Translate

રવિવાર, 31 માર્ચ, 2013

એક અંધ બોખા ડોસાની વાત

         રોજ સવારે વાંદ્રા સ્ટેશને ઉતરી પૂર્વ તરફ આવેલી મારી ઓફિસ જવા માટે પદયાત્રી પુલ એટલે કે ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. વાંદ્રા કુર્લા સંકુલ(બી.કે.સી.)માં ઘણી બધી ઓફિસો આવેલી હોવાથી સવારે પ્રમાણમાં સારી એવી ભીડ વાંદ્રાના આ ફૂટ ઓવર બ્રિજ પર જોવા મળે પણ છતાં કેટલાક લોકો રોજ એક ચોક્કસ સ્થાને આ પુલ પર જોવા મળે. એક વ્રુદ્ધ ભિક્ષુક ડોશી, એક મુસ્લિમ અપંગ ભિક્ષુક, એક અંધ બોખો ડોસો, બે ઉન-આચ્છાદિત કાયા ધરાવતા ઘેટાં, કેટલાક ફેરિયાઓ વગેરે વગેરે. પણ આમાંથી અંધ બોખો ડોસો તેની કેટલીક લાક્ષણિકતાઓને કારણે ખાસ મારૂં ધ્યાન ખેંચે. તેની વાત આજે આ બ્લોગમાં કરવી છે.
          


          એ ડોસો બંને આંખે અંધ. તે રોજ સવારે ચોક્કસ સમય સુધીજ વાંદ્રા સ્ટેશનના પૂર્વ તરફ લઈ જતાં પુલ પર બેસે. તે બંને પગ, ઘૂંટણ સમા વાળી, તે ઉંચા કરી તેની ખાસ અદામાં એક  કંતાનની ગુણી પર બેસે અને તન્મયતાથી ડફલી વગાડે. તે શું વગાડતો હશે તે તો કોઈને ખબર નહિં હોય કારણ મુંબઈ નગરીમાં રેલવે સ્ટેશન પર ઉભા રહી આમ સંગીત સાંભળવાની ફુરસદ કોની પાસે હોય? અને ઘોંઘાટભરી સવારની ચહલપહલમાં તેની સાવ ધીમા સ્વરે વાગતી ડફલીનો અવાજ ક્યાં કોઈ સુધી પહોંચવાનો? પણ તે જે તન્મયતાથી ડફલી વગાડે અને એ વગાડતી વખતે જે રીતે મોઢુ હલાવી જાણે પોતાના સંગીતમાં જ ખોવાઈ જાય તે દ્રષ્ય ખૂબ વિશિષ્ટ અને નોખું લાગે! મેં આ ખાસ ક્ષણોની કેટલીક તસવીરો પણ ખેંચી છે અને તેનો એક વિડીઓ પણ મારા મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યો છે. મારી આ બ્લોગની વેબસાઈટ પર આજના બ્લોગમાં તમે એ વિડીઓ જોઈ શકશો.

                Video : http://youtu.be/qMOlgK3Xnf4

             એ જ્યારે ડફલી વગાડે ત્યારે તેનું મોં ખુલ્લુ હોય અને ત્યારે દેખાય કે તેના મોંમાં એક પણ દાંત નથી. બોખા મોં ને કારણે તે વધુ ગરીબડો લાગે. તેણે પોષાકમાં સફેદ લેંઘો - ઝભ્ભો પહેર્યા હોય અને માથા પર સાવ ઝીણા સફેદ વાળ. તેની બાજુમાં એક સ્ટીલનું નાનું ડોલચુ પડેલું હોય જેમાં લોકો પૈસા નાખે તો ક્યારેક બિસ્કીટ જેવી કોઈક ખાવાની વસ્તુ.તેની પાસે એક લાકડી પડી હોય. અંધ હોવા છતાં તે માત્ર ભીખ માગવાને બદલે સંગીતનો સહારો લઈ ડફલી વગાડી પેટીયુ રળવાનો પ્રયત્ન કરે છે તે બાબતને કારણે મને તેના પ્રત્યે માન ઉપજે છે. મને લાગે છે મેં તેને, દિવસના કોઈ અન્ય સમયે મુંબઈની પશ્ચિમ રેલવે લાઈનના બીજા કોઈ સ્ટેશને પણ જોયો છે.આવા જ, ઉંમરમાં આ ડોસા કરતા ઘણાં નાની વયના,બીજા એક અંધ પુરૂષને પણ મેં સ્ટેશન પર અન્ય વાજિંત્ર વગાડી આ રીતે લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરી ગુજરાન ચલાવતો જોયો છે. આ લોકો ઇશ્વરે તેમને આંખોની દ્રષ્ટી ન આપી હોવા છતાં મુંબઈની મોહમાયા ભરી નગરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા તેમની જે લાયકાત છે તેનો ઉપયોગ કરી પેટીયુ રળવા પ્રયત્ન કરે છે એ કાબેલે તારીફ છે. નહિતર મુંબઈની ભીડમાં તો બાજુમાં એક તદ્દન સામાન્ય માણસ પણ ચાલતો હોય તેની દરકાર લેવાની પણ કોઈને તમા ન હોય તેવામાં શારીરિક ઉણપ ધરાવતી કોઈ વ્યક્તિ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા કેટલી જહેમત ઉઠાવવી પડતી હશે તેની કલ્પના કરવી સહેલી છે. અંધ બોખા ડોસા જેવી તો કેટકેટલી કહાણીઓ છૂપાયેલી છે આપણી આ મુંબઈ નગરીયામાં!

રવિવાર, 24 માર્ચ, 2013

ગેસ્ટ બ્લોગ : મારી બારીમાં ખિસકોલી ભાઇ ખિસકોલી

                                                                       - સંદીપ ભાટિયા

મોટી મોટી શિલાઓ એક પર એક ગોઠવી દેવા માત્રથી સેતુ ન બને. વચ્ચે ચપટી ચપટી રેતી ભરવી એ પણ ભારે મહત્વનું. આ વાત જાણે એક રામજી અને બીજી મારી બારીની બહાર સામે સરુનાં વૃક્ષપર દોડાદોડી કરતી એક ઝીણકી ખિસકોલી.    

રામજીએ એને શાબાશી આપતાં પીઠપર પડેલી આંગળીઓની છાપ મને દેખાડવા ઘણી વાર એ પાણીના પાઇપવાટે છઠ્ઠા માળ સુધી ચઢી આવે. સિંગદાણા, રોટલી કે ફળોનાં ટુકડા ને ભાત એના સારુ રસોડાની બારીપાસે મૂક્યા હોય તે ખાય. પાણી પીએ. બધે ભટકી આવીને ગામ આખાની વાતો ગળામાં ભરી બેઠેલા કબૂતર જોડે જરીક ગપસપ કરે. ડોક ઊંચી કરી બારીમાંથી અંદર જુએ. ઘરમાં સાતચાલીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવાનો રઘવાટ દોડાદોડી કરતો હોય. બારીની ગ્રિલપર થોડીવાર પોરો ખાઇ એ ફરી નીચે ઊતરી જાય.

એકાદ રવિવારની બપોરે ઘર આખું વામકુક્ષી કરતું જંપ્યું હોય ત્યારે એ કિચનના પ્લેટફર્મપરથી નીચે કૂદી બધે ફરી વળે. ફર્સપર અને ફર્નિચરપર ચક ચક ચીં ચક્ ચીં ની રંગોળી પુરાતી રહે. એનો અવાજ સંભળાતાં જ ચાદર મોં સુધી ખેંચી લઉં. સહેજે હાલ્યાચાલ્યા વગર પડ્યો રહું. જમીનપર આડું પડેલું કોઇ થડિયું સમજી એ મારાપર ચઢી પગથી માથા લગી કૂદાકૂદ કરી મૂકે. ક્યારેક સાવ ખભાપર આવીને બેસે અને મગફળીનો નાસ્તો કરે. ખિસકોલી ટેસથી સિંગનો દાણો ફોલીને ખાતી હોય એનો કાનની સાવ નજીકથી આવતો ઝીણો અવાજ કેવો મજેદાર હોય એ વર્ણવવું મારા ગજાની બહારનું છે.

ખિસકોલી શરીરપર કૂદાકૂદ કરતી હોય ત્યારે ભારે રોમાંચ થાય, પણ સહેજેય હલાય નહીં. જરીકેય હલ્યા કે ખેલ ખતમ. હવે વૃક્ષને કેવું થતું હશે એ થોડુંથોડું સમજાય છે. બારી બહારનું સરુનું વૃક્ષ અમારી અવહેલના, ઘોંઘાટ અને પ્રદુષણને ખમી લઇને પણ કેમ હજી ઊભું રહ્યું છે, હાઇવેની પેલી તરફના નેશનલ પાર્કના જંગલમાં નાસી કેમ નથી છૂટતું એનો હવે ખ્યાલ આવે છે.

સવારના કૂમળા તડકાને ખિસકોલી સાથે ભારે દોસ્તી. પરોઢનું પહેલું કિરણ સરુ વૃક્ષની ડાળને ઝાલી લઇને નીચે ઊતરી આવે. પખીઓએ કોચલાં ફોડીને  નીચે વેરેલાં બીયાં ભેગા કરવામાં ખિસકોલી મશગૂલ હોય. એને માથે કિરણ ટપલી મારે. ખિસકોલીનાં એક પછી એક બધાં રૂવાં સોનાનાં થવા માંડે. એ પૂંછડી ઊંચી કરી ટટ્ટાર ઊભી રહે. કિરણ ડોકપરથી પીઠપર અને પૂંછડીપરથી સરકતું ઊછળીને પાસેના ખાબોચિયામાં જઇ પડે. ખાબોચિયામાં પાણીપર શેવાળની જેમ ફેલાયેલું અંધારું મૂંઝાઇને આઘુંપાછું થવા માંડે. શેવાળની ફાટમાં પરોઢના આકાશનું એક કેસરી ચાંદરણું ચમકી ઊઠે. એને સાત ચાલીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવા જઇ રહેલો એક બાબુ પોતાની કીકીમાં ઝીલી લે. ઓફિસમાં પહોંચતાં જ એનો સાથી સામો મળે. ‘ગુડ મોર્નિંગ’ની આપલે થાય. સાથીની આંખમાં પરોઢનું એ પ્રથમ કિરણ પ્રતિબિંબાય. થોડી વારમાં તો આખી ઓફિસમાં બધાના ખિસ્સામાં પરોઢના ઊજાસની એકએક સોનામહોર હોય.

એ સાંજે ઘેર જઇને ઓફિસના બાબુઓને પોતાના બાળકોને વારતા કહેવાનું મન થાય.

- સંદીપ ભાટિયા

રવિવાર, 17 માર્ચ, 2013

ચકડોળવાળો

મારી પોણા ત્રણ વર્ષની દિકરીને શનિ-રવિ માંથી એક દિવસે સાંજે ઘરથી થોડે દૂર ચકડોળમાં બેસાડવા લઈ જવાનો નિયમ છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી હું અને મારી પત્ની નિયમિત પાળીએ.એસ,વી. રોડ પર એક બાજુએ સાઈડમાં આ ચકડોળવાળો છેલ્લાં ઘણાં વર્ષોથી ઉભો રહે એટલે મારા મગજમાં એ નોંધાયેલું હતું જ કે આ ચોક્કસ જગાએ નિયમિત ચકડોળ વાળો ઉભો રહે છે.પણ નમ્યા ચકડોળમાં એકલી બેસી શકે એટલી મોટી થઈ એટલે હવે તેને સાહસિક વ્રુત્તિની બનાવવા દર અઠવાડિયે-પખવાડિયે એકાદ વાર ચકડોળમાં બેસાડવા લઈ આવવાનો નિર્ણય કર્યો હતો.


ચકડોળવાળા પાસે બે પ્રકારના ચકડોળ હતાં.એક ઉભું ચાર બેઠકવાળું ચકડોળ જેમાં એક બેઠક પર બે કે ત્રણ બાળકોને સાથે બેસાડી ચકડોળ વાળો પહેલા એક દિશામાં તેમને ફેરવે અને પછી થોડાં રાઉન્ડસ વિરુદ્ધ દિશામાં ફેરવે.કેટલાક બાળકો તાળીઓ પાડી ખુશ થાય તો કેટલાક મોટેથી ભેંકડા તાણી રડવા માંડે. નમ્યાને મેં પહેલેથી થોડી પ્રિપેર કરી રાખી હતી અને તેના નાનકડા મનમાં ચકડોળમાં બેસવા માટે મેં ઉત્સાહ અને ઉત્કંઠા જન્માવ્યા હતાં આથી તે પહેલી વાર બેઠી ત્યારે તે થોડું ગભરાયા બાદ પછી આ ચકડોળના ગોળ ગોળ રાઉન્ડ્સ માણવા લાગી હતી.ચકડોળવાળા પાસે બીજું ચકડોળ આડું હતું જેમાં ઘોડા અને જીપ આકારની બેઠક હતી.અહિં પણ ચકડોળવાળો પહેલા થોડા રાઉન્ડ્સ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે અને પછી તેની વિરુદ્ધ દિશામાં.આમાં કેટલાક બાળકોને ચક્કર આવે. નમ્યાને પણ આ આડા ચકડોળ કરતાં ઉભા ચકડોળમાં બેસવું વધારે ગમે.

ચકડોળવાળો બત્રીસ-પાંત્રીસ વર્ષનો ગુજરાતી માણસ હતો.રંગે શ્યામ પણ મૂછવાળા મોઢા પર હાસ્ય રમતું હોય અને બાળકોને હસીને ચકડોળમાં બેસાડે.ખૂબ નાનું બાળક હોય તો તેને ચકડોળમાં બેસાડવાની સામેથી ના પણ પાડી દે.પહેલી વાર નમ્યાને લઈને ગયેલો ત્યારે તેણે જ સામે થી નમ્યાને બેસાડવાની ના પાડેલી.પણ ત્રણેક મહિના પહેલા નમ્યા થોડી મોટી થઈ અને તેણે પોતે હસતા હસતા ચકડોળમાં બેસવાની તૈયારી બતાવી ત્યારે તેણે નમ્યાને ઉભા ચકડોળમાં બેસાડી અને મેં અને અમીએ વહાલથી ચકડોળ શરૂ થયા બાદ હાથે હલાવી હર્ષની ચિચિયારીઓથી નમ્યાના ઉત્સાહને બિરદાવ્યો હતો.

મોટે ભાગે ચકડોળ વાળો ઉભું ચકડોળ ફેરવે અને તેની પત્ની બાજુમાં જ આડું ચકડોળ ફેરવે.પાસે જ ફૂટપાથ પર તેમના બે બાળકો બેઠાં બેઠાં બિસ્કીટ ખાતા હોય કે રમતા હોય.ચકડોળવાળાના મુખની જેમ તેની પત્નીના મુખ પર પણ સ્મિત રમતું હોય.રાત્રે તેઓ ચકડોળને આ જ જગાએ મૂકી તેને તાળા લગાડી ઘેર જતાં રહે.

હું અને અમી,નમ્યા ચકડોળમાં બેઠી હોય ત્યારે તેને ચિયર કરતાં કરતાં આ ચકડોળવાળા તથા તેની પત્ની સાથે થોડી ઘણી વાતચીત પણ કરી લેતાં.અમને જાણવા મળ્યું હતું કે તેમણે તેમના બાળકોને મ્યુનિસિપલ શાળામાં ભણવા મૂક્યા હતાં.મેં તેમને સલાહ આપી કે તેમને ખૂબ ભણાવજો,ચોક્કસ ભણાવજો.

બે-ત્રણ અઠવાડિયા નિયમિત ચકડોળમાં બેસાડ્યા બાદ એકાદ શનિવારે સાંજે અમે નમ્યાને ચકડોળમાં બેસાડવા નિકળ્યા પણ ચકડોળ તાળા લગાડેલી સ્થિતીમાં જ પડ્યું હતું અને બીજા પણ એક દાદીમા તેમના પૌત્રને લઈ ચકડોળ પાસે આવ્યા હતા.પણ અમે તથા નમ્યા અને તેમનો પૌત્ર એકબીજા સાથે થોડી વાર વાતચીત કર્યા બાદ ત્યાંથી પાછા ફર્યાં.

ત્યારબાદ ત્રણ-ચાર સપ્તાહ હું વ્યસ્ત હોવાને કારણે નમ્યાને ચકડોળમાં બેસાડવા લઈ જઈ શક્યો નહિ.

આજે સાંજે જ્યારે હું નમ્યા અને અમીને લઈ ચકડોળવાળા પાસે ગયો ત્યારે ત્યાં કોઈ નવો યુવાન હાજર હતો. મેં નમ્યાને ઉભા ચકડોળમાં બેસાડી અને ચકડોળના ફેરા પૂરા થયા બાદ પૈસા ચૂકવતી વખતે મેં તે નવા યુવાનને સ્વભાવિક પ્રશ્ન પૂછ્યો કે આ ચકડોળ દર વખતે ચલાવતો હોય છે એ ભાઈ ક્યાં છે?તેણે જવાબ આપ્યો કે એ તો એક મહિના પહેલા જ મરી ગયો.

જવાબ સાંભળી મને એક જબરદસ્ત આંચકો લાગ્યો.મેં તેને પૂછ્યું આમ કઈ રીતે બન્યું.તેણે જે જવાબ આપ્યો એ વધુ દુ:ખ અને આઘાત પહોંચાડનાર હતો.પેલા હસમુખા ચકડોળવાળા માણસે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.કારણ?મ્યુનિસિપાલ્ટીવાળાએ તેનું ઘર તોડી પાડ્યું હતું અને આથી તે તેના પરિવાર સહિત રસ્તા પર આવી ગયો હતો.કદાચ આ દુ:ખ સહન ન કરી શકવાને કારણે તેણે આવું અંતિમ પગલું ભર્યું હતું.

અને આમ હજારો બાળકોને હસાવનાર અને સાહસિક બનાવનાર મૂછાળા હસમુખા બે નાનાનાના બાળકોના પિતા અને એક યુવાન સ્ત્રીના પતિ એવા ચકડોળવાળાએ અચાનક જીવનનો જંગ હારી જઈ મોત વહાલું કરી લીધું. મારા મનમાં કંઈ કેટલાયે પ્રશ્નો ચકડોળે ચડાવ્યા હતા આ ચકડોળવાળાએ. જીવનની કેવી ક્ષણભંગુરતા...એક માણસને તમે જોતા હોવ ત્યારે એવો વિચાર પણ ન આવે કે કદાચ આ તમે એને છેલ્લી વાર જોઇ રહ્યા છો. મારી આંખ સામે ચકડોળવાળો અને તેની પત્ની,તેના બાળકોની છબી તરવરી રહ્યાં. તેમનું શું થયું હશે? તેઓ હવે શેષ જીવન કઈ રીતે ગાળશે?

ઇશ્વરને પ્રાર્થના કે ચકડોળવાળાના આત્માને શાંતિ આપે અને તેની પત્ની તથા બાળકોને તેમનું શેષ જીવન સારી રીતે જીવવા બળ અને પૂરતા સ્રોત આપી રહે.

રવિવાર, 10 માર્ચ, 2013

મુસીબતને ગંભીરતાથી ન લેવી

જૂની રંગભૂમિના ગીતોના એક કાર્યક્રમનું સંચાલન કરતી વેળાએ થયેલ એક અનુભવ આજે વર્ણવવો છે. મોટા ભાગના ગીતો કલાકારો પોતે મંચ પર લાઈવ ગાઈને પર્ફોર્મ કરવાના હતાં. પણ ત્રણ ગીતો સી.ડી.માં રેકોર્ડેડ હતા. કોઈ પણ લાઈવ કાર્યક્રમ અનેક લોકોના કો-ઓર્ડીનેશનથી જ શક્ય અને સફળ બને છે.લાઈટ્સ, સેટ્સ, મેક અપ, સાઉન્ડ વગેરે જેવી અનેક બાબતોના સમયાનુસારના સુસંકલન અને સુસંગતિ સાથે જ કાર્યક્રમ ભજવાય તો તે માણવા લાયક બનતો હોય છે. છતાં ઘણી વાર ક્યાંક ક્ષતિ રહી જવા પામતી હોય છે અથવા ઘણી વાર અનેક પૂર્વ તૈયારી છતાં કાર્યક્રમ વચ્ચે કોઈક ખામી કે ક્ષતિ સર્જાતી હોય છે. આવે વખતે કલાકારની ‘પ્રેસેન્સ ઓફ માઈન્ડ’ કસોટીના એરણે ચડતી હોય છે. અમારા કાર્યક્રમમાં સાઉન્ડ સંભાળનાર નવો નિશાળીયો હતો અને કાર્યક્રમ શરૂ થયા પહેલા ટેસ્ટીંગ વખતે માલૂમ પડ્યું કે તેના સી.ડી.પ્લેયરમાં અમારા ત્રણ ગીતો વાળી સી.ડી. વાગી રહી નથી. થિયેટરના સી.ડી.પ્લેયરમાં આ ગીતો વાગ્યા પણ આ સિસ્ટમ જૂની હતી અને તે બરાબર ઓપરેટ કરતાં સાઉન્ડ વાળા ભાઈને આવડતું નહોતું.


તે પોતાની સાઉન્ડ સિસ્ટમમાં રીમોટ વડે સીધા એક ગીત પરથી બીજા ગીત પર જવા ટેવાયેલો હતો અને થિયેટરની જૂની સિસ્ટમમાં ગીતો માત્ર ક્રમાનુસાર જ વાગે તેવી વ્યવસ્થા હતી. તેને સૂચના આપવામાં આવી કે તેણે પહેલું ગીત પૂરું થાય પછી 'પોસ' બટન દબાવી લાઈવ કોમેન્ટરી થવા દેવી અને પછી મંચ પરથી ઇશારો થાય એટલે પાછુ 'પ્લે' બટન દબાવી બીજું ગીત શરૂ કરવું.ત્રીજું ગીત તો મધ્યાંતર પછી વગાડવાનું હતું એટલે તે વિશે વધુ સૂચના ન અપાઈ.પહેલું ગીત તો બરાબર વગાડ્યું.પણ બીજા ગીત વખતે આડા અવળા બટન દબાઈ જતાં તેણે ફરી પહેલું ગીત વગાડવાની શરૂઆત કરી.ભૂલ સમજાઈ જતાં ફરી પ્રયત્ન કર્યો અને બીજું ગીત વગાડવામાં આખરે તેને સફળતા મળી. ઇન્ટરવલ પછી ફરી એ જ ગોટાળો.આ વખતે તો ત્રીજું ગીત વગાડવાનુ હતું પણ સાઉન્ડ વાળાએ બટન દબાવ્યું અને લાઈવ કાર્યક્રમમાં પહેલું ગીત મોટેથે વાગવા માંડ્યું.તે મથ્યો અને આડાઅવળા બટન દબાવ્યા અને બીજું ગીત વાગવા માંડ્યું.ત્રીજા ગીત પર પર્ફોર્મ કરવાનું હતું પણ ભૂલથી, ચારથી પાંચ વાર પહેલા બે ગીતો જ વાગવાની શરૂઆત થતી હતી..સારૂં થયું કે પ્રેક્ષકો ઘણાં સભ્ય હતાં અને તેમણે વધુ હોબાળો ન મચાવ્યો.મારા પિતા એ ત્રીજા ગીત પર પર્ફોર્મ કરવાનું હતું અને ત્યારે આવા ભગા થયાં પણ તેઓ જરાયે વિચલિત થયા નહિ અને તેમણે પોતાની પ્રેસેન્સે ઓફ માઈન્ડ અને રમૂજ વ્રુત્તિ વાપરી આવા ગંભીર પ્રસંગને પણ હળવો બનાવી દીધો.પ્રેક્ષકો સાથે, ચોથી દિવાલ ભેદી તેમણે સીધી વાતચીત કરી તેમને પેટ પકડી હસાવ્યાં.આખરે ચાર-પાંચ નિષ્ફળ પ્રયત્નો બાદ ત્રીજું ગીત વાગ્યું અને પપ્પા તથા બીજા કલાકારોએ પર્ફોર્મન્સ પતાવ્યું અને પ્રેક્ષકોને એ ગમ્યું પણ ખરા!

અહિ પાઠ એ શિખવાનો કે જીવનમાં અણધારી આપત્તિ ગમે ત્યારે અને ખાસ્સી મહેનત અને ચિવટ બાદ પણ આવી ચડી શકે છે પણ એવે સમયે નાસીપાસ કે નિરાશ થયા વગર હસતા હસતા મુસીબતનો સામનો કરવો જોઇએ. મુસીબત વેળાએ ગભરાઈ જવાથી કંઈ વળતું નથી.મગજ શાંત રાખી અને હળવા જ રહી વિચાર કરતાં મુસીબત નો સામનો કઈ રીતે કરવો ત જડી આવે છે.જીવનમાં કોઈ પણ મુસીબત અતિ ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી.

રવિવાર, 3 માર્ચ, 2013

વાલ્કેશ્વરને વખાણવું કે વખોડવું?

ચર્ની રોડ સ્ટેશન પર પૂર્વ દિસામાં સૈફી હોસ્પિટલની ભવ્ય ઇમારત છે. રાત્રે તે જે રીતે પ્રકાશિત હોય છે તે જોઈ મન પ્રસન્નતાથી ભરાઈ ગયા વગર ન રહે! વાલકેશ્વરના પ્રોમિનેડ પરથી રાતે ચાલીને આવતા હોઇએ ત્યારે એક બાજુએ વિશાળ અરબી સમુદ્રના અફળાતા મોજા દ્રશ્યમાન થાય, તેને વિંટળાયેલો ક્વીન્સ નેકલેસ પણ નયનરમ્ય લાગે. સામે પ્રકાશિત ઉંચી સૈફી હોસ્પિટલની ઇમારત પણ વાલકેશ્વરની ફૂટપાથ પરથી ટચૂકડી પણ અતિ સુંદર દેખાય. સૈફી હોસ્પિટલની વાત કરી એટલે તેના મુખ્ય પ્રવેશ દ્વાર પર કોતરાવેલી એક સરસ પંક્તિ મને યાદ આવી ગઈ. “When I fall sick,it is He who cures” (હું જ્યારે બિમાર થઈ જાઉં છું,ત્યારે તે મને સાજો કરે છે." આ ‘તે ‘ દ્વારા કોનો નિર્દેશ થયો છે તે સમજાવવાની જરૂર ખરી?)


હવે જ્યાં ફક્ત સારી સારી વાત કરીએ, આપણા મુંબઈ શહેર વિષે, ત્યારે સાથે સાથે ગંદકીનો ઉલ્લેખ ન થાય એવું બની શકે ભલા?! વાલકેશ્વરની સરસ ફૂટપાથ, જ્યાંથી ઉપર વાત કરી એ સુંદર દ્રષ્ય દેખાય છે, તેના પર જ ચાલતી વખતે જો માત્ર સુંદરતા નિરખવા પર ધ્યાન આપશો તો નક્કી તમારો પગ અહિં વસતા શ્રીમંતજનોના વિદેશી જાતિના શ્વાને કરેલા મળના ઢગલા પર પડશે એ નક્કી! મને આ લખતા પણ ચિતરી ચડે છે! સરસ મજાની ફૂટપાથ પર અનેક લોકો રોજ ચાલે કે દોડે (જોગિંગ કરે) છે. અહિં આસપાસના મકાનોમાં રહેતા શ્રીમંતોના નોકરો તેમના શેઠોના પાળેલા મોંઘા મોટા ભાગે વિદેશી જાતિના આલ્શેશિયન ,ડોબરમેન કે અનેક જાતજાતના શ્વાનનોને લઈને ફરવા નીકળે. ક્યારેક તો શ્રીમંત શેઠ કે શેઠાણી પોતે કે પછી ઘરનું કોઈ મેમ્બર પણ પોતાના પરિવારના સભ્ય જેવા કૂતરાને લઈને ફરવા નીકળે. પણ આટલા શ્રીમંત હોવા છતાં, જ્યારે કૂતરૂ પગ ઉંચો કરી મળ કે મૂત્ર દ્વારા એ ફૂટપાથ ખરાબ કરી રહ્યું હોય ત્યારે તેઓ એ જોયું ન જોયું કરી નાંખે. આ વાત મને ખૂબ પીડે છે. છેલ્લા થોડા સમયથી મારે કામ સંદર્ભે અહિં થી નિયમિત પસાર થવાનું બને છે. ત્યારે દરેક વખતે આવા, સુંદર જગાને ખરાબ કરતા દ્રષ્ય જોઈ મારૂ મન ગ્લાનિ અનુભવે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે આ વિશે કહ્યું હતું જે દિવસે ભારતમાં પણ વિદેશની જેમ માલિકો પોતાના પાળેલા પ્રાણીઓના મળમૂત્રને રસ્તા પરથી પોતે ઉપાડી પોતાના શહેર કે દેશની સ્વચ્છતા અંગે સભાન થઈ જશે તે દિવસે સોનાનો સૂરજ ઉગશે. મેં કોઈક વિડીઓમાં જોયેલું કે વિદેશમાં શ્વાનના માલિકો શેરી પર તેની સાથે ફરવા નીકળે ત્યારે વેસ્ટબેગ સાથે લઈને જ નીકળે અને જેવું શ્વાન પગ ઉંચો કરે ત્યારે તેનું મળમૂત્ર એ વેસ્ટબેગમાં જ પડવા દે અને નજીકની જ કચરાપેટીમાં નાખી દે. વાલકેશ્વરના શ્વાનમાલિકો ક્યારે આવું વલણ અપનાવશે? બધા સરખા નથી હોતા..કેટલાક સારા શ્રીમંતો શ્વાનને મળમૂત્ર ઉત્સર્જન ઘરમાં જ જાજરૂમાં કરવાની તાલીમ પણ આપતા હશે. પણ એ બહુ ઓછા હશે તેથી જ વાલકેશ્વરના પ્રોમિનેડ પર ચાલતી વખતે, અરબી સમુદ્ર અને ક્વીન્સ નેકલેસ સાથે સૈફી હોસ્પિટલ અને અન્ય ઉંચી ઇમારતોની સુંદરતાને આંખોમાં ભરતી વેળાએ ધ્યાન ન આપો તો ફૂટપાથ પર ઠેર ઠેર અહિં વસતા શ્રીમંતોના પાળેલા કૂતરાઓએ કરેલી ગંદકીથી પગ ખરાબ થયા વગર નહિં રહે અને મૂડનો સત્યાનાશ થઈ જશે!

આ બ્લોગ ટ્રેનમાં બેસી લખતા પહેલા ચર્ની રોડ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા જોતા, સૈફી હોસ્પિટલની સુંદર લાઈટો પરથી ધ્યાન સહેજ નીચે રેલવેના પાટા પર ગયું ત્યાં મોટા મોટા ચાર પાંચ ઘૂસ ઉંદરો પકડાપકડી રમી રહ્યાં હતાં! તેમની આસપાસ આપણે જ મુંબઈ ગરાઓએ ફેંકેલો કચરો જ કચરો નજરે ચડ્યો અને એક જ ક્ષણમાં પેલી સુંદરતાએ જન્માવેલી પ્રસન્નતા ગાયબ થઈ ગઈ.

આપણા શહેરની અસ્વચ્છતા માટે આપણે જ જવાબદાર છીએ. ગાડીમાં પ્રવાસ કરતી વેળાએ, રસ્તામાં ચાલતી વખતે, મોલમાં શોપિંગ કર્યા બાદ ખાતી વખતે કે ઓફિસ,શાળા કે કોલેજ જતા-આવતા, બજારમાં,મેદાનમાં,બસમાં કે ટ્રેનમાં કે આપણાં પોતાના વાહનમાંથી રસ્તા પર કચરો ફેંકતા આપણે સહેજ પણ અચકાતા નથી. ઘરમાં ગમે ત્યાં કચરો નાખતા નથી પણ શહેરની કે શેરીની કે પોળ કે ગલીની કે સ્ટેશનની કે સાર્વજનિક સ્થળની સ્વચ્છતાની કોઈને પડી નથી. ક્યારે આપણો આ અભિગમ બદલાશે?