Translate

રવિવાર, 11 જુલાઈ, 2010

ગેસ્ટ બ્લોગ : રૂપિયાની નવી સંજ્ઞા માટે શોધ-સંશોધન

GUEST BLOG URL: http://harshalpushkarna.blogspot.com/search/label/Indian%20Rupee

                                                                                                                         - હર્ષલ પુષ્કર્ણ
ભારતમાં પંદરમી સદી દરમ્યાન દાખલ કરાયેલા રૂપિયાના ચલણને ડોલરની, પાઉન્ડની તેમજ યુરોની માફક પોતાની આગવી સંજ્ઞા નથી. આંકડાની આગળ Rs શબ્દ લખવાનો ધારો આપણે ત્યાં વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ એ સંજ્ઞા ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રી લંકા, નેપાળ જેવા દેશો પણ વાપરે છે. વિશ્વબજારમાં ભારતીય રૂપિયાની લેવડદેવડ જોતાં ભારતના નાણાં મંત્રાલયે થોડા વખત પહેલાં રૂપિયાનો નોખો સિમ્બોલ તૈયાર કરવાનું ઠરવ્યું. ભારતની અસ્મિતાની ઝલક જેમાં જોવા મળે, Indian Rupee નો પ્રથમદર્શી ભાવ જેમાં વ્યક્ત થતો હોય અને કમ્પ્યૂટરના યુનિકોડમાં જેને ઢાળવાનું શક્ય બને તેવા સિમ્બોલની ભારતના નાણાં મંત્રાલયને તલાશ હતી--અને તે માટે તેણે ઓપન ફોર ઓલ સ્પર્ધા રાખી. નાણાં મંત્રાલયે નક્કી કરેલાં ધારાધોરણો જાળવીને ભારતીય રૂપિયા માટે નવો સિમ્બોલ તૈયાર કરનારે પોતાના બે આર્ટવર્ક રૂપિયા ૫૦૦ના ડ્રાફ્ટ સાથે નાણાં મંત્રાલયને મોકલવાનાં હતાં. જે સ્પર્ધકનો સિમ્બોલ ફાઇનલ પસંદગી પામે તેને ભારત સરકારે રૂપિયા અઢી લાખનું કેશ પ્રાઇઝ આપવાનું ઠરવ્યું છે. માર્ચમાં શરૂ થયેલી સ્પર્ધા ૧૫મી એપ્રિલે પૂરી થઇ. હવે રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે.

                               
 
 આ સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર તો જાણે (આ લખનારથી એટલે કે ગેસ્ટ બ્લોગર હર્ષલ પુષ્કર્ણથી ) ચૂકી જવાયો, પણ રૂપિયાના નવા સિમ્બોલ વિશે મગજમાં જે રૂપરેખા હતી તેને ગ્રાફિક સ્વરૂપે અહીં રજૂ કરી છે. સિમ્બોલ થ્રી ઇન વન જેવો છે. અર્થાત્ તેમાં એકસાથે ત્રણ બાબતો વ્યક્ત થાય છે. અંગ્રેજી I અને R શબ્દો Indian Rupee ના સૂચક છે. R શબ્દને રુ નું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ હિન્દી શબ્દ રુપયાને બહાર લાવવાનો છે, જ્યારે I ની ઉપર મૂકેલું ૨૪ દાંતાવાળું અશોક ચક્ર ભારતની અસ્મિતાનું પ્રતીક છે. ભારતે એ ચક્રને તેની રાજમુદ્રા (સારનાથ) પર તેમજ રાષ્ટ્રધ્વજ પર સ્થાન આપ્યું છે. પરિણામે Indian Rupee ના સિમ્બોલને અશોક ચક્ર ભારતીય ટચ આપે છે.

આ પ્રકારનો સિમ્બોલ જો કે રોજિંદા વ્યવહારમાં વાપરવાનું જરા કડાકૂટિયું બને. સિમ્બોલને કમ્પ્યૂટરના યુનિકોડમાં એક સમયે ઢાળી દો તો પણ લેખિત સ્વરૂપે અશોકચક્રનાં ૨૪ દાંતા દર્શાવવા મુશ્કેલ છે. આ તકાદાને ધ્યાનમાં લેતાં અશોકચક્ર વિનાનો બીજો સિમ્બોલ અહીં રજૂ કર્યો છે. તકલીફ એક જ છે--ભારતના નાણાં મંત્રાલયે રૂપિયાના સિમ્બોલમાં ભારતની અસ્મિતાની ઝાંખી વ્યક્ત કરવા અંગે જે ભાર મૂક્યો છે તે તકાદો બીજા સિમ્બોલમાં જળવાતો નથી.



પ્રસ્તુત સિમ્બોલ તૈયાર કરતી વખતે ગ્રાફિકલ સેન્સ લડાવવામાં મગજનો પૂરો કસ નીકળ્યો એ તો જાણે સમજ્યા, પણ નાણાં મંત્રાલયે બાંધેલી શરતોને ધ્યાનમાં રાખીને કંઇક રચનાત્મક સર્જન કરવાનો તકાદો વધુ ચેલેન્જિંગ જણાયો. ગણીને બે અક્ષરમાં ભારતીય રૂપિયાને તેમજ ભારતીય અસ્મિતાને કેમ વ્યક્ત કરવી એ ખરેખર બહુ મોટો તકાદો છે. આ બાબતનો જાતઅનુભવ કરવો હોય તો કલ્પનાશક્તિને પૂરજોશમાં દોડાવો. શક્ય છે મગજના કોઇ અજ્ઞાત ખૂણે ઢબૂરાયેલી કળાશક્તિ ખીલી ઉઠે અને કઈંક રચનાત્મક સર્જન થાય. નાણાં મંત્રાલય એ કૃતિને સ્વીકારે કે ન સ્વીકારે, અહીં પોસ્ટિંગ માટે બ્લોગના દરવાજા ખૂલ્લા છે!

 - હર્ષલ પુષ્કર્ણ

1 ટિપ્પણી:

  1. i read your blog, in this Sunday "s Janmabhoomi... it is very good. the subject is new and informative. nice!
    - Maitrayee Mehta

    જવાબ આપોકાઢી નાખો