આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે. યોગાનુયોગે આજે રવિવાર પણ છે એટલે આપણને સૌને મોકો મળ્યો છે, એક દિવસ થંભી નવા વર્ષની શરૂઆત કઈ રીતે કરીશું એનું વ્યવસ્થિત આયોજન કરવા માટે. ગઈ કાલે ૩૧ ડિસેમ્બરે ઘણાંએ પાછલા વર્ષના છેલ્લા દિવસની, મિત્રો સાથે પાર્ટી કરીને તો ઘણાંએ કુટુંબ સાથે સમય ગાળી, રાતે ઉજાગરો કરી ઉજવણી કરી હશે. આ થાક ઉતરે એ માટે અને આરામ કરવા માટે જ જાણે આજે નવા વર્ષે પ્રથમ દિવસે જ રવિવારની ભેટ મળી છે. પણ એનો થોડો સદુપયોગ કરી આવતા વર્ષ માટે સૌ પોતપોતાના જીવન માટે થોડા નાના નાના ધ્યેય નક્કી કરજો.
કહ્યું છે ને 'દિશા કે ધ્યેય વિનાનું વહાણ પવનના જોરે દરિયામાં ભમ્યા તો કરશે પણ ક્યાં જઈને અટકશે કે તેનો અંજામ શું આવશે તેની કોઈ કલ્પના કરી શક્તું નથી.’ આવું જ આપણાં જીવન - વહાણનું પણ છે. બહુ મોટા મોટા નહિં તો કંઈ નહિં પણ આપણે સૌએ વાસ્તવિક નાના નાના ધ્યેયો તો પોતાના જીવનને યોગ્ય અને સફળ રીતે જીવવા નક્કી કરવાં જ જોઇએ.
ગયા વર્ષે મેં બે ધ્યેયો પૂર્ણ કર્યા એની મને ખુશી છે. એક તો હું ડ્રાઈવિંગ શીખ્યો અને બીજું મેં આસામ અને ત્યાંના આસપાસના પ્રદેશોની નાની યાત્રા પૂર્ણ કરી. દેશ અને પરદેશના શક્ય એટલા વિવિધ પ્રદેશોની યાત્રા પોતે કરવી અને પરિવારને કરાવવી એ મારો લાંબા ગાળાનો ધ્યેય છે જે હું દર વર્ષે એકાદ બે ટ્રીપ્સ દ્વારા પૂર્ણ કરવા ઇચ્છું છું. નવા વર્ષમાં મારે એક નવી ભાષા પણ શિખવી એવું એક ધ્યેય પણ મેં નક્કી કર્યું છે.
ધ્યેયો તમારા જીવનને એક દિશા આપે છે. ધ્યેય વાળું જીવન જીવવાની એક મજા આવે છે અને ધ્યેય પૂર્ણ થતા જે પરમ સંતોષ અને સુખની અનુભૂતિ થાય છે એ પણ અવર્ણનીય છે.
આપણને સૌને અજ્ઞાતનો ભય હોય છે. મનુષ્યનો સ્વભાવ 'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' નો હોય છે એટલે કે એક કમ્ફર્ટ ઝોનમાં થોડો સમય રહ્યા બાદ કોઈ પણ નવા પરિવર્તનનો તે પ્રતિકાર કરે છે. આ નવા વર્ષે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ 'રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ'ની સાંકડી મનોવૃત્તિમાંથી આપણે મુક્ત થઈ શકીએ. નવાને સ્મિતસાથે આવકારીએ. જે કંઈ પરિસ્થિતી આવે તેને ‘જોઈ લઈશું’ની હામ સાથે વિચારશીલ બનીએ.
કોઈક ફિલસૂફે બહુ સુંદર વાત કહી છે. વહાણ કાંઠે કે બંદરે બંધાયેલું હોય ત્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોય છે પણ એમ નિશ્ચલ ઉભા રહેવા માટે થોડું કંઈ એ સર્જાયું હોય છે? જો એ અફાટ સમુદ્રમાં તોફાનોના ભય વગર આગળ વધવા ગતિમાન થશે તો જ એ નવા કિનારા શોધી શકશે.
વધુ એક નવા વર્ષની સુપ્રભાત માણવા મળી છે એ બદલ ઇશ્વરનો પાડ માની આ નવા દિવસે આવનારા નવા વર્ષ માટે કેટલાંક ધ્યેયો નક્કી કરી,'રેઝિસ્ટન્સ ટુ ચેન્જ' ખંખેરી નાંખી આપણાં અને આસપાસનાં સૌના જીવન સુખી, સમૃદ્ધ, શાંતિ અને સુમેળ ભર્યાં બનાવવા આપણી જીવન-નૌકાને પુરુષાર્થના હલેસાં વડે વિશ્વના અફાટ સાગરમાં હંકારી જઈએ...
મારી સૌને નવા વર્ષ માટે અઢળક શુભેચ્છાઓ!
સોમવાર, 2 જાન્યુઆરી, 2012
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો