ષા બાબતે કેટલી ચોકસાઈ રાખવી જોઇએ તે શિખવું જોઇએ નહિતર કરોડો રૂપિયાના ખર્ચે નાખેલા કેમેરા ધૂળ ખાતા થઈ જાય અને ભરશહેરમાં આતંકવાદીઓ પ્રવેશી હૂમલા કે બોમ્બધડાકા કરી જાય.
        દેવયાની ખોબ્રાગડેએ જો ખોટું કર્યું હોય તો તેનો પક્ષ લેવાને બદલે તેની ઉલટતપાસમાં ભારતે અમેરિકાનો સાથ આપી દાખલો બેસાડવો જોઇએ.અને આપણાં દેશમાં પણ નોકરોના શોષણ,બાળમજૂરી કે ઘૂસણખોરી સામેના કાયદા સખત બનાવી ગુનાઓમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજાની જોગવાઈ કરવી જોઇએ.ત્યારે બની શકશે 'મેરા ભારત મહાન'.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો