Translate

રવિવાર, 24 ફેબ્રુઆરી, 2013

ગેસ્ટ બ્લોગ : પંગુતાએ કંઈ શ્રાપ નથી

- શરદ દોશી


સૃષ્ટિ એક અજબગજબનું સ્થાન છે. જાતજાતની અજાયબી જોતા થાકો જ નહી! કુદરતના અજબગજબ સર્જન સમા માનવમાં પણ અનેક વિવિધતા દેખાય છે. શરીરની રચનાનું મેકેનિઝમ તો દંગ કરી દે તેવું હોય છે અને એમા ઘણાંને બધા અંગ નથી પણ હોતા. હાથ નથી, આંખમાં ખામી, બહેરાશ, પોલીઓ વગેરે વગેરે. અપંગપણું, અપૂર્ણતા આવા માણસને અન્ય સામાન્ય માણસથી જુદો પાડે છે.

એક વાર એક ભિખારી જંગલમાં બેઠો બેઠો ઇશ્વરને ગાળો આપતો હતો કે, “હે ઇશ્વર તે મને કશુ જ આપ્યું નથી.” ત્યાંથી એક ફકીર પસાર થતા હતા. તેમણે આ સાંભળ્યું. તેમણે ઉભા રહી તે ભિખારીને કહ્યું ,”તુ તારી એક આંખ આપ, હું તને પાંચ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના.” ફકીર કહે,”બન્ને પગ આપ, વીસ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના”. ફકીર દરેક અંગ પૈસાથી મુલવતો ગયો. તેની કિંમત લાખોમાં થતી હતી. અંતે ફકીર બોલ્યો, “ઇશ્વરે આટલી બધી સંપત્તિ આપી છે તો ગાળો કેમ ભાંડે છે?” પણ વાસ્તવિક જીવનમાં જ્યારે એકાદ અંગ રૂપી સંપત્તિ ન હોય અથવા ઉણપ વાળી હોય તો ?

Life is Worth Living. જીવન જીવવા જેવું છે. મધુર છે. ખૂબ અનુભવવા જેવું છે. આ માણસનો સ્વભાવ છે. કોઇ પણ વાતાવરણમાં એ સમન્વય કરી સમાન રહેવા માંગે છે. પાછળ રહેવું ગમતું નથી. તે વાતાવરણને પોતાનું બનાવવા માંગે છે. એવું કહેવાય છે કે એક ઈન્દ્રિયમાં ઉણપ હોય તો એની ખોટ બીજી ઈન્દ્રિયો પૂરી પાડે છે, તેમની સતેજતા વધી જાય છે. હેલન કેલર, સ્વ. પટોડી નવાબ, રૂઝવેલ્ટ બીથોવન, પંડિત સુખલાલજી, ક્રિકેટર ચંદ્રશેખર - એમનાં કાર્યો અને સિધ્ધીઓ પ્રેરણાદાયી છે. એમનાં જીવનસંગ્રામ તેમને બીજાથી અલગ પાડે છે.

વિકસિત દેશોમાં અપંગો માટે ખાસ કાળજી ને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં જાગ્રુતિ છે. ત્યાં વિમાનમથકોમાં અપંગો માટે જુદા શૌચાલયો ફરજીયાત છે. આપણે ત્યાં જાગ્રુતિનું પ્રમાણ ઓછું છે. આપણે ત્યાં ગત જન્મનાં કર્મને લીધે થયું એમ સ્વીકારી લેવામાં આવે છે. આથી કાળજી લેવામાં ઉપેક્ષા થાય છે. આ આપણું દુર્ભાગ્ય છે. એમના માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલાં પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી.

આજે અપંગ લોકોને સમાજની હૂંફ, પ્રેમ, કાળજી મળે તો તેઓ વધારે સારી રીતે સંઘર્ષ કરી શકે અને સંઘર્ષમાં સગવડતા ઊભી થાય, જેથી સંઘર્ષ થોડો હળવો બને. અપંગ છે તેથી શુ? તેમને પણ જીવન જીવવાનો અધિકાર છે. તેઓ વધું સારૂં જીવે એ આવશ્યક છે. અકસ્માતે ઉણપ મળી છે એને પૂર્વગ્રહરહિત સમાજનો સાથ-સહકાર જોઇએ છે.

ઘણાં લોકો અકસ્માતથી અપંગ બને છે.દા.ત. દાઝવાથી, ટ્રેનના પાટા ઓળંગતા, બેફામ બાઇક, મોટર ચલાવતાં, તેમજ અનેક રીતે થતાં અકસ્માતો, ખોટા સાહસથી પડી જવાથી વગેરે. આ વિશે થોડી કાળજી લેવાય અને એવા પ્રસંગો ઓછા બને તો કુટુંબનો અને સમાજનો બોજો ઓછો થઈ શકે. હેલમેટ પહેરી બાઇક ચલાવાય તો સારૂં જ છે.

૧૯૮૧નું વર્ષ International Year for Disabled Person (IYDP) તરીકે ઉજવાયું હતું. એને ઘણો સમય પસાર થઈ ગયો છે. ભારત સરકાર આવું વર્ષ જાહેર કરે અને હિતનાં કાર્ય ને બળ પૂરૂં પાડે.

અપંગોને જીવવા માટે પ્રભુ નવું બળ ને શક્તિ આપે. અપંગો જીવનને શ્રાપ ન ગણે. નદીકિનારે ઉભેલી હોડીમાં બેસે, ઈશ્વરને પ્રાર્થના જરૂર કરે પણ હલેસા પણ મારે. બંધાયેલી હોડી છોડવાનું ભૂલે નહી.


‘મૂકમ કરોતી વાચાલમ પંગૂમ લંઘયતે ગિરીમ

યત્ક્રુપા તમ હમ વંદે પરમાનન્દ માધવમ ‘

શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

આપણી આસપાસનાં પરિસર વિશેની કેટલીક રસપ્રદ વાતો

કરોડો વર્ષ પહેલાં આપણી પ્રુથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ. એ જીવ તો નરી આંખે દેખાય પણ નહિ તેવો એક કોષી સજીવ હતો અને પછી કાળક્રમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા બીજા સજીવો અસ્તિત્વમાં આવ્યા. માણસ તો કેટલાંયે વર્ષો બાદ જન્મ્યો. મનુષ્ય પાસે એવું અમોઘ,અપૂર્વ અને અજોડ શસ્ત્ર હતું જેની મદદથી તે બીજા સર્વે સજીવો કરતાં ચડિયાતો અને શ્રેષ્ઠ સાબિત થયો - બુદ્ધિ, મગજ, મન. પણ સાથે જ તેનામાં અન્ય જીવોમાં જોવા ન મળતી હોય એવી પણ કેટલીક લાગણીઓ ભગવાને મૂકી - લાલચ,સ્વાર્થ,વેરઝેર લેવાની વૃત્તિ વગેરે. તેની વધુને વધુ પ્રાપ્ત કરવાની એષણા બળવત્તર બનતી ચાલી અને તેમ તેમ તે કુદરત પ્રત્યે, અન્ય સજીવો પ્રત્યે બેપરવા થતો ચાલ્યો. કેટલાક સજીવોનું તો તેણે નિકંદન કાઢી નાંખ્યું અને કેટલાક સજીવોને આજે મનુષ્યે દુર્લભ જીવોની યાદીમાં મૂકી દીધાં છે.


કુદરત સજીવોની એક સાંકળ રચી છે જેમાં એક સજીવના અસ્તિત્વનો આધાર બીજા સજીવની સંખ્યા કે અન્ય કેટલાક પરિબળો પર રહે છે. પણ પ્રગતિ પાછળની આંધળી દોટમાં મનુષ્ય ક્યાંક ક્યાંક આ જૈવિક સાંકળ તોડવા કે તેને નુકસાન પહોંચાડવા પાછળ જવાબદાર બન્યો છે.

કેટલીક સંસ્થાઓએ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનનું બીડું ઝડપ્યું છે અને તેમણે મનુષ્યે પ્રકૃતિને કરેલા મસમોટા નુકસાનની થોડે ઘણે અંશે ભરપાઈ કરવાનું ભગીરથ સત્કાર્ય હાથે ધર્યું છે. આવીજ એક સંસ્થા છે B.N.H.S. (બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાઈટી) (શિવસેના વાળાઓએ અહિં પણ ‘બોમ્બે’ નું ‘મુંબઈ’ કરવા દબાણ કરી આ સંસ્થાની હેડઓફિસ માં તેનું નામ લખ્યું હતું તેના અક્ષરો પર કાળો રંગ લગાડી તેમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો! રે મનુષ્ય!) આ બી.એન.એચ.એસ સંસ્થાનું વાર્ષિક કોર્પોરેટ સભ્યપદ હું જ્યાં કામ કરું છું એ કંપનીએ લીધું છે. અમારી ઓફિસમાં અમે એક 'ગો ગ્રીન' જૂથ બનાવ્યું છે જે પર્યાવરણની જાળવણી અને તેના સંવર્ધનને લગતા પગલા લે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. આવા જ એક કાર્યક્રમમાં અમે બી.એન.એચ.એસના એક નિષ્ણાત પ્રાણીવિદ કૌસ્તુભ ભગત ને થોડા મહિના અગાઉ 'વિશ્વ પ્રાણી દિવસ' નિમિત્તે અતિથિ વક્તા તરીકે આમંત્રિત કર્યા અને તેમણે એકાદ કલાક જે ચર્ચા અમારા સૌ સાથે કરી અને આપણી આસપાસના સજીવો વિષે જે અસામાન્ય અને રસપ્રદ માહિતી પૂરી પાડી તે હું આપ સૌ સાથે આજના બ્લોગ થકી વહેંચીશ.

આજકાલ આપણી આસપાસ કોયલ પક્ષીના મધુર ટહુકા વધુ પ્રમાણમાં સાંભળવા મળે છે.શું આ બાબતનો કોઈ ચોક્કસ અર્થ હોઈ શકે ખરો? કોઈ કલ્પના ખરી? આપણી આસપાસના વિસ્તારમાં કચરો સાફ કરવા વાળા રજા ઉપર હોવા જોઇએ અથવા આપણી આસપાસના વિસ્તારમાં ગંદકી વધી રહી છે. નવાઈ લાગી ને? હા! હવે આ હકીકતનું સાચું કારણ જાણીએ. કોયલ એક અતિ આળસુ પંખી છે અને તે કદી પોતે માળો બાંધી તેમાં ઈંડા મૂકતી નથી. તેના ઈંડા કાગડાના ઈંડાને મળતા આવતા હોવાથી કોયલબેન કાગડાના ઈંડા ભેગા પોતાના ઈંડા ભેળવી દે છે! હવે કાગડો ભલા એમ શાને કરવા દે? મૈત્રેયીબેન મહેતાના થોડા સમય અગાઉ લખાયેલા ગેસ્ટબ્લોગમાં તેમણે જણાવ્યા મુજબ કાગડો એક ચતુર પક્ષી છે. પણ કોયલબેલડું સાથે મળી કાગડા સાથે કપટ કરે છે. પોતાના મધુર સ્વરથી કોયલ નર કાગડા સામે બેસી કુ ઉ ઉ....કુ ઉ ઉ… કરે છે એટલે કાગડાને એમ લાગે છે કે કોયલ ઇંડા મૂકવા આવી છે અને તે ઉડીને સામે બેઠેલ કોયલને ચાંચ મારી ભગાડી મૂકવા પ્રયત્ન કરે છે અને નર કોયલ ચતુરાઈ પૂર્વક થોડે દૂર ઉડી બેસી જાય છે.કાગડો તેનો પીછો કરે છે અને આ બાજુ કોયલબેન ખાલી પડેલા કાગડાના માળામાં કાગડાના ઇંડા ભેગા પોતાના ઇંડા મૂકી દે છે. દેખાવમાં બિલકુલ સરખા લાગતા ઇંડામાં કાગડો ઇંડાઓ વચ્ચે ભેદ પારખી શકતો નથી.આમ આળસુ કોયલ માળો બાંધવાની અને ઇંડા સેવવાની પળોજણમાંથી બચી જાય છે!

હવે જ્યાં કચરો અને ગંદકી વધે ત્યાં તેના પર નભતા અન્ય ચકલી, કબૂતર અને સમડી જેવા પંખીઓની સંખ્યા પણ વધે. થોડા સમય અગાઉ વધતા જતા શહેરીકરણ અને મોબાઈલ ટાવરોની સંખ્યાને લીધે ચકલીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયેલો નોંધાયો હતો. પણ આજકાલ ફરી ચકલીઓ દેખા દેવા માંડી છે. વધતી જતી ગંદકી અને કચરો આનું કારણ હોઈ શકે છે!

બીજી એક રસપ્રદ વાત કૌસ્તુભે એ કરી કે પ્રાણી-પંખીઓને કુદરતી ઘટનાઓની જાણ અગાઉથી થઈ જતી હોય છે. આથી કેટલાક પ્રદેશોમાં લોકો જે તે વર્ષે વરસાદ કેટલો પડશે તેની આગોતરી માહિતી, કાગડો પોતાનો માળો કેટલી ઉંચાઈ પર બાંધે છે તેના પરથી મેળવતા હોય છે. કાગડાને આ અંગે અંદેશો આવી જતો હોય છે આથી જે વર્ષે વરસાદ વધુ પડવાનો હોય તે વર્ષે તે પોતાનો માળો ખૂબ ઉંચે ઝાડ પર બાંધે છે!

પંખીઓ સાથે કૌસ્તુભે બે હાથની હથેળીઓ ભેગી કરો ત્યારે બને, એટલા કદનું, વિશ્વનું સૌથી મોટું પતંગિયું બોરિવલીના નેશનલ પાર્કમાં જોવામાં આવ્યું હોવાની અને પતંગિયા જેવા જ દેખાતા પણ અલગ પ્રજાતિના ફૂદા એટલે કે ‘મોથ’ અને તેમની વચ્ચેના મૂળ ફરકોની રસપ્રદ ચર્ચા કરી.

ઘેર બેઠાં કચરાને એક માટલામાં ભરીને કુદરતી ખાતર બનાવતા તો તેણે શિખવ્યું જ અને એવી ઉપયોગી માહિતી પણ આપી કે જ્યાં સુધી નોન-વેજ ખોરાકનો કચરો આ માટલામાં ન નાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી બિલકુલ વાસ પણ આવશે નહિ! પોણા ભાગનું માટલું ભીના અને સૂકા કચરાથી ભરાઈ જાય એટલે તેમાં પા ભાગ માટી ઉમેરી થોડા દિવસ રાખી મૂકવાનું. ખાતર તૈયાર! તમારા ઘરે બનાવેલા બગીચા કે બાલ્કનીમાં ઉગાડેલા છોડ-વેલા માટે આ ઉત્તમ ખોરાક છે.

ગરોળી અને તિતિઘોડા જેવા ડર ઉપજાવનારા જીવો પ્રત્યે લોકો સૂગ ધરાવે છે અને તેમને તરત મારી નાંખે છે આથી તેમના વિશે વધુ માહિતી મેળવવા મેં કૌસ્તુભને પૂછ્યું કે શું આ જીવો ઝેરી કે મનુષ્યને નુકસાનકર્તા હોય છે? જવાબ મળ્યો "ના". બહુજ ઓછી પ્રકારની ગરોળી કે ઘો ઝેરી હોય છે જે વિદેશના જંગલોમાં જ જોવા મળે છે. આપણા ઘરની ભીંત પર જોવા મળતી ગરોળી ઝેરી હોતી નથી. લીલા રંગનો કૂદાકૂદ કરતો તિતિઘોડો પણ બિનઝેરી હોય છે.

જંતુભક્ષી વનસ્પતિ વિશે પણ અતિ રસપ્રદ માહિતી કૌસ્તુભે અમને પ્રશ્ન કરીને આપી કે શા માટે આ વનસ્પતિ નાના કીટકોનું ભક્ષણ કરે છે? જવાબ એ છે કે તે એવા પ્રદેશમાં ઉગે છે જ્યાંની જમીનમાં તેની વ્રુદ્ધિ માટે જરૂરી પોષક તત્વો હાજર હોતા નથી આથી કુદરતે તેને જીવડાંઓને પોતાના પ્રત્યે આકર્ષિત કરી તેમનું ભક્ષણ કરી જવાની ખાસિયત,લાયકાત કે ક્ષમતા જે કહો તે, આપી. જેથી તે આ જીવોને આરોગી તેમનાં શરીરમાંથી એ જરૂરી પોષક તત્વો મેળવી લે!

આ અને આવી બીજી અનેક વાતો જાણવા તમે પણ B.N.H.S. નું સભ્ય પદ લઈ શકો છો અથવા તેમના દ્વારા નિયમિત બોરિવલીના નેશનલ પાર્ક કે ગોરેગાવ અથવા થાણે વિસ્તારમાં યોજાતી નેચર ટ્રેલ્સમાં ભાગ લઈ શકો છો. બાળકોને નિસર્ગમાં રસ લેતા કરવા આ એક ઉત્તમ વિકલ્પ છે. તેઓ ફોર્ટની તેમની હેડ ઓફિસ પાસે તો પ્રાણી-પંખી-જંતુઓનું આખું સંગ્રહાલય ધરાવે છે. વિદેશથી શિયાળામાં મુંબઈ આવતા ફ્લેમિંગો પંખી જોવાનો કાર્યક્રમ કે પુણેમાં વર્ષમાં એક જ વાર ખીલતા ખાસ ફૂલોની ભૂમિનો પ્રવાસ કે દેશ વિદેશના નેશનલ પાર્ક્સની વ્યવસ્થિત ગાઈડેડ ટૂર તેઓ અવારનવાર યોજે છે.પર્યાવરણની જાળવણી અને સંવર્ધનની દિશામાં ઘણું મહત્વનું યોગદાન આપનારી આ સંસ્થાનો સંપર્ક 2282 1811 આ નંબર પર કરી શકાય છે અથવા તેમની વેબસાઈટ 'www.bnhs.org' ની મુલાકાત લઈ તેમના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો.

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

દ્રૌપદી અને દામિની

હું તને દામિની કહું કે નિર્ભયા? તારું સાચું નામ તો જાહેર જ નથી થયું ને! જો કે તને અહિં મળી આનંદ થયો એમ નહિ કહું કારણ તારે તો હજી ઘણું જીવવાનું હતું, તારા જેવી ઝિંદાદિલ યુવતિ પૃથ્વી પર ઘણું પરિવર્તન લાવી શકી હોત... ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે બીજાઓનું દુ:ખ,તેમની શારીરિક પીડા કંઈક અંશે ઓછી કરી શકે એ માટે જ તે ફિઝિઓથેરાપીસ્ટ બનવાનું પસંદ કર્યું હતું.પણ પેલાં છ નરપિશાચોએ તને અસહ્ય પીડાના સાગરમાં ડૂબાડી દઈ તારા પર અમાનૂષી અત્યાચાર ગૂજાર્યો. તારા જેવી આશાભરી યુવતિનું અકાળે મોત નિપજાવી ફરી અસતરૂપી રાક્ષસે સત ઉપર જાણે વિજય મેળવ્યો છે...


તે મને ઓળખી કે નહિ?હું મહાભારતની દ્રૌપદી. હું તો થોડી આખાબોલી હતી અને મેં કૌરવોનું અપમાન કરેલું તેનો બદલો વાળવા ભરસભામાં દુશાસને મારા ચીર ખેંચવાનો પ્રયાસ કર્યો પણ તેં તો તે કોઈનું અપમાન પણ કર્યું નહોતું તો તને કઈ ભૂલની સજા મળી એ વિચારે હું ઉદ્વિગ્ન થઈ જાઉં છું. અને મારા સદનસીબે મારા પરમસખા ક્રુષ્ણ યથાસમયે હાજર થઈ મારી લાજ બચાવી પણ કમનસીબે ઘોર કળિયુગની ૧૬ડિસેમ્બરની એ કાળ રાત્રિએ તારો મિત્ર તારી સાથે હોવા છતાં એ પેલાં છ-છ નરાધમોના દુષ્ક્રુત્યથી તને બચાવી શક્યો નહિ.

હું પ્રાચીન ભારતની કે કહો કે મહાભારતની પાંચાલી અને તું અર્વાચીન યુગના, આજના દિશાવિહીન ભારતની એક બદનસીબ યુવતિ. ભલે આપણી વચ્ચે હજારો વર્ષોનું અંતર હશે પણ ભારતીય સ્ત્રીની, મારા સમયની સ્થિતી કરતા આજના વૈશ્વિકરણનો ડંકો બજાવતા સમયની સ્થિતીમાં ઝાઝું પરિવર્તન નથી આવ્યું. કે પછી એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે પુરૂષ પ્રધાન સમાજના આજના પુરૂષની સ્ત્રી પ્રત્યે જોવાની દ્રષ્ટીમાં બિલ્કુલ ફેર નથી આવ્યો.મસમોટી કંપનીની ચેરમેન આજે અનેક નારીઓ બની હોવા છતાં મોટા ભાગના ભારતીય પુરૂષો હજી તેને પગની જૂતી જ ગણે છે કે પછી માત્ર એક ભોગવવાનું સાધન.

ભારતનો આજનો સમાજ દંભી છે.એક તરફ સ્ત્રીશક્તિને દેવી તરીકે લક્ષ્મી,સરસ્વતી,દુર્ગા વગેરે અનેક રૂપે તેને પૂજે છે પણ જ્યારે ઘરની દિકરી,પત્ની,માતા કે બહારની અન્ય કોઈ સ્ત્રીને સન્માન તો દૂરની વાત રહી પણ પૂરું માન સુદ્ધા પ્રાપ્ત થતું નથી. પુત્રજન્મે પેંડા વહેંચતો સમાજ પુત્રી જન્મે ત્યારે એટલો ખુશ નથી થતો.આજે પણ 'પુત્રવતી ભવ...' ના જ આશિષ ગર્ભવતી સ્ત્રીને અપાય છે.પુત્ર અને પુત્રી વચ્ચે વિદ્યા કે કોઈ પણ અન્ય વસ્તુમાં પ્રાધાન્ય પુત્રને જ અપાય છે. પુત્ર રાતે મોડો પાછો ઘેર આવેતો તેની વધુ પૂછ્પરછ કરાતી નથી પણ પુત્રી કોઈ યુવક સાથે વાત સુદ્ધા કરે તો તેના પ્રત્યે લાલ આંખ કરાય છે.

હદ તો ત્યારે થાય છે જ્યારે બળાત્કારની ઘટના બને તેની દોષી પણ સ્ત્રીને ઠેરવવાની ચેષ્ટા થાય છે. સ્ત્રી ટૂંકા કપડા પહેરે છે કે અભદ્ર વસ્ત્રપરિધાન કરે ત્યારે બળાત્કાર થાય છે!સ્ત્રી મોડી રાત સુધી ઘરની બહાર ફરે ત્યારે બળાત્કાર થાય છે.મોડી રાત સુધી બહાર ભટકી બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે છતાં તેના મોડી રાત સુધી બહાર ભટકવા અંગે કોઈ પ્રશ્ન કે વાંધો નથી ઉઠાવાતો.બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે તો તેના પર પાબંદી લગાવો ને રાતે અમુક સમય બાદ બહાર નિકળવા પર! સ્ત્રીસમાનતાની ફક્ત વાતો જ થાય છે.

સાચું કહું, તારા પર થયેલા અમાનુષી અત્યાચાર બદલ વિરોધ નોંધાવવા સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી ત્યારે મને ખુબ ખુશી થઈ હતી અને એક આશા બંધાઈ હતી કે હવે પરિવર્તન આવશે.પણ મને લાગે છે મારી આ આશા ઠગારી જ નિવડવાની.પોલીસો એ નક્કર પગલા લેવાની જગાએ ઉલટો એ નિર્દોષ યુવક-યુવતિઓ પર લાઠીચાર્જ કરી તેમનો રોષ શમાવી દેવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહિ પણ ત્યારે આ દેશના સર્વોચ્ચ વડા એવા મનમોહન સિંહ તેમના નામમાં આવતા સિંહ શબ્દને સાર્થક કરી શકે એવું ગુનેગારો વિરુદ્ધ કંઈક બોલવું તો દૂર રહ્યું પણ જનતાને બાંહેધરી આપતા બે શબ્દો બોલવા પણ જનતા સમક્ષ ન આવ્યા કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિનું આસન શોભાવતા હોવા છતાં જનતાને હૈયાધરણાંના બે શબ્દો પણ ન કહી શક્યા? અરે તેમના સગા પુત્રે તો આંદોલનકારી યુવતિઓનું તેમને 'ડેન્ટેડ અને પેઈન્ટેડ' કહી અપમાન કર્યું ત્યારે તેને ઠપકાના બે શબ્દ પણ તે ન કહી શક્યા અને તેમની દિકરીએ જાહેર માફી માગી આ બંને પિતાપુત્રની લાજ રાખી. ગાંધીજીતો અન્યાય સામે જીવનના અંત સુધી ઝઝૂમ્યા હતા ને? તો તેમની જ અટક ધરાવતા ભારતના સૌથી વગદાર કુટુંબનું એક પણ સભ્ય તારી તરફેણમાં તુ જીવિત હતી ત્યાં સુધી કે રસ્તા પર ધસી આવેલા લોકોને શાંત કરવા બે શબ્દો પણ બોલવા જાહેરમાં ન આવ્યું. અરે આ બધા તો ન બોલ્યા એનું ગાણું હું ગાઈ રહી છું પણ જે બોલ્યા તેમણે તો કેવો બફાટ કર્યો! ગોડમેન ગણાતા આસારામ બાપુએ તો તને જ દોષી ઠેરવી!તે નરાધમો ને ભાઈ કહ્યા હોત કે બે ચાર મંત્રો ભણ્યા હોત તો તું એ અત્યાચારમાંથી બચી ગઈ હોત અને આજે જીવતી હોત આવી મૂર્ખતાભરી વાત કરનારના લાખો અનુયાયીઓ કઈ રીતે હોઈ શકે?આંધ્રના એક નેતાએ કહ્યું આપણા દેશને આઝાદી રસ્તા પર અડધી રાતે રખડવા નથી મળી.તો અન્ય એક નેતાએ તો કહ્યું બળાત્કાર 'ઇન્ડિયા'માં જ થાય છે અને ભારતમાં નહિ!તેમનું તો માનવું એમ પણ છે કે સ્ત્રીએ ઘરમાં પૂરાઈ રહી પતિ અને અન્યોની સેવા જ કરવી જોઇએ તેમાં જ ધર્મ છે!

હવે ભલા જ્યાં સુધી ભારત આવા ઉલ્લુઓના ભરડામાં ફસાયેલો હશે,જ્યાં સુધી કેટલાયે ગુનેગારો અને બળાત્કારીઓ જ તેના સંસદના સભ્યો બની ભોળી (કે મૂર્ખ) પ્રજા પર રાજ કરતાં હશે ત્યાં સુધી કેવી રીતે બળાત્કાર કે અન્ય ગુનાઓનું પ્રમાણ ઘટી શકે?

કેટલાક અન્ય પ્રશ્નો પણ મને મૂંઝવે છે. ભારતમાં અદ્યતન હોસ્પિટલો હોવા છતાં તને સિંગાપોર શા માટે લઈ જવામાં આવી? તારા કેસની સુનવણી બંધ બારણે શા માટે? અરે, તે કોઈ ભૂલ કરી જ નથી અને હવે તો તું પ્રુથ્વી પર પણ નથી,છતાં તારી ઓળખ છતી ન કરવાનું કોઈ કારણ?રાજકારણની મેલી રમત મારા સમયમાં પણ રમાતી અને આજે પણ એટલીજ પ્રવર્તમાન છે.

આ પ્રશ્નો છે જેના ઉત્તર કદાચ ભોળી એવી તું નહિ જાણતી હોય પણ જો એ કોઈ ભડવીર ઉઠાવે. તો તારું અપમ્રુત્યુ એળે નહિ જાય...બળાત્કારની એરણ પર ચડેલી તારી બલિ ફોગટ નહિ જાય.. પ્રજાએ હવે સમજી લેવું પડશે કે લોકશાહીના અમોઘ શસ્ત્રનો તેમણે સદબુદ્ધીપૂર્વક ઉપયોગ કરી ચારિત્ર્યવાન અને લાયક નેતા ચૂંટવાના છે.સ્વાર્થી ન બની અન્યોના પ્રશ્નોને ઉકેલવામાં પણ રસ લેવાનો છે,જરૂર પડ્યે જરૂરિયાતમંદને યોગ્ય મદદ કરવાની છે.પુત્ર-પુત્રી વચ્ચે ભેદભાવ ન કરતાં,પુત્રીને પણ બધાં હક અને છૂટ-સ્વતંત્રતા આપવાના છે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે,પુત્રને સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટીએ જોતા શિખવવાનું છે,નારીને સન્માન આપતાં શિખવવાનું છે... અને એક નવા સુંદર સમાજની રચના કરવાની છે.

ચાલ નિર્ભયા, તું અને હું દ્રૌપદી સાથે મળી ફરી મારા પરમસખા શ્રીક્રુષ્ણને યાદ કરીએ અને નવા ઉજ્જવળ ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેમને વિનવીએ...એ આ વખતે પણ મને નિરાશ નહિ જ કરે એવી મને ખાતરી છે!