Translate

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?

વિશ્વ યુવા દિને સ્વામી વિવેકાનંદજી ની દોઢસોમી જન્મતિથી ઉજવવા અમદાવાદથી યુવાનોના એક ગૃપે આવીને સુંદર નાટક ભજવ્યું જેમાં સ્વામીજીના જીવનના કેટલાક અતિ સારા, પ્રેરણાત્મક અંશો તખ્તા ઉપર રજૂ થયાં. હિન્દી ભાષામાં રજૂ થયેલી આ ભજવણીમાં કેટલાક એવા પ્રસંગો સમાવિષ્ટ હતાં જે મેં ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા નહોતાં. હજારેક કરતાં પણ વધુ સીટ ધરાવતો આખો સભાગૃહ હાઉસફુલ થઈ ગયો હતો,એ પણ રવિવારની રજાને દિવસે શિયાળાની વહેલી સવારે અને જેમાં મોટા ભાગના પ્રેક્ષકો કોલેજ જતાં યુવાન-યુવતિઓ હતાં,એ જોઈ મને ખૂબ ખુશી થઈ! સભાગૃહની આગળની ત્રણ હરોળ ખાસ સાધુ-સંત-મહંતો માટે ફાળવાઈ હતી. થોડો મોડો પડતા, મને બેસવા માટે સીટ ન મળી પણ વિવેકાનંદજીના જીવનના પ્રસંગો વાળા આ નાટક માણવાની ઉત્કંઠા એટલી હતી કે આખુ નાટક મેં સ્ટેજ પર એક બાજુએ, સાઈડમાં બેસીને જોયું!


હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'

હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?

1 ટિપ્પણી:

  1. વિકાસભાઈ,
    ૦૫-ફેબ્રુઆરી-૨૦૧૨ના બ્લોગ 'સાધુસંતને ખોટો ક્રોધ શોભે?' બ્લોગમાં તમે જે વિચારો રજૂ કર્યાં હતાં તેના સંદર્ભમાં આ પ્રતિભાવ આપી રહ્યો છું. બ્લોગમાં વર્ણવેલી એ ઘટના બની ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને તમે કોઈ જાતના પક્ષપાત વગર બિલ્કુલ સાચી રીતે આખી એ ઘટનાનું પૃથક્કરણ એક સાચા પત્રકારને છાજે એ રીતે કર્યું.એ મને ખૂબ ગમ્યું.આજે પત્રકારો મસાલો ભભરાવી સાચી ઘટનાને નેવે મૂકી ફક્ત અખબાર વેચાય એ હેતુથી સ્ટોરી તૈયાર કરી છાપતા હોય છે એવે વખતે તમે એ સાધુના ખોટા ક્રોધવાળી ઘટનાની ખૂબ બારીકાઈથી છણાવટ કરી અને સચોટ વર્ણન દ્વારા એક પણ મુદ્દો બાકી ન રહી જાય એનું ધ્યાન રાખી વખાણવા લાયક એવો બ્લોગ લખ્યો એ બદલ તમને હ્રદયપૂર્વકના અભિનંદન.
    - હર્ષવર્ધન વ્યાસ,વિલે પાર્લે (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો