Translate

Sunday, January 22, 2012

વાત મુંબઈ મેરેથોન અને જીવન મેરેથોનની...

ગયા રવિવારે મેં મુંબઈ મેરેથોનમાં સતત ત્રીજે વર્ષે છ કિલોમીટરની 'ડ્રીમ રન' કેટેગરીમાં દોડી મારી હેટ-ટ્રીક પૂરી કરી ! ખૂબ મજા આવી મેરેથોનમાં હજારો બીજા ઉત્સાહી મુંબઈકર અને અન્ય રાજ્યોમાંથી પણ ખાસ અહિં દોડવા આવતા દોડવીરો સાથે, સામાન્ય રીતે વાહનોના ટ્રાફીકથી ખદબદતી મુંબઈની સડકો પર મુક્ત રીતે ચાલવાની! મેરેથોનનો ડિકશ્નરી અર્થ તો આશરે ૪૨ કિલોમીટરનું કે ૨૬ યાર્ડ જેટલું અંતર દોડીને કાપવું એવો થાય પણ મેં 'ચાલવાની' મજા આવે એમ એટલા માટે કહ્યું કારણ કે ડ્રીમ રનમાંતો છ કિલોમીટર જેટલું અંતર કાપવા-ચાલવામાં પણ મુશ્કેલી પડે એટલી ભીડ આ વખતે અનુભવવા મળી!


પણ ચાલવાનું હોય કે દોડવાનું, મેરેથોન એટલે મેરેથોન!
મને આ દોડ ઇવેન્ટમાં ભાગ લેવો ગમે છે તેના ઘણાં કારણો છે.મને વહેલી સવારે ઉઠી ટ્રેનમાં દક્ષિણ મુંબઈ સુધી જતી વખતે અનેક બીજા ઉત્સાહી મેરેથોનર્સને ગ્રુપમાં કે એકલ-દોકલ, ભાગવા માટે અનુકૂળ એવા વસ્ત્રો તેમજ સ્પોર્ટ્સશૂઝમાં સજ્જ થઈ એ જ ઉત્સાહ અને જોશની લાગણી અનુભવવાની ખૂબ મજા આવે છે. ઓળખતા ન હોઇએ તો પણ એકેમેકને સ્મિત અપાઈ જાય છે.

મેરેથોનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો છે આરોગ્યને લગતો. બેઠાડુ જીવનજીવતા કે આળસુ કે શારીરિક કસરત જ ન મળતી હોય એવી જીવન શૈલી ધરાવતા લોકો માટે મેરેથોન એક તક લઈ આવે છે, આરોગ્ય માટે કંઈક કરવાની. જો તમારે ફુલ કે હાફ મેરેથોનમાં ભાગ લેવો હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉથી નિયમિત કસરત કરી દોડવાનો મહાવરો કેળવવો પડે છે.આનાથી તંદુરસ્તી સાથે ડિસિપ્લીનના પાઠ પણ શીખવા મળે છે.

મેરેથોનમાં કોર્પોરેટ સ્પોન્સર્ડ એક જ ઓફિસના ગૃપમાં દરેક જણ એક સરખા રંગના ટી-શર્ટમાં જોવા મળે તો મેરેથોનમાં માર્ગમાં તો અવનવી વેશભૂષામાં સજ્જ વિવિધ પ્રકારની વ્યક્તિઓનો તો જાણે મેળો જોવા મળે! કોઈક ગાંધી બનીને દોડતું હોય તો કોઈક ઓસામા બિન લાદેન! કોઈક ઝાંસીની રાણી બન્યું હોય તો કોઈક પરી! રાજકારણને લગતા કે સામાજિક જાગરૂકતા ફેલાવતા સંદેશના બોર્ડ કે ધજાઓ લઈ દોડતા લોકો પણ ભરપૂર જોવા મળે. કોઈ રાવણનો વેશ કાઢી દસ માથા સાથે દોડતું જોવા મળે તો કોઈક માથે શિંગડા ભરાવી યમરાજના સ્વાંગમાં પણ ભાગતું જોવા મળે! રસ્તાની બાજુએ ઠેર ઠેર મંચ ઉભા કર્યા હોય, જ્યાં રોક બેન્ડ પરફોર્મ કરતું હોય કે રાજસ્થાની,ગુજરાતી કે મરાઠી લાવણી જેવા લોક નૃત્યો દ્વારા યુવાન-યુવતિઓ દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સતત વ્યસ્ત હોય!

મેરેથોનની શરૂઆત કરાવવા કે જૂદા જૂદા ચેરીટી કોઝીસ સાથે સંકળાઈ મેરેથોનમાં ભાગવા આવનાર સેલિબ્રીટીઝનું પણ આખું લાંબુ લિસ્ટ તૈયાર થઈ શકે! મેરેથોનમાં દર વર્ષે ભાગ લેતાં આ સેલિબ્રિટીઓનું પણ જબરૂ આકર્ષણ હોય છે અને તેઓ કદાચ કોઈ ચેરીટી સંસ્થા સાથે જોડાયા હોય તો એ સારૂં એવું ભંડોળ ઉભું કરવામાં પણ સફળ થઈ રહે છે.આ વર્ષે પણ મેરેથોનમાં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર સેલિબ્રિટીઓ જેવીકે મિલિન્દ સોમણ,રાહુલ બોસ,સિદ્ધાર્થ માલ્યા વગેરે દોડતા જોવા મળ્યા તો ઘણા નવા સેલિબ્રિટીઝ જેવા કે રણબીર કપૂર, ચિત્રાંગદા સિંઘ,સંજય સૂરી,શાહજાન પદમસી,પ્રતીક બબ્બર વગેરે પણ આ વખતે આ રેસમાં જોડાયાં. શબાના આઝમી તો પ્લાસ્ટર વાળા ફ્રેક્ચર્ડ હાથે પણ પોતાની એન.જી.ઓ. સંસ્થા મિજબાન માટે દોડ્યા. દોડવીરોનો ઉત્સાહ વધારવા અનેક સેલિબ્રીટીઝ જેવા કે અનિલ કપૂર,ગુલશન ગ્રોવર, ટીના અંબાણી,દલીપ તાહીલ, ઇંદુ સહાની, જોનઅબ્રાહમ, મહિમા ચૌધરી વગેરેએ ખાસ તૈયાર કરેલા મંચ પર ઉભા રહી દોડવીરોનું હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યું.

શ્રીમદ રાજચંદ્ર કે ઇશા જેવી સંસ્થાઓના સેંકડો કાર્યકરો પણ ડ્રીમ રન કેટેગરીમાં દોડી પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અનેક નિતનવા પ્રયોગ કરે જેમકે આ વખતે શ્રીમદ રાજચંદ્રના મેમ્બર્સે માનવ-ટ્રેન બનાવી સારું આકર્ષણ જમાવ્યું તો ઇશા યોગ સંસ્થાએ કેટલાક સાધુઓને કર્ણપ્રિય ફ્યુઝન સંગીત વગાડી દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સારી એવી સફળતા મેળવી.

વ્હીલચેરમાં બેસી ડિફરન્ટલી એબલ્ડ દોડવીરો કે નેત્રહીન કે માનસિક રીતે અક્ષમ બાળકો, યુવાનોને પણ અતિ ઉત્સાહમાં દોડતા જોઈ મોઢામાં આંગળા નાંખી જવાય.મારા જેવી સંવેદનશીલ વ્યક્તિની આંખના ખૂણા તો સહેજ ભીના પણ થઈ જાય! કંઈ કેટલીયે શાળા અને સંસ્થાઓએ જુદી રીતે સક્ષમ બાળકો તથા યુવાનો સાથે દોડી માનવતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. સિનિયર સીટીઝન શ્રેણીમાં દોડતા દાદા દાદીઓને તેમની આટલી મોટી વયે તેમજ અનેક લોકોને ઘણાં પ્રકારની શારીરિક તકલીફો છતાં સ્ફૂર્તિ અને ધગશથી દોડતા જોઈ સલામ કરવાનું મન થઈ જાય.

આ વખતે કેટલાક અજબગજબનાં કિસ્સા પણ સાંભળવામાં આવ્યા જેમકે છ એક મહિનાથી પણ વધુ સમયની એક ગર્ભવતી સ્ત્રીએ મેરેથોન પૂર્ણ કરી.એક તાજી હાર્ટ સર્જરી વાળા યુવાને સફળતા અને હિંમત પૂર્વક આ દોડ પૂરી કરી.એક સિત્તેરથીયે વધુ વયના કાકાએ શરીર પર પાંચેક કિલો વજનના આમળા પહેરી આમળા તેમજ તેના વૈદકીય ગુણોનો પ્રચાર કર્યો. કેટલાંયે સિનિયર સિટીઝન્સે ફુલ મેરેથોનમાં ૪૨કિલોમીટરનું પૂરું અંતર દોડી પુરવાર કર્યું કે શરીર કરતાં મનથી યુવાન હોવ તો શારીરિક ક્ષમતાની જરૂર હોય એવું ભગીરથ કાર્ય પણ ચોક્કસ પૂર્ણ કરી શકાય છે.મન હોય તો માળવે જવાય.

હવે બીજો એક વિચાર મારા એક મિત્રે આપ્યો જે શેર કરવાનું મન થાય છે.તેણે આપણા જીવનની સરખામણી મેરેથોન દોડ સાથે કરી જે કેટલું યથાર્થ છે! આજે આ સ્પર્ધાત્મક યુગમાં બાળક જન્મે ત્યારથી જ એ જિંદગીની દોડમાં તરત સામેલ નથી થઈ જતું? જલ્દી મોટા થઈ જાય, જલ્દી વધુમાં વધુ સ્માર્ટ થઈ જાય એ માટે માબાપો બાળકની ક્ષમતા, રૂચિ કે મન:સ્થિતીનો વિચાર કર્યા વગર તેને એક દોડ-રેસમાં જ ધકેલી દેતા હોય છે. તો આપણે આપણી રોજના જીવનની - આ મુંબઈ શહેરના એક ટીપીકલ દિવસની વાત કરીએ તો એ કંઈ મેરેથોનથી થોડો કમ છે?! સવારે ઉઠતા વેત ઘરમાં સવારનો નિત્યક્રમ પતાવવા માટે દોડ (અને ઘણી વાર સ્પર્ધા પણ!), ગાડી કે બસ પકડવા માટે દોડ, ઓફિસમાં કામના ઢગલામાંથી જેટલું પતે એ શક્ય એટલી ઝડપ અને ચીવટ સાથે પૂરું કરવાની દોડ, બોસને ખુશ રાખવા અને પોતાના પ્રમોશન તેમજ ઓર્ગેનાઝેશનની અપેક્ષાઓ અને ધ્યેયો સંતુષ્ટ અને સિદ્ધ કરવાની સતત રોજબરોજની દોડ, ઘરના કુટુંબીજનો, મિત્રો,સગાસંબંધીઓ અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા તેમજ જીવન સારી અને સફળ રીતે જીવવાની દોડ, સાંજે ફરી પાછા ઘેર પરત આવવાની દોડ! પણ આ દોડોમાંયે જો આપણે મુંબઈ મેરેથોનની જેમજ ઉત્સાહ અને આનંદપૂર્વક હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કંપની માણતા માણતા દોડીશું તો આપણી જીવન-મેરેથોન-દોડ પણ ચોક્કસ મજેદાર અને જીવવા લાયક બની રહેશે, એમાં કોઈ શક નથી!

ત્રણ વર્ષથી છ-સાત કિલોમીટરની ડ્રીમ રનમાં જ દોડ્યા બાદ હવે મારે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લેવો છે. મુંબઈ મેરેથોન થાય છે તો જાન્યુઆરીના ઉતરાણની આગળ-પાછળના રવિવારે પણ એ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત છ એક માસ અગાઉ જુલાઈ-ઓગષ્ટ માસમાં જ થઈ જતી હોય છે. આ અંગેની જાહેરાત અખબાર કે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય છે.હું પણ મારી આ કટાર દ્વારા તમને સૌને આ અંગે જાણ કરીશ. તો આવતા વર્ષે આપણે મળીએ મેરેથોનમાં..!

(For pictures of this event visit my Marathon 2012 Photo Album on Facebook at :
http://www.facebook.com/media/set/?set=a.2822292890910.134355.1666613300&type=3)

1 comment:

  1. હું એક સિનિયર સિટીઝન છું.હું આપની 'બ્લોગ ને ઝરૂખેથી...' કટાર નિયમિત રીતે રસથી વાંચું છું અને મને એ ખૂબ પસંદ છે.આપનો મુંબઈ મેરેથોન પરનો બ્લોગ ખૂબ સરસ રહ્યો.આ પ્રકારના બ્લોગ્સ લખતા રહેશો.
    આગામી મેરેથોન ક્યારે યોજાશે,તેનું રેજીસ્ટ્રેશન કયાં થઈ શકશે?કઈ તારીખથી,તેની પ્રવેશ ફી કેટલી હશે?એ માટે જરૂરી આરોગ્યને લગતી પ્રમાણતા વગેરે માહિતી આપ આ કટારમાં છાપશો તો ખૂબ સારું.
    - હસમુખભાઈ વોરા

    ReplyDelete