Translate

રવિવાર, 22 ડિસેમ્બર, 2013

લસણવાળાનો સુપર્બ આઈડિયા!


ઘણી વાર વહેલી સવારે ટ્રેનમાં ઓફિસ જતી વખતે મલાડથી ગોરેગામની વચ્ચે એક મહારાષ્ટ્રીયન લસણ વાળો તેના લસણ ભરેલા ટોપલા સાથે પાટાની એક બાજુએ એક ખેતર જેવી જમીન પાસે બેઠેલો દેખાય.મને કુતૂહલ થતું કે લસણવાળો નિયમિત શા માટે ચોક્કસ જગાએ બેસતો હશે? ઘણી વાર  એક-બે બીજા લસણ વેચવાનો ધંધો કરતા સ્ત્રી-પુરુષો પણ તેની સાથે બેઠેલાં જોવા મળે.
 
ધ્યાનથી એક વાર નિરીક્ષણ કરતાં માલૂમ પડ્યુ આનું કારણ શું હતું. તેઓ જ્યાં બેસતા તેની નજીકના પાટા પરથી લોકલ ટ્રેન પસાર થઈ ગઈ ત્યાર બાદ તેમની આસપાસ, ફિલ્મોમાં હીરો-હીરોઈન ગીત ગાતા હોય ત્યારે જેમ તેમની આસપાસ ફૂલોની પાંખડીઓ કે રંગીન કાગળના નાના નાના ટુકડા ઉડતા હોય તેવી રીતે અસંખ્ય લસણના ફોતરા ઉડતા દેખાયા. જોયા બાદ સમજાયું કે લસણવાળાઓ ત્યાં શા માટે બેસતા. લસણની રચના ભગવાને એવી રીતે કરી છે કે તેમાં અનેક કળીઓ હોય અને દરેક કળી પર ફોતરાં! લસણવાળાના ટોપલામાં લસણ ભેગા ફોતરાનો પણ ઢગલો. જ્યારે ટ્રેન ઝડપ ભેર તેમની બાજુમાંથી પસાર થાય એટલે હવાના ઝપાટા સાથે બધા ફોતરા આપોઆપ ઉડીને ટોપલામાંથી બહાર! આને કહેવાય જુગાડ! ફોતરા હાથે ટોપલામાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે તો કેટલાયે કલાક નિકળી જાય અને હાથ,આંખ અને આખા શરીરને શ્રમ પડે તે વધારામાં! તો ગાડી પસાર થઈ નથી કે બધા ફોતરાં હવા સાથે ટોપલાની બહાર!અને ફિલ્મના હીરો-હીરોઈન જેવી લાગણી ફોતરાં વચ્ચે અનુભવવા મળે નફામાં!મને બાળપણથી રીતે ફૂલો,કાગળના નાના નાના ટુકડા વગેરે હવામાં પોતાની ઉપર ઉછાળી તે હવામાં ઉડતા ઉડતા નીચે પડે ત્યારે આમ હીરોની જેમ ગોળ ગોળ ફરવું ખૂબ ગમે!હું શાળામાં હતો ત્યારે આવું ઘણી વાર કર્યાનું મને યાદ છે!
એક બે વાર મેં તે લસણવાળાને, પાસેથી પસાર થતાં રાહદારીઓ પાસે હાથનો ટેકો માગી પોતાના માથે લસણનો ટોપલો ચડાવતા પણ જોયો! જુઓ, તેનું કામ મફતમાં કેટલું સરળ બનતું જાય છે! સવારના પહોરમાં આમ ખેતર પાસે બેસવાથી તાજી  હવા સાથે સૂરજનો કોમળ તડકો અને વિટામીન - ડી પણ મળી રહે! સાથે તેના બીજા લસણવાળા મિત્રો હોય તો તેમની સાથે ટોળટપ્પાં મારી ગુણવત્તા ભર્યો સમય પણ મિત્રોની સોબતમાં પસાર કરવાં મળે.
ખેર લસણવાળાઓને આવી ઇનોવેટીવ મફત યુક્તિ વિચારવા બદલ ધન્યવાદ આપવા ઘટે! બીજું કોઈ તેમને ઇનામ આપે આપે પણ મેં જ્યારે લોજિક વિષે વિચાર્યું ત્યારે નિર્ણય લઈ લીધો કે હું મારા બ્લોગ થકી તેમને અને તેમની બુદ્ધિમત્તાને ચોક્કસ બિરદાવીશ!
આવું કેટલુયે એન્ત્રેપ્રેન્યોરિયલ કૌશલ્ય ભારતમાં ગામડાઓમાં,નાના શહેરોમાં છૂપાઈને પડ્યુ હશે. ઇશ્વરને પ્રાર્થના કે તે દરેકને યોગ્ય પ્લેટફોર્મ અને દિશા મળે જેથી તેઓ તો પ્રગતિ સાધે પણ સાથે આપણો દેશ પણ વિકાસશીલ બનવા પામે...
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો